બજેટની આડમાં ‘સેલ ઈન્ડિયા’ની રમત!
યાદ છે, ભાજપનાં પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ
શાઈનિંગ ઈન્ડિયાનું સૂત્ર આપ્યું હતું, જેને દેશની જનતાએ ફગાવી દીધું હતું? આ સૂત્રનાં 17 વર્ષ પછી ભાજપનાં બીજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું
છે કે ઈન્ડિયાને શાઈનિંગ બનાવવું અઘરૂં છે એટલે બધું વેચી દઈએ. તેથી, આ વર્ષે
બજેટમાં ‘સેલ ઈન્ડિયા’નો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. ગત વર્ષે સરકારી કંપનીઓ વેચીને 2.10 લાખ
કરોડની કમાણીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પણ કોરોનાને કારણે પછી તેને
ઘટાડીને 32 હજાર કરોડ કરવામાં આવ્યો હતો. છેલ્લે સરકાર 19,499 કરોડ રૂપિયા જ ભેગાં
કરી શકી હતી.
આ વર્ષે સરકારી કંપનીઓને વેચીને 1.75 લાખ કરોડ રૂપિયા ભેગાં
કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સરકારે આ વખતે સાવચેતી રાખીને લક્ષ્ય ઓછું
બતાવ્યું છે પરંતુ કમાણી તેનાથી વધુ કરવાની છે. આવું એટલા માટે કેમ કે સરકાર આ
વખતે નફો કરતી ‘મહારત્ન કંપનીઓ’ને
વેચવા જઈ રહી છે. વાજપેયીની સરકારમાં પહેલીવાર જ્યારે આ મંત્રાલય અસ્તિત્વમાં
આવ્યું હતું ત્યારે એ સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યો હતો કે માત્ર ખોટ કરતી કંપનીઓ
જ વેચવામાં આવશે. જો કે હવે ખોટ કરતી કંપનીઓ કોઈ ખરીદી નથી રહ્યું અને નફો રળી
રહેલી સરકારી કંપનીઓનાં ચુનિંદા અને માનીતા ખરીદદારો મોજૂદ છે, એટલે તેમનાં વેચવા
પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નફો રળતી કંપનીઓની સાથોસાથ એવું પાયાનું માળખું
વેચવાનું પણ નક્કી થયું છે જેની જરૂરિયાત અમુક ચોક્કસ અને માનીતા ક્રોની
કેપિટાલિસ્ટોને છે.
સરકાર વીજળીની ટ્રાન્સમીશન લાઈનો વેચવા જઈ રહી છે. ગેસ
ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ગેલ) અને ઈન્ડિયન ઓઈલની પાઈપલાઈનો વેચવામાં આવશે. વેરહાઉસો
વેચાશે, એલઆઈસીનો હિસ્સો વેચાશે. બે સરકારી બેંકો વેચાવાની છે, દેશની બીજી સૌથી
મોટી તેલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને શિપિંગ કોર્પોરેશન ઓફ
ઈન્ડિયા પણ વેચાશે. કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને વેચવામાં આવશે. આઈડીબીઆઈ
બેંકનો હિસ્સો વેચવામાં આવશે. ભારત અર્થમુવર્સ લિમિટેડને વેચવાનું છે. એર ઈન્ડિયા
વેચવાનું છે. આ સિવાય સરકારની માલિકીની લાખો એકર જમીનોને વેચીને કે ભાડાપટ્ટે
આપવાની યોજના પણ તૈયાર છે જેનું કામ 2021-22 સુધીમાં પૂરું કરી લેવાનું છે.
સરકારને આટલાથી સંતોષ નથી. હાલ 23 સરકારી કંપનીઓને વેચવાનું કામ ચાલી રહ્યું છે
અને નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું છે કે નીતિ આયોગને કહેવામાં આવ્યું છે કે તેઓ
બીજી કંપનીઓની યાદી તૈયાર કરે જેને વેચી શકાય તેમ હોય.
વિચારો, સરકારે કેટલી ઉદારતા બતાવી છે, જેથી આટલી કંપનીઓને
વેચવાનો નિર્ણય કર્યા બાદ ટાર્ગેટ માત્ર 1.75 લાખ કરોડ રૂપિયાનો જ રાખ્યો છે? હકીકત એ છે કે સરકારને દેશની બીજી સૌથી મોટી તેલ કંપની બીપીસીએલમાં જ પોતાની
52 ટકા ભાગીદારી વેચવાથી 63 હજાર કરોડ રૂપિયા મળશે. આ કંપની દર વર્ષે આઠ હજાર કરોડ
રૂપિયા કમાઈ આપે છે. પણ સરકારને દર વર્ષે 8 હજાર કરોડ નથી જોઈતા. તે સોનાનું ઈંડુ
આપતી મરઘીને મારીને એકસાથે બધું લઈ લેવાની વૃત્તિ ધરાવે છે. આ જ રીતે ભારતીય જીવન
વીમા નિગમ એટલે કે એલઆઈસીમાં પોતાનો હિસ્સો વેચવા માટે સરકાર તેને શેરબજારમાં
લિસ્ટેડ કરશે. એ સાથે જ તે બજારની સૌથી મોટી મૂડી ધરાવતી કંપની બની જશે જેની
બજારમૂડી 10 લાખ કરોડ રૂપિયાની હોઈ શકે છે. હાલ જે ચર્ચા ચાલી રહી છે તે મુજબ જો
સરકાર એમાં 25 ટકા હિસ્સો પણ વેચે છે તો તેને 2.5 લાખ કરોડ રૂપિયા મળશે. આ આખી
પ્રક્રિયા માટે સરકાર આ સત્રમાં જ સંસદમાં ઠરાવ લાવશે. બે સરકારી બેંકોને વેચવા
માટે પણ સંસદની મંજૂરીની જરૂર પડશે. એ પણ સરકાર આ સત્રમાં જ લેશે. નાણાંમંત્રીએ
જણાવ્યું નથી કે કઈ બે બેંકો વેચવામાં આવશે પણ માનવામાં આવે છે કે દેશની બીજી સૌથી
મોટી બેંક પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાને વેચવાનો પ્રસ્તાવ આવી શકે છે.
અહીં એ યાદ રાખવું રહ્યું કે પંજાબ નેશનલ બેંકને બરબાદ કરવામાં મેહુલ ચોક્સી અને નીરવ
મોદીનો ખાસ રોલ છે. બેંકો અને નાણાંકીય સંસ્થાઓનાં વેચાણમાંથી સરકારને 1 લાખ કરોડ
રૂપિયા ભેગા કરવાના છે.
કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભારત સરકારની એક નાનકડી
કંપની છે જે 1988માં શરૂ કરવામાં આવી હતી. આ દેશની સૌથી મોટી લોજિસ્ટિક કંપની છે
જેના વેરહાઉસ અને ડિપો દરેક રેલવે રૂટ, હવાઈ રૂટ અને જળમાર્ગો પર છે. તે દર વર્ષે
સરકારને નફો રળી આપે છે, પણ સરકાર તેને સો ટકા વેચીને બહાર નીકળી જવા માંગે છે.
લોજિસ્ટિક, વેરહાઉસ, સંગ્રહ વગેરેનાં ધંધામાં જે ખાનગી કંપની સૌથી ઝડપથી આગળ વધી
રહી છે તે અદાણી ગ્રુપની છે. ભારતનું સૌથી મોટું લોજિસ્ટિક હબ ગુજરાતનાં સાણંદમાં
બની રહ્યું છે જેનો કોન્ટ્રાક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો છે. એવામાં એ અંદાજ
લગાવવો મુશ્કેલ નથી કે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વેચાશે તો કોની પાસે જશે.
સરકારી કંપનીઓને આટલાં મોટા પાયે વેચવાની યોજના પાછળ સરકારનો
તર્ક છે કે નકામી પડેલી સંપત્તિ કે ખોટમાં ચાલી રહેલી કંપનીઓ સરકાર પર બોજ છે અને તે
આર્થિક નુકસાન વધારવાનું કામ કરે છે. તેમને વેચવાથી સરકારને કમાણી થશે અને તેનાથી આર્થિક
નુકસાન ઘટાડવામાં સરળતા રહેશે. ઉપરાંત દર વર્ષે તેમને ચલાવ્યે રાખવા પાછળ થનારો
ખર્ચ પણ બંધ થઈ જશે તો વાર્ષિક ખોટ પણ ઓછી થઈ જશે.
સરકાર માની રહી છે કે જાહેર સાહસોને વેચીને ખાનગી સેક્ટરમાં રોકાણ માટે સારો માહોલ બનાવી શકાય છે. આ વર્ષે બજેટમાં કહેવામાં આવ્યું કે ખાનગી મૂડી આવશે તો તેની સાથે નવી ટેકનોલોજી અને વધુ સારું મેનેજમેન્ટ પણ આવશે, જેનાથી આર્થિક વિકાસની ગતિ તેજ થશે અને નવાં રોજગારો પેદા થશે. વિચારો, આ કેટલું મોટું જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે? શું આજ સુધીમાં એક પણ એવું ઉદાહરણ જોવા મળ્યું છે કે કોઈ સરકારી કંપની ખરીદીને ખાનગી કંપનીએ તેમાં રોજગારી વધારી હોય? વાસ્તવમાં સરકારી કંપની ખરીદતા જ ખાનગી કંપની તેમાં છટણી શરૂ કરી દે છે અને પછી ઓછા લોકોને, કોન્ટ્રાક્ટર પર, ઓછા વેતને રાખીને તેમનું શોષણ કરે છે. છતાં રોજગારી વધારવાનાં નામે સરકારી કંપનીઓ વેચવાને વ્યાજબી ઠેરવવામાં આવી રહ્યું છે. સરકાર કહી રહી છે કે ખાનગી રોકાણથી નવી ટેકનોલોજી અને વધુ સારું મેનેજમેન્ટ આવશે. ત્યારે સવાલ એ થાય કે સરકાર પોતે કેમ નવી ટેકનોલોજી કે ઉત્તમ મેનેજમેન્ટની વ્યવસ્થા નથી લાવી શકતી?

Comments
Post a Comment