હત્યાનો પક્ષ લઈ હરખાતી ભીડનાં ભયસ્થાનો


ઉત્તરપ્રદેશનો નામચીન ગુંડો વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો તેનાં પર દેશ આખામાં જે પ્રકારનો માહોલ જોવા મળ્યો તે એક મોટાં ખતરાનો સંકેત છે. ભલે ગમે તે રીતે થઈ હોય, પણ હત્યા પર કોઈ સભ્ય સમાજનું હરખાવું વ્યાપક અર્થમાં પોલીસ, વહીવટી માળખું અને કાયદો-વ્યવસ્થામાં કોઈ મોટી અને ગંભીર ખામીનો સંકેત આપે છે. અદ્દલ આવો જ માહોલ ગત વર્ષે હૈદરાબાદમાં થયેલા વેટરનરી ડોક્ટરનાં બળાત્કાર અને હત્યાનાં કેસમાં ચારેય આરોપીઓનાં એન્કાઉન્ટર બાદ જોવા મળ્યો હતો. એ એકાઉન્ટરમાં જે ચાર આરોપીઓ માર્યા ગયા હતા તે પૈકી એકની પત્નીએ તો કહ્યું હતું કે દેશમાં બાકીનાં આરોપીઓને પણ આ જ રીતે મારવામાં આવે. એ જ વખતે ચકચારી ઉન્નાવ બળાત્કાર પીડિતા યુવતીનાં પિતાએ પણ કહ્યું હતું કે તેમની દીકરીનાં હત્યારાઓ સાથે પણ હૈદરાબાદની તર્જ પર ન્યાય તોળાય. તો વિકાસ દુબેની માતાએ પણ આડકતરી રીતે સ્વીકાર્યું હતું કે જે થયું તે સારું થયું. મતલબ જે આરોપીઓ છે તેમનાં પરિવારજનો પણ હત્યાનાં પક્ષધર છે અને જે પીડિત છે તેમનાં પરિવારજનો પણ હત્યા દ્વારા જ ન્યાય ઈચ્છે છે. વિચારો, આ કેટલી ભયાનક સ્થિતિ કહેવાય.

ગાંધીજી કહેતાં હતાં કે હત્યાનો બદલો હત્યાની ભાવના એક દિવસ આખી દુનિયાને વિનાશ તરફ દોરી જશે. અફસોસની વાત છે કે ગાંધીનાં જ દેશનાં લોકો તેમની સલાહને અવગણી રહ્યાં છે અને ખૂન કા બદલા ખૂનની તાલિબાની માનસિકતા થકી ન્યાય તોળવાની માગણી કરી રહ્યાં છે. એટલે જ સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિટ એસ.એ. બોબડેએ કહેવું પડ્યું હતું કે, ન્યાય જો વેરમાં પરિવર્તિત થઈ જશે તો તેની પ્રાસંગિકતા ખતમ થઈ જશે. તેમણે બે અગત્યની બાબતો કહી હતીઃ પહેલી, ન્યાય તાત્કાલિક ન હોઈ શકે. અને બીજી, તે બદલાની ભાવનાની રીતે ન હોવો જોઈએ. ન્યાયિક સિદ્ધાંતનાં દ્રષ્ટિકોણથી આ બંને બહુ અગત્યની બાબતો છે. ફટાફટ ન્યાય થવા પર ભૂલ થવાની સંભાવના વધારે રહે છે અને તેમાં બદલાની ભાવના ભળતાં ખોટો ન્યાય તોળાવાની શંકા વધી જાય છે. જો અદાલતો, પોલીસ કે વહીવટી તંત્ર આ રીતે લોકપ્રિય ભાવનાઓનાં આધારે સામૂહિક ચેતનાને ધ્યાનમાં રાખીને કોઈપણ કામ કરશે તો તેમાં ભૂલની શક્યતાઓ પણ રહેશે. આ બાજુ સામાન્ય લોકો પરેશાન છે, તેમને ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો મળતો જ નથી. ગુનેગારોની હિંમત વધી છે માટે લોકો તાત્કાલિક ન્યાય ઈચ્છે છે. પણ તેમની એ ઈચ્છા પુરી કરવા માટે પોલીસ વિકાસ દુબે કે હૈદરાબાદ કેસ જેવી કાર્યવાહી હાથ ધરે તો આખો સમાજ અરાજક થઈ જશે. કેમ કે એમ કરવાથી તો તેમની એ ભૂખ શાંત થવાને બદલે વધતી જશે.

આ એક રીતે ટોળાંની હિંસાનું સમર્થન કરવા જેવું છે. છેલ્લાં કેટલાંક સમયથી આમ પણ સમાજમાં હિંસા વધી છે. મોબ લીંચિંગની ઘટનાઓ અપવાદ ન રહીને મુખ્યધારાનો ગુનો બની ગઈ છે. દેશનાં અનેક રાજ્યોમાં ગૌરક્ષાથી લઈને બાળકોની તસ્કરી કે ચોરી રોકવા માટે ટોળાંએ હિંસા આચરીને આરોપી અથવા કથિત ગુનેગારોને પકડીને મારી નાખ્યાં છે. આવી સામૂહિક હિંસા રોકવા માટે સુનિયોજિત ઉપાય હાથ ધરવાની જરૂર હતી, પણ ત્યાં જ પહેલા હૈદરાબાદની અને હવે વિકાસ દુબેના એન્કાઉન્ટરની ઘટના ઘટી ગઈ છે. આ પ્રકારની ઘટનાઓ છેલ્લે આખા સમાજને વધારે હિંસક રસ્તે દોરી જશે. વિકાસ દુબેનાં એન્કાઉન્ટરને મૂક કે બોલકું સમર્થન આપનારો સમાજ છેલ્લે ટોળાંની હિંસાને પણ વ્યાજબી ગણાવશે. તે એ બાબત પર પણ વિચારતો નથી કે ક્યારેક તે સ્વયં પણ આ પ્રકારની હિંસાનો શિકાર થઈ શકે છે. આ હિંસા સાથે બે પ્રકારનાં સમૂહો જોડાયેલાં છે. એક સમૂહ એવો છે જે કાયદો હાથમાં લઈ, ટોળું બનીને હિંસા આચરે છે. જ્યારે બીજો સમૂહ મન અને વચન(વાણી)થી એ ટોળાંનું સમર્થન કરી રહ્યો છે. આ બંને સમૂહોનું પ્રતિબિંબ વિકાસ દુબેનાં એકાઉન્ટરમાં જોવા મળ્યું હતું. એ ત્યાં સુધી કે મધ્યમવર્ગીય લોકો, મહિલાઓથી લઈને બાળકો સુદ્ધાં પોલીસને સમર્થન કરતાં જોવા મળ્યાં હતાં. આ પ્રકારની ઘટનાઓથી તેમનાં મનમાં સુરક્ષાની એક ભ્રામક ધારણા પેદા થાય છે. તેમને લાગે છે કે જો રસ્તા પર ન્યાય તોળનારાંઓનાં ટોળાં રહેશે અથવા પોલીસ આ રીતે તાત્કાલિક ન્યાય કરશે, તો તેઓ પોતાનાં ઘરોમાં સલામત રહેશે. આ ભ્રામક ધારણા તેમનાં માટે, સમાજ માટે અને અંતે દેશ માટે બહુ ઘાતક છે.

ચિંતાજનક વાત એ રહી કે આ ઘટનાને હુક બનાવીને સમગ્ર ન્યાય પદ્ધતિને જ નિશાન બનાવવામાં આવી રહી છે. એવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે ન્યાય મળવામાં વિલંબ માટે માત્ર કોર્ટો જવાબદાર છે. પણ હકીકત એ નથી. વાસ્તવમાં જ્યુડિશીયલ સિસ્ટમને સુધારવાની જેટલી જવાબદારી અદાલતોની છે તેટલી જ સરકારની પણ છે. પરંતુ સરકારને કોઈ સવાલ નથી કરતું કે પરિસ્થિતિ સુધારવા માટે તે શું પગલાં લઈ રહી છે. કેમ કે હાલ તો જજોની નિયુક્તિમાં પોતાની ભૂમિકા મજબૂત કરવાનાં પ્રયત્નો સિવાય સરકાર કશું કરતી દેખાતી નથી. ન જજોની સંખ્યા વધી રહી છે, ન નવી કોર્ટો બની રહી છે. ન સપોર્ટ સ્ટાફનાં ઠેકાણાં છે, ન પોલીસની કામગીરીમાં કશો સુધારો થઈ રહ્યો છે. દેશભરમાં લાખો પોલીસકર્મીઓની જગ્યા ખાલી પડી છે પણ ભરાતી નથી. વર્ષોથી પોલીસ બેડાંમાં સુધારણાની ચર્ચા થઈ રહી છે, પણ સરકારો વાતોનાં વડા સિવાય કશું કરતી નથી. ઉલટાનું આયોજનબદ્ધ રીતે એવુ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે કે નિર્ભયા કેસનાં આરોપીઓને સજા મળવામાં થયેલો વિલંબ હોય, હૈદરાબાદ દુષ્કર્મની ઘટના હોય કે વિકાસ દુબેનું એકાઉન્ટર, દરેકમાં જવાબદાર દેશની અદાલતો છે. કહેવાની જરૂર નથી કે આવું વાતાવરણ પેદા કરવા પાછળનાં લાભાર્થીઓ કોણ છે.


Comments