એલઆઈસીને વેચવાનાં ‘સરકારી તર્ક’ સામે શંકાની સોય!

 


કેન્દ્ર સરકારની એલઆઈસીનો હિસ્સો વેચવાની જાહેરાતને લઈને દેશભરનાં સામાન્ય માણસનાં મનમાં ચિંતા પેઠી છે. સરકાર ભલે ગમે તેવાં દાવા કરે પરંતુ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી ઓફ ઈન્ડિયાને વેચવાનાં બધાં તર્ક ફાલતુ છે. સિવાય કે સરકારને પોતાનું આર્થિક નુકસાન ઓછું કરવા અને જરૂરી કામ ચલાવવા માટે રૂપિયાની જરૂર છે. નાણામંત્રી ભલે ગમે તે કહે, હકીકત એ છે કે કોરોના વાયરસનાં સમયમાં વિકાસ દર ઘટ્યો તો સરકારની આવક ઓછી થઈ અને સામે ખર્ચમાં ઘટાડો કરી શકાયો નહીં. જેનું પરિણામ એ આવ્યું કે આર્થિક નુકસાન જીડીપીનાં 9.5 ટકા બરાબર થઈ ગયું. સરકારે નાણાંકીય વર્ષ 2020-21માં સરકારી કંપનીઓને વેચીને 2 લાખ 10 હજાર કરોડ રૂપિયા કમાવાનો ટાર્ગેટ રાખ્યો હતો પણ કોરોનાને કારણે તેણે તે ઘટાડીને 60 હજાર કરોડ કર્યો, છેલ્લે એમાં પણ માત્ર 19 હજાર કરોડ રૂપિયાની આવક થઈ. આમ એ ટાર્ગેટમાં 40 હજાર કરોડ ઓછાં રહ્યાં અને આગામી નાણાંકીય વર્ષ એટલે કે 2021-22માં 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

એવામાં સરકાર જો કોઈ તગડો નફો કમાતી કંપની કે તેનાં શેર વેચે નહીં તો તેનું લક્ષ્ય ફરી પૂરું નહીં થાય અને ત્યારે આગળનાં નાણાંકીય વર્ષમાં આર્થિક નુકસાન 6.8 ટકા સુધી રાખવાનો ટાર્ગેટ પણ પુરો નહીં થાય. એલઆઈસીને શેરબજારમાં લિસ્ટેડ કરાવીને અને આઈપીઓ લાવીને તેમાં પોતાનો હિસ્સો વેચવાનું પહેલું અને મુખ્ય કારણ આ છે. આ સિવાય એ પણ કારણ હોઈ શકે છે કે સરકારનાં કોઈ માનીતા ઉદ્યોગપતિનો વીમા ક્ષેત્રમાં રસ જાગી ગયો હોય. અહીં એ યાદ રાખવું રહ્યું કે એલઆઈસી અત્યારે સો ટકા ભારત સરકારની કંપની છે અને બીજી કંપનીઓ કરતાં તે એ રીતે અલગ છે કે તેની પાછળ ભારત સરકારની સોવરન ગેરંટી છે. 1956માં તેને બનાવતી વખતે જવાહરલાલ નહેરૂની સરકારે તેની પાછળ પોતાની ગેરંટી આપી હતી જેથી કરીને લોકોમાં વિશ્વાસ બેસે. એ અલગ વાત છે કે 65 વર્ષનાં ઈતિહાસમાં એલઆઈસીએ ક્યારેય પણ ભારત સરકારની સોવરન ગેરંટીનો ઉપયોગ નથી કર્યો. તેણે પોતાનાં દમ પર ભારતનાં કરોડો લોકોનો ભરોસો હાંસલ કર્યો. એ ત્યાં સુધી કે ખાનગી સેક્ટરની દુનિયાની તમામ મોટી કંપનીઓ વીમા કારોબારમાં આવી ગઈ અને ભારતની અનેક મોટી અને વિશ્વાસપાત્ર કંપનીઓ સાથે તેમણે ભાગીદારી કરી તેમ છતાં તે એલઆઈસીનાં બજારને તોડી ન શકી. આજે પણ ભારતમાં થનારા જીવન વીમામાં 74 ટકા ભાગીદારી એલઆઈસીની છે અને કુલ પ્રીમિયમમાં તેનો હિસ્સો 68 ટકા છે. દેશ અને દુનિયાની તમામ મોટી કંપનીઓ વીમાનાં કારોબારમાં હોવા છતાં એલઆઈસીનાં વીમાધારકોની સંખ્યા 40 કરોડથી વધુ છે. તેની વીમા સંપત્તિ 32 લાખ કરોડ રૂપિયાની છે અને આવક સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની છે. પોતાની જાહેર જવાબદારી નિભાવતાં કંપનીએ પણ પોતાની વીમા સંપત્તિનો 75 ટકા હિસ્સો ભારત સરકારનાં અગત્યનાં પ્રોજેક્ટોમાં લગાવેલાં છે.

હાલ વીમાનો ધંધો કરી રહેલી ખાનગી કંપનીઓમાં દાવાઓનો નિકાલ કરવાનો સૌથી સારો રેકોર્ડ જે કંપનીનો છે તેણે પણ 70 ટકા દાવાઓનો જ નિકાલ કર્યો છે. જ્યારે એલઆઈસીએ 98 ટકા દાવાઓનો નિકાલ કર્યો છે. એનો અર્થ એવો થાય કે ખાનગી વીમા કંપનીઓ હજુયે એવી જ રીતે નફો કમાવામાં અને લોકોને હેરાન કરવામાં લાગેલી છે જે રીતે 1956માં રાષ્ટ્રીયકરણ પહેલાં લાગેલી હતી. 1956માં જ્યારે નહેરૂ સરકારે દેશમાં બિલાડીનાં ટોપની જેમ ફેલાયેલી વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે આ કંપનીઓ સામે સૌથી મોટી ફરિયાદ એજ હતી કે તેઓ વીમાનાં દાવાઓનો નિકાલ નહોતી કરતી અને જ્યારે દાવાની રકમ વધારે થઈ જતી તો પોતાને નાદાર જાહેર કરી દેતી હતી. જેમાં સામાન્ય લોકોનાં પરસેવાની મૂડી ડૂબાઈ જતી. આ સમસ્યામાંથી જનસામાન્યને બચાવવા માટે 1956માં પાંચ કરોડની મૂડી સાથે સરકારે એલઆઈસીની શરૂઆત કરી હતી. કહેવાની જરૂર નથી કે આજે પણ ખાનગી કંપનીઓ નફો રળવામાં લાગેલી છે અને એલઆઈસી પોતાની સ્થાપનાનાં સમયે જાહેર કરેલાં લક્ષ્યાંકો પુરાં કરી રહી છે.

જો આવી કંપનીનાં શેર વેચવા માટે સરકાર એ તર્ક આપી રહી હોય કે તેનાથી મૂડી આવશે જેનાથી કંપની મજબૂત બનશે તો શું કહેવું? કેમ કે એલઆઈસી પાસે ખુદની મૂડી જ એટલી છે કે તે કેન્દ્ર સરકારનું કરજ લેવાની કુલ ક્ષમતાનાં 25 ટકા જેટલો ભાર એકલી વહન કરી શકે છે. સ્વાભાવિક છે એલઆઈસીએ પોતાનો બિઝનેસ વધારવા કે તેને વધુ સારો બનાવવા માટે બજારમાંથી મૂડી ઉભી કરવાની જરૂર નથી. વાસ્વતમાં બજારને મૂડીની જરૂર છે જેથી સરકાર તેનાં દ્વારા અર્થતંત્રની ચમકદાર છબિ બતાવી શકે. આ સિવાય સરકારને પોતાની જરૂરિયાતો માટે મૂડીની જરૂર છે. જેથી તે આર્થિક ખોટને પોતાનાં જાહેર કરેલાં ટાર્ગેટનાં દાયરામાં રાખી શકે.

નાણાંમંત્રીએ એક કારણ એ પણ જણાવ્યું છે કે શેરબજારમાં લિસ્ટેડ કરવાથી એલઆઈસીનાં કામકાજમાં પારદર્શિતા આવશે અને તેનું સંચાલન પણ સુધરશે. સવાલ એ છે કે એલઆઈસીનાં સંચાલનને લઈને વીમાધારકોની શું ફરિયાદ છે જેનાં કારણે તેનું સંચાલન સુધારવાની જરૂર છે? બીજું, શું શેરબજારમાં લિસ્ટેડ થવું સારાં સંચાલનની ગેરંટી હોય છે? જો એવું છે તો નાદાર થઈ રહેલી બેંકો અને નાણાંકીય સંસ્થાઓ વિશે શું કરી શકાય? દેશની અનેક બેંકો લિસ્ટેડ છે અને તેમની એનપીએ લાખો-કરોડો રૂપિયામાં હશે. દેશની બે સૌથી મોટી નાણાકીય સંસ્થાઓ IL&FS અને DHFL પણ શેરબજારમાં લિસ્ટેડ હતી અને બંનેએ દેવાળું ફૂક્યું. એકની ઉપર 91 હજાર કરોડનું અને બીજી પર 80 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું. આમ, એ પણ બહુ ફાલતુ તર્ક છે કે શેરબજારમાં લિસ્ટેડ થવાની એલઆઈસીનાં કામકાજમાં શિસ્ત આવશે. તેનું કામકાજ પહેલેથી જ ખૂબ સારું રહ્યું છે.

નાણામંત્રીએ એ પણ કહ્યું છે કે એલઆઈસીને શેરબજારમાં લિસ્ટેડ કરવાથી સામાન્ય રોકાણકારોને ફાયદો થશે. સવાલ એ છે કે આ સામાન્ય રોકાણકારો કોણ છે? જે બેંકોમાં અને પોસ્ટમાં નાનીમોટી બચત યોજનાઓમાં પૈસા લગાવી રહ્યાં છે તે, કે પછી શેરબજારમાં લાખો-કરોડોનો સટ્ટો રમી રહ્યાં છે તેઓ? અહીં એ યાદ રાખવું રહ્યું કે શેરબજારની રમતમાં ત્રણ-ચાર કરોડથી વધુ લોકો સામેલ નથી. તો પણ સરકાર તેમને સામાન્ય રોકાણકાર માનીને તેમની ભલાઈ માટે એલઆઈસીમાં પોતાની ભાગીદારી વેચી રહી છે. જ્યાં સુધી વીમાધારકો અને કર્મચારીઓનાં ફાયદાનો તર્ક છે, તો એ પણ અત્યાર સુધી સારી રીતે ચાલી રહ્યો છે. પરંતુ એ ગેરંટી ન આપી શકાય કે ખાનગીકરણની શરૂઆત થયા પછી પણ બધું પહેલાંની જેમ ચાલતું રહેશે.


Comments