સરકારી બાબુઓ વિ. નિષ્ણાતોની ચર્ચામાં રાજનીતિક નેતૃત્વનો રોલ



વડાપ્રધાને સરકારી બાબુઓ એટલે કે અમલદારશાહી વિરૂદ્ધ નિષ્ણાતોની ચર્ચા છેડી દીધી છે. 11 ફેબ્રુઆરીએ સંસદમાં પોતાનાં ભાષણમાં તેમણે સરકારી બાબુઓની ક્ષમતાઓ પર સવાલો ઉઠાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, શું બધું બાબુઓ જ કરશે? આઈએએસ બની ગયા મતલબ તે ખાતરનું કારખાનું પણ ચલાવશે, કેમિકલનું કારખાનું પણ ચલાવશે અને પ્લેન પણ ચલાવશે? આ કઈ મોટી તાકાત આપણે બનાવીને રાખી દીધી છે? બાબુઓનાં હાથમાં દેશ સોંપી દઈને આપણે શું કરવાનાં છીએ?” એવું નથી કે અમલદારશાહીનાં માળખાને લઈને પહેલીવાર માત્ર નરેન્દ્ર મોદી જ બોલ્યા છે. અગાઉ પણ આ મુદ્દે ચર્ચા થતી રહી છે અને એ બાબતની તરફેણ થતી રહી છે કે જ્યાં સુધી અંગ્રેજોની બનાવેલી બ્યૂરોક્રેસીની સ્ટીલ ફ્રેમ નહીં તૂટે ત્યાં સુધી દેશ લાંબી છલાંગ ભરવામાં સફળ નહીં થઈ શકે.

દેશ જો મંથરગતિએ વિકાસ કરી રહ્યો છે તો તેનું એક કારણ એ પણ છે કે બધું રૂટિનમાં એક ઢાંચામાં થઈ રહ્યું છે. આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની ઉણપ છે. સાહસિક પગલાં લેવામાં ખચકાટ પણ આ વિરામનું એક મોટું કારણ છે. બધાંને ખબર છે કે કોઈ કરિયર બ્યૂરોક્રેટ માટે આઉટ ઓફ ધ બોક્સ વિચારવું મુશ્કેલ છે. હા, આ કામ જો રાજનીતિક નેતૃત્વ કરે અને નવી સાહસિક નીતિઓ બનાવે તો તેઓ તેનાં પર અમલ કરી શકે છે. આમ, રાજનીતિક નેતૃત્વની સમજણ અને ઈચ્છાશક્તિનો મામલો સૌથી પહેલાં આવે છે. જો રાજનીતિક નેતૃત્વની સમજણ પર ચર્ચા નહીં થાય તો કેવળ બાબુઓ વિરૂદ્ધ નિષ્ણાતોની ચર્ચામાંથી કોઈ ઉકેલ નહીં નીકળે. યાદ રાખવું રહ્યું કે પી.વી. નરસિંહ રાવ અને ડો. મનમોહન સિંહનાં નેતૃત્વે દેશને મિશ્ર અર્થવ્યવસ્થાનાં ઢાંચામાંથી બહાર કાઢવાની પહેલ કરી હતી. આર્થિક ઉદારીકરણનો નિર્ણય આઝાદ ભારતનાં ઈતિહાસનાં સૌથી સાહસિક નિર્ણય પૈકીનો એક હતો અને તે રાજનીતિક નેતૃત્વનાં કારણે શક્ય બન્યો હતો.

હાલ વડાપ્રધાને સરકારી બાબુઓ વિશે જે કહ્યું તેનો અર્થ શું કરી શકાય? શું એવું માની શકાય કે સરકાર હવે બાબુઓની જગ્યાએ જે તે ક્ષેત્રનાં નિષ્ણાતોની સલાહથી કામ કરશે? શું એમ માની શકાય કે રાજનીતિક નેતૃત્વ હવે નિષ્ણાતોની સલાહ લેશે અને સાહસિક પગલાં ઉઠાવશે? કે પછી સરકાર અમુક નિર્ણયો કરવા જઈ રહી છે જેની તાકીદને ધ્યાનમાં રાખીને આ નિવેદન આપવામાં આવ્યું છે? અહી ઉલ્લેખનીય છે કે લેટરલ એન્ટ્રી થકી ખાનગી ક્ષેત્રનાં નિષ્ણાતોને સરકાર ડાયરેક્ટર અને સંયુક્ત સચિવ બનાવી રહી છે. આ સિવાય સરકારી કંપનીઓનાં ખાનગીકરણની ઝડપ વધારવામાં આવનાર છે જેના માટે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ખાનગી ક્ષેત્રનાં નિષ્ણાતોની સલાહ લેશે. એનો એક અર્થ તો એવો નીકળી રહ્યો છે કે સરકારી બાબુઓનાં કારણે ખાનગીકરણની ઝડપ ધીમી છે એટલે વડાપ્રધાને તેમની સામે નારાજગી વ્યક્ત કરી છે અને ખાનગી ક્ષેત્ર પર ભરોસો બતાવ્યો છે. જો કે કથિત નિષ્ણાતોની દેખરેખમાં ચાલતી ખાનગી કંપનીઓ જેટલી ઝડપથી દેવાળું ફૂંકી રહી છે તેનાથી તેમની ક્ષમતા પર મોટો સવાલ ઉભો થાય છે.

એક સવાલ એ પણ છે કે વડાપ્રધાને સરકારી બાબુઓને લઈને જે કહ્યું તેને કેટલી ગંભીરતાથી લઈ શકાય? આ સવાલ એટલા માટે કેમ કે તેઓ સ્વયં પોતાનાં તમામ કામો બાબુઓનાં સહારે કરી રહ્યાં છે. જો ખરેખર તેમને એમ લાગી રહ્યું છે કે ફર્ટિલાઈઝરનું કારખાનું કે વિમાન ચલાવવાનું કામ આઈએએસને ન સોંપાય તો તેમણે એક નિવૃત્ત આઈએફએસને નાગરિક ઉડ્ડયન મંત્રી શા માટે બનાવ્યાં છે? હરદીપસિંહ પુરીને ઉડ્ડયન ક્ષેત્રનો કોઈ અનુભવ નથી. તેમની છેલ્લી નિમણૂંક સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હતી છતાં તેઓ સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે. એ જ રીતે નિવૃત્ત આઈએએસ અને દેશનાં ગૃહ મંત્રી રહેલાં આર.કે. સિંહ પણ સરકારમાં મંત્રી છે અને ઉર્જા મંત્રાલય સંભાળે છે. નીતિ આયોગનાં સીઈઓ અમિતાભ કાંત પણ નિવૃત્ત આઈએએસ છે. તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો છતાં એક્સટેન્શન અપાયું છે. એજ રીતે રઘુરામ રાજન અને ઉર્જિત પટેલ જેવા નિષ્ણાતો પછી વડાપ્રધાને નિવૃત્ત આઈએએસ અધિકારી શક્તિકાંત દાસને રિઝર્વ બેંકનાં ગવર્નર બનાવ્યા છે. એટલે કે દેશની નાણાકીય નીતિ બનાવવામાં પણ વડાપ્રધાનનો વિશ્વાસ આઈએએસ અધિકારી પર જ છે. દેશની તિજોરીનાં ઓડિટનું કામ પણ તેમનાં વિશ્વાસુ આઈએએસ ગિરીશ ચંદ્ર મુર્મુ જોઈ રહ્યાં છે. ટુંકમાં, મંત્રીથી લઈને સરકારનાં તમામ મહત્વનાં હોદ્દાઓ પર વડાપ્રધાને સ્વયં જ આઈએએસ કે નિવૃત્ત આઈએએસ અધિકારીઓને બેસાડેલાં છે અને સંસદમાં તેમણે કહ્યું કે આઈએએસ થઈ ગયા તો શું બધું જ તે કરશે? આ પ્રકારનાં નિવેદનો તાળીઓ પડાવવા માટે ઠીક છે પરંતુ ગંભીર ચર્ચામાં તેનો કોઈ મતલબ નથી હોતો.

જો ખરેખર વડાપ્રધાનને એવું લાગી રહ્યું છે કે સરકારી બાબુ દરેક કામ કરવામાં સક્ષમ નથી અને જે તે વિષયનાં નિષ્ણાતો પાસે કામ કરાવવું વધારે સારું રહેશે તો તેમણે આ વાતને અમલમાં લાવવી જોઈએ. તેમણે અગત્યનાં પદો પર નિષ્ણાતોને બેસાડવા જોઈએ અને તેમનાં પર વિશ્વાસ મૂકીને તેમને કામ કરવાની આઝાદી આપવી જોઈએ. સાથે જ તેમણે એ બાબતે આત્મમંથન કરવું જોઈએ કે જાણીતા નિષ્ણાતો તેમની સરકાર સાથે કામ કેમ નથી કરવા ઈચ્છતા? શા માટે રિઝર્વ બેંકનાં બે ગવર્નરો રઘુરામ રાજન અને ઉર્જિત પટેલ રાજીનામું આપીને ચાલ્યા ગયા? કેમ નીતિ આયોગનાં પ્રથમ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા અને સરકારનાં પ્રથમ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આગળ સરકાર સાથે કામ ન કર્યું? શા માટે તેમણે અમેરિકામાં શિક્ષકનાં કામને ભારત સરકારમાં કામ કરવાથી સારું માન્યું?

શું ભારતની રાજનીતિક સિસ્ટમ નિષ્ણાતોને કામ કરવા નથી દેતી કે સરકારી બાબુઓનું તંત્ર ખાનગી ક્ષેત્રનાં નિષ્ણાતોને નિષ્ફળ કરવા માટે કામ કરી રહ્યું છે? ભારતમાં બંને સ્થિતિઓ છે. સત્તાની ટોચ પર બેઠેલાં લોકોને લાગે છે કે તે સર્વજ્ઞ છે તો બીજી બાજુ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ બનેલાં અધિકારીઓ પણ પોતાને સર્વજ્ઞ માને છે. જ્યાં સુધી આ બંને પોતાને સર્વજ્ઞ માનવાનું નહીં છોડે ત્યાં સુધી કોઈપણ નિષ્ણાત પોતાની પુરી ક્ષમતા અને યોગ્યતા સાથે ભારતમાં કામ નહીં કરી શકે.


Comments