પ્રાદેશિક અસ્મિતાની આગને હવા આપવાની હોડ
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેર કર્યું છે કે તેમની સરકાર એવો કાયદો લાવવા જઈ રહી છે જેનાંથી રાજ્યની સરકારી નોકરીઓ માત્ર મધ્યપ્રદેશનાં યુવાનોને જ મળશે. આ પ્રકારની જાહેરાત કરનારું મધ્યપ્રદેશ કદાચ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. આ પહેલાં અનેક રાજ્યોએ પ્રાઈવેટ નોકરીઓ, ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાનોને નોકરી અપાવવાનાં વાયદાઓ કર્યાં હતાં. અમુક રાજ્યોએ તો કાયદાઓ પણ બનાવ્યા પણ બહુમતિ જગ્યાએ તેના પર કાયદેસર અમલ થઈ શક્યો નહીં. આ પહેલો એવો પ્રસંગ છે જ્યારે કોઈ રાજ્યની સરકારે સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે સો ટકા અનામતની જાહેરાત કરી હોય.
સૌથી પહેલાં કાયદેસર અને બંધારણીયરૂપે તેને મંજૂર કરવાની શક્યતાઓ પર વિચાર થવો જોઈએ. ભારતનાં બંધારણનાં આર્ટિકલ 16(2)માં બહુ સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે રાજ્ય કોઈપણ વ્યક્તિ સાથે જાતિ, ધર્મ, ક્ષેત્ર, લિંગ વગેરેનાં આધારે ભેદભાવ કરી શકે નહીં. તેથી માત્ર જન્મસ્થાનનાં આધારે જો કોઈની સાથે નોકરી આપવામાં ભેદભાવ થાય છે તો તેને કોર્ટમાં પડકારી શકાય છે. અહીં પણ વધારે શક્યતાઓ એવી છે કે કાયદો રદ કરી દેવામાં આવશે. હજુ તો મધ્યપ્રદેશ સરકારે માત્ર જાહેરાત કરી છે, કોઈ લીગલ ડ્રાફ્ટ તૈયાર નથી થયો. એટલે એ સમજવું થોડું મુશ્કેલ છે કે આખરે સરકાર કઈ રીતે તેને લાગુ કરશે? પહેલી નજરે તો લાગી રહ્યું છે કે જો બંધારણમાં સુધારો નથી થતો આ પ્રકારની અનામતને મંજૂર કરાવવામાં મુશ્કેલી થશે.
એક ચર્ચા એવી પણ છે કે ત્યાં 27 વિધાનસભા સીટો ઉપર થનારી પેટાચૂંટણી પહેલાં મુખ્યમંત્રીએ આ એક મોટો દાવ ખેલ્યો છે જેનો ફાયદો પેટાચૂંટણીમાં થઈ શકે છે. એ પછી ભલે તેને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ રદ કરી દે. પણ આ પ્રક્રિયામાં એટલો સમય મળી જશે કે પેટાચૂંટણીઓ થઈ જાય. અગાઉ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં મરાઠાઓને અને હરિયાણામાં જાટોને જાતિ આધારિત અનામતનો કાયદો બનાવવામાં આવ્યો હતો જે કોર્ટમાં જઈને અટકી ગયો હતો. એ જ રીતે સ્થાનિક યુવાઓને સરકારી નોકરીઓમાં સો ટકા અનામત આપવાનો મુદ્દો પણ કોર્ટમાં અટકી શકે છે.
પણ તેનાથી પ્રાંતવાદની નવી હોડ શરૂ થઈ શકે છે. સ્થાનિક અસ્મિતાનું રાજકારણ કરતાં પ્રાદેશિક નેતાઓને મોકો મળી જશે કે તેઓ સરકાર પર દબાણ બનાવે અથવા તો સ્વયં સરકારમાં છે તો આ પ્રકારનાં કાયદાઓ બનાવે. અગાઉ ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ માટે આ પ્રકારનાં કાયદાઓ અનેક રાજ્યોએ બનાવ્યા હતા. ગુજરાતે તો છેક 1995માં જ સ્થાનિક યુવાઓને ઔદ્યોગિક એકમોની નોકરીઓમાં 75 ટકા અનામત આપવાના કાયદાનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. પણ તેના પર કદી અમલ ન થઈ શક્યો. મધ્યપ્રદેશમાં જ ગત વર્ષે તત્કાલિન મુખ્યમંત્રી કમલનાથે ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાઓ માટે 75 ટકા નોકરીઓ અનામત રાખવાની જાહેરાત કરી હતી. કર્ણાટકે 2014માં આ જ પ્રકારનો કાયદો બનાવ્યો હતો અને આંધ્રપ્રદેશમાં પણ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પોતાનો ચૂંટણી વાયદો પુરો કરવા માટે આ પ્રકારનો કાયદો રજૂ કર્યો હતો.
ઔદ્યોગિક એકમોમાં નોકરી અનામત કરવી સરકારી નોકરીઓની અનામત કરતાં અલગ છે. સરકારી નોકરીઓમાં અનામતની જાહેરાત સ્પષ્ટરૂપે કાયદેસર અને બંધારણીય મામલો છે. પણ ઉદ્યોગો અને ધંધાર્થીઓને ત્યાં નોકરીઓમાં અનામતની વ્યવસ્થા કરતા પહેલાં તેમની મરજી અને જરૂરિયાતોને જાણવી પણ જરૂરી છે. દેશનાં મોટાભાગનાં ઉદ્યોગપતિઓ અને ધંધાદારીઓ એ પક્ષમાં નથી કે તેમનાં પર સ્થાનિક લોકોને ભરતી કરવાનું દબાણ કરવામાં આવે. એ જ કારણ છે કે ગુજરાતથી લઈને કર્ણાટક સુધી ક્યાંય પણ આ અનામતની નીતિ પર અમલ નથી થઈ શકતો. કંપનીઓ છેલ્લે પોતાની જરૂરિયાતોને આધારે યોગ્ય લોકોને જ ભરતી કરે છે. કમ સે કમ ખાનગી સેક્ટરમાં સ્થાનિક લોકો માટે અનામતની વ્યવસ્થાની જાહેરાત હજુ સુધી તો ચૂંટણી વાયદાઓ જેવી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં છેક 1995માં નીતિ આવ્યા બાદ તેનાં પર કદી અમલ નથી થયો. એટલે અમદાવાદ, સુરતથી લઈને રાજકોટ, જામનગર, વડોદરા, અંકલેશ્વર, વાપી અને કચ્છ સુધી ફેક્ટરીઓ, કારખાનાઓમાં બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, બંગાળ, મધ્યપ્રદેશનાં મજૂરો, કામદારોની જ ભરમાર છે.
અગાઉ મહારાષ્ટ્રમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરે વર્ષો સુધી મરાઠી લોકો માટે નોકરીઓમાં અનામતની માંગ કરતાં રહ્યાં છે પણ એકેય સરકારે તેમની વાત કાને ધરી નહીં. કેમ કે મહારાષ્ટ્ર હોય કે તામિલનાડુ જેવું ઔદ્યોગિક રાજ્ય, ત્યાં સ્થાનિક લોકો માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી તો ક્વોલિટી મેનપાવરની અછત સર્જાઈ શકે છે. જરૂરી નથી કે સ્થાનિક લોકો દરેક કામ માટે ફીટ બેસે. એટલે જ કંપનીઓ સ્થાનિક અનામતને બદલે ઓલ ઈન્ડિયા ટેલેન્ટ પોલમાંથી પોતાની જરૂરિયાતનો મેનપાવર પસંદ કરવાનો વિકલ્પ ખૂલ્લો રાખવા ઈચ્છે છે.
આમ સરકારી નોકરીઓમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક યુવાઓ માટે નોકરીઓ અનામત કરવાની વાત હોય, તેમાં અનેક પ્રકારની અડચણો છે. ખાસ તો કાયદાકીય અને બંધારણીય અડચણો સૌથી પહેલાં છે. એ પછી લાયકાત અને ક્ષમતાનો માપદંડ આવે છે. સ્થાનિક યુવાઓ માટે અનામત લાગુ કરવાથી લાયકાત અને ક્ષમતાનાં માપદંડ સાથે સમાધાન કરવું પડી શકે છે. ત્રીજી અડચણ એ છે કે ભારતનું સંઘીય માળખું આ પ્રકારનાં કાયદાઓને સ્વીકારતું નથી. કેમ કે, એકવાર જો આ પટારો ખૂલી ગયો તો દરેક રાજ્ય પોતાને ત્યાં સ્થાનિક અસ્મિતાનાં રાજકારણને હવા આપશે અને સ્થાનિક લોકો માટે શિક્ષણથી લઈને ખાનગી અને સરકારી નોકરીઓ તથા ધંધાઓમાં પણ અનામતની વ્યવસ્થા શરૂ કરી દેશે. તેનાથી દેશનો સંઘીય ઢાંચો નબળો પડશે અને જે વિવિધતાને ભારતની તાકાત ગણવામાં આવે છે તે તેની નબળાઈ બની જશે.



Comments
Post a Comment