કોરોનાનો રાજકીય ઉપયોગ અને સરકારની પ્રાથમિકતા



દેખિયે ઈસ વિષય પે રાજનીતિ નહીં હોની ચાહિયે - દુનિયાનાં અન્ય કોઈ દેશમાં આ જુમલો કદાચ એટલી વાર નહીં બોલાતો હોય જેટલીવાર ભારતમાં બોલાય છે.જેઓ સત્તામાં હોય છે તેઓ દરેક વાતે કહે છે કે આ વિષય પર રાજકારણ ન થવું જોઈએ. એ વાત જુદી છે કે તેઓ ખુદ દરેક વિષય પર રાજકારણ કરે છે. જેમ હાલ કોરોના વાયરસનો રોગચાળો સરકાર માટે એક રાજકીય શસ્ત્ર બની ગયો છે. સરકાર અલગ અલગ જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરી રહી છે. દેશનું અર્થતંત્ર પહેલાં જ નોટબંધી અને જીએસટીનું શિકાર થઈ ચૂક્યું હતું. પણ નાણાંમંત્રીએ હવે કોરોનાને એક્ટ ઓફ ગોડ ગણાવી દઈને અર્થતંત્રનાં ખસ્તાહાલનું ઠીકરું ભગવાનને માથે ફોડી દીધું છે.

સરકાર કોરોના વાયરસનો રાજકીય ઉપયોગ કરી રહી છે તે જણાવવા માટે આ એકમાત્ર ઉદાહરણ નથી. કેન્દ્ર સરકારે ચેપ ફેલાતો રોકવા લોકડાઉનનો સહારો લીધો હતો. પહેલાં તેણે આખા દેશમાં લોકડાઉન લાદી દીધું અને ત્યારબાદ તેને રાજ્યોનાં હાથમાં છોડી દીધું. રાજ્યોને કહેવામાં આવ્યું કે તેઓ પોતાની જરૂરિયાતો અને સ્થિતિનાં હિસાબે લોકડાઉન લાગુ કરે. હવે ફરી કેન્દ્રે લોકડાઉનનો હક રાજ્યો પાસેથી લઈ લીધો છે અને અનલોક-4ની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં જ લોકડાઉન લાગુ થશે. એટલે હવે રાજ્યો રાત્રિકર્ફ્યૂ કે અઠવાડિક લોકડાઉન નહીં કરી શકે. સાથે જ 100 લોકો સુધીની હાજરીમાં રાજકીય, સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓની મંજૂરી પણ આપવામાં આવી છે.

લોકડાઉન મુદ્દે રાજ્યોનાં હાથ એટલા માટે બાંધી દેવામાં આવ્યા છે કેમ કે સત્તાધારી પક્ષે હવે બે રાજ્યોમાં રાજકારણ કરવાનું છે. આગામી સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે અને તે પહેલાં કે તેની સાથે જ મધ્યપ્રદેશમાં વિધાનસભાની 27 બેઠકો પર પેટાચૂંટણી કરાવવાની છે. એવામાં જો બાકી રાજ્યો કોરોનાનો ચેપ રોકવા માટે પોતાને ત્યાં લોકડાઉન કરે તો આ રાજ્યોમાં રાજકીય પ્રવૃત્તિઓ કરવા આડે નૈતિક અડચણ ઉભી થાય. તેથી લોકડાઉનનો મુદ્દો જ ખતમ કરી દેવાયો. જ્યાં સુધી બિહાર, મધ્યપ્રદેશમાં ચૂંટણી નહોતી ત્યારે ભલે કોરોનાનાં કેસોની સંખ્યા ઓછી હતી, પણ રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હતો. પણ હવે કોરોના દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે, દેશમાં દરરોજ સરેરાશ 75 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે ત્યારે રાજકીય પ્રવૃત્તિઓની છુટ આપી દેવાઈ છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે દુનિયામાં કોરોનાનાં સૌથી વધુ કેસો ધરાવતા અમેરિકામાં જ્યારે પહેલીવાર 70 હજારથી વધુ કેસો સામે આવ્યા હતા તે દિવસે સમગ્ર અમેરિકામાં ટ્રમ્પ સરકારની ક્ષમતાઓને લઈને સવાલો ઉઠ્યાં હતાં અને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પણ હવે ભારતમાં દરરોજ 75 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે અને છતાં રાજકીય પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપી દેવાઈ, કેમ કે સત્તાધારી પક્ષે ચૂંટણી કરાવવી છે.

આવી જ રીતે સરકારે ખાસ ટ્રેનો ચાલુ રાખી છે, હવાઈ સેવા શરૂ થઈ ગઈ છે, શોપિંગ મોલો, દારૂની દુકાનો અને હોટલો પણ અનલોક-3માં ખોલી દીધી, પણ સંસદ બંધ રાખવામાં આવી. સરકારે કોરોના રોગચાળાનો ઉપયોગ સંસદને બંધ રાખવા માટે કર્યો. આખા દેશમાં 500 કેસો હતાં ત્યારે માર્ચનાં અંતમાં કોરોનાને બહાને સંસદનાં બજેટ સત્રને ઉતાવળમાં મુલતવી રાખ્યું હતું. હવે છ મહિનામાં સત્ર બોલાવવાની બંધારણીય મજબૂરીમાં 14 સપ્ટેમ્બરથી સત્રનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેમાં પણ કોરોનાનાં રાજકીય હથિયારનો ઉપયોગ કરીને સંસદની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સરકાર ઈચ્છે છે કે એન્જિનિયરિંગ અને મેડિકલમાં પ્રવેશ માટે 20 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે. તે વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતા માટે કોરોનાનો ચેપ જોખમની વાત નથી, પણ 786 સાંસદો બે સંસદોમાં જુદા જુદા બેસીને સંસદની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે. સુરક્ષાનાં નામે અનેક પ્રકારનાં ઉપાયો હાથ ધરવામાં આવે છે. તે ઉપાયોને લઈને કોઈને સમસ્યા ન હોઈ શકે, પણ સુરક્ષાનાં નામે સંસદની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવામાં ન આવવી જોઈએ.

સંસદ જેટલી સરકારની છે તેટલી જ વિપક્ષની પણ છે અને એટલે જ સંસદનાં કામકાજનો સમય લગભલ અડધો અડધો સરકાર અને વિપક્ષ વચ્ચે વહેંચાયેલો હોય છે. અડધા સમય સુધી સરકારનું કામકાજ થાય છે અને અડધો સમય વિપક્ષ સહિતનાં બધાં સાંસદોને મળે છે. લોકસભામાં દરેક દિવસની કાર્યવાહીનો પહેલો એક કલાક પ્રશ્નકાળ હોય છે, જેમાં સરકારને સવાલ પૂછવામાં આવે છે. આ વખતે પ્રશ્નકાળ નથી. તો રાજ્યસભામાં આ જ તર્જ પર એક કલાકનો શૂન્યકાળ હોય છે તેને પણ આ વખતે કોરોનાને બહાને રદ કરી દેવામાં આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે કોરોનાનાં બહાને સરકાર સંસદમાં વિપક્ષને મળનારો સમય સમાપ્ત કરવા માંગે છે. એટલે કે માત્ર સરકારી કામકાજ થશે.

સરકાર આ વખતે જનસામાન્ય સાથે જોડાયેલાં અનેક બિલો લાવવાની છે. કૃષિ સંબંધિત ત્રણ વટહુકમો મંજૂર કરવામાં આવ્યા છે જેને કાયદો બનાવવાનું કામ આ સત્રમાં થવાનું છે. ખેતી ક્ષેત્રનાં મોટાભાગનાં જાણકારો તેને ખેડૂત વિરોધી જણાવી રહ્યાં છે. આ સિવાય પણ 20થી વધુ બિલો રજૂ થઈને પાસ થવાના છે. હાલ તો સરકાર જે રીતે કોરોનાની આફતને અવસરમાં બદલીને સંસદની કાર્યવાહીમાં જાતભાતનાં નિયંત્રણો લાદી રહી છે તે જોતાં એવું લાગી નથી રહ્યું કે તે ગંભીરતાથી તમામ બિલો પર ચર્ચા કરાવવાનાં મૂડમાં છે. કોરોનાને બહાને તે જેમતેમ કરીને પોતાના સંસદીય કામો પતાવવાનાં પ્રયત્નોમાં લાગેલી દેખાઈ રહી છે.

આ જ રીતે કોરોના રોગચાળાનાં નામે કોર્ટો બંધ છે. વર્ચ્યુઅલ કાર્યવાહીમાં જરૂરી કામકાજનાં નામે ગણ્યાંગાંઠ્યાં કેસો પતાવવામાં આવી રહ્યાં છે. દેશની નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહેલેથી કેસોનો ખડકલો છે, જેમાં દરરોજ હજારો નવા કેસો ઉમેરાતા જઈ રહ્યાં છે. લોકોની ન્યાયની આશા લંબાતી જઈ રહી છે. વિચારો, કોરોનાકાળમાં સંસદીય કાર્યવાહી સંપૂર્ણપણે ઠપ છે અને ન્યાયિક કામકાજ ખૂબ જ મર્યાદિત થઈ ગયું છે. પરંતુ રાજકીય પ્રવૃત્તિઓ થશે, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પણ થશે અને વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ થશે. આના પરથી ખ્યાલ આવે છે કે સરકારની પ્રાથમિકતા શું છે.

Comments