ખતમ થઈ જવી જોઈતી ‘જાતિ’ સંસ્થા વધુ મજબૂત થઈ રહી છે


ઉત્તરપ્રદેશનાં ગેંગસ્ટર વિકાસ દુબેનાં એન્કાઉન્ટરે રાજકારણ, વહીવટીતંત્ર અને ગુનેગારોની મીલીભગતની ભારતની એ ઐતિહાસિક સમસ્યાને જગજાહેર કરી દીધી છે, જેનાં વિશે સૌ જાણે છે અને જે  પહેલાં  પણ સામે આવતી રહી છે પણ તેનાં પર તાત્કાલિક ઢાંકપિછોડો કરી દેવામાં આવે છે. અગાઉની જેમ આ મામલો પણ ઈતિહાસ બની ગયો છે અને લોકો પણ તેને બિલકુલ એવી જ રીતે ભૂલી ગયા છે, જેમ પહેલાની ગેંગવોર, તેમાં પોલીસની મીલીભગત, વહીવટીતંત્રની લાપરવાહી અને રાજકારણની સાંઠગાંઠને ભૂલી ગયા છે.

વિકાસ દુબેનું જે થયું તેનાં બીજ બિહાર અને યુપી સહિત અનેક રાજ્યોની રાજકીય અને સામાજિક સ્થિતિમાં પડેલાં છે. આ રાજ્યોમાં ગુનેગારો કોઈક રીતે રાજ્યનાં સામાજિક-રાજકીય પાવર સ્ટ્રક્ચરનું અભિન્ન અંગ બની જાય છે. તેમની જાતિઓને કારણે તેમની એક ખાસ સામાજિક ઓળખ હોય છે, જેનાથી તેમની રાજકીય ઓળખ બને છે અને ગેંગસ્ટર તરીકેનું કદ વધે ઘટે છે. સામાજિક રીતે મજબૂત અને રાજકીય રીતે સત્તા સંભાળતી જાતિઓનાં ગુનેગારોનું વર્ચસ્વ વધવું એક સ્થાપિત નિયમ છે. બિહારમાં લાલુ  પ્રસાદનાં સમયમાં કે ઉત્તરપ્રદેશમાં મુલાયમ-અખિલેશનાં રાજમાં શું થયું અને નીતીશકુમારનાં રાજમાં બિહારમાં શું થયું કે માયાવતીનાં રાજમાં યુપીમાં શું થયું એ જાણવા-સમજવા માટે બહુ બુદ્ધિ દોડાવવાની જરૂર નથી. જાટ મુખ્યમંત્રી હોય ત્યારે શું થાય છે અને ઠાકુર મુખ્યમંત્રી બને છે તો શું થાય છે તે હરિયાણાથી લઈને રાજસ્થાન સુધીનાં રાજકારણમાં બહુ જોવા મળ્યું છે.

આવું એટલાં માટે છે કેમ કે કોઈ મોટી બૌદ્ધિક, સામાજિક કે રાજકીય પ્રતિભાની ગેરહાજરીમાં જાતિઓ હવે પોતાની ઓળખ અધિકારીઓ અને ધારાસભ્યો-સાંસદોની સાથોસાથ હવે ગુંડા અને ગુનેગારોની સાથે પણ જોડવા લાગી છે. પહેલા લોકો ગુનેગારોને પોતાની જાતિનો નેતા બનાવે છે, તેની સાથે પોતાની ઓળખ જોડે છે, તેનો જયજયકાર કરે છે અને પછી પોલીસ પાસેથી આશા રાખે છે તે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરે. આ વર્તમાન ભારતીય સમાજની એક એવી હકીકત છે જે વિકાસ દુબેનાં પ્રકરણમાં બહુ અશ્લિલ રીતે સામે આવી ગઈ છે. આ આખા પ્રકરણમાં જે રીતે જાતિય ધ્રુવીકરણનાં સાચાંખોટાં સમાચારો મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલ્યાં, તેનાથી નેતાઓ, ગુનેગારો અને અધિકારીઓની મીલીભગતની ફોલ્ટ લાઈન સ્પષ્ટ દેખાઈ આવી હતી.

એ હકીકત છે કે ગુનેગાર જે જાતિનો હોય છે તે જાતિના લોકો તેનામાં પોતાનો મસીહા જોવા માંડે છે. પછી એ જાતિનાં મતો માટે નેતા તેના માથે હાથ રાખે છે. રાજકીય રક્ષણ મળતાં જ કોઈ સામાન્ય ગુંડાનું ગેંગસ્ટર બની જવું કોઈ મોટી વાત નથી. એ પછી તે સામાજિક અને રાજકીય સત્તાનાં માળખાનો એક અનિવાર્ય હિસ્સો બની જાય છે. આમ પણ ભારતમાં સમયની સાથે સંસ્થાઓ કાં તો નબળી પડી છે અથવા તો સંપૂર્ણ ખતમ થઈ ગઈ છે અને તમામ તાકાત રાજકીય સત્તાની આસપાસ મર્યાદિત થઈને રહી ગઈ છે. એટલે જેની ત્યાં સુધી પહોંચ હોય છે તે પોતાની રીતે બધું નિયંત્રિત કરે છે. જેને ગુનો કરવો છે, ગેરકાયદે ધંધો કરવો છે અને પછી તેને સીડી બનાવીને રાજકારણ કરવું છે, તે પોતાની રાજકીય પહોંચનાં દમ પર પોલીસ સ્ટેશનોમાં અને જિલ્લામાં વહીવટી અધિકારીઓની નિમણૂંકો કરાવે છે. એજ રીતે જેમને મોટી આર્થિક લૂંટ કરવી હોય છે તે પોતાના હિસાબે આર્થિક રીતે મહત્વનાં નિર્ણયોવાળી જગ્યાઓ પર પોતાની જાતિનાં મોટાં અધિકારીઓને બેસાડે છે, કેન્દ્રીય એજન્સીઓમાં પોતાને અનુકૂળ આવે તેવા લોકોની નિમણૂંક કરાવે છે અને તેનો ફાયદો ઉઠાવે છે. આ કામ મેરિટનાં દમ પર બહુ ઓછું થાય છે. તેના માટે ક્યાંક જાતિય અસ્મિતા કામ આવે છે તો ક્યાંક સ્થાનિક ઓળખ. ક્યાંક શુદ્ધરૂપે પૈસાની તાકાત પણ કામ આવે છે.

કેન્દ્રની અમુક સરકારમાં અમુક રાજ્યોનાં લોકોની બોલબાલા હતી. બીજી સરકાર આવી તો બીજાં રાજ્યોનાં લોકોની બોલબાલા છે. રાજ્યોમાં અમુક જાતિનો મુખ્યમંત્રી બન્યો તો તેની જાતિનાં ગુનેગારો અને અધિકારીઓને મોજ હોય છે અને જો બીજી જાતિનો મુખ્યમંત્રી બને છે તો તે જાતિ સાથે જે જાતિઓનો ઐતિહાસિક સામાજિક વેર છે તેમની ખેર નથી. જે રીતે મધ્યયુગમાં કબીલાઓ હતા, એવી જ રીતે આજે જાતિઓ કે સ્થાનિક ઓળખ છે. સૌ પોતપોતાના કબીલાનાં લોકોને આગળ વધારે છે. નેતા પોતાના કબીલાનાં ગુનેગારોને સમર્થન આપે છે અને પોતાના કબીલાનાં અધિકારીઓની ઊંચાં પદો પર નિમણૂક કરે છે અને પછી સૌ મળીને પોતાની વિરોધી જાતિઓનાં લોકોને પાઠ ભણાવે છે. પહેલાં આ લડાઈ લાકડાં, ભાલા, તીર, તલવારો જેવા હથિયારોથી લડાતી હતી અને હવે એ.કે. 47 રાઈફલોથી અને કલમ દ્વારા લડાઈ રહી છે.

આપણે આજેય એ મધ્યયુગીન માનસિકતામાંથી બહાર નથી આવી શક્યા જ્યાં જાતિઓ અને પ્રાદેશિક ઓળખ પ્રગતિનું એકમાત્ર કારગર હથિયાર છે. નેતાઓ આ જ આધાર પર આગળ વધે છે કે તેમની જાતિ કે ધર્મના કેટલા મતો છે. અધિકારી એ આધાર પર પોસ્ટિંગ કે બઢતી મેળવે છે કે રાજકીય સત્તામાં તેની જાતિની કેટલી ભાગીદારી છે. અને ગુનેગાર એ આધારે શક્તિશાળી બને કે મરી જાય છે કે રાજકીય સત્તા અને પોલીસ-વહીવટી તંત્રમાં તેની જાતિનાં કેટલાં લોકો છે, જે તેને સમર્થન આપે છે. વિચારો, આ કેટલી શરમજનક પરિસ્થિતિ કહેવાય? શું દુનિયાનાં કોઈપણ સભ્ય સમાજમાં આવી સ્થિતિની કલ્પના કરી શકાય છે? અફસોસની વાત છે કે સમયની સાથે જાતિવાદ સમાપ્ત થઈ જવો જોઈતો હતો પણ ઉલટું જાતિ નામની સંસ્થા પહેલાં કરતાં વધારે મજબૂત થતી જઈ રહી છે.

Comments