કોરોનાકાળમાં બે મોંઢાની વાતોઃ તહેવારો, પ્રસંગો સાવચેતીથી ઉજવો, ચૂંટણી નહીં !

 


બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાત સહિત દેશભરની ખાલી બેઠકો પર પેટાચૂંટણીઓનાં પરિણામો આવી ચૂક્યાં છે. કોરોના રોગચાળા વચ્ચે બિહાર દેશનું પહેલું રાજ્ય હતું જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી અને લોકો ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. નેતાઓએ પણ જંગી રેલીઓ કાઢીને કોઈ કસર બાકી નહોતી રાખી. ચૂંટણી પૂર્ણ થઈ અને તરત દિવાળી આવી. એ પછી સરકારી તંત્ર કોરોનાને લઈને અચાનક હરકતમાં આવી ગયું અને કોરોનાનાં કેસો વધવા માટે તહેવારોમાં લોકોએ મનફાવે તેમ કરેલી ઉજવણીને જવાબદાર ઠેરવીને પગલાં લેવા શરૂ કર્યાં. કોઈએ પણ ચૂંટણીને તેનાં માટે જવાબદાર ન ગણી. ગુજરાતમાં તો સરકારે લોકડાઉનને બદલે કર્ફ્યૂ શબ્દનો ચાલાકીપૂર્વક ઉપયોગ કરીને લોકોને વધુ એકવાર બાનમાં લઈ લીધાં. હાલ તો વડાપ્રધાનથી લઈને સમગ્ર સરકારી તંત્રે તહેવારોને કોરોના વાયરસનાં ફેલાવાનું મૂળ કારણ માનીને લોકોને પર જાતભાતનાં પ્રતિબંધો લાદી દીધાં છે. જેમાં લગ્નપ્રસંગોમાં 100 લોકોની હાજરીથી લઈને મરણ પ્રસંગો સહિતની ગાઈડલાઈન જાહેર કરી દેવાઈ છે. જો કે આ નિયમો માત્ર સામાન્ય માણસ માટે જ હોય તેમ એ જ વખતે સુરતમાં ગઢડાનાં નવા ચૂંટાયેલાં ધારાસભ્ય આત્મારામ પરમારે મંત્રી ગણપત વસાવા સાથે સરઘસ કાઢીને પોતાને કાયદાથી પર સાબિત કરતા હોય તેવું વર્તન કર્યું હતું. 

નવાઈની વાત એ રહી કે લોકોને સલાહો આપતી સરકારે ચૂંટણી વખતે એ અપીલ નહોતી કરી કે ચૂંટણી સાવચેતીપૂર્વક લડવામાં આવે. લોકો રેલીઓમાં ન જાય, નેતાઓ પ્રચાર માટે આવે તો તેમનાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવે. એ ત્યાં સુધી કે નેતાઓ માસ્ક પહેરે એવી અપીલ પણ કરવામાં નહોતી આવતી. બિહારમાં આરજેડીનાં તેજસ્વી યાદ બેધડક માસ્ક પહેર્યાં વિના ફર્યાં હતાં.. સમ ખાવા પુરતું પણ તેમણે માસ્ક નહોતું પહેર્યું. આ રીતે માસ્ક ન પહેરીને તેઓ પોતાના લોકોને વિશ્વાસ અપાવી રહ્યાં હતાં કે કોરોના જેવું કશું નથી અને તેઓ ડર્યા વિના રેલીઓમાં આવે અને મત આપવા પણ જાય. આ તેમનો બહુ મોટો દાવ હતો કારણ કે બધાંને એ વાતનો ડર હતો કે ચૂંટણીમાં લોકો કોરોના વાયરસની બીકનાં કારણે બહાર નહીં નીકળે. જ્યારે બીજી બાજુ ભાજપનાં નેતાઓ હતાં જેઓ માસ્ક પહેરતાં હતાં તો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં. તેમ છતાં એવું નથી કે ચૂંટણી કોરોના વાયરસની અસરોથી મુક્ત રહી હતી. બિહારની ચૂંટણી અને દેશનાં અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં કોરોનાની અસર સ્પષ્ટ વર્તાઈ હતી. અગાઉ કોરોના વચ્ચે બિહાર વિધાન પરિષદની સીટો પર ચૂંટણી યોજાઈ હતી. 22 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી જેમાં સ્નાતક અને શિક્ષક ક્ષેત્રની વિધાન પરિષદ સીટો માટે તમામ પ્રયત્નો છતાં 50 ટકાથી વધુ મતદાન નહોતું થઈ શક્યું. બિહારમાં આ વખતે વધારે મતદાનની શક્યતાઓ સેવાઈ રહી હતી કેમ કે મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પરત આવ્યાં હતાં. તેમ છતાં વધારે શક્યતા એ વાતની હતી કે મતદાનની ટકાવારી ઘટશે.

કોરોના વાયરસનાં ચેપ વચ્ચે બિહારમાં પહેલીવાર ચૂંટણી યોજાઈ. દુનિયાનાં અનેક દેશોમાં આ દરમિયાન ચૂંટણી થઈ છે અને દરેક જગ્યાએ કોરોના વાયરસનો ચેપ ફેલાતો રોકવા માટે પ્રામાણિક અને સાર્થક પ્રયત્નો કરનારાં પક્ષને લોકોએ જિતાડ્યાં છે. થાઈલેન્ડથી લઈને બોલીવિયા અને તાઈવાન સુધી મતદારોએ એ પક્ષોને હરાવ્યા જેમણે કોરોનાને ગંભીરતાથી નહોતો લીધો. જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે કોરોનાનાં સંકટને સમજીને તેનો સામનો કરનારા લોકોને મતદારોએ જીતાડ્યાં છે. આમ દુનિયાભરનાં દેશોમાં વર્તમાન સ્થિતિ વચ્ચે યોજાયેલી ચૂંટણીઓને આધાર બનાવીએ તો બિહાર સરકાર માટે ખતરાનો સંકેત હતો પણ તેવું થયું નહીં. સૌ જાણતાં હતાં કે નીતિશ સરકાર ભલે કોરોનાને રોકવાનાં ગમે તેટલા દાવા કરે પણ હકીકત એ છે કે લોકો રખડતાં ભટકતાં માંડ કરીને પોતાના વતન સુધી પહોંચ્યાં હતાં અને ત્યાં પણ ભગવાન ભરોસે જ છે.

આ બાજુ પોતપોતાનાં કારણોથી રાજકીય પક્ષોએ કોરોના વાયરસ માટે લાગુ માર્ગદર્શિકાનું પાલન નથી કરાવ્યું. શરમજનક બાબત તો એ છે કે પક્ષોની સાથોસાથ ચૂંટણી પંચ અને સ્થાનિક વહિવટી તંત્ર પણ લાપરવાહ રહ્યું હતું. ચૂંટણી પંચે સ્વયં કોરોના માટેની માર્ગદર્શિકા નક્કી કરી હતી અને તેનાં સુપરવાઈઝરો આખા રાજ્યમાં ફરી રહ્યાં હતાં. તો શું તેમને એ દેખાતું નહીં હોય કે રેલીઓમાં કે ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યાં પણ તેમની માર્ગદર્શિકાનું પાલન નહોતું થઈ રહ્યું? લોકો રેલીઓમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં હતાં, 90 ટકા લોકો માસ્ક વિનાનાં છે અને સેનિટાઈઝર ક્યાંય પણ દેખાઈ રહ્યું નહોતું?એવામાં સોશિયલ ડિસ્ટન્સનાં પાલનનો તો સવાલ જ પેદા નહોતો થતો. ગુજરાતમાં તો ખુદ સત્તાધારી પક્ષ  ભાજપનાં અધ્યક્ષ સી.આર. પાટિલે છડેચોક કોરોનાનાં નિયમોનો ભંગ કરીને શક્તિપ્રદર્શન કરતો પ્રવાસ કર્યો હતો. જેનાં કારણે ભાજપનાં અનેક નેતાઓ કોરોનાગ્રસ્ત થયા હતા અને ખુદ પાટિલ પણ કોરોનામાં સપડાયા હતા. તેમ છતાં તેમનાં પર કોઈ કાર્યવાહી નહોતી કરાઈ. જ્યારે હવે ચૂંટણી સહિતનાં તેમનાં સ્વાર્થ પૂર્ણ થઈ ચૂક્યાં છે ત્યારે સામાન્ય માણસનાં લગ્નો સહિતનાં સામાજિક  પ્રસંગોને નિશાન બનાવીને પગલાં લેવાઈ રહ્યાં હોવાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે. લોકોએ લગ્નપ્રસંગો માટે પોલીસની મંજૂરીઓ લેવી પડી રહી છે જે દુઃખદ છે. કેમ કે ચૂંટણી વખતે આ તમામ નિયમો અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં નેતાઓનાં હિતમાં તેને નેવે મૂકી દેવાયા હતા. આ બધી બાબતો સાબિત કરે છે કે કોરોના હોય કે બીજી કોઈ પણ બાબત આપણે ત્યાં આજેય નેતાઓ અને જનસામાન્ય માટે કાયદાનાં દંડા અને ચોપડાં જુદાજુદા છે.

Comments