નવી શિક્ષણનીતિઃ કહીં પે નિગાહેં, કહીં પે નિશાના..


નવી શિક્ષણ નીતિમાં સૌથી વધુ ચર્ચા એ વાતને લઈને થઈ રહી છે કે ધોરણ પાંચ સુધી માતૃભાષા કે સ્થાનિક ભાષામાં બાળકોને ભણાવવા. અર્થાત શિક્ષણની માધ્યમ ભાષા બાળકોની માતૃભાષા હોય અથવા તો સ્થાનિક ભાષા.આમ જોવા જઈએ તો આ કોઈ નવી વાત નથી. આઝાદી પછી લાંબા સમય સુધી ભાષા સ્કૂલો હતી જ્યાં પ્રાદેશિક કે માતૃભાષામાં શરૂઆતનું ભણતર થતું હતું. સામાન્ય રીતે સ્કૂલોમાં પાંચમા ધોરણ બાદ જ અંગ્રેજી ભાષાનું શિક્ષણ શરૂ થતું હતું. પણ ધીરેધીરે ભાષા સ્કૂલો કે સરકારી શાળાઓ નબળી પડતી ગઈ અને તેમનાં ભોગે ખાનગી શાળાઓને આગળ વધવા દેવામાં આવી જ્યાં અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવામાં આવતા હતા. તેનું પરિણામ એ આવ્યું કે ખાનગી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી ભણેલાં બાળકો આગળ નીકળતા ગયા અને તેની સરખામણીમાં ભાષા સ્કૂલો કે સરકારી શાળાઓમાં ભણેલાં બાળકો પાછળ પડવા લાગ્યાં.

હજુ પણ નવી શિક્ષણ નીતિમાં ભાષાને લઈને જે પ્રસ્તાવ છે તે હકીકતમાં દેશની બહુમતિ વસ્તીને અભણ બનાવી રાખવાનાં ષડયંત્રનો ભાગ છે. સૌથી પહેલી સમસ્યા તો એ છે કે સરકારે આ મામલામાં કશું પણ સ્પષ્ટ નથી કર્યું કે માતૃભાષા કે સ્થાનિક ભાષાનો શું મતલબ છેજો કોઈ બાળકની માતૃભાષા અને સ્થાનિક ભાષા અલગ અલગ હશે તો શું થશે?જો કોઈ બાળકનાં માતાપિતા અલગ અલગ પ્રદેશનાં હશે તો તેનાં માટે સ્થાનિક કે માતૃભાષા કઈ હશે? નોકરીઓમાં જે લોકોની બદલીઓ થતી રહે છે તેમનાં બાળકો કઈ ભાષામાં શિક્ષણ મેળવશે? સ્થળાંતરિત મજૂરોનાં બાળકો કઈ ભાષામાં ભણશે? ભારત જેવા ભાષાની વિવિધતા ધરાવતા દેશમાં આ બિલકુલ શક્ય છે કે કોઈ બાળકની માતૃભાષા જુદી હોય અને તે જ્યાં રહે છે ત્યાંની સ્થાનિક ભાષા અલગ હોય. એવામાં તે બાળક કઈ ભાષામાં અભ્યાસ કરશે? આ સવાલોનાં જવાબ મળ્યાં પછી જ શિક્ષણનાં માધ્યમની ભાષા વિશે નક્કર વિચાર થઈ શકે.

બીજી સમસ્યા એ છે કે આઝાદીનાં 73 વર્ષ પછી પણ હિંદી કે બીજી કોઈ પ્રાદેશિક ભાષામાં શિક્ષણની સામગ્રી નહીં બરાબર છે. સ્થિતિ એ છે કે બાળકો સ્થાનિક ભાષામાં શિક્ષણની સામગ્રી દિવો લઈને શોધવા જાય તો પણ પુરેપુરીં મળે તેમ નથી. હિંદી અને બીજી સ્થાનિક ભાષાઓ માત્ર સાહિત્યની ભાષાઓ બનીને રહી ગઈ છે. જુદીજુદી વિદ્યાશાખાઓ કે સંશોધનોની અભ્યાસ સામગ્રી ભારતની સ્થાનિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવી નથી. ભારતની સ્થાનિક ભાષાઓ જ્ઞાનવિજ્ઞાનની ભાષા નથી બની શકી એ હકીકત છે. વિજ્ઞાનથી લઈને દર્શનશાસ્ત્ર, રાજનીતિ, ઈતિહાસ કે કોઈપણ બીજા વિષયની ગુણવત્તાયુક્ત સામગ્રી સ્થાનિક ભાષાઓમાં નહીં મળે. આમ છેલ્લે જેમણે પણ ઉચ્ચ કે ટેકનિકલ શિક્ષણ મેળવવું છે તેમનાં માટે કમ સે કમ જ્યાં સુધી સ્થાનિક ભાષાઓમાં એ સ્તરની શિક્ષણ સામગ્રી તૈયાર ન થઈ જાય ત્યાં સુધી ભણતરની ભાષા અંગ્રેજી જ હશે.

હવે અહીં એ તુલના કરો કે અમુક બાળકો પાંચમા ધોરણ સુધી અથવા સરકારી યોજનાની રીતે આઠમા ધોરણ સુધી માતૃભાષા કે સ્થાનિક ભાષામાં ભણશે અને અમુક બાળકો શરૂઆતથી જ અંગ્રેજી ભાષામાં ભણશે, તો આઠમા પછી તેમની વચ્ચે કોઈ સ્પર્ધા રહી જશે ખરી? પહેલેથી અંગ્રેજી માધ્યમમાં ભણેલાં બાળકો આગળ નીકળતા જશે અને માતૃભાષા કે સ્થાનિક ભાષામાં ભણેલાં બાળકો કાં તો શાળા છોડશે અથવા તો માંડમાંડ ડિગ્રી મેળવશે. અંતે તેમનાં માટે ગળાકાપ હરિફાઈનાં આજનાં જમાનામાં મજૂરી કરવા સિવાય કોઈ કામ નહીં બચે.

શિક્ષણની ભાષા સિવાય બીજો અગત્યનો મુદ્દો એ જણાવવામાં આવ્યો છે કે છઠ્ઠા ધોરણથી જ બાળકોનો કૌશલ્ય વિકાસ કરવામાં આવશે,એટલે કે તેમની વ્યવસાયિક તાલીમ થશે.સૌથી પહેલો સવાલ તો એ છે કે છઠ્ઠા ધોરણનાં બાળકને, જેની ઉંમર માંડ દસ વર્ષ હશે, તેનામાં અભ્યાસક્રમથી અલગ શું કૌશલ્ય વિકસિત કરી શકાય તેમ છે? અહીં એ યાદ રાખવું રહ્યું કે ખેલકૂદ અને સંગીત તેનાથી જુદા છે. એવામાં સવાલ થાય કે શું તેમને પ્લમ્બિંગ, સુથારીકામ, ઈલેક્ટ્રિશિયન, મિકેનિક વગેરે કોર્ષ કરાવવામાં આવશે?તેનાથી વાસ્તવમાં શું પ્રાપ્ત થશે?છઠ્ઠા ધોરણનું બાળક શાળામાં આ બધું શીખીને તેમાં કાર્યદક્ષ તો થઈ શકવાનું નથી. હા, તેના મનમાં કોઈ અજાણ ખૂણે એ વાત ચોક્કસ ઘર કરી જશે કે તેણે આગળ જઈને આ જ કામ કરવાનું છે. જે છેલ્લે ડ્રોપઆઉટને ઉત્તેજન આપશે. બાળકોનું શાળા છોડવાનું કે આવા જ નાનામોટાં કામો તરફ વળી જવાનું ચલણ વધશે. આ પણ એક મોટી વસ્તીને અભણ રાખવા માટેનાં ષડયંત્રનો જ ભાગ લાગે છે.

તેને બાળમજૂરી ન પણ કહીએ, જેમ અમુક લોકો કહી રહ્યાં છે, તો પણ એવું તો કહી જ શકાય કે છઠ્ઠા ધોરણથી જ શાળાઓને મજૂરો પેદા કરવાની ફેક્ટરી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિનાં ડ્રાફ્ટમાં તેને ફન ચોઈસ કહેવામાં આવી છે, એટલે કે બાળકો રમતાં રમતાં આ બધી ચીજો શીખશે. પરંતુ તેમાં જ આગળ લોકલ સ્કિલિંગ નીડ એટલે કે સ્થાનિક જરૂરિયાતોને આધારે કૌશલ્ય વિકસિત કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો શાળાઓને મજૂરો પેદા કરવાની ફેક્ટરી નથી બનાવવાની તો સ્થાનિક જરૂરિયાતનાં આધારે કૌશલ્ય વિકાસ કરવો કેમ જરૂરી છે? કેમ કોઈ એવું કૌશલ્ય વિકસિત ન કરવામાં આવે જેની સ્થાનિક સ્તરે કોઈ જરૂરિયાત ન હોય?

આમ કહી શકાય કે માતૃભાષા કે સ્થાનિક ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવાનો વિચાર કે વ્યવસાયિક તાલીમનો વિચાર ના તો નવો છે, ના ક્રાંતિકારી છે, ના બહુ ઉપયોગી છે. આ દેશનાં એક મોટા હિસ્સાને અભણ રાખવાની ચાલ છે. જો નવી શિક્ષણ નીતિ મુજબ જ કાયદો બને તો એ નક્કી માનજો કે ગરીબ, વંચિત, આદિવાસી અને પછાત વર્ગનાં બાળકો એ જ સ્થિતિમાં રહેશે, જે સ્થિતિમાં આજે છે. આ શિક્ષણ નિતી તેમનાં કોઈ કામમાં નહીં આવે. જો સરકાર સાચે જ તેમની સ્થિતિમાં સુધારો થાય તેમ ઈચ્છે છે તો હિંમત કરીને અંગ્રેજી પર પ્રતિબંધ મૂકે અને કોઈ એક કે વધુમાં વધુ બે ભારતીય ભાષાઓને ફરજિયાત કરીને તેમાં શિક્ષણ અપાવે. એ ભાષાઓમાં અભ્યાસક્રમને આધારે સામગ્રી તૈયાર કરાવે અને સાથે જ શિક્ષકોની તાલીમની સારી વ્યવસ્થા કરે.


Comments