નવા કૃષિ કાયદાથી ખેડૂતો જ નહીં, દેશનાં 130 કરોડ લોકો પ્રભાવિત થશે


 

દેશનાં અનેક રાજ્યોમાં ખેડૂતો કડકડતી ઠંડીમાં પ્રદર્શન કરી રહ્યાં છે. દિલ્હીની સરહદે પંજાબ અને હરિયાણા સહિતનાં રાજ્યોનાં ખેડૂતો કેન્દ્ર સરકારનાં નવા ત્રણ કૃષિ કાયદાઓની વિરોધમાં લાગેલાં છે. અમુક લોકો આખા મામલાને માત્ર આ બે રાજ્યોનાં ખેડૂતોની સમસ્યા તરીકે ખપાવી રહ્યાં છે. આંદોલનની છબિ ખરડવા એવો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે કે આ પંજાબનાં એજન્ટો, દલાલો અને ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રાયોજિત આંદોલન છે અને તેની પાછળ ખાલિસ્તાની તાકાતોનો હાથ છે. દરેકની પોતાની શ્રદ્ધા અને સમજદારી છે જેનાં આધારે તેઓ ખેડૂતોનાં આંદોલનને જોઈ સમજી રહ્યાં છે.

પરંતુ હકીકતમાં આ માત્ર પંજાબ-હરિયાણાનાં ખેડૂતોની સમસ્યા નથી પરંતુ આખા દેશની સમસ્યા છે. કેન્દ્ર સરકારે જે ત્રણ કાયદાઓ બનાવ્યા છે તે ખેતીની સાથોસાથ દેશની પરિસ્થિતિ અને ખાદ્ય સુરક્ષા એમ ત્રણેયને મુશ્કેલીમાં મૂકનારા છે. આ કાયદાઓ માત્ર ટેકાના ભાવ અર્થાત એમએસપીના હકને છીનવવા કે બજારમાં અનાજ વેચવા, ન વેચવા સાથે નથી જોડાયેલા પરંતુ ખેડૂતોને ખેતીમાંથી બહાર ધકેલી દઈને મજૂર બનાવી દેવાની દાયકાઓ જૂની ચાલને આગળ ધપાવનારા છે. ટેકાના ભાવનો મામલો તો તેનો એક અંશ માત્ર છે જે એક કાયદા સાથે જોડાયેલો છે. પરંતુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને જીવનજરૂરી ચીજવસ્તુ અધિનિયમમાં ફેરફારનાં બે બીજા કાયદાઓ પણ છે, જેના પર ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ જે નથી થઈ.

મામલો કંઈ અચાનક ઉભો નથી થઈ ગયો કે જેથી સરળતાથી ઉકેલાઈ જશે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસનાં રોગચાળાની આફતને અવસર બનાવીને ખૂબ સમજી વિચારીને આ કાયદાઓ બનાવ્યાં છે. સૌથી પહેલી સમસ્યા તો ત્યાંથી જ શરૂ થઈ જ્યારે તેને વટહુકમ તરીકે લાગુ કરવામાં આવ્યા અને પછી વગર કોઈ ચર્ચાએ લગભગ બળજબરીથી સંસદમાં પસાર કરી દેવાયા. જો સરકારનો ઈરાદો સારો હતો તો આ રીતે જબરજસ્તીથી આ કાયદાઓ પસાર કરવાની કોઈ જરૂર નહોતી. સરકારે પરાણે ત્રણેય કાયદાઓ પસાર કરાવ્યા છે એટલે નક્કી માનજો કે તેમાં તે કોઈ મોટા ફેરફાર કરવા નથી જઈ રહી. તેનાં હાથ બંધાયેલાં છે અને કહેવાની જરૂર નથી કે કોના કારણે તે બંધાયેલા છે.

જો સરકાર આંદોલન કરી રહેલાં ખેડૂતોને સંતુષ્ટ કરવા ઈચ્છે તો તેના માટે તે બે મિનિટનું કામ છે. આંદોલન કરી રહેલાં મોટાભાગનાં ખેડૂતો માત્ર એક જ વાત સમજી રહ્યાં છે. તેઓ ઈચ્છે છે કે બજારમાં ટેકાના ભાવે અનાજ વેચવાની મંજૂરી હોય. સરકાર કહી રહી છે કે તેણે ટેકાના ભાવની વ્યવસ્થા ખતમ નથી કરી, માત્ર એપીએમસીની બહાર પણ ખેડૂતોને અનાજ વેચવાની મંજૂરી આપી છે. આંદોલન કરી રહેલાં ખેડૂતોનો એક મોટો હિસ્સો માત્ર એ ઈચ્છે છે કે સરકાર કાયદામાં ફેરફાર કરીને તેમાં એટલી વાત જોડી દે કે ટેકાના ભાવથી ઓછી કિંમતે ક્યાંય પણ અનાજનું ખરીદવેચાણ નહીં થાય. એમએસપીથી ઓછાં ભાવે અનાજનાં ખરીદવેચાણને ગેરકાયદે જાહેર કરવાની જોગવાઈ જો કાયદામાં કરી દેવામાં આવે તો ખેડૂતો સંતુષ્ટ થઈ જશે. 

પણ આ આખી સમસ્યાનો માત્ર એક ભાગ છે અને તે બહુ નાનો મુદ્દો છે. હકીકતે કેન્દ્રએ બનાવેલા ત્રણ કૃષિ કાયદાઓની અસલી સમસ્યા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને જરૂરી ચીજવસ્તુ અધિનિયમમાં ફેરફાર કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મનફાવે તેટલી માત્રામાં અનાજનો સંગ્રહ કરવાની છુટ આપવામાં છે. આ કાયદા લાગુ થયાના બેત્રણ મહિનાની અંદર જ જીવનજરૂરી ચીજવસ્તુઓનાં ભાવો જે રીતે વધવા માંડ્યાં છે તે સૌને દેખાઈ રહ્યાં છે. આ જ રીતે જો મોંઘવારી વધે છે તો સવાલ એ થાય કે સમસ્યા માત્ર ખેડૂતોની કેવી રીતે થઈ? આ તો દરેક સામાન્ય માણસની સમસ્યા છે. ખાવાપીવાની ચીજોનાં સંગ્રહની મર્યાદા કાયદા દ્વારા ખતમ કરી દેવામાં આવી છે. જેનાં કારણે અનાજનાં ભાવો વધવા લાગ્યાં છે અને તેની અસર બહોળા સમાજ પર પડી રહી છે. આખરે આટલી સાદી વાત લોકોની સમજમાં કેમ નથી આવી રહી કે સરકારે આ કાયદાઓ થકી દેશની ખાદ્ય સુરક્ષાને ખતરામાં નાખી દીધી છે? લોકોને એ કેમ નથી દેખાઈ રહ્યું કે દેશનાં બે સૌથી મોટા કારોબારીઓ કેટલી ઝડપથી ખાણીપીણીની ચીજો, તેના ઉત્પાદન અને વેચાણનાં બજારમાં ઘુસી રહ્યાં છે, કેટલી ઝડપથી સંગ્રહની વ્યવસ્થા કરી રહ્યાં છે અને કેવી રીતે મર્જ અને ટેકઓવર દ્વારા રિટેઈલ માર્કેટ પર કબજો જમાવી રહ્યાં છે? આખરે આ કામમાં તેમને આટલો રસ કેમ પડ્યો છે?

એમએસપી અને જરૂરી વસ્તુ અધિનિયમ કાયદામાં ફેરફાર બાદ ત્રીજો કાયદો કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો છે. આ કાયદો ખેડૂતોને માલિકમાંથી મજૂર બનાવવા તરફ ધકેલી દેવા માટેનો છે.  દેશમાં અંદાજે 90 ટકા ખેડૂતો દોઢ-બે એકર જમીન ખેડનારા છે જેમનાં માટે પહેલેથી જ ખેતી કરવી મુશ્કેલ કામ બની ગયું છે. ખેતીમાં ખર્ચ એટલો વધી ગયો છે કે તેઓ પોતે જ ખેતી છોડી દેવા મજબૂર છે. એક પછી એક સરકારો સ્વામીનાથન કમીશનનો રિપોર્ટ લાગુ કરવાની વાત કરે છે પણ કોઈ પહેલ નથી કરતું તેથી ખેડૂત વધારે હેરાન છે. તેને હવે એક સરળ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે કે તે હવે કોર્પોરેટો-બિઝનેસમેનો-ઉદ્યોગસાહસિકો સાથે કરાર કરે અને પોતાની જ જમીન પર મજૂરની જેમ કામ કરે, જેના બદલામાં આ લોકો તેને તેની સર્વિસની કિંમત આપશે.

પરંપરાગત ખેડૂતોનું આ રીતે ખેતીમાંથી બહાર થઈ જવું અનેક મુશ્કેલીઓને નોતરું આપશે. સૌથી પહેલા તો ગામડાઓની આખી સંરચના પ્રભાવિત થશે. કોર્પોરેટ ફાર્મિંગમાં વધારે ખેતમજૂરોની જરૂર નહીં રહે એટલે ગામડાઓમાંથી સ્થળાંતર વધશે. દેશની વર્તમાન આર્થિક હાલતને જોતા એ સમજવું મુશ્કેલ નથી કે કોઈપણ સેક્ટરમાં એટલી ક્ષમતા નથી કે તે ખેતીમાંથી બહાર થઈ ગયેલાં બધાં લોકોને રોજગારી આપી શકે. એટલે બેરોજગારી બેફામ બનશે. પરંપરાગત ખેડૂતો ખેતીમાંથી બહાર થઈ ગયા બાદ મોટો ખતરો એ રહેવાનો કે કોર્પોરેટ ફાર્મિંગમાં કંપનીઓનું ધ્યાન માત્ર નફો કમાવા પર કેન્દ્રિત હશે. તેઓ પરંપરાગત પાકોને બદલે રોકડિયા અને વધારે કમાણી કરાવી આપતાં પાકોનાં વાવેતર પર ફોકસ કરશે. તેનાથી જમીનની ગુણવત્તા ખરાબ થશે અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્પાદન વધશે જેનાથી છેલ્લે આખી પરિસ્થિતિ પ્રભાવિત થશે. આમ સરળ શબ્દોમાં કહીએ તો કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદાઓ વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડૂતોથી વધારે દેશનાં 130 કરોડ લોકોનાં જીવન, સમાજ અને પરિસ્થિતિઓ માટે સમસ્યા છે.

Comments