ફ્રીડમ ઓફ સ્પીચની ભારતીય વાસ્તવિકતા

 



હમણાં ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નૂને ત્યાં આવકવેરા વિભાગની રેડ પડી તો સોશિયલ મીડિયામાં બહુ રસપ્રદ પ્રતિક્રિયાઓ સામે આવેલી. કોઈએ લખેલું – તમે બોલવા માટે આઝાદ છો પણ એ પછી તમને કોઈપણ પ્રકારની આઝાદી નથી. અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે - તમને બોલવાની આઝાદી છે પણ ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સની કાર્યવાહી માટે પણ તૈયાર રહો. આ વર્તમાન ભારતીય સમયનું એવું સત્ય છે જેને દુનિયા પણ બહુ સ્પષ્ટ જોઈ રહી છે. એટલે જ અમેરિકી સંસ્થા ફ્રીડમ હાઉસએ લોકતંત્ર અને આઝાદીને લઈને જાહેર કરેલી પોતાની તાજી યાદીમાં ભારતનું સ્થાન પાછું ધકેલી દીધું છે. ફ્રીડમ હાઉસે ભારતને ફ્રી એટલે કે આઝાદની કક્ષામાંથી હટાવીને પાર્શલી ફ્રી એટલે કે આશિંક આઝાદી વાળા દેશોની યાદીમાં મૂકી દીધું છે. તેણે 211 દેશોને ક્રમબદ્ધ કર્યાં છે જેમાં ભારતનો ક્રમ 83થી ઘટાડીને 88મો કરી દેવાયો છે. 100માંથી ભારતને 67 અંક મળ્યાં છે. અગાઉ ભારતને 71 અંક મળ્યાં હતાં.

ફ્રીડમ હાઉસનાં રિપોર્ટનાં એક મહિના પહેલાં 2જી ફેબ્રુઆરીએ ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યૂનિટે પોતાનો વાર્ષિક ડેમોક્રેટીક ઈન્ડેક્સ જાહેર કર્યો હતો. તેમાં પણ ભારત બે સ્થાન નીચે ખસકીને 53માં સ્થાને પહોંચી ગયું છે. ભારતને 10માંથી 6.61 અંક મળ્યાં હતાં.  ગત વર્ષે 6.69 ટકા અંક મળ્યાં હતાં અને 2014માં જ્યારે ભારતની સ્થિતિ સૌથી સારી હતી ત્યારે 7.92 અંક મળ્યાં હતાં. ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યૂનિટે દુનિયાનાં દેશોને ચાર ભાગમાં વહેંચ્યાં હતાં. તેણે 167 દેશોની યાદી તૈયાર કરી છે, જેમાં 23 દેશોને પૂર્ણ લોકતંત્રનો દરજ્જો આપવામાં આવ્યો છે અને 53 દેશોને ફ્લોડ ડેમોક્રેસી એટલે કે ખામીઓવાળા લોકતંત્રની યાદીમાં રાખ્યાં છે. ભારતને આ યાદીમાં જગ્યા મળી છે.

ફ્રીડમ હાઉસ અને ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યૂનિટ બંનેમાં ભારત વિશે અનેક બાબતો એકસરખી કહેવામાં આવી છે. બંનેએ કહ્યું છે કે ભારતમાં લોકતંત્ર નીચે જઈ રહ્યું છે અને સામાન્ય લોકોની આઝાદી પર હુમલા થઈ રહ્યાં છે. નાગરિકતા સંશોધન કાયદાથી લઈને કોરોના વાયરસને રોકવા માટે અપનાવવામાં આવેલી રણનીતિ સુધીમાં એવી ઘણી સુક્ષ્મ બાબતોને એજન્સીઓએ પકડી છે જેનાથી એ સાબિત થયું છે કે નાગરિકોની સ્વતંત્રતાને બાધિત કરવામાં આવી રહી છે. ફ્રીડમ હાઉસે પોતાનાં રિપોર્ટમાં ભારત વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, દેશમાં બોલવાની આઝાદી મામલે ભારતનું રેન્કીંગ સતત ત્રણ વર્ષથી નીચે જઈ રહ્યું છે. તેણે ઈન્ટનેટ સેવા બંધ કરવી, સરકાર સાથે અસહમત અવાજને દબાવવા અથવા તેમની આબરૂને ધક્કો પહોંચાડવા ડિજિટલ પ્લેટફોર્મો અને સોશિયલ મીડિયામાં ટાર્ગેટેડ હુમલા કરવા અને રાજકારણીઓ દ્વારા ખોટી કે અધૂરી માહિતીનો વ્યાપક પ્રસાર કરવાના ત્રણ ખતરાઓને ઉલ્લેખ કર્યો છે.

આ ખતરાઓ કાલ્પનિક નથી અને ન તો તેને અતિશ્યોક્તિભરી રીતે બતાવવામાં આવ્યાં છે. આ હકીકત છે કે ઈન્ટરનેટની સેવા બંધ કરવા મામલે ભારત દુનિયાનો નંબર વન દેશ બની ગયો છે. ગત વર્ષે આખી દુનિયામાં જેટલીવાર ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી તે પૈકી 70 ટકા મામલાઓ એકલા ભારતનાં હતાં. એક તથ્ય એ પણ છે કે 2016 પછી ભારતમાં દર વર્ષે દુનિયાનાં બીજા કોઈપણ દેશ કરતાં વધારે વખત ઈન્ટનેટ સેવા બંધ કરવામાં આવી છે. દર વખતે તેનાં માટે બે કારણો બતાવવામાં આવે છે – એક નાગરિકોની સુરક્ષા અને બીજું, કાયદો વ્યવસ્થા. આ માટે કેન્દ્ર સરકારે 2017માં ઈન્ડિયન ટેલીગ્રાફ એક્ટમાં સુધારો કર્યો અને એ જોગવાઈ કરી દીધી કે સંચાર સેવાઓને કામચલાઉ ધોરણે સ્થગિત કરી શકાય છે. ત્યારથી સતત સંદેશાવ્યવહારની સેવાઓને સ્થગિત કરવામાં આવી રહી છે. હાલ દિલ્હીની સરહદે દેશનાં અનેક રાજ્યોનાં ખેડૂતો આંદોલન પર બેઠા છે. કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલાં ખેડૂતોનું આ આંદોલન પાંચમી માર્ચે 100 દિવસની થઈ ગયું. આ સમયગાળામાં અનેકવાર પોલીસે કાયદો વ્યવસ્થાનાં નામે ઈન્ટરનેટ સેવા બંધ કે ધીમી કરી દીધી હતી. એ વખતે કોરોનાને કારણે બધી સ્કૂલો બંધ હતી અને બાળકો ઘરે બેસીને ઈન્ટરનેટ દ્વારા જ ભણી રહ્યાં હતાં, છતાં તેનો કોઈ વિચાર કરવામાં આવ્યો નહોતો.

એક રિપોર્ટ મુજબ નાગરિકોને ઈન્ટરનેટ એક્સેસ કરવાની આઝાદી મામલે ભારતમાં દુનિયાનાં અનેક એકાધિકારવાદી દેશો જેવા કે મ્યાનમાર, બેલારૂસ, અઝરબૈજાન વગેરે કરતાં પણ વધારે નિયંત્રણો છે. અસલમાં આ નાગરિકોની સુરક્ષા કે કાયદો વ્યવસ્થાનો મુદ્દો નથી. એવું પણ નથી કે સરકારને કશી ગતાગમ નથી પડતી એટલે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. વાસ્તવમાં એક સુવિચારિત યોજના અંતર્ગત ઈન્ટરનેટની સ્પીડ ધીમી કરવામાં આવી રહી છે અથવા તેની સેવા બંધ કરાઈ રહી છે. પછી તે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને દૂર કરવાનો મુદ્દો હોય, નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાનો મુદ્દો હોય કે ખેડૂત આંદોલન. દર વખતે સરકારે ઈન્ટરનેટ સેવા બંધ કરવાની અનુકૂળતાનો ઉપયોગ કર્યો. સરકારે તેનો ઉપયોગ લોકપ્રિય ચર્ચાને પ્રભાવિત કરવા માટે કર્યો. ઈન્ટરનેટ બંધ કરીને સરકારે લોકપ્રિય ચર્ચાને નિયંત્રિત કરી અને પરિણામે લોકોએ એજ જોયું-સાંભળ્યું જે સરકાર બતાવવા કે સંભળાવવા ઈચ્છતી હતી. એ હકીકત છે કે ભારત સૌથી ધીમી બ્રોડબેન્ડ સ્પીડ વાળા દેશોમાં સામેલ છે. દેશમાં ઈન્ટરનેટની પહોંચ પણ 50 ટકા આસપાસ છે અને ઉપરથી ઈન્ટરનેટ સેવા બંધ કરનારા દેશોમાં સળંગ 4 વર્ષથી ભારત અવ્વલ છે.

જ્યારે આટલેથી પણ ધાર્યું થતું ન લાગ્યું તો હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ, ઓટીટી અને સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાનો કાયદો લાવવામાં આવી રહ્યો છે. સરકારે તેનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને આગામી ત્રણ મહિનામાં તે કાયદો બની જશે. આ કાયદો લાગુ થયા પછી આ ત્રણેય પ્લેટફોર્મ સાથે જોડાયેલી ઈન્ટરમીડિયરી કંપનીઓ જેવી કે કન્ટેન્ટ પ્રોવાઈડર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર વગેરેએ અનેક પ્રકારનાં પ્રતિબંધોનો સામનો કરવો પડશે. ડિજિટલ અધિકારો માટે કામ કરનારી સંસ્થા ધ ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનએ આ કાયદાનાં ડ્રાફ્ટને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યો છે. આટલા ઉપાયો અને નિયંત્રણો છતાં જો કોઈ એવું કંઈક લખી કે બોલી દે જે સરકારને માફક નથી આવતું તો તેમની સ્થિતિ અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂ જેવી થાય છે.

Comments