ખેડૂતોને ગુલામ બનાવવાની કોર્પોરેટ આઝાદી
હિન્દીનાં જાણીતા કટાક્ષકાર સંપત સરલ મીડિયા માટે કહે છે કે ‘વહ દિખતા દિયે કે સાથે હૈ પર હોતા હવા કે સાથ હૈ’. આ જ વાત વર્તમાનમાં ખેતી સંબંધિત બિલો મામલે કેન્દ્ર સરકાર માટે કહી શકાય. તે જાહેરમાં ખેડૂતો સાથે હોવાનો દાવો કરી રહી છે પણ ઉભી છે કોર્પોરેટો સાથે. વડાપ્રધાને આ બિલોને લઈને કહ્યું છે કે તે ખેડૂતોની આઝાદીનાં બિલો છે, પણ વાસ્તવમાં તે કોર્પોરેટોની આઝાદીનાં કાયદા છે. અગાઉ મલ્ટિનેશનલ ફૂડ અને એક્સપોર્ટર કંપનીઓ એક નિશ્ચિત માત્રાથી વધુ કોઈપણ ઉપજ ખરીદીને સંગ્રહખોરી નહોતી કરી શકતી, પણ હવે સરકારે તેમને આ બંધનમાંથી મુક્ત કરી દીધી છે. હવે તે મનફાવે તેટલી સંગ્રહખોરી કરી શકે છે. એવી જ રીતે કંપનીઓને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કે કરાર આધારિત ખેતી માટે રાષ્ટ્રીય સ્તરનાં કાયદાની જોગવાઈ ઉપલબ્ધ નહોતી તે પણ સરકારે તેમને ઉપલબ્ધ કરાવી દીધી છે.
કેન્દ્ર સરકારે ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એડ ફેસિલિટેશન) બિલ 2020 દ્વારા ખાનગી કંપનીઓ અને મોટા કોર્પોરેટ ગૃહોને મીનીમમ સપોર્ટ પ્રાઈઝ(MSP) અર્થાત ગુજરાતીમાં જેને આપણે ટેકાનાં ભાવ કહીએ છીએ તે મુજબ ખરીદી કરવાની જવાબદારીમાંથી પણ આઝાદ કરી દીધાં છે. એ પછી બીજા બિલ ‘ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસેઝ બિલ 2020’થી મોટા કોર્પોરેટ ગૃહોને ખેડૂતોની જમીન લઈને તેનાં પર ખેતી કરવા અને ખેડૂતોને મજૂરોમાં પરિવર્તિત કરી દેવાની આઝાદી આપી છે. ત્રીજું બિલ ‘અમેડમેન્ટ ઓફ 1955 ઈસેન્શિએલ કોમોડિટી એક્ટ’નું છે. જેનાં દ્વારા સરકારે કંપનીઓને સંગ્રહખોરીનો ખૂલ્લો અધિકાર આપી દીધો છે અને એ રીતે દાયકાઓની મહેનત પછી મળેલ ખાદ્ય સુરક્ષાને ખતરામાં નાખી દીધી છે.
સરકારે કોર્પોરેટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી માટે જે બિલ પાસ કર્યું છે તેનું નામ ‘ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસેઝ બિલ 2020’ છે. આ બિલનાં વખાણમાં વડાપ્રધાન અનેક વખત કહી ચૂક્યા છે કે ભારતનાં ખેડૂતોને વધુ ઉપજ માટે આધુનિક ટેકનોલોજીની જરૂર છે, જે આ કાયદા દ્વારા ખેડૂતોને પ્રાપ્ત થશે. પણ આ હાથીનાં દેખાડવાનાં દાંત જેવું છે. અસલમાં આ બિલ ખેડૂતોને તેમની જ જમીન પર મજૂર બનાવનારો કાયદો છે. આ કાયદો તેમની જમીનને કોર્પોરેટ્સનાં હાથમાં આપી દેશે અને સાથે જ તેમની ઉપજનો અધિકાર પણ કંપનીઓનાં હાથમાં જતો રહેશે.
બિલ મુજબ કંપનીઓ એકથી પાંચ વર્ષ માટે ખેડૂતોની જમીન લઈને તેનાં પર ખેતી કરી શકે છે. ખેડૂતની ઉપજની કીંમત પહેલા જ નક્કી થઈ જશે અને તેની ચૂકવણીમાં કોઈપણ પ્રકારનો વિવાદ થવા પર આંતરિક સમજૂતી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટ કે અપીલ અદાલતમાં તેનો ઉકેલ લાવવામાં આવશે. હવે વિચારો, કોર્પોરેટ અને ખેડૂતની કાયદાકીય લડાઈમાં કોની જીત થવાની સંભાવના વધારે છે? શું તમને કોઈ ખેડૂત મોટી કંપની સામે કેસ જિત્યો હોય તેવું યાદ છે અને એ પણ તે એકલો લડ્યો હોય? આ તો માત્ર આ કાયદા પછી એગ્રીકલ્ચર સેક્ટરની ઉભી થનારી તસવીરનું એક નાનકડું ઉદાહરણ થયું.
મોટાભાગે એ માની લેવું જોઈએ કે હવે ભારતમાં એ કહાની રિપીટ થવાની છે જે વર્ષોથી લેટિન અમેરિકા, મધ્ય એશિયા અને આફ્રિકી દેશોમાં ચાલી રહી છે. દુનિયાભરની મોટી કંપનીઓ ત્યાંનાં ગરીબ ખેડૂતોની જમીનો લઈને તેનાં પર ખેતી કરી રહી છે. કરોડો એકર જમીન કાં તો કંપનીઓ ખરીદી ચૂકી છે અથવા તો લીઝ પર લઈને ખેતી કરી રહી છે. ખેતીલાયક જમીનનોનું સંપાદન આખી દુનિયામાં થઈ રહ્યું છે અને આ સમગ્ર અનાજ બજારને નિયંત્રિત કરવાનાં પ્રયત્નોનો ભાગ છે. આ નવા પ્રકારની જમીનદારી પ્રથાનું પુનરાગમન છે. નવી વ્યવસ્થામાં નાનાંમોટાં ખેડૂતોની જમીનો મોટી રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓને મળશે, જેમાં તેઓ પોતાની મરજી પ્રમાણેની ઉપજ લેશે, સરકારને ટેક્સ ચૂકવશે અને ખેડૂતો પાસે મજૂરી કરાવશે. તેનાથી સરકારની આવક વધશે. સરકારે કહ્યું નથી પણ નિશ્ચિત માનજો કે ખેડૂત અને કંપની વચ્ચે ખેતીનો જે કોન્ટ્રાક્ટ થશે તેનાં પર સરકાર ટેક્સ વસૂલશે. અંતે ખેડૂતો ધીરેધીરે પોતાની જમીનનો માલિકીહક ગુમાવી બેસશે. તેની શરૂઆત ભાડાપટ્ટે જમીન આપી દેવાશી થશે, પરંતુ છેલ્લે તેમની જમીન વેચાઈ જશે.
ત્રીજું બિલ જરૂરી ચીજવસ્તુ અધિનિયમ 1955માં સંશોધનનું છે. તેમાં ફેરફાર કરીને સરકાર ખેડૂતો, ગરીબ અને દેશનાં સામાન્ય લોકોની ખાદ્ય સુરક્ષાને ખતરામાં નાખી રહી છે. આ કાયદા દ્વારા સરકારે સંગ્રહખોરોને અમર્યાદિત માત્રામાં અનાજ ખરીદીને સંગ્રહ કરવાની પરવાનગી આપી છે. પહેલાં તેમને ટેકાનાં ભાવે ખરીદી કરવામાંથી મુક્ત કરવામાં આવ્યાં જેથી તેઓ ઈચ્છિત ભાવે ખેડૂતો પાસેથી અનાજ ખરીદી શકે. ત્યારબાદ તેમને ખેડૂતોની જમીન લઈને ખેતી કરવાની મંજૂરી આપવામાં આવી જેથી તેઓ ઈચ્છે તે પાક ઉગાડી શકે અને ત્યાર બાદ સંગ્રહખોરીનાં કાયદામાંથી મુક્તિ આપી દેવાઈ જેથી તેઓ ધારે તેટલાં પ્રમાણમાં અનાજ ખરીદીને સ્ટોક કરી શકે. મોટી નિકાસકર્તા કંપનીઓ મોટાપાયે અનાજ ખરીદીને તેનો સંગ્રહ કરશે અને મોંઘી કિંમતે વેચીને ધાર્યો નફો કમાશે.
ભારત સરકાર હાલ ગર્વથી કહી રહી છે કે તે દેશનાં 80 કરોડ ગરીબોને પાંચ કિલો ઘઉં કે ચોખા અને એક કિલો ચણાં દઈ રહી છે. સરકાર આ અનાજ એટલાં માટે દઈ શકે છે કેમ કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ગોદામો અનાજથી ભરેલાં છે. જો સરકારને બદલે ખાનગી કંપનીઓ ખરીદી કરશે અને સંગ્રહખોરીનાં કાયદાથી મુક્ત થઈને મનફાવે તેટલાં પ્રમાણમાં તેને સંગ્રહ કરીને રાખશે તો સરકાર કોઈ હોનારતની સ્થિતિમાં ક્યાંથી અનાજ વહેંચી શકશે? જો સરકારે કોઈ હોનારતની સ્થિતિમાં અનાજ વહેંચવું હશે તો તેણે ખાનગી કંપનીઓ પાસેથી મોં માંગી કિંમતે તે ખરીદવું પડશે. સામાન્ય પરિસ્થિતિમાં પણ આ ખાનગી કંપનીઓ જરૂર કરતાં વધારે પ્રમાણમાં ખાદ્યસામગ્રી ખરીદીને સંગ્રહ કરશે અને પોતાની રીતે બજારભાવેને નિયંત્રિત કરશે. એટલે બિલનો કાયદો બન્યાં પછી આખા દેશમાં મોંઘવારી વધવી શરૂ થઈ જશે. ખાવાપીવાની દરેક ચીજોની કિંમત બજાર અને આ કંપનીઓ નક્કી કરશે.
આ ત્રણેય બિલ સંયુક્ત રીતે દેશની ખેતીલાયક જમીન કોર્પોરેટ્સનાં હાથમાં દઈ દેશે અને ધીરેધીરે બિયારણ અને પાણીનાં સ્ત્રોતો પર પણ તેમનો કબ્જો હશે. ખેડૂતની ઉપજ પર તેમનો કબ્જો હશે અને અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ગોદામોને બદલે ખાનગી કંપનીઓનાં વેરહાઉસોમાં સંગ્રહ થશે. એવું નથી કે આ ત્રણેય બિલો માત્ર ખેડૂતોનાં ભાવિને જ કાયમ માટે અંધકારમય બનાવશે, મધ્યમવર્ગ પણ તેનાથી બહુ ખરાબ રીતે પ્રભાવિત થશે. ખાવાપીવાની ચીજવસ્તુઓની મોંઘવારી બહુ જલ્દી બધાં ભ્રમ દૂર કરી દેશે.



Comments
Post a Comment