જો ગુજરાતમાં પરિણામો જરાક પણ ઉપર નીચે થયા તો..?



ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે તે ગુજરાતમાં પાછલી ચૂંટણીના તમામ રેકોર્ડ તોડી નાખશે. પાર્ટીનો દાવો 150 આસપાસ સીટો જીતવાનો છે. મોટી જીતનો દાવો એ કારણે પણ ઘણી હદે તાર્કિક દેખાઈ રહ્યો છે કેમ કે આ વખતે વિપક્ષના મતો વહેંચાઈ રહ્યાં છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થતી હતી. પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત સાથે ચૂંટણી લડી રહી છે અને દરેક સર્વેમાં તેમને સારા એવા મતો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આમ, ભાજપે બે કારણોસર બહુ ભરોસામાં રહેવું જોઈએ. પહેલું કારણ એ કે ભાજપની વિરુદ્ધ 27 વર્ષના રાજ અને 8 વર્ષની ડબલ એન્જિનની સરકારના કારણે જે સત્તાવિરોધી મતો તૈયાર થયા છે તે કોઈ એક પક્ષને નહીં જાય, બે પાર્ટીઓ તેની દાવેદાર છે.

ધ્યાનમાં રાખવા જેવી અન્ય એક બાબત એ પણ છે કે, સામાન્ય રીતે છેલ્લી પાંચ-છ ચૂંટણીઓથી ભાજપને 50 ટકા આસપાસ મતો મળતા રહ્યાં છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન વચ્ચે જ્યારે કોંગ્રેસ સાથે કાંટે કી ટક્કર થઈ હતી ત્યારે પણ ભાજપને 49 ટકાથી વધુ મતો મળ્યાં હતા. એ વાત જુદી છે કે તે 99 સીટો પર મર્યાદિત થઈ ગઈ હતી. તેની પહેલાં એટલે કે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને 47 ટકા મતો સાથે 115 સીટો મળી હતી. એ વખતે ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી નામથી પોતાનો અલગ ચોકો રચ્યો હતો. તેમની પાર્ટી જીપીપી માત્ર બે જ બેઠકો જીતી શકી હતી પણ તેને 4 ટકા જેટલા મતો મળ્યાં હતાં. તે મતો સત્તાવિરોધી મતો હતા, જે કોંગ્રેસ તરફ જવાને બદલે કેશુભાઈના પક્ષમાં ગયા હતા. તેનો ફાયદો ભાજપને એ થયો કે તે 115 સીટો જીતી ગઈ હતી. બે વર્ષ પછી કેશુભાઈની પાર્ટીનો ભાજપમાં વિલય થઈ ગયો. એ પછીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ હતી અને 49 ટકા મતો મેળવ્યા પછી પણ ભાજપની સીટો ત્રણ અંકોમાં પહોંચી શકી નહોતી. સીધી વાત એ છે કે, એક મત કાપનારો પક્ષ હોય તો ભાજપને વધારે ફાયદો થાય છે. એ રીતે જોઈએ તો આ વખતે ભાજપે વધુ આત્મવિશ્વાસ સાથે ખુશ થવું જોઈએ કે કોંગ્રેસ અને આપ બંને પુરી તાકાતથી ચૂંટણી મેદાનમાં છે.

આ બંને પરિબળોની હાજરી છતાં પણ ભાજપ ખુશ હોય તેમ લાગતું નથી. તે જે અંદાજમાં ચૂંટણી લડી રહ્યો છે તેના પરથી તો ચિત્ર કંઈક અલગ જ દેખાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તે વધારે ભરોસામાં લાગી રહી નથી. સવાલ એ થાય કે શું ચૂંટણીને લઈને થયેલા તેના આંતરિક સર્વે અથવા તો જમીની રિપોર્ટમાં અમુક નેગેટિવ ફીડબેક મળ્યાં છે કે પછી સ્વાભાવિક રીતે જ તે આ રીતે ચૂંટણી લડી રહી છે?  અહીં એ યાદ રાખવું રહ્યું કે ભાજપ દરેક ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવે છે. નાનામાં નાના રાજ્યની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી પુરી તાકાત લગાવી દે છે અને કરો યા મરોના અંદાજમાં ચૂંટણી લડે છે. તેમની સાથોસાથ આખી પાર્ટી પ્રચારમાં ઉતરે છે અને દરેક પ્રકારના સાધનોનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં આવે છે. બધાં ભાજપ સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ ગામોગામ ફરી રહ્યાં છે અને સભાઓ કરીને પ્રચાર કરી રહ્યાં છે.

ભાજપના આ રીતના પ્રચાર કરવાને લઈને આશ્ચર્ય નથી. આશ્ચર્ય એ છે કે વિકાસના તમામ દાવાઓ પછી પણ તે સાંપ્રદાયિક ધ્રુવીકરણના દ્રષ્ટિકોણથી ચૂંટણી લડી રહી છે. છેલ્લાં બે દાયકામાં કદાચ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2002ની ચૂંટણીના સૂત્રો દેખાઈ રહ્યાં છે. રાજકીય નિષ્ણાતો આ ચૂંટણીમાં ગુજરાતના રમખાણોનો પડછાયો જોઈ રહ્યાં છે. આવું એટલા માટે લાગે છે કેમ કે ભાજપે નરોડા પાટિયા કાંડમાં દોષી સાબિત થયેલા મનોજ કુકરાણીની પુત્રી પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. પાયલને નરોડા પાટિયા નરસંહાર વાળી સીટથી જ ટિકિટ આપવામાં આવી છે. તેના પિતા મનોજ કુકરાણી 2015થી જામીન પર બહાર છે અને તેઓ ખુલીને પુત્રી માટે પ્રચાર કરી રહ્યાં છે. એ જ રીતે બિલકિસ બાનોના બળાત્કારીઓને સંસ્કારી ગણાવનાર વર્તમાન ધારાસભ્ય સી.કે. રાઉલજીને પણ રિપીટ કર્યા છે. આખી ચૂંટણીમાં એક સાંપ્રદાયિક અન્ડરટોન સાંભળવા મળે છે, જેનાથી આભાસ થઈ રહ્યો છે કે ભાજપ ક્યાંયને ક્યાંક ગભરાયેલી છે. આ ગભરાહટ આમ આદમી પાર્ટીની રોજગાર, શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા સહિતના દરેક મતદારોને સ્પર્શતા પાયાના મુદ્દાઓ પરના ભાર અને મફત યોજનાઓને કારણે છે. એક તબક્કે ભાજપને લાગતું હતું કે આપ કોંગ્રેસના મતો કાપશે, પણ તેણે સુરત સહિતના શહેરી વિસ્તારોમાં જે રીતે મજબૂતીથી પ્રચાર કર્યો છે તે જોતા ભાજપને ભય પેઠો છે કે આપ ક્યાંક તેની સૌથી પ્રતિબદ્ધ એવી શહેરી વોટબેંકમાં ગાબડું પાડશે. સુરતમાં આપના ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરીયા અને મનોજ સોરઠીયા સહિતના યુવા ઉમેદવારો તરફનો ઝુકાવ વધતા ભાજપ પર શહેરી વોટબેંકને બચાવી રાખવાની ભીંસ વધી છે. કેજરીવાલ, ભગવંત માન સહિતના આપના નેતાઓની ગુજરાતભરમાં થતી સભાઓ અને રેલીઓમાં ઉમડતી ભીડે પણ ભય વધાર્યો છે, સામે કોંગ્રેસના મજબૂત નેતાઓએ પોતપોતાના વિસ્તારમાં સિક્કો જમાવીને બેઠા છે. એ સિવાય આદિવાસી પટ્ટો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની તેની પ્રતિબદ્ધ વોટબેંકને હજુ સુધી તોડી શકાઈ નથી તેનો ડર પણ ખરો.

જો આ બધાં પરિબળો પેદા ન થયા હોત તો ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં આફતાબ અમીન પૂનાવાલાની એન્ટ્રી કદાચ ન થાત. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ આફતાબની બીક બતાવીને ગુજરાતમાં મતો માંગ્યા છે. તેમણે એમની પહેલી સભામાં કહ્યું હતું કે જો મોદીને નહીં જિતાડો તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે આફતાબ જેવાને રોકવા માટે મોદીને 2024માં પણ જિતાડજો. પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાકરની હત્યા કરીને અને તેના શબના 35 ટુકડા કરવાની ઘટનાને સરમાએ ગ્રાફિક્સ ડિટેઈલમાં લોકોને સમજાવી. દિલ્હીની આ ઘટના વિશે વિસ્તારથી જણાવીને ગુજરાતના લોકોને આફતાબ જેવાનો ડર બતાવવો અને મતો માંગવા સામાન્ય નથી.

આફતાબ પહેલા ગુજરાતની ચૂંટણીમાં બુલડોઝરની એન્ટ્રી પણ થઈ હતી. યુપીના વિવાદિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રચાર માટે ગુજરાત આવ્યા તો તેમની સભાઓમાં કેટલાક ભાજપી કાર્યકર્તાઓ બુલડોઝર પર સવાર થઈને પહોંચી ગયા હતા. ભાજપે મોટી સંખ્યામાં જેસીબી મશીનની વ્યવસ્થા કરી હતી. અનેક જગ્યાએ બુલડોઝરના મોડલ બનાવીને કટઆઉટ લગાવવામાં આવ્યા હતા. અહીં એ યાદ રાખવું રહ્યું કે યોગી આદિત્યનાથે બુલડોઝર મોડેલનો વિકાસ કર્યો છે, જેમાં આરોપીઓના ઘર જેસીબી મશીનથી તોડી પાડવામાં આવે છે. એમાં ખાસ વાત એ છે કે, આરોપી લઘુમતી સમાજનો હોય તો બુલડોઝરની કાર્યવાહી તાત્કાલિક થાય છે. આ કાર્યવાહી માટે આરોપો સાબિત થવા જરૂરી નથી. આરોપ લાગતા જ જેસીબી ફરી વળે છે. વિચારો, જે રાજ્ય ગુજરાતને વિકાસનું મોડેલ ગણાવાયુ, તેને બતાવીને આખા દેશમાં મતો માંગવામાં આવ્યા, ત્યાં ભાજપે યુપીના બુલડોઝર મોડેલ પર મતો માંગવાની જરૂર પડી રહી છે, તો તેનો મતલબ છે કે ક્યાંકને ક્યાંક કશુંક ગરબડ છે.

સાંપ્રદાયિક અંડરટોનની સાથોસાથ ગુજરાતની અસ્મિતાનો મુદ્દો પણ ઘણો ઉછાળાઈ રહ્યો છે. વડાપ્રધાને મેઘા પાટકરના કોંગ્રેસની યાત્રામાં સામેલ થવાને મુદ્દો બનાવીને કહ્યું કે, જે મહિલાએ ગુજરાતને આખી દુનિયામાં બદનામ કર્યું, કોંગ્રેસ નેતા તેની સાથે યાત્રા કરી રહ્યાં છે. એટલે જ અસ્મિતાનું રાજકારણ પણ કંઈક અલગ સંકેત આપવાનું છે.

શક્ય છે, એવું પણ હોઈ શકે કે ભાજપ વધારે પડતી સાવચેતી રાખી રહ્યો હોય, કેમ કે ગુજરાતના મહત્વનો સૌને ખ્યાલ છે. થોડા દિવસ પહેલા યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પ્રચાર માટે ગુજરાત આવ્યા તો તેમણે કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે યુપી કરતા પણ વધુ મહત્વનું છે. ગુજરાત એ રાજ્ય છે જ્યાં ભાજપનો જીવ વસે છે. આ હિંદુત્વની પ્રયોગશાળા હોવા ઉપરાંત ભાજપના સૌથી મહત્વના બે નેતાઓ નરેન્દ્ર મોદી-અમિત શાહનો ગૃહ પ્રદેશ પણ છે. જો અહીં પરિણામો જરાક પણ ઉપરનીચે થયા તો હિંદુત્વના એજન્ડાના અજેય હોવાની ધારણા તૂટશે અને તેના પાયા પર ઉભેલા ભાજપની ઈમારતને ધરાશાયી થતા વાર નહીં લાગે.

Comments