અભિનેતાની આત્મહત્યા પર રાજકીય રોટલાં શેકવાની મથામણ
ભારત એવો દેશ છે જ્યાં કોઈપણ આફત, હોનારત કે કોઈનાં પણ વ્યક્તિગત દુઃખને તમાશો બનાવી શકાય છે. એ ત્યાં સુધી કે કોઈ યુવાનનાં મોતને પણ એક રાજકીય ઈવેન્ટમાં પરિવર્તિત કરી શકાય છે.જેમ પાંચ-છ વર્ષ પહેલાં રોહિત વેમુલાની આત્મહત્યાને દેશભરમાં રાજકીય તમાશો બનાવી દેવાઈ હતી. હૈદરાબાદ યુનિવર્સિટીનાં એ આશાસ્પદ યુવાને જાતિવાદી તત્વો અને સિસ્ટમથી ચિંતિત થઈને આત્મહત્યા કરી લીધી હતી તેના પર જે રીતે રાજકારણ રમાયું તેવું વરવું ઉદાહરણ શોધવું મુશ્કેલ છે. તો કોંગ્રેસ નેતા શશી થરૂરનાં પત્ની સુનંદા પુષ્કરની કથિત આત્મહત્યા તો એક ગ્રાન્ડ પોલિટિકલ ઈવેન્ટમાં ફેરવાઈ ગઈ હતી. આજેય તેની તપાસ અને સુનાવણી ચાલી રહી છે અને હવે આ જ લાઈનમાં તાજો દાખલો ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો છે.
14 જૂનનાં રોજ સુશાંતે આત્મહત્યા કરી હતી અને એ ઘટનાને આજકાલ કરતાં બે મહિના થવા આવ્યાં. છતાં બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી માત્ર આ જ બાબતની ચર્ચા છે. મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સર્વાધિક સંક્રમિત રાજ્ય છે અને ભવિષ્યમાં બિહાર તેનું સ્થાન લઈ શકે તે સ્થિતિમાં છે. આ સિવાય બંને સતત વરસાદ અને પૂરથી ત્રસ્ત રાજ્યો છે. પણ આ બધું ભૂલીને હાલ બંને વચ્ચે સુશાંતસિંહ રાજપૂતનાં મુદ્દે જંગ છેડાયેલો છે. બિહારનાં લોકોનાં મનમાં એ ઠસાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે કે બોલિવુડનાં ભાઈ-ભત્રીજાવાદે તેનો જીવ લીધો છે અને તેને ન્યાય મળવો જોઈએ. લોકો પણ હઈસો હઈસો કરતાં તેમાં જોડાઈ રહ્યાં છે.બિહારનાં લોકોને એ સમજમાં નથી આવી રહ્યું કે ચૂંટણી ખતમ થતા જ આ મુદ્દો ખતમ થઈ જશે પરંતુ માંદગી, રોગચાળો અને પૂર તો દર વર્ષે આવશે. ત્યારે શા માટે તેઓ પોતાની ચૂંટેલી સરકારને આ મામલે અત્યંત ખરાબ મેનેજમેન્ટ માટે જવાબદાર નથી ઠેરવતા?
આખરે આ મામલામાં એવું શું છે જેને લઈને લોકો આટલાં બધાં ઉશ્કેરાઈ રહ્યાં છે? શું ખરેખર બિહારનાં લોકો એ બાબતે ચિંતિત છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું સત્ય સામે આવે? કે પછી તેમને કોઈ આયોજનનાં ભાગરૂપે આ ભાવનાત્મક મુદ્દા સાથે જોડી દેવામાં આવ્યા છે? હકીકતમાં સામાન્ય લોકોને તેનાથી કોઈ મતલબ નથી. જો તેમને કોઈ મતલબ હોત તો તેમની પ્રતિક્રિયા પહેલા દિવસે જ જોવા મળી ગઈ હોત. પણ એવું થયું નહીં. લોકોએ તેને સહજ રીતે લીધી અને માની લીધું કે કોઈ મુશ્કેલીને કારણે સુશાંતે આત્મહત્યા કરી છે. પણ દોઢ મહિના પછી અચાનક આ મામલો બિહારની અસ્મિતા સાથે જોડાઈને ‘બિહાર વિરૂદ્ધ મહારાષ્ટ્ર’નો મુદ્દો બની ગયો છે.
આવું એટલાં માટે છે કેમ કે રાજ્યની સરકારને તે બરાબર માફક આવે છે. બે કારણોસર આ મુદ્દો બિહાર સરકારને માફક આવે છે. પહેલો મુદ્દો એ કે, એ બહાને સરકાર કોરોના વાયરસને નાથવાની પોતાની અસમર્થતા અને દર વર્ષે આવનારા પૂરને નિયંત્રિત ન કરી શકવાની અણઆવડતતરફથી લોકોનું ધ્યાન ભટકાવી શકે. લોકો હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે, કોરોનાને કારણે જીવન-મરણની ચિંતા છે, તો તેના કારણે અર્થતંત્રને પડેલો માર તો જુદો. ઉપરથી પૂરે લોકોનું જીવવુંદુષ્કરબનાવી દીધું છે. સુશાંત સિંહ રાજપૂતનાં બહાને સરકારે આ બંને સમસ્યાઓ પરથી ધ્યાન હટાવ્યું છે. જો હજુ 15-20 દિવસ આ વિવાદ ચાલી જાય તો નીતિશ સરકારને સારી એવી રાહત મળી જાય. બીજું કારણ એ છે કે તેનાથી નીતિશ કુમારને બિહારી અસ્મિતાનાં પોતાના જૂના હથિયારને ચમકાવવાનો પણ મોકો મળ્યો છે. તેઓ પહેલા આ દાવ અજમાવી ચૂક્યા છે પણ સફળતા હાથ લાગી નહોતી. ત્યારે સુશાંતનાં નામે એ જૂના હથિયારને ધાર કાઢવા પ્રયત્નો થશે.
નેતાઓ આ પ્રકારનાં કામો કરે તે સમજી શકાય છે, પણ બિહાર જેવા રાજકીય અને સામાજિક રીતે જાગૃત પ્રદેશનાં લોકો કેવી રીતે આ જાળમાં ફસાયા? શું તેમને ખરેખર એ વાતની ખાતરી છે કે સુશાંત સિંહ રાજપૂત સાથે અન્યાય થયો છે, કે તેની આત્મહત્યા પાછળ કોઈ કાવતરૂ છે અથવા તેની હત્યા કરવામાં આવી છે?શું તેમને એક-બે ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં પ્રચારિત કાવતરાની થિયરી પર સાચે જ વિશ્વાસ છે? એવું લાગી રહ્યું છે કે બધું એક ખાસ પ્રકારની ધારણાથી સંચાલિત થઈ રહ્યું છે. એવી ખોટી ધારણા તૈયાર કરવામાં આવી રહી છે કે સુશાંત સિંહ રાજપૂતને મોટા નિર્માતા-નિર્દેશકોએ હેરાન કર્યો, મોટા અભિનેતાઓએ તેને ફિલ્મોમાંથી કઢાવી નાખ્યો અને તેની ગર્લફ્રેન્ડે તેનાં કરોડો રૂપિયા ખર્ચ કરાવી દીધાં.
જો કોઈ
નિર્માતા-નિર્દેશકે તેને પોતાની ફિલ્મમાંથી બહાર કરી દીધો તો એમાં કોઈ મોટી વાત
નથી. અનેક મોટા અભિનેતા-અભિનેત્રીઓને ફિલ્મોમાંથી હટાવી દેવાય છે અને આ જ્યારથી
ફિલ્મ ઈન્ડસ્ટ્રી અસ્તિત્વમાં આવી ત્યારથી થઈ રહ્યું છે. આ પ્રકારનાં સેંકડો
કિસ્સાઓ વિશે સૌને ખ્યાલ છે. આજે ફિલ્મ હોય કે રાજકારણ, સ્પોર્ટ્સ હોય કે
ઉદ્યોગજગત, દરેક જગ્યાએ આ જ પ્રકારની ગળાકાપ સ્પર્ધા છે અને એમાં કોઈ કોઈનાં
પ્રત્યે દયાભાવ નથી રાખતું. બિહારનાં લોકોએ સમજવું રહ્યું કે શત્રુધ્ન, પ્રકાશ ઝા,
મનોજ વાજપેયી, પંકજ ત્રિપાઠી જેવા જેટલાં લોકો બોલિવૂડમાં સ્થાયી થયેલાં છે તે
બધાં બહારનાં લોકો જ હતા અને તેમની સાથે પણ ઈન્ડસ્ટ્રીનો વ્યવહાર એવો જ રહ્યો હશે,
જેવો સુશાંત સાથે હતો. છતાં તેઓ ટકી રહ્યાં.
સામે ગ્લેમરનાં ઝળહળાટમાં ભટકવું પણ ફિલ્મજગતનાં લોકોની નિયતિ છે જેમાં સુશાંત પણ અપવાદ નહોતો. તેણે પણ વર્ષો સુધી એક અભિનેત્રી સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ બીજી છોકરી સાથે લિવ ઈન રિલેશનમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ એ સમજવું જોઈએ કે તેની કરિયર બહુ નાની હતી, તેણે બહુ નાનાં-નાનાં બજેટની ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેની કમાણી પણ મર્યાદિત હતી. પણ હવે તો સમજદાર લોકો પણ કહી રહ્યાં છે કે તેના ખાતામાંથી 15 કરોડની હેરાફેરી થઈ ગઈ. કોઈ વળી કહે છે 50 કરોડની હેરાફેરી થઈ છે. જો તેની ટીવી અને ફિલ્મયાત્રા પર નજર કરીએ તો તેની કુલ કમાણી પણ 15-20 કરોડ થઈ હશે તો બહુ મોટી વાત હશે.
આ આખા મામલામાં ફિલ્મજગત કે મહારાષ્ટ્રનાં રાજકારણીઓ પર આરોપ લગાવવા કરતા વધારે જરૂરી છે સુશાંતનાં પરિવારનાં લોકો પરિસ્થિતિનું આકલન કરે અને પોતાની ભૂમિકા વિશે ગંભીરતાથી વિચારે. તેના પિતાએ કહ્યું છે કે તેમણે 25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને એલર્ટ કરી હતી કે સુશાંતનાં જીવને જોખમ છે. સવાલ એ થાય કે તેને કઈ વસ્તુથી ખતરો હતો?જો તે ડિપ્રેશનમાં હતો, તેના પર કાળો જાદુ કરવામાં આવ્યો હતો, તેની ગર્લફ્રેન્ડ તેના પરિવારનાં લોકો સાથે વાત નહોતી કરવા દેતી, તો આ પરિવારનો મામલો છે અને તેના માટે પરિવારે આગળ આવવું જોઈએ. તેના પિતા મુંબઈ જઈને દીકરા સાથે રહી શકતા હતા, સુશાંતને પોતાની પાસે બોલાવી શકતા હતા, તેની બહેન તેની સાથે રહેવા જઈ શકતી હતી.આ બધાં પાસાઓને ધ્યાનમાં રાખીને જોતા એવું લાગી રહ્યું છે કે સુશાંત અચાનક મળેલી સફળતા, ગ્લેમરનો ઝળહળાટ, પારિવારીક સંબંધો અને કરિયરનાં ઉતાર-ચઢાવને યોગ્ય રીતે હેન્ડલ કરી શક્યો નહીં એટલે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું પડ્યું. હવે તેની આત્મહત્યામાં રાજકારણ ભળ્યું છે એટલે આગામી સમયમાં બીજી પણ કેટલીક થિયરીઓ વહેતી કરવામાં આવે તો નવાઈ નહીં. આમ પણ તપાસ સીબીઆઈ સુધી તો પહોંચી જ ગઈ છે અને બિહારની ચૂંટણી આડે પણ ક્યાં વધારે સમય રહ્યો છે?



Comments
Post a Comment