ખેડૂત આંદોલન મુદ્દે હજુ નજીકમાં કોઈ સમાધાન દેખાતું નથી
કેન્દ્ર સરકાર
અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચેની મંત્રણાઓ દ્વારા હજુ નજીકનાં ભવિષ્યમાં કોઈ
સમાધાન નીકળતું દેખાતું નથી. ખેડૂતોની જિંદગી અને આજીવિકાનાં સંઘર્ષ સામે સરકારનાં
અહમની ટક્કર એ સ્તરે પહોંચી ગઈ છે કે તેની આગળ કોઈ રસ્તો નથી. ખેડૂતો પોતાનાં
અસ્તિત્વ માટે નિર્ણાયક લડાઈ લડી રહ્યાં છે અને સરકાર પહેલીવારમાં જ એવો દાખલો
બેસાડવા માંગે છે કે ફરી કોઈ આ રીતે તેની વિરૂદ્ધ બળવો કરવાની હિંમત ન કરે. આ
અચાનક નથી કે સરકારનાં સમર્થકો અને આ મામલામાં તટસ્થ અથવા અમુક હદ સુધી ખેડૂતો
પ્રત્યે સહાનુભૂતિ રાખનારાં પણ એ વાત કરતાં જોવા મળી રહ્યાં છે કે જો સરકારે આંદોલન
સામે ઝૂકીને કાયદાઓને રદ કરી દીધાં તો એક પ્લેટફોર્મ ઉભું થશે અને પછી કોઈપણ આ
રીતે રસ્તા પર બેસીને સરકાર પર કાયદા બદલાવવાનું દબાણ કરશે.
એ પણ આકસ્મિક નથી
કે દિલ્હીની કડકડતી ઠંડી વચ્ચે પડી રહેલાં આકરા વરસાદ છતાં સરકાર તરફથી કોઈએ પણ
ખેડૂતોનાં હાલ જાણવાની તસ્દી લીધી નથી. લોકતંત્રનો તકાજો છે અને લોક કલ્યાણકારી
સરકારની જવાબદારી છે કે તેઓ મુશ્કેલી ભોગવી રહેલાં પોતાનાં નાગરિકોની કાળજી લે.
આંચકાજનક વાત છે કે દેશનાં અનેક રાજ્યોનાં હજારો નહીં પણ લાખો ખેડૂતો દિલ્હીનાં
ચારેબાજુનાં સીમાડાઓ પર દોઢ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યાં છે પણ ન તો સરકાર
તરફથી તેમની કાળજી લેવા કોઈ પહોંચ્યું છે
ન તેમનાં પ્રત્યે સહાનુભૂતિનો એક શબ્દ સાંભળવા મળ્યો છે.
આ સંયોગ છે કે
ખેડૂતોનું આંદોલન એજ વિસ્તારમાં થઈ રહ્યું છે જે વિસ્તારમાં કાવડ યાત્રા દરમિયાન
તંત્ર દ્વારા હેલિકોપ્ટર દ્વારા ફૂલ વરસાવવામાં આવે છે, પરંતુ આજે એજ તંત્ર
ખેડૂતોની સામે દંડા લઈને ઉભું છે. ખેડૂતોનાં ટ્રેક્ટરો રોકવામાં આવી રહ્યાં છે,
જપ્ત કરી લેવાય છે, નામ પૂછીને નોટિસ અપાય છે અને કસ્ટડીમાં પણ લેવામાં આવી રહ્યાં
છે. અનેક પ્રકારની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે આંદોલન કરી રહેલાં ખેડૂતોને પાણીની પણ
મદદ કરવા વહીવટી તંત્ર નથી પહોંચ્યું. ભાજપનાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદોમાં
એટલી માણસાઈ નથી જાગી કે તેઓ ખેડૂતોનાં ખબરઅંતર પૂંછવા જાય. બની શકે કે માણસાઈ
જાગી પણ હોય, પણ પોતાના સુપ્રીમોની નારાજગી વહોરવાની હિંમત ન જાગી શકી હોય. એવા પણ
કોઈ સમાચાર નથી આવ્યા કે કૃષિ મંત્રી, જેમનાં વિભાગમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન
બન્યાં પછી ‘કિસાન કલ્યાણ’નો જુમલો
જોડાવ્યો હતો, તેમણે પણ ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે કોઈ ચિંતા વ્યક્ત કરી હોય.
આંદોલન દરમિયાન આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 60 ખેડૂતોનાં મોત થઈ ચૂક્યાં છે પણ
દેશનાં 130 કરોડ નાગરિકોનાં હિત માટે રાતદિવસ એક કરનારાં વડાપ્રધાનનાં મોંએથી
તેમનાં માટે સહાનુભૂતિનો કોઈ શબ્દ સાંભળવા નથી મળ્યો. આ કમનસીબી છે કે સરકાર માટે
અને આખા સત્તાધારી પક્ષ માટે આંદોલન કરી રહેલાં ખેડૂતો દુશ્મન જેવા થઈ ગયા છે અને
એટલે તેમની સાથે તેવો જ વ્યવહાર કરાશે જેવો દુશ્મન સાથે કરવામાં આવે છે.
અત્યાર સુધી
થયેલી સાત-આઠ રાઉન્ડની વાતચીત, સરકારી અને સત્તાધારી પક્ષનાં વિશાળ તંત્ર અને
મીડિયા દ્વારા કરવામાં આવી રહેલાં પ્રોપેગેન્ડા પરથી એવું લાગી રહ્યું છે કે સરકાર
સહાનુભૂતિ સાથે ખેડૂતોની માંગણીઓ પર વિચાર કરવા માટે તૈયાર નથી. સરકારનો રસ કોઈપણ
રીતે આંદોલન ખતમ કરાવવા અને ખેડૂતોને ત્યાંથી દૂર કરવામાં છે. એટલે જ 4
જાન્યુઆરીની વાતચીતમાં ચાર કલાક સુધી સામસામે બેસવા છતાં મંત્રણા એક ઈંચ પણ આગળ ન
વધી અને બેઠકમાંથી નીકળ્યાંનાં તરત બાદ
ખેડૂત નેતાઓએ એ પણ કદી દીધું કે આગળની વાતચીતમાંથી પણ કશું વળવાનું નથી.
આવું એટલા માટે
છે કેમ કે ખેડૂતોને સરકારનું વલણ સમજમાં આવી ગયું છે. સરકારે 4 જાન્યુઆરીએ
ખેડૂતોને કહી દીધું હતું કે તે માત્ર તેમની વાતો સાંભળીને કાયદાઓ નહીં બદલી દે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે દેશનાં ઘણાં ખેડૂતો કૃષિ કાયદાની
તરફેણમાં છે. શું આનાથી ખેડૂત નેતાઓ એ નહીં સમજી ગયા હોય કે સરકાર તેમનાં આંદોલનની
ચિંતા નથી કરી રહી? એવી જ રીતે ખેડૂતોએ તમામ ખેતપેદાશો માટે
ટેકાનાં ભાવની ગેરંટીની વાત કરી તો કૃષિમંત્રીએ કહ્યું હતું કે તેઓ તેના પર ચર્ચા
માટે તૈયાર છે. સવાલ એ છે કે ખેડૂતો ક્યાં ભરોસે ચર્ચા કરે, જ્યારે 8 ડિસેમ્બરે જ
કેન્દ્રીય ગૃહમંત્રી તેમની સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહી ચૂક્યાં હોય કે સરકાર તમામ
ખેતપેદાશો પર ટેકાનાં ભાવ નથી આપી શકે તેમ કેમ કે તેનાં માટે રૂ. 17 લાખ કરોડની
જરૂર પડશે.
આમ સરકારનાં
જેટલાં મોં છે એટલાં મોંએ અલગ અલગ વાતો થઈ રહી છે. સામે ખેડૂતોનાં 41 સંગઠનોનાં
નેતાઓ સરકાર સાથે વાતચીત કરવા જઈ રહ્યાં છે અને બધાં એક જ વાત કરી રહ્યાં છે. એવામાં
એ સમજવું મુશ્કેલ નથી કે આવું કેમ થઈ રહ્યું છે. આવું એટલાં માટે થઈ રહ્યું છે કેમ
કે સરકાર ટાઈમ પાસ કરી રહી છે. તેને લાગી રહ્યું છે કે ખેડૂતો થાકી જશે, તૂટી જશે
અને છેલ્લે જે મળશે તેને સ્વીકારીને પરત ફરી જશે. પણ ખેડૂતોમાંથી કમ સે કમ અત્યાર
સુધી તો ભાંગી પડવાનાં કે ઝૂકી જવાનાં કોઈ સંકેતો નથી મળી રહ્યાં. બદલાતું હવામાન
પણ તેમને ડગાવી શક્યું નથી. હવે એવી શક્યતાઓ પણ નથી કે કોઈ અદાલતી ચૂકાદા દ્વારા
બળજબરીપૂર્વક તેમને ખસેડવામાં આવે. એવામાં હવે એક જ રસ્તો બચે છે અને તે છે
સમાધાનનો. સરકારે પોતાનો અહંકાર છોડવો પડશે કેમ કે ખેડૂતો પોતાની જિંદગી અને
આજીવિકા નથી છોડી શકતાં. સરકાર પોતાનો ઈગો છોડીને એ સ્વીકારે કે ત્રણેય કૃષિ
કાયદાઓમાં ખામી છે. ખેડૂતો પ્રત્યે સાચી સહાનુભૂતિ દર્શાવે, તેમની વિરૂદ્ધ
દુષ્પ્રચાર બંધ કરે, કૃષિ કાયદાનાં ફાયદાનો જૂઠો પ્રચાર પણ બંધ કરે અને ખરેખર ખુલ્લાં
દિલથી વાત કરે ત્યારે જ કોઈ રસ્તો નીકળશે. બાકી જેટલું મોડું કરશે, નુકસાન એટલું જ
મોટું હશે.



Comments
Post a Comment