ડિજિટલ હેલ્થ મિશનઃ લોકોનું બહાનું, ફાયદો કોને?
સ્વાતંત્ર્ય દિવસ પરનાં પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ ‘ડિજિટલ હેલ્થ મિશન’ની જાહેરાત કરી હતી. સરકારી સૂત્રોનાં મતે સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત આ પદ્ધતિ અમલમાં આવ્યા બાદ આરોગ્ય સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. દરેક નાગરિકને એક હેલ્થ આઈડી કાર્ડ મળશે જેમાં તેમની આરોગ્ય સ્થિતિની તમામ જાણકારી હશે. સરકારનું માનવું છે કે આ યોજના અમલી બનતા બિનજરૂરી દવાઓ અને નકલી મેડિકલ બિલો પર લગામ લાગશે.
નેશનલ ડિજિટલ હેલ્થ મિશન કહેવા માટે તો ભારત સરકારની યોજના છે જેને 2018માં નીતિ આયોગની ભલામણ પર આરોગ્ય વિભાગની એક પેનલે તૈયાર કરી હતી. પણ હકીકતે તે મોટી દવા કંપનીઓ, હોસ્પિટલોની ચેઈન ચલાવતા કોર્પોરેટ ગૃહો, મોટી ખાનગી લેબોરેટરીઓ અને રસીકરણ સાથે જોડાયેલી કંપનીઓનાં એજન્ડાનો વિસ્તાર છે જેનાથી સામાન્ય માણસને કોઈ ફાયદો થવાનો નથી. કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ મામલે જે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે તેને ધ્યાનથી જોઈએ તો વારંવાર એ વાંચવા મળે છે કે દેશનાં લોકોને આનાથી મોટો ફાયદો થશે. પણ હકીકતમાં ક્યાંય પણ એ નથી જણાવવામાં આવ્યું કે લોકોને કેવી રીતે ફાયદો થશે. આ મિશન અંતર્ગત છ ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવાની વાત છે જેનાં નામ છે - હેલ્થ આઈડી, ડિજિડોક્ટર, હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી, પર્સનલ હેલ્થ રેકોર્ડ, ઈ ફાર્મસી અને ટેલીમેડિસીન. હવે વિચારો કે આ બધું બની જશે તો તેનાથી સામાન્ય માણસને શું ફાયદો થશે અને કેવી રીતે?
હકીકતે આ આખી બ્લૂપ્રિન્ટ સામાન્ય માણસનો મેડિકલ ડેટા એક જગ્યાએ એકઠો કરવાની વાત કરે છે. એમાં ક્યાંય પણ આરોગ્યનાં મૂળભૂત ઢાંચાને સુધારવાની વાત નથી કરાઈ. નથી સસ્તી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો કોઈ ઉલ્લેખ કે નથી ડોક્ટરોની સંખ્યા વધારવાની વાત. નથી નર્સિંગ સ્ટાફની સંખ્યા કે ગુણવત્તા સુધારવાની વાત. વ્યાજબી ભાવે જેનેરિક દવાઓ સરળતાથી લોકોને કેવી રીતે મળતી થશે તેનો પણ આમાં કોઈ ઉલ્લેખ નથી. જો ગામડાંઓમાં હોસ્પિટલો નહીં ખૂલે, સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ નહીં સુધરે, ડોક્ટરોની સંખ્યા નહીં વધે અને આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ખાનગી સેક્ટરને હવાલે કરી દેવામાં આવશે તો લોકોનાં હેલ્થ આઈડી કાર્ડ બનાવવાથી શું ફાયદો થશે? શું કાર્ડ બની જવાથી લોકોને આરોગ્ય સુવિધાઓ મળવા માંડશે? હાલ કોરોના વાયરસે દેશની આરોગ્ય સેવાઓની પોલ ખોલી નાખી છે, છતાં સરકાર તેમાં સુધારો કરવાને બદલે હેલ્થ આઈડી બનાવવામાં લાગી ગઈ છે.
આ વાસ્તવમાં આધારકાર્ડ જેવી જ એક યોજના છે જેમાં દરેક વ્યક્તિ પાસેથી તેના આરોગ્ય સાથે જોડાયેલી તમામ માહિતી મેળવવામાં આવશે. તેના તમામ હેલ્થ પેરામીટરો તેમાં નોંધાશે. જેમાં વ્યક્તિની ઊંચાઈ, વજન, લોહીનું દબાણ, શુગરનું સ્તર, એલર્જીથી લઈને બિમારીઓ, તેની અત્યાર સુધી થયેલી તપાસ, તે જે દવાઓ લે છે તેની જાણકારીઓ, ક્યા ક્યા ડોક્ટરોની મુલાકાત લીધી હતી, રસીઓ મૂકાવી છે કે નહીં, આરોગ્ય વીમો છે કે નહીં આ તમામ માહિતી તેમાં રહેશે. સરકાર આ બધી માહિતી સીધી લોકો પાસેથી કેવી રીતે લે, એટલે તેમાં ‘ડિજિડોક્ટર’ અને ‘હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી’ની વાત પણ જોડી દેવામાં આવી છે. જે અંતર્ગત દેશનાં બધાં ડોક્ટરોનો ડિજિટલ રેકોર્ડ બનાવવો અને આરોગ્ય સેવાઓ એટલે કે હોસ્પિટલ વગેરેની જાણકારી આપવાની વાત સામેલ કરાઈ છે. તેનો ઉદ્દેશ્ય લોકોને એ ભ્રમમાં રાખવાનો છે કે સરકાર આ કામ તમારા માટે કરી રહી છે.
એક પ્રચાર એવો પણ થઈ રહ્યો છે કે આનાથી ડોક્ટરોની ડિજિટલ જાણકારી ઉપલબ્ધ રહેશે. હવે આનાથી લોકોને શું ફાયદો? આજે દરેક નાની-મોટી હોસ્પિટલોનાં ડોક્ટરોનાં નામ ઓનલાઈન ઉપલબ્ધ છે અને તેમની હજારો રૂપિયાની ફી કેવી રીતે ઓનલાઈન ભરવી એ જાણકારી પણ ઉપલબ્ધ છે. અનેક એવી વેબસાઈટ છે જેમાંથી વ્યક્તિ કોઈપણ બિમારી માટે પોતાની નજીકમાં જ ડોક્ટર શોધી શકે છે અને તેની ફી ભરીને અપોઈન્ટમેન્ટ પણ લઈ શકે છે. તેના માટે ‘ડિજિડોક્ટર’ કે ‘હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી’ની શું જરૂર છે? યાદ રાખો, ડોક્ટરોનો ડિજિટલ ડેટા બનવાથી આમ આદમીને કોઈ ફાયદો નહીં થાય. આ તો એના જેવી વાત થઈ કે દેશ આખાની રેસ્ટોરન્ટોનું મેનુ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જવાથી દરેક ભૂખ્યા માણસને જમવાનું મળી જશે. ડોક્ટરોનો ડિજિટલ ડેટા સામાન્ય માણસનાં કોઈ કામમાં નહીં આવે, પરંતુ દરેક વ્યક્તિનો આરોગ્ય ડેટા ઓનલાઈન થઈ જવાથી ખાનગી હોસ્પિટલો, દવા વેચનારા, ખાનગી લેબોરેટરીઓ વગેરે ચલાવનારાઓને તગડો ફાયદો થશે.
હકીકતે છેલ્લાં કેટલાક સમયમાં સરકારી આરોગ્ય સેવાઓનાં ભોગે દેશમાં ખાનગી હેલ્થ સેક્ટર મજબૂત થયું છે. સરકારી હોસ્પિટલોની સેવાઓ દિનપ્રતિદિન કથળતી જઈ રહી છે. દેશનાં ગરીબ માણસનાં ખિસ્સાને પરવડે તેવી આરોગ્ય સેવાઓ સ્વપ્નવત બની ચૂકી છે. ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે અને ત્યાં સરકારનાં કાર્ડ ફગાવી દેવાય છે. સ્થિતિ એવી ઉભી કરવામાં આવી રહી છે કે સામાન્ય માણસે નાછુટકે ખાનગી હોસ્પિટલનાં શરણે જવું પડે. એટલે જ આખા દેશમાં મોટી ફાર્મા કંપનીઓ, મેડિકલ કેર કંપનીઓ, લેબોરેટરીઓ અને ટેલીમેડિસીન કંપનીઓ વિલય અને હસ્તાંતરણ દ્વારા આરોગ્ય સેવાઓને સંગઠિત કરી રહી છે. આખા દેશમાં એક-બે કંપનીઓનાં જ પેથોલોજી લેબ ખુલી રહ્યાં છે. મેડિકલ કેરની બે-ત્રણ મોટી કંપનીઓ જ દરેક નાનાં શહેરમાં પોતાની હોસ્પિટલો ખોલી રહી છે અથવા તો પહેલેથી ચાલી રહેલી હોસ્પિટલો ટેકઓવર કરી રહી છે. ટેલિમેડિસીનની કંપનીઓ આક્રમક પ્રચાર દ્વારા આખા દેશમાં ફેલાઈ રહી છે અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર દવાઓ પણ મળવા લાગી છે. જો કે એ પછી ભારતનું હેલ્થ સેક્ટર ઘણું વિખેરાયેલું છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશનનો ઉદ્દેશ્ય આ વિખેરાયેલા સેક્ટરને સંગઠિત કરીને મોટા કોર્પોરેટ ગૃહોનાં હાથમાં સોંપી દેવાનો છે.
સરકાર હજુ પણ કહી રહી છે કે આ સ્વૈચ્છિક છે, પણ વધુ સમય સુધી તે સ્વૈચ્છિક રહેવાનું નથી. તેને આધારકાર્ડની જેમ ફરજિયાત કરવામાં આવશે. સરકાર કહી રહી છે કે આધારથી અલગ આના માટે ફેડરલ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે જેમાં દરેક વ્યક્તિનો આરોગ્ય ડેટા અલગ અલગ હોસ્પિટલોનાં સર્વરમાં હશે અને વ્યક્તિની મંજૂરી મળ્યાં બાદ જ તે શેર કરી શકાશે. પણ આ વાત પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરશે કે ભારતમાં તેનો ડેટા સુરક્ષિત રહેશે અને તેની મરજી વગર તે શેર નહીં કરવામાં આવે. અહીં પાંચ-દસ રૂપિયામાં લોકોનાં આધારકાર્ડનો ડેટા વેચાવાનાં સમાચારો સમયાંતરે આવતા રહે છે ત્યારે હોસ્પિટલોમાં રાખવામાં આવેલો હેલ્થ ડેટા બજારમાં વેચાવા લાગે તો એમાં નવું શું હશે. તો દેશવાસીઓ, ફરી એકવાર કોર્પોરેટ ગૃહોનાં ફાયદા માટે લાઈનોમાં લાગવા માટે તૈયાર થઈ જાવ.



Comments
Post a Comment