ચીન મામલે ભારત સરકાર શું કરી રહી છે?

 


હમણાં ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને યાદ કરાવ્યું હતું કે કોરોનાની રસીનાં પ્રચારમાં લાગેલી સરકાર એ ભૂલી તો નથી ગઈને કે દેશનું અર્થતંત્ર પતી ગયું છે અને ચીન લદ્દાખમાં ભારતની ચાર હજાર વર્ગ કિલોમીટર જમીન પર કબ્જો કરી લીધો છે. આ ખરેખર ચિંતાનો વિષય છે કે કોરોનાની રસીનાં પ્રચારમાં અર્થતંત્ર અને ચીનની ચિંતા તદ્દન હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. ગયા વર્ષે કોરોના વાયરસનાં રોગચાળા વચ્ચે પણ ચીનની ઘૂસણખોરી અને ભારતની જમીન પર કબ્જો કરવાનાં તેનાં પ્રયત્નોની ચર્ચા થતી રહી હતી. સરકાર પણ સેના કે કૂટનીતિક ચેનલો દ્વારા અવરોધો દૂર કરવાના પ્રયત્નો કરતી દેખાઈ રહી હતી. પણ હવે ચીન મોરચે શું થઈ રહ્યું છે તે કોઈને ખબર નથી. લાંબા સમયથી બંને દેશો વચ્ચે સૈન્ય કમાન્ડ સ્તરની વાતચીત નથી થઈ. એનો મલતબ છે કે સ્થિતિ જેમની તેમ બનેલી છે.

લદ્દાખમાં પેંગોગ સરોવર અને દેપસાંગનાં વિસ્તારમાં યથાસ્થિતિ રહેવાનો નવો મતલબ એ છે કે ચીન આપણી સરહદમાં ઘુસીને, આપણી જમીન પર કબ્જો કરીને બેઠું છે અને તમામ પ્રયત્નો છતાં પાછું નથી હટી રહ્યું. તે પાછું નથી હટી રહ્યું તેનું પરિણામ એ આવ્યું છે કે ભારતનાં 80 હજારથી એક લાખ જવાનો હિમાલયની ઊઁચી બરફાચ્છાદિત ટોચો પર બેઠાં છે. માઈનસ 40 ડિગ્રીની ઠંડીમાં ભારતનાં જવાનો આટલી કપરી પરિસ્થિતિ વચ્ચે અડીખમ છે. સામાન્ય રીતે નવેમ્બરમાં ઠંડી અને બરફવર્ષા શરૂ થયા બાદ આપણા જવાનો પાછા હટતા હોય છે. પણ આ વખતે ચીને એવો પડકાર પેદા કર્યો છે કે મજબૂરીમાં ભારતીય સૈનિકોએ ઊંચાં બર્ફીલા શિખરો પર ફરજિયાત રોકાણ કરવું પડી રહ્યું છે. ભારતીય સૈનિકો ચીની આર્મીને આગળ વધતી રોકવા માટે ત્યાં બેઠાં છે. પણ અસલી પ્રયત્ન તો ચીનને પાછા ધકેલવાનો હોવો જોઈએ. જો ચીન પાછું નથી હટતું તો સવાલ એ થાય કે એપ્રિલ 2020 પહેલાની યથાસ્થિતિ કેવી રીતે થશે?

દરમિયાન ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને કહ્યું છે કે તેઓ યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર રહે. તેમણે તેમણે યુદ્ધાભ્યાસ વધારે કરવા, લક્ષ્યવેધની તાકાત વધારવા અને હાઈએલર્ટ પર રહેવાનો સંદેશ આપ્યો. બની શકે આ નવા વરસ નિમિત્તે રૂટીન સંદેશ હોય. પણ વિચારો, ચીને કોની સામે યુદ્ધ માટે તૈયાર રહેવાનું છે?ચીનનાં આસપાસનાં દેશો જેવા કે ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન વગેરે સાથે  દોસ્તીનાં સંબંધો છે અને બાકી રહેલાં દેશો એટલાં નાનાં છે કે ચીન તેમની દુશ્મનીની પરવા નથી કરતું. આમ, ચીનની કોઈપણ તૈયારીનું એકમાત્ર નિશાન ભારત છે.

આ વાતને દુનિયાનાં દેશો સમજી રહ્યાં છે. એટલે જ અમેરિકી સંસદમાં આને લઈને એક કાયદો બનાવવામાં આવ્યો છે. થોડાં દિવસો પહેલાં બનેલાં આ કાયદામાં ચીનને કહેવામાં આવ્યું છે કે તે ભારત પ્રત્યે આક્રમક વલણ બંધ કરે અને લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તે જે કરી રહ્યું છે તે બંધ કરે. વિચારો, સાત સાગર પાર અમેરિકાએ ચીનનો ઈરાદો સમજી લીધો, તેને ખબર છે કે લદ્દાખમાં એલએસી પર ચીન ગુંડાગર્દી કરી રહ્યું છે, પણ ભારત સરકાર શું કરી રહી છે?શું ભારત સરકારે પણ સંસદમાં આ મામલે ખુલ્લી ચર્ચા કરાવીને દેશને વાસ્તવિકતા જણાવીને ચીન વિરૂદ્ધ કોઈ કાયદો ન બનાવવો જોઈએ?જો કે ભારત સરકાર એ વાત માનવા રાજી નથી કે ચીને આપણી જમીન હડપી લીધી છે. વડાપ્રધાનથી લઈને રક્ષામંત્રી સુધીનાં બધં વારંવાર એક જ વાતનું રટણ કરી રહ્યાં છે કે, ન કોઈ ભારતની સરહદમાં ઘુસ્યું છે ન કોઈ ઘુસી આવ્યું છે. અથવા એક ઈંચ જમીન પણ કોઈને લેવા નહીં દઈએ.

એવામાં સવાલ એ થાય કે જે જમીન ચીને લઈ લીધી એનું શું? શું સરકાર ચીન પાસેથી પોતાની જમીન છોડાવવા માટે કશું નહીં કરે?શું સરકાર એમ સમજી રહી છે કે ચાઈનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દેવાથી ચીન પર એટલું દબાણ સર્જાશે કે તે ભારત સામે ઝૂકી જશે અને હડપ કરેલી જમીન પાછી આપી દઈને પરત ફરી જશે?અત્યારે તો સમાચાર આવ્યાં છે કે દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટમાં ભારત સરકારે એક ચીની કંપનીને 1100 કરોડનો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. એનો મતલબ છે કે ભારતની જમીન તફડાવી લેનારી ચીનની કાર્યવાહીનાં જવાબમાં ભારત સરકાર તેની સામે લશ્કરી કાર્યવાહી તો નથી કરી રહી, તેની ઉપર કોઈ આર્થિક બોજો પણ નથી નાખી રહી.

કૂટનીતિ કે મુત્સદ્દીગીરીમાં પણ ક્યાંય એવું નથી દેખાઈ રહ્યું કે ચીનને બેકફૂટ પર લાવવા માટે ભારત કોઈ પગલાં લઈ રહ્યું છે. અમેરિકાએ ભારતની સામે આક્રમકતા બંધ કરવા માટે ચીન વિરોધી કાયદો બનાવતા પહેલાં તિબેટને લઈને પણ એક કાયદો બનાવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે દલાઈ લામાની પસંદગી કરવી અને તેને કામકાજ સોંપવું સંપૂર્ણપણે વર્તમાન દલાઈ લામાનો અધિકાર છે અને તેમાં ચીન કોઈપણ રીતે દખલ ન દઈ શકે. પણ ભારતની હિંમત નથી થઈ રહી કે તે પોતાના દેશમાં છેલ્લાં 63 વર્ષથી રહી રહેલાં દલાઈ લામા સાથે આ રીતે ખડું રહી શકે, પરંતુ ભારતમાં તો તેનાથી ઉલટું થઈ રહ્યું છે. ચીનની ચિંતામાં વડાપ્રધાને દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું પણ બંધ કરી દીધું છે ત્યારે ભારત તેમનાં હિતની લડાઈ કેવી રીતે લડી શકે છે?અમેરિકાએ કાયદો બનાવ્યો તો તેને કંઈપણ કહેવાની ચીનની હિંમત ન થઈ, પણ ભારતીય મીડિયામાં આ સમાચાર છપાયા તો ચીને પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય મીડિયાને ધમકી આપી અને એ પછીથી સરકારની જેમ જ મીડિયામાં પણ ચોતરફ મૌન છવાઈ ગયું.

ભારતનાં મૌન કે ખોટા પ્રચારનું પરિણામ એ આવ્યું છે કે ચીનની હિંમત વધતી જઈ રહી છે. તે માત્ર પૂર્વી લદ્દાખમાં ભારતની જમીન કબજે કરીને શાંત બેસનારું નથી. તે ધીરેધીરે સમગ્ર વિસ્તાર પર કબજો કરવાની પોતાની દક્ષિણ ચીન સમુદ્દવાળી નીતિ હિમાલય સુધી લઈ આવ્યું છે. તેણે લદ્દાખથી લઈને સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશ સુધી પોતાના પગ ફેલાવી દીધા છે. તેણે દોકલામમાં ભારતની જમીન કબ્જે કરી છે અને ભારતની સરહદમાં માઈલો સુધી ઘુસણખોરી કરી છે. આ વાત અનેકવાર ભાજપનાં પોતાના સાંસદ તાપિર ગાવોએ કહી છે. ભારતની સીમા પર ચીન ગામડાં બનાવી રહ્યું છે અને ત્યાં પોતાના લોકોને વસાવી રહ્યું છે. કરજ આપીને દેશોને ગુલામ બનાવવાની પોતાની ડેટ ટ્રેપ ડિપ્લોમસી અંતર્ગત તેણએ જે રીતે પાકિસ્તાનનું ઓશિયાળું બનાવ્યું છે તેવી જ રીતે નેપાળને પણ બનાવ્યું છે. મ્યાનમારથી લઈને શ્રીલંકા અને બાંગ્લાદેશ સુધીનાં દેશોને તેણે ઉધાર આપીને તેમનાં પર પોતાનો અહેસાન વધાર્યો છે. ચીની સૈન્ય વિસ્તારવાદી નીતિઓ પર ચાલીને ભારતની સીમાઓ પર ચોતરફથી જમીન પર કબ્જો કરી રહ્યું છે, જેનાં જવાબમાં ભારત કોઈપણ સૈન્ય કે કૂટનીતિક પહેલ નથી કરી રહ્યું.

Comments