સોશિયલ મીડિયાઃ ખતરો ધારણાંઓ કરતા અનેકગણો મોટો છે

 


ફેસબુકને લઈને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. દુનિયાનાં દેશો જ્યાં તેનાં મોટાં ખતરાઓ અને પડકારોને સમજીને સમગ્રતાથી તેનાં પર ચર્ચા કરી રહ્યાં છે ત્યારે ભારતમાં દર બીજા મામલાની જેમ આ ચર્ચા પણ રાજકીય પક્ષ-વિપક્ષનાં વિવાદમાં પરિવર્તિત થઈ ગઈ છે. કોંગ્રેસે ફેસબુક પર આરોપ લગાવ્યો કે તેની ભારતની પબ્લિક પોલિસી ડાયરેક્ટર આંખી દાસ ભાજપ સાથે મળેલી છે. તેણે ત્યાં સુધી કહ્યું કે આંખી અને તેમની બહેનનો ભાજપ અને સંઘ સાથે જૂનો સંબંધ છે. જવાબમાં ભાજપ ફેસબૂકનાં ભારતીય પ્રમુખ અજિત મોહનને વચ્ચે ખેંચી લાવી અને કહ્યું કે તેઓ કોંગ્રેસનાં માણસ છે. અજિત મોહને સ્પષ્ટતા કરવી પડી કે એક પ્રોફેશનલની રીતે તેમણે કેરળની કોંગ્રેસ સરકાર સાથે કામ કર્યું હતું.

કોંગ્રેસ અને ભાજપ સિવાય શિવસેના, ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસે પણ ફેસબૂકને પત્ર લખીને તેની કામગીરી પર સવાલો ઉઠાવ્યાં છે. એ રીતે જોઈએ તો ફેસબૂકને તટસ્થ માની લેવું જોઈએ, કેમ કે દેશનાં પાંચ મુખ્ય પક્ષોને તેની સામે ફરિયાદ છે અને તેમાં દેશનાં બે મુખ્ય હરીફ પક્ષો પણ સામેલ છે. જો ભાજપ અને કોંગ્રેસ બંનેને ફેસબૂક સામે વાંધો છે તો એ માની લેવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ કે તે એક તટસ્થ પ્લેટફોર્મ છે. પણ જો એવું માની લીધું તો આ આખી ચર્ચાનું સરળીકરણ કરવું પડશે. કેમ કે ફેસબૂક કે કોઈપણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો મામલો આટલો સરળ નથી. તેમની નીતિઓ અને કામકાજની સમાજ તથા રાજકારણ પર અસર બહુ મોટી છે. એ રીતે તેનો પ્રભાવ વર્તમાન સમયની બીજી કોઈપણ ચીજ કરતાં વધારે છે.

વૈકલ્પિક માધ્યમ તરીકે જ્યારે ફેસબૂક, ટ્વિટર, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ વગેરેનું ચલણ વધ્યું તો એવું માનવામાં આવ્યું કે સંચાર માધ્યમોનું લોકશાહીકરણ થઈ રહ્યું છે. દૈનિકો, ન્યૂઝ ચેનલો અને પત્રિકાઓમાં આમ આદમીની કોઈ ભાગીદારી નથી હોતી. એટલે માનવામાં આવ્યું કે સોશ્યલ મીડિયાનાં નવા પ્લેટફોર્મ પરથી સામાન્ય માણસને પોતાની વાત કહેવાનો મોકો મળશે. લોકોને મોકો મળ્યો પણ ખરો. પરંતુ જેમ દરેક નવી ટેકનોલોજી સાથે થાય છે, સોશિયલ મીડિયાનો પણ દૂરુપયોગ શરૂ થઈ ગયો છે અને તેનાં પર એકાધિકાર સ્થાપવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ પ્લેટફોર્મ પર લોકોની વિચારસરણી અને તેમનાં વિચારોને પ્રભાવિત કરવાનું કામ એટલી બારીકાઈથી થયું કે લોકો તે સમજે ત્યાં એક દાયકો વીતી ગયો. આ ગાળામાં તેની ટેકનિક એટલી વિકસિત થઈ ગઈ અને તેનો દુરઉપયોગ કરનારાંઓએ તેની લાક્ષણિકતાઓને એટલી સારી રીતે સમજી લીધી છે કે લોકો ઈચ્છે તો પણ કંઈ નથી કરી શકતાં.

ટુંકમાં એટલું સમજી લો કે, જો કોઈ માણસ પૈસાનાં બળે ટેકનિકલી સક્ષમ લોકોની એક ટીમ બનાવી લે તો તે દુનિયાનાં કોઈપણ ખૂણે બેસીને લોકોનાં મગજને નિયંત્રિત કરી શકે છે અને સામાજિક-રાજકીય ચર્ચાને ઈચ્છિત દિશામાં વાળી શકે છે. આ મામલે ઉદાહરણ તરીકે 2016ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને યાદ કરી શકાય. તે ચૂંટણી ટ્વિટર અને ફેસબૂક પર લડાઈ હતી અને એ બાબતની ચર્ચા પણ થઈ હતી કે રશિયાએ આ બંને પ્લેટફોર્મ દ્વારા ચૂંટણીને અસર કરી હતી. આ મામલે સમગ્ર સત્ય કદી સામે નથી આવ્યું પણ જાણકારોને વાસ્તવિકતાની ખબર છે. આવું ચોક્કસ શક્ય છે. કેવી રીતે શક્ય છે તે સમજવા માટે ગત વર્ષે બનેલી બ્રિટિશ ફિલ્મ બ્રેક્ઝિટઃ ધ અનસિવિલ વોર જોઈ લેવી. તેમાં ખૂબ ઝીણવટપૂર્વક બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સોશિયલ મીડિયા થકી યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનનાં અલગ થવા માટે થયેલાં લોકમતને પ્રભાવિત કરવામાં આવ્યો હતો. આપણે ત્યાં પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ ભાજપ અને તેની ટ્રોલસેના કેવી રીતે સોશિયલ મીડિયા પર લોકોને ભ્રમિત કરે છે તેની સનસનીખેજ વિગતો યસ, આઈ એમ અ ટ્રોલ નામનાં પુસ્તકમાં લખી છે.

સોશ્યલ મીડિયા કંપનીઓએ એવું અલગોરિધમ તૈયાર કરાવડાવ્યું છે, જંગી ડેટાનાં વિશ્લેષણનાં એવા ટૂલ તૈયાર કરાવ્યાં છે જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક જ મશીન, એક જ સમયે કરોડો લોકોની પોસ્ટ પર નજર રાખી શકે છે. એજ સમયે તેનું વિશ્લેષણ થઈ શકે છે અને અંદાજ લગાવી શકાય છે કે કોઈ વ્યક્તિ કેવાં પ્રકારનું સામાજિક-રાજકીય વલણ ધરાવે છે. તેની પસંદ શું છે, નબળાઈ શું છે અને તેને કેવી રીતે પ્રભાવિત કરી શકાય છે. પહેલાં કંપનીઓ આ જાણકારીનો ઉપયોગ બિઝનેસ માટે કરતી હતી. સોશ્યલ મીડિયા પરથી લોકોનો ડેટા માર્કેટિંગ કરતી કંપનીઓ પાસે પહોંચતો હતો, તેઓ પોતાનાં ગ્રાહકનાં ઉત્પાદનને પ્રમોટ કરવા માટે તેનો ઉપયોગ કરતી હતી. પણ બહુ જલદી જ તેની વાસ્તવિક શક્યતાઓને ઓળખી લેવામાં આવી અને દુનિયાનાં દેશોમાં રાજનીતિ, ચૂંટણી, સમાજ અને માનવવર્તનને પ્રભાવિત કરવામાં તેનો ઉપયોગ થવા લાગ્યો.

સોશ્યલ મીડિયા કંપનીઓનાં કામકાજનું સુક્ષ્મ વિશ્લેષણ કરવાનો હેતુ માત્ર એટલો જ કે, ભારતમાં રાજકીય પક્ષો કે માહિતી અને પ્રસારણ મંત્રાલયની સંસદીય સમિતિ જે બાબત પર ચર્ચા કરી રહી છે તે તો સમસ્યાની ટોચ માત્ર છે. ભારતમાં એ બાબત પર ચર્ચા થઈ રહી છે કે ભાજપનાં નેતાઓની ભડકાઉ પોસ્ટ ફરિયાદ મળવા છતાં હટાવવામાં ન આવી કે પછી કોંગ્રેસની ફરિયાદ પર ભાજપનાં નેતાઓની પોસ્ટ દૂર કરી દેવાઈ. કોઈ પોસ્ટને વધુ સમય રહેવા ન દેવાઈ કે કોઈ પોસ્ટનાં વ્યૂઝને મર્યાદિત કરી દેવાયા. આ મોટી સમસ્યા નથી. મોટી સમસ્યા આ કંપનીઓની પોલિસી છે, જેનાં કારણે આખી દુનિયા સામે, લોકશાહી પ્રક્રિયા સામે, નાગરિકોની પ્રાઈવસી સામે મોટો પડકાર ઉભો થયો છે. આ ટેકનિક અને પોલિસીનો મામલો છે, જેનાં દ્વારા આ કંપનીઓ કે તેનાં ચૂંટેલાં ગ્રાહકો તમારી જાણ બહાર તમારા દિમાગને નિયંત્રિત કરી શકે છે.

ભારત જેવા દેશમાં જ્યાં મોટી વસ્તી આજે પણ શિક્ષણ અને અક્ષરજ્ઞાનથી વંચિત છે પણ તેનાં હાથમાં સ્માર્ટફોન આવી ગયો છે, તેનાં વિચારોને પ્રભાવિત કરવું બહુ સરળ છે. તેને સતત એક ચોક્કસ પ્રકારની પોસ્ટ દ્વારા કોઈ ચોક્કસ વિચારધારા કે પ્રોડક્ટનો ગુલામ બનાવી શકાય છે. હવે તો સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ ટીવી દ્વારા પણ કરોડો લોકોનો એક-એક મિનિટનો ડેટા આ કંપનીઓ પાસે પહોંચે છે, જેનો તેઓ મનફાવે તેમ ઉપયોગ કરે છે. તેનાથી લોકોની પ્રાઈવસી પર ખતરો આવે છે. લોકતંત્ર ખતરામાં આવે છે. બિઝનેસ અને રાજકીય ફાયદા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેની પાસે પૈસા હશે તે મનસ્વી રીતે તેનો ઉપયોગ કરી શકે છે. દુનિયાનો કોઈ દેશ પોતાની પસંદગીની સરકાર બીજાં દેશમાં બનાવવા માટે મતદારોનાં વ્યવહારને પ્રભાવિત કરવાનાં હેતુથી તેનો ઉપયોગ કરી શકે છે. આ મોટો ખતરો છે. અસલ વિચાર આ મોટા ખતરાં પર થવો જોઈએ.

Comments