ફક્ત સુપ્રીમ લીડરોના નામે લડાતી ચૂંટણીઓ લોકશાહી માટે ઘાતક


 


એક જમાનામાં કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું 'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા, ઈન્ડિયા ઈઝ ઈન્દિરા'. ત્યારે ઈન્દિરા ગાંધી દેશના સૌથી લોકપ્રિય નેતા હતા અને કોંગ્રેસના સર્વોચ્ચ નેતા તો હતા જ. એ પછી પણ કોંગ્રેસ પાસે દરેક પ્રદેશમાં એવા અનેક નેતાઓ હતા જે પોતાની તાકાત પર રાજનીતિ કરતા હતા અને ચૂંટણી પણ જીતતા હતા. એ નેતાઓ પણ ઈન્દિરા ગાંધીને અને પછી રાજીવ ગાંધીને પોતાના સર્વોચ્ચ નેતા માનતા હતા, પરંતુ એવું નહોતું કે તેઓ માત્ર ઈન્દિરા કે રાજીવ ગાંધીના નામ પર જ ચૂંટણી જીતતા હતા. એ જ રીતે ભાજપમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સુપ્રીમ લીડર રહ્યાં પરંતુ દરેક પ્રદેશમાં ભાજપ પાસે એવા નેતાઓ હતા જેમને પોતાના વિસ્તારમાં ચૂંટણી જીતવા માટે વાજપેયી કે અડવાણીના ચમત્કારની જરૂર નહોતી. નરેન્દ્ર મોદી એવા જ નેતાઓ પૈકીના એક હતા. તેઓ ગુજરાતમાં પોતાના દમ પર ચૂંટણી લડતા અને જીતતા હતા. ઉપરાંત શીવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે, રમણ સિંહ, યેદિયુરપ્પા, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, ભૈરોસિંહ શેખાવત, મદનલાલ ખુરાના, શાંતાકુમાર-પ્રેમકુમાર ઘૂમલ વગેરે એવા નેતાઓના નામ છે, જેમણે પોતાના દમ પર રાજનીતિ કરી અને ચૂંટણી લડ્યાં. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે કોંગ્રેસ હોય કે ભાજપ, કે નવી બનેલી આમ આદમી પાર્ટી હોય, ચૂંટણી માત્ર સુપ્રીમ લીડરના નામ પર લડવામાં આવે છે. સ્થિતિ એ છે કે લોકસભા તો ઠીક, ધારાસભ્ય અને કોર્પોરેશનની ચૂંટણી પણ હવે વડાપ્રધાનના નામ પર લડાય છે.

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ભાજપે વડાપ્રધાનના નામ અને ચહેરા પર વિધાનસભાની ચૂંટણી લડી છે. વડાપ્રધાને 5 નવેમ્બરે હિમાચલની એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, અમારા પક્ષનો ઉમેદવાર કોણ છે એ તમારે કોઈએ યાદ રાખવાની જરૂર નથી, માત્ર કમળનું ફૂલ યાદ રાખો. હું તમારી પાસે કમળનું ફૂલ લઈને આવ્યો છું. જ્યારે તમે મત આપવા જશો અને કમળના ફૂલને જોશો તો એનો મતલબ ભાજપ છે, તેનો મતલબ મોદી છે. આ રાજ્યમાં પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા જયરામ ઠાકુરનો કોઈ મતલબ નથી. આ જ સ્થિતિ ગુજરાતમાં પ્રવર્તે છે. પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓનો પણ કોઈ અર્થ નથી. પક્ષના એ ધારાસભ્યોનો પણ કોઈ મતલબ નથી જેમને ફરી ટિકિટ આપવામાં આવી છે. તેમણે પોતાના મતવિસ્તારમાં ક્યા કામો કર્યા કે મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળના વર્ષમાં રાજ્યમાં શું કામ કર્યું તેનો પણ કોઈ મતલબ નથી. ચૂંટણી લડી રહેલા ઉમેદવાર હોય, રાજ્ય સરકારના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કે કેન્દ્ર સરકારના મંત્રી, સૌ નિરર્થક છે. વિચારો, આ એ પાર્ટીની સ્થિતિ છે જે એક વિચારધારા પર આધારિત પાર્ટી હોવાનો અને સૌથી અલગ રાજનીતિ કર્યાનો દાવો કરી રહી છે.

કોંગ્રેસની સ્થિતિ પણ તેનાથી ખાસ જુદી નથી, ઉલટાની તેની સ્થિતિ વધુ વિચિત્ર છે. તે રાહુલ ગાંધીની અદ્રશ્ય તાકાતના દમ પર ચૂંટણી લડી રહી છે. રાહુલ કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યાં છે અને યાત્રા હાલ મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. એ પહેલા યાત્રા દક્ષિણ ભારતના પાંચ રાજ્યો – તમિલનાડુ, કેરણ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાંથી પસાર થઈ હતી. કોંગ્રેસી નેતાઓનું માનવું છે કે આ યાત્રાથી એવી લહેર ઉઠી રહી છે, જેમાં ભાજપ તણાઈ જશે. કોગ્રેસના રાષ્ટ્રીય નેતા અને હિમાચલ પ્રદેશના નેતાઓ આશા રાખી રહ્યાં છે કે રાહુલની યાત્રાની અસરમાં કોંગ્રેસ જીતી જશે. ગુજરાતમાં રાહુલ ગાંધી પોતાની યાત્રા છોડીને પ્રચાર માટે આવી ગયા. પહેલાના અને અત્યારના કોંગ્રેસી નેતાઓમાં ફરક એટલો છે કે પહેલા કોંગ્રેસના નેતાઓ નહેરુ-ગાંધી પરિવાર વિશે કહેતા હતા કે તેમના કરિશ્માથી કોંગ્રેસ જીતી રહી છે પરંતુ તેને પુરેપુરો માનતા નહોતા. આજના કોંગ્રેસી નેતાઓ કહે પણ છે અને માને પણ છે. એક બાજુ ભાજપના નેતાઓ કહે છે કે દેશના 130 કરોડ ભારતીયોને વડાપ્રધાને બચાવી રાખ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યાં છે કે ભાજપ સરકારની નીતિઓને કારણે દેશ સામે અનેક સંકટો ઉભા થયા છે અને તેનાથી દેશને માત્ર રાહુલ ગાંધી જ બચાવી શકે છે.

નવી બનેલી આમ આદમી પાર્ટીની સ્થાપના એક પોસ્ટ આઈડિયોલોજી પાર્ટીની રીતે થઈ હતી. કહેવાયું હતું કે તે કોઈ વિચારધારાથી પ્રેરિત હોવાને બદલે ગવર્નેન્સ ના મોડેલ પર કામ કરનારી પાર્ટી હશે. તેણે ગવર્નેન્સનું પોતાનું એક મોડેલ બનાવ્યું પણ ખરું, પરંતુ અંતે તે ચૂંટણી જીતવા માટે મફતમાં ચીજવસ્તુઓ વહેંચવા પુરતું મર્યાદિત રહી ગયું હોય તેવી સ્થિતિ પેદા થઈ.

સુપ્રીમ લીડર ચાહે નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ, તેમના નામ પર વિધાનસભા કે કોર્પોરેશનની ચૂંટણી લડાવાનું નુકસાન એ થઈ રહ્યું છે કે દરેક જગ્યાએ કેવળ રાષ્ટ્રીય મુદ્દાઓની જ ચર્ચા થઈ રહી છે. હિમાચલમાં પણ અયોધ્યા અને કાશ્મીર, ગુજરાતમાં પણ અયોધ્યા અને કાશ્મીર. સ્થાનિક મુદ્દાઓ ગૌણ બનતા જઈ રહ્યાં છે. સાથે જ સ્થાનિક ઉમેદવાર પણ ગૌણ બનતા જઈ રહ્યાં છે. અગાઉ કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ પોતાના ચહેરા અને દમખમ પર ચૂંટણી લડતા હતા અને સ્થાનિક મુદ્દાઓ પર લોકો પાસે મત માંગતા હતા. સામે લોકો પણ પોતાની સમસ્યાઓ માટે તેમને જવાબદાર ઠેરવતા હતા. પણ હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. હવે બધાં જનપ્રતિનિધિઓ જવાબદેહીથી ઉપર ઉઠી ગયા છે કેમ કે બધી જવાબદેહી માત્ર સુપ્રીમ લીડરોની છે અને આ સ્થિતિ એક લોકશાહી દેશ માટે ઘાતક છે. જો બધું સુપ્રીમ લીડરોના નામે જ કરવાનું હોય તો સ્થાનિક સ્તરના પ્રશ્નો માટે લોકો કોની પાસે જાય.

Comments