ચમોલીની દુર્ઘટના કુદરતી નહીં, માનવસર્જિત હોનારત હતી

 


હિમાલયનાં શિખરો ઉપર અને તેની તળેટીમાં પણ કંઈક એવું થઈ રહ્યું છે, જેને આંખો બંધ કરીને વિકાસની દોડમાં લાગેલાં લોકો જોઈ નથી શકતાં. વારંવાર હિમાલય તરફથી પણ આ મામલે સંકેતો આપવામાં આવતાં હતાં. જૂન 2013માં હિમાલયનાં પહાડોમાં વર્તમાન સમયની સૌથી મોટી કુદરતી આપત્તિ આવી હતી. હજારો લોકો માર્યા ગયા હતાં અને પહાડોમાં ઘણું બધું નષ્ટ થઈ ગયું હતું. કમનસીબે આ ઘટનામાંથી ધડો લઈને કુદરત સાથે ચાલવા કે તેને અનુરૂપ નિર્માણ કરવાને બદલે સરકારોએ વધારે પાકું નિર્માણ શરૂ કરી દીધું. કેદારનાથ જતાં રસ્તાઓને વધારે સારા બનાવવાનાં નામે પાકાં બનાવાયા, હેલીપેડ નવા બનાવાયા અને વિકાસનાં નામે કોંક્રીટનાં બીજા પણ કેટલાક નિર્માણકાર્યો થયા. હવે બીજા સાત વર્ષ પછી ફરી એકવાર હિમાલયે આડેધડ થતાં બાંધકામો સામે ખતરાંનો સંકેત આપ્યો છે. આ વખતે ચમોલીમાં ગ્લેશિયર તૂટીને નદીમાં પડ્યું છે જેનાથી આવેલાં પૂરમાં હાઈડ્રો પાવરની બે પરિયોજનાઓ આખેઆખી તણાઈ ગઈ. નદીઓનાં કિનારે વસેલાં ગામોનાં ઘરો તણાઈ ગયા, મોટી સંખ્યામાં પશુઓ અને પશુપાલકોને નદીનો પ્રવાહ તાણી ગયો. ઓછામાં ઓછા નવ રાજ્યોનાં 200થી વધુ લોકો માર્યા ગયા કે ગુમ થઈ ગયા.

1991માં ઉત્તરકાશીમાં અને ફરી 1999માં ચમોલી જિલ્લામાં મોટો ભૂકંપ આવ્યો હતો. જેને પહાડો અને જંગલોમાં પ્રકૃત્તિનું સંતુલન ખોરવાવાનો સંકેત માની શકાય. પણ ત્યારેય કોઈ ધડો નહોતો લેવાયો. દુનિયાભરનાં ભૂકંપ વૈજ્ઞાનિકો અને પ્રકૃત્તિનું સંશોધન કરનારાં લોકો પહેલાં જ કહી ચૂક્યાં છે કે ઉત્તરાખંડનો આખો વિસ્તાર ભૂકંપની એવી ફોલ્ટ લાઈ પર છે જ્યાં ભૂકંપ, ભૂસ્ખલન કે ગ્લેશિયરનું તૂટવું સામાન્ય છે. મોટાં ભૂકંપ આવવાની શક્યતા પણ કાયમ રહે છે. પરંતુ સ્થાનિક લોકો આ વાત જાણવા છતાં તેને બચાવવા માટે ત્યાં વસતા રહ્યાં. ચિપકો આંદોલન સાથે સ્થાનિકોએ વિકાસનાં નામે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિનો વિરોધ કર્યો હતો. જો જંગલ અને પહાડો સાથે ચેડાં ન થયાં હોત તો ભૂકંપ કે ભૂસ્ખલન કે ગ્લેશિયર તૂટવાથી મોટું નુકસાન ન થાત. પરંતુ ચિપકો આંદોલનની વ્યાપક અસર છતાં આગળ જતાં વિકાસનાં નામે પહાડોને કાપવા, નદીઓનો રસ્તો બદલવો, જંગલો કાપવા, કોંક્રિટનું કામ, રસ્તા અને હોટલોનું બનવાનું ચાલું રહ્યું. કોઈને પહાડમાંથી નીકળતી નદીઓનું દોહન કરવું હતું તો કોઈને પહાડોની સુંદરતાનો ધંધામાં ઉપયોગ કરવો હતો. ક્યાંય હાઈડ્રો પાવરની પરિયોજનાઓ લાગી રહી હતી તો ક્યાંક પ્રવાસીઓ માટે હોટલો બની રહી હતી. વિકાસની આ આંધળી દોડનું કુલ જમા પરિણામ 2013ની કેદારનાથની ઘટના અને 2021ની ચમોલીની ઘટના છે.

વિકાસનાં નામે અસલ હિમાલય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. વિચારો, આખી દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તનનું સૌથી પ્રત્યક્ષ લક્ષણ શું છે? સ્પષ્ટ રીતે ગ્લેશિયરો એટલે કે હિમખંડોનું પીગળવું. એન્ટાર્કટિકાની જેમ હિમાલયમાં પણ બરફ ઓગળી રહ્યો છે. શું વિકાસનાં નામે હાઈડ્રો પાવરની પરિયોજના શરૂ કરી રહેલાં લોકોને એનો ખ્યાલ નથી? જો તેમને ખ્યાલ છે કે પૃથ્વીનું તાપમાન વધવા કે જળવાયુનાં ગરમ થવાની સૌથી પહેલી અસર ગ્લેશિયરો પર થઈ રહી છે પછી ગ્લેશિયરોની આટલી નજીક હાઈડ્રો પાવરની પરિયોજના શરૂ કરવાની મંજૂરી કેવી રીતે મળી? આ સવાલ સૌથી પહેલાં ઉઠાવવો જોઈતો હતો. ભલે દુર્ઘટના પછી પણ, પરંતુ આ સવાલ પૂછાવો જોઈએ. આ ગુનાઈત કૃત્ય છે કે ગ્લેશિયરોનાં પીગળવાની સ્પષ્ટ જાણકારી છતાં તેની આટલી નજીક હાઈડ્રો પાવરની પરિયોજના શરૂ કરવામાં આવી અને સેંકડો લોકોનાં જીવને જોખમમાં મૂકવામાં આવ્યા.

આમ તો હિમખંડોનાં પીગળવાથી બનતાં સરોવરોની સંખ્યા વધી રહી હોવાનો આજથી 15 વર્ષ પહેલાં જ આવી ગયો હતો. નેપાળનાં કાઠમંડુ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટે છેક 2005માં સેટેલાઈટ ઈમેજનાં આધારે જણાવ્યું હતું કે ઉતરાખંડમાં 127 ગ્લેશીયર સરોવરો છે. અર્થાત તે હિમખંડો પીગળવાથી બનેલાં છે. છતાં લાલચમાં આવેલાં લોકોએ તેનાં પર ધ્યાન નહોતું આપ્યું. 2010માં હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરમાં કામ કરતાં વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે હવે આ વિસ્તારમાં ગ્લેશિયર સરોવરોની સંખ્યા 362 થઈ ગઈ છે. મતલબ 5 વર્ષની અંદર તેની સંખ્યા બમણાંથી પણ વધી ગઈ હતી. છતાં આ મામલે આંખ આડા કાન કરવામાં આવ્યાં. હકીકતે જળવાયુ પરિવર્તનને કારણે સમગ્ર હિમાલય વિસ્તારમાં ગ્લેશિયરો પીગળી રહ્યાં છે અને તેનાં કારણે નાનાંમોટાં સરોવરો બની રહ્યાં છે. એટલે જ એમ કહેવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ કે ચમોલીની દુર્ઘટના એક માનવનિર્મિત હોનારત છે. તેને કુદરતી આપત્તિ કહેવી યોગ્ય નથી કેમ કે તે તો આ વિસ્તારમાં પહેલાં પણ આવતી હતી. ફરક એ છે કે તે કુદરતી આપત્તિઓ હતી અને કેદારનાથ કે ચમોલીની ઘટના માનવસર્જિત હોનારત છે. તેને માણસે પેદા કરી છે ને વધારી છે. જો હજુ પણ તેને કુદરતી હોનારતમાં ખપાવવા પ્રયત્નો થશે તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ નહીં રોકાય. તેને માણસનિર્મિત હોનારત માનવી જોઈએ અને એ તમામ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવી જોઈએ જે પહાડોમાં ચાલી રહી છે. જરૂરી નથી કે દરેક જગ્યાએ ઉદ્યોગો લગાવીને કે કોંક્રિટનું નિર્માણ કરીને જ વિકાસ થશે. વિકાસનાં વૈકલ્પિક રસ્તાઓ શોધવા પડશે જે પ્રકૃત્તિને અનુરૂપ હોય, નહીં કે તેની વિપરીત.

Comments