કોરોનાના વૈશ્વિક રોગચાળામાં WHOની ભૂમિકા
કોરોના વાયરસના વૈશ્વિક રોગચાળા વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા ઉર્ફે WHOની ભૂમિકાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એ સંશોધનનો વિષય છે કે ગત વર્ષે નવેમ્બરમાં કોરોનાની હાજરી નોંધાઈ ત્યારથી લઈને જ્યાં સુધી વાયરસનો પ્રકોપ રહે છે ત્યાં સુધીમાં તેણે શું કર્યું. ચોક્કસ જ આ મામલે સંશોધન થશે, કેમ કે અમેરિકા સહિત અનેક વિકસિત દેશોએ તેની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે. એ સંશોધન તો થાય ત્યારે ખરું, પણ એ પહેલા તેનો એક ખાસ રોલ હાલ સ્પષ્ટ નજરે ચડી રહ્યો છે અને તે છે લોકોને ડરાવવાનો. જેવાં દુનિયાનાં કોઈ ખૂણેથી કોરોના વાયરસથી મુક્તિનાં એકાદ સારા સમાચાર આવે છે, ડબલ્યુએચઓ તરફથી ડરાવનારું નિવેદન આવી જાય છે.
કોરોનાની રસીનો તાજો મુદ્દો જ લઈ લો. દુનિયામાં તેને લઈને જે પરીક્ષણો ચાલી રહ્યાં છે તેમાંથી ઓછામાં ઓછાં બે એવા છે જે ત્રીજા તબક્કામાં પહોંચી ગયા છે અને પહેલાં બે તબક્કાનાં તેના પરિણામો ઘણાં ઉત્સાહજનક રહ્યાં છે. તેમાં રશિયા અને ચીનનાં પરીક્ષણો સામેલ નથી. અહીં એ યાદ રાખવું રહ્યું કે બંને દેશો ડબલ્યુએચઓની કોઈપણ ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યાં. તેઓ પોતાને ત્યાં આ વૈશ્વિક રોગાચાળા સામે પોતાની રીતે લડી રહ્યાં છે. ચેપ ફેલાવાથી લઈને લોકોનાં મોત સુધીનાં મામલાઓમાં આ બંને દેશો વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યાં. એટલે જ ચીને ચેપ ફેલાવાનું બંધ થઈ ગયાનું જાહેર કરી દીધું તો રશિયા પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.
કોરોનાની રસીનાં પરીક્ષણમાં પણ આ બંને દેશોએ કોઈને જાણ નહોતી કરી ક્યારે તેમણે પહેલું પરીક્ષણ કર્યું અને ક્યારે તબક્કાવાર ફાઈનલ પરીક્ષણ સુધી પહોંચ્યાં. સીધી રસીનાં સફળ થવાની જાહેરાત કરી દીધી. એટલે આ બંને દેશોમાં બની રહેલી રસી તેમની જગ્યાએ છે. તેમનાં સિવાય બ્રિટન અને અમેરિકામાં બે પરીક્ષણો સંપૂર્ણ સફળ રહ્યાં છે અને ત્રીજું પરીક્ષણ શરૂ થતાની સાથે જ કંપનીઓ ઉત્પાદન શરૂ કરી દેશે.
બ્રિટનની લેબોરેટરી અને તેની સહાયક એસ્ટ્રોજેનેકાની મદદથી બની રહેલી રસીનો મોટો હિસ્સો ભારતમાં ઉત્પાદિત થશે. પુણેની સીરમ ઈન્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ નામથી બનનારી આ રસીનાં પેકીંગનો ફોટો જાહેર કર્યો છે. તેના સીઈઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો છે કે વરસનાં અંતમાં તેમની રસી ભારતમાં આવી જશે. તેઓ શરૂઆતમાં 40 કરોડ ડોઝ તૈયાર કરી રહ્યાં છે અને આગામી વર્ષ સુધીમાં એક અબજ ડોઝ તૈયાર થઈ જશે. તેમણે એ પણ જણાવ્યું છે કે તેના એક ડોઝની કિંમત રૂ. એક હજારથી પણ ઓછી રહેશે. આ રસી બીજાં દેશોમાં પણ ઉત્પાદિત થશે. રશિયાની રસી ઓગસ્ટમાં આવી જશે એટલે તે પોતાના લોકોને તે આપવાનું શરૂ કરી દેશે. ચીન પણ સપ્ટેમ્બર સુધીમાં પોતાના લોકોને રસી મૂકી શકે તે સ્થિતિમાં હશે. અમેરિકી કંપની મોડેર્નાની રસી પણ ઓક્ટોબર સુધીમાં આવી જવાની આશા છે.
જે સમયે આખી દુનિયામાં કોરોનાની રસીને લઈને આટલાં ઉત્સાહજનક સમાચારો આવ્યા તેના એક દિવસ પછી ડબલ્યુએચઓએ કહ્યું કે કોરોનાની રસી 2021 પહેલાં નથી આવવાની. તેના આ નિવેદનનો અર્થ સમજાય તેવો નથી. રશિયાનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ પુરું થઈ ગયું છે અને તે ઓગસ્ટનાં અંત સુધીમાં અથવા તો સપ્ટેમ્બરનાં પહેલાં અઠવાડિયામાં લોકોને રસી આપવાનું શરૂ કરી દેશે તો ડબલ્યુએચઓ તેને રોકી લેશે? જ્યારે તેણે ડબલ્યુએચઓને જાણ કર્યા વિના જ રસી બનાવી છે તો તે શા માટે તેને પૂછીને રસી લોંચ કરશે? આ જ કામ ચીન પણ કરશે, જે હાલ પોતાની સૈનિક હોસ્પિટલોમાં રસીનું પરીક્ષણ કરી રહ્યું છે. એટલે હાલ તો એવું લાગી રહ્યું છે કે ડબલ્યુએચઓની વાતોનો કોઈ અર્થ નથી નીકળતો. કોરોનાને લઈને તેણે સૌથી વધારે ભય, ગભરાહટ અને અફવાઓ ફેલાવી જેનો ફાયદો માસ્ક, સેનિટાઈઝર અને દવાઓ વગેરે બનાવતી કંપનીઓએ ઉઠાવ્યો.
આ જ કામ તે હજુયે કરી રહ્યું છે. યાદ કરો, અડધો ડઝન દેશોને છોડીને આખી દુનિયામાં કોરોના કાબૂમાં આવી રહ્યો હતો તો આ સંસ્થાએ શું કહ્યું હતું? તેણે નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિ હજુ છે તેનાથી પણ વધુ બદ્દતર બનશે. સવાલ એ થાય કે કેવી રીતે પરિસ્થિતિ બદથી બદ્દતર થશે? જ્યારે ખુદ સંસ્થા કહી રહી છે કે 85 ટકાથી વધુ દર્દીઓ આપમેળે સાજા થઈ રહ્યાં છે, ચેપ અને મૃત્યદર બંને ઘટી રહ્યાં છે, તેની માન્યતાપ્રાપ્ત દવાઓ અસર કરી રહી છે તો પછી હાલત વધારે કેવી રીતે બગડશે?
હાલ દુનિયામાં ચાર-પાંચ દેશોને બાદ કરતાં મોટાભાગનાં દેશોમાં કોરોનાની અસર કાં તો ખતમ થઈ રહી છે અથવા બેઅસર છે. હાલ આખી દુનિયામાં દરરોજ બેથી સવા બે લાખ કેસો આવી રહ્યાં છે, જેમાંનાં અડધાથી વધુ કેસો માત્ર ત્રણ દેશો અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાંથી આવી રહ્યાં છે. ત્રણેયનાં મળીને દરરોજ દોઢ લાખ કેસો થવા જાય છે. આ સિવાય પેરૂ, મેક્સિકો, ચિલી જેવા થોડાંક દેશો છે જ્યાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ દુનિયાનાં મોટા હિસ્સાએ તેનાં પર નિયંત્રણ મેળવી લીધું છે. લગભગ સમગ્ર યુરોપમાં ચેપ લાગવો અટકી ગયો છે, ઓસ્ટ્રેલિયા પણ મહદઅંશે તેનાથી મુક્ત થઈ ગયો છે. ન્યૂઝિલેન્ડ તો પહેલા જ તેની જાહેરાત કરી ચૂક્યું છે. આફ્રીકાની સ્થિતિ એ છે કે દસ હજારથી વધુ કેસોવાળા કુલ 75 દેશોમાં તેનાં માત્ર ચાર દેશો છે. એમાં પણ બે દેશો સૌથી નીચે છે. ટોચનાં 50 દેશોમાં આફ્રિકાનો માત્ર એક જ દેશ દક્ષિણ આફ્રિકા છે.
આટલી સાનુકૂળ સ્થિતિ છતાં ડબલ્યુએચઓ દુનિયાનાં દેશો અને લોકોને ડરાવવામા લાગેલું છે કે હાલત હજુ બગડશે. જો સાચે જ આવું થવાનું પણ હોય, તો તેનું કામ દેશોને સલાહ આપવાનું છે. તે સરકારો સાથે વાતચીત કરે, તેમને પરિસ્થિતિ બાબતે સમજાવે, જરૂરી ઉપાયો સૂચવે, પણ એ બધું કરવાને બદલે તે માત્ર નિવેદનો જારી કરી રહ્યું છે. વાસ્તવમાં જોવા જઈએ તો જ્યારે તેણે પોતાની ભૂમિકા નિભાવવાની હતી ત્યારે તેણે મૌન ધારણ કરી રાખ્યું અને ચીનમાંથી કોરોનાનો ચેપ દુનિયાભરમાં ફેલાવા દીધો. હવે જ્યારે બધું ખતમ થઈ ગયું છે ત્યારે તપાસને નામે બે લોકોની એક ટીમ ચીન મોકલીને ભૂલ સુધારવા મથી રહ્યું છે અને બીજી બાજુ દુનિયાને એ વાતથી ડરાવી રહ્યું છે કે ચેપનો ફેલાવો હજુ વધારે ખરાબ રીતે થશે અને કોરોનાની રસી આવતા વર્ષ સુધી આવવાની નથી.



Comments
Post a Comment