આખરે દેશ વેચવું કોને કહેવાય?
દેશ શું છે? ક્લાસિક વ્યાખ્યા મુજબ એક ચોક્કસ જગ્યા કે રાજકીય એકમને દેશ કહે છે જ્યાં અનેક ધર્મ, લિંગ, જાતિનાં લોકો એક સાથે રહે છે અને જ્યાં એક સાર્વભૌમ સરકાર હોય છે. દેશ કોઈ અમૂર્ત વસ્તુ નથી. અનેક બાબતો મળીને દેશ બને છે અને એ તમામને પ્રેમ કરવો એનું નામ દેશભક્તિ. નાગરિક દેશનો આત્મા હોય છે અને બાકી તમામ ચીજો દેશ નામની એક જૈવિક સંરચનાનો ભાગ હોય છે.
એટલે સવાલ એ છે
કે શું દેશની સંપર્તિ વેચવાને દેશ વેચવો કહી શકાય? આ સબ્જેક્ટિવ
મુદ્દો છે. અને તેનો જવાબ એના પર નિર્ભર કરે છે કે તમે હાલ ત્રાજવાનાં કઈ તરફનાં
પલ્લામાં ઉભા છો. સરકારમાં સામેલ કે તેની સાથે રહેલાં લોકો નથી માનતા કે દેશ વેચાઈ
રહ્યો છે. તેમને આમાં કોઈ વાંધો નથી કે બધી સરકારી સંપત્તિઓને વેચી દેવામાં આવે. એ
જુદી વાત છે કે આ જ લોકો ત્રાજવાની બીજી બાજુ ઉભા હતાં ત્યારે ડિસઈન્વેસ્ટમેન્ટનો
દરેક પ્રસ્તાવ તેમને દેશ વેચવાનો લાગતો હતો. સરકારી સંપત્તિઓનું ચોતરફ વેચાણ થઈ
રહ્યું છે. સરકાર ખરીદી કશું નથી રહી પરંતુ દાયકાઓનાં સરકારી રોકાણ અને લાખો-કરોડો
નાગરિકોની મહેનતથી જે સંપત્તિ બની છે તેને વેચી રહી છે. શું આ સંપત્તિઓનાં વેચાણને
દેશ વેચવો ન કહી શકાય? જો કોઈ સાર્વભૌમ સરકાર પોતાની તમામ સંપત્તિ
વેચી રહી છે તો તેને દેશ વેચવો નહીં તો બીજું શું કહીશું? જો આને નહીં તો
પછી કઈ ચીજને વેચવાને દેશ વેચવો કહીશું?
એવું નથી કે
વેચવાની પ્રક્રિયા અત્યારે જ શરૂ થઈ છે. પહેલાં તેને ડિસઈન્વેસ્ટમેન્ટનાં નામે શરૂ
કરવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે જાહેર સાહસોમાં સરકાર પોતાનો
અમુક હિસ્સો વેચશે. એ પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર એ જ કંપનીઓને વેચશે જે
ખોટમાં ચાલી રહી છે કે બંધ થઈ ગઈ છે. જે કંપનીઓ નફો કરી રહી છે તેમાં અમુક હિસ્સો
વેચવામાં આવશે પણ માલિકી હક સરકારનો જ રહેશે. ડિસઈન્વેસ્ટમેન્ટનાં સિદ્ધાંત પર
ભારતમાં ઘણું બધું વેચવામાં આવ્યું. પણ હવે તેનાં બદલે એ સિદ્ધાંત સ્થાપિત કરવામાં
આવ્યો છે કે સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી એટલે સરકાર દરેક બિઝનેસમાંથી બહાર
નીકળી જશે. પણ જો ધ્યાનથી જોશો તો સમજાશે કે સરકાર જેને બિઝનેસ ગણાવીને વેચી રહી
છે અને બહાર નીકળી રહી છે તેમાંથી મોટાભાગનાં કામ બિઝનેસ માટે શરૂ નહોતા કરવામાં
આવ્યાં પરંતુ આ દેશનાં કરોડો લોકોની સેવા માટે શરૂ કરવામાં આવ્યાં હતાં.
સરકાર બેંકો
વેચવા જઈ રહી છે. સવાલ એ છે કે શું બેંક ચલાવવી માત્ર એક બિઝનેસ છે? તો પછી જે ખાનગી
કંપનીઓનાં હાથમાં બેંકો જતી રહેશે તેઓ બિઝનેસ કરશે તો સામાન્ય માણસનું શું થશે? શું ખાનગી બેંક
કંપનીઓ અંતરિયાળ વિસ્તારોમાં પોતાની શાખાઓ ખોલશે? સરકારી બેંકોની
શાખાઓ આજે દેશનાં છેવાડાનાં ગામો સુધી છે. પહાડો, જંગલોથી લઈને ક્યાંક તો પાણીથી
ઘેરાયેલાં વિસ્તારોમાં પણ છે. છેવાડાનાં ગામોમાં જ્યાં બેંકિંગ સેવાનો ઉપયોગ
કરનારાઓની સંખ્યા આંગળીનાં વેઢે ગણાય એટલી છે ત્યાં પણ સરકારી બેંકોની શાખાઓ છે.
જે પણ ખાનગી કંપની સરકારી બેંકોને ખરીદશે તે સૌથી પહેલાં આવી શાખાઓ બંધ કરશે,
જ્યાં વધારે ધંધો નથી થતો. તેનાથી કર્મચારીઓની છટણી થશે અને મોટી સંખ્યામાં લોકો
બેન્કીંગ સેવાઓથી વંચિત થશે.
આ જ સ્થિતિ
સંદેશાવ્યવહાર, ઉડ્ડયન અને રેલવેનાં મામલામાં પણ થશે. ભારતની સંદેશાવ્યવહાર કંપની
કોઈ બિઝનેસ કરવા માટે નહોતી બની પરંતુ છેવાડાનાં લોકો સુધી સંદેશાવ્યવહારની સુવિધા
પહોંચાડવી તેનું પહેલું કામ હતું. જ્યારે ખાનગી કંપનીઓએ લાયસન્સની શરતો છતાં
અંતરિયાળ વિસ્તારો, ગામડાં, પહાડો અને જંગલોમાં પોતાની સર્વિસ ચાલુ નથી કરી અને જો
કરી છે તો તેની સ્થિતિ બહુ ખરાબ છે. ખાનગી ઉડ્ડયન કંપનીઓ એ રૂટ પર વિમાન નથી
ઉડાડતી, જ્યાં નફો નથી. જ્યારે સરકારી ઉડ્ડયન સેવા આખા દેશને જોડવા માટે ચલાવવામાં
આવી હતી.
ભારતીય રેલવે
દરરોજ અઢી કરોડ લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડે છે. આ કોઈ બિઝનેસ નથી પણ સેવા
છે. શું આ સેવા ખાનગી કંપનીઓ આપશે? જ્યાં પણ ખાનગી કંપનીઓને
ટ્રેન ચલાવવાની, સ્ટેશનોની સારસંભાળની જવાબદારી સોંપવામાં આવી ત્યાં ભાડુ અને બીજા
ભાવો જોઈને લાગતું નથી કે તેમનો હેતુ લોકોને સર્વિસ આપવાનો છે. તેમને દાયકાઓનાં
રોકાણ અને લોકોની મહેનતથી બનેલા મૂળભૂત માળખાનો માત્ર ધંધાદારી ઉપયોગ કરવો છે. જે
દેશમાં 80 કરોડ લોકો સરકાર તરફથી મળતા પાંચ કિલો અનાજ પર નિર્ભર હોય ત્યાં તેમને
સંદેશાવ્યવહાર, પરિવહન અને બેન્કિંગ જેવી પાયાની સુવિધાઓ માટે ખાનગી સેક્ટરના
હવાલે ન છોડી શકાય. શું સરકાર એ વાતને નથી સમજી રહી કે લોક કલ્યાણકારી રાજ્ય
પોતાનાં સંસાધનો કે પોતાના સાહસો દ્વારા લોકોની સેવા કરે છે જ્યારે એજ સાહસોને જો
ખાનગી હાથોમાં સોંપી દેવાય તો તેઓ નફો કમાવા માટે જ તેનો ઉપયોગ કરશે?
કેન્દ્રની વર્તમાન સરકારમાં સામેલ લગભગ દરેક નેતાએ કોંગ્રેસનાં નેતૃત્વવાળી યુપીએ સરકાર પર ધરતી, આકાશ, પાતાળ એમ બધી ચીજો વેચી દેવા અને તેનાં વેચાણમાં મોટા ભ્રષ્ટાચારનાં આરોપો લગાવ્યાં હતાં. આજે આ જ કામ આ સરકાર પણ કરી રહી છે. વિચારો, હાઈવે, રેલવે, એરપોર્ટ, સંદેશાવ્યવહાર, ઈંધણ, ગેસ, વીજળીની લાઈનો, બેંકો, વીમા કંપનીઓ, ડિફેન્સ કંપનીઓ, બંદરો, ડિફેન્સ કંપનીઓ, કોલસા, લોખંડ આ બધું વેચી દઈને દેશનાં 138 કરોડ નાગરિકોને ખાનગી કંપનીઓનાં હવાલે કરી દેવામાં આવશે તો શું તેને દેશ વેચવો નહીં કહેવાય? દેશ આ જ બધી ચીજોથી બનેલો છે એટલે આ બધાનું વેચવું દેશ વેચવો જ છે.

Comments
Post a Comment