ટેલિકોમ, ઉડ્ડયન બાદ હવે રેલવે વેચવાની તૈયારીઓ થઈ ચૂકી છે
ભારત સરકાર પોતાની વિમાન કંપની એર ઈન્ડિયાને
વેચવાના પ્રયત્નોમાં છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આ મામલે મહેનત થઈ રહી છે પણ કોઈ
લેનાર મળી રહ્યું નથી. તેના સંભવિત ખરીદદારોને સરકારે એટલી બધી અનુકૂળતાઓ આપી છે, જેટલી
આજે કોઈપણ ધંધામાં કે સ્પર્ધાત્મક માહોલમાં કલ્પના પણ ન થઈ શકે. આમ પણ સરકારે
કોઈપણ રીતે તેને વેચીને છુટા થઈ જવું છે એટલે તે કંઈપણ કરશે. એર ઈન્ડિયા તો વેચાય
ત્યારે ખરી પણ હવે રેલવેનો વારો છે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ એકથી વધુ
વખત એવું બોલી ચૂક્યાં છે કે બિઝનેસ કરવો સરકારનો બિઝનેસ નથી. એ વાત જુદી છે કે
સરકાર જે પણ ધંધાઓમાં રહી હતી તે બીજી ખાનગી કંપનીઓની જેમ ધંધો નહોતો પરંતુ સેવાની
રીતે હતી.
જો કે હવે સરકાર તમામ બિઝનેસ કે લોકકલ્યાણકારી
રાજ્યમાં સેવાની રીતે શરૂ કરવામાં આવેલા ધંધાઓમાંથી બહાર નીકળી જવા ઉતાવળ કરી રહી
છે. એર ઈન્ડિયાની સાથે સાથે સરકાર પેટ્રોલિયમ, ઉર્જા, ખાણકામ, શિપિંગ જેવા ફાયદો
કરાવી આપતા દરેક ધંધાઓમાંથી અલગ થઈ રહી છે. આ જ તર્જ પર હવે વારો ભારતીય રેલવેનો
છે. જો કે જે મંત્રીશ્રીએ અનેક વખત કહ્યું છે કે બિઝનેસ કરવો સરકારનો બિઝનેસ નથી
તેઓ સતત સ્પષ્ટતા કરતા રહે છે કે ભારતીય રેલવેનું ખાનગીકરણ નહીં થાય. આ જ મામલે
વડાપ્રધાનનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં તેઓ રેલવેને
કદી વેચશે નહીં તેમ કહી રહ્યાં છે. પરંતુ સત્ય એ છે કે જાહેર નિવેદનોની સાથે સાથે
તેને ખાનગી લોકોનાં હાથમાં સોંપવાની પ્રક્રિયા પણ ચાલતી રહે છે, પરંતુ ભારતીય
રેલવે સામાન્ય માણસ સાથે જોડાયેલી હોવાથી સીધી રીતે તેને વેચી દેવાની વાત કરી શકાય
તેમ નથી. આથી તેને ટુકડાઓમાં ખાનગી હાથોમાં સોંપવામાં આવી રહી છે જેથી લોકોને
સમજવામાં થોડો સમય લાગે.
આની શરૂઆત કેટલાક સ્ટેશનોને ખાનગી હાથમાં
સોંપવાથી થઈ હતી. જે ખાનગીકરણની દિશામાં પહેલું મોટું પગલું હતું. જો કે સરકારે તે
પહેલા અમુક સેવાઓનું ખાનગીકરણ કરી દીધું હતું. જેમાં સ્ટેશનોથી લઈને ટ્રેનોની
અંદરની સાફસફાઈની જવાબદારી ખાનગી કંપનીઓને આપી દીધી હતી. હકીકતે વર્તમાન સરકાર
પહેલાની સરકારોનો પ્રયત્ન પણ એ જ રહ્યો હતો કે કોઈપણ રીતે તેને ખોટનો ઉપક્રમ બનાવી
રાખવામાં આવે. એટલે ભરતીઓ ન કરવામાં આવી, રેલવે ટ્રેક સરખા ન કરાયા, સિગ્નલ
સિસ્ટમને સુધારવામાં ન આવી, આધુનિક રેલ કોચની ખરીદી ન કરાઈ. આ બધું મળીને પરિણામ એ
આવ્યું છે કે રેલવેની હાલત સતત ખરાબ થતી ગઈ. રેલવેમાં લોકોની ભીડ વધતી ગઈ પણ
પાયાની સુવિધાઓ દિવસેને દિવસે ઘટતી ગઈ. અકસ્માતો, ટ્રેનો મોડી પડવી સામાન્ય થઈ
ગયું. વિચારો, કેટલી આયોજનબદ્ધ રીતે રેલવેની હાલત બગાડવામાં આવી છે કે આજથી 20
વર્ષ પહેલાં ભારતીય રેલવેમાં 16 લાખ કર્મચારીઓ કામ કરતા હતા અને આજે બે દાયકા બાદ
જ્યારે તેનું નેટવર્ક ઘણું મોટું થઈ ચૂક્યું છે ત્યારે તેમાં 13 લાખ લોકો જ કામ
કરે છે. હાલ સરકારે પ્રાયોગિક ધોરણે અમુક સ્ટેશનોની સારસંભાળની જવાબદારી ખાનગી
કંપનીઓને આપી છે. એ પછી આગળનાં પગલાં તરીકે બે ટ્રેનોને ખાનગી હાથમાં આપવામાં આવી.
જેમાં દિલ્હી-લખનઉ વચ્ચે દોડનારી તેજસ ટ્રેન પણ સામેલ છે. આ પ્રયોગમાં સ્ટાફ
રાખવાથી લઈને ભાડુ નક્કી કરવા સુધીનું કામ ખાનગી કંપનીને આપવામાં આવ્યું. હવે
આનાથી જુદો ત્રીજો પ્રયોગ થવા જઈ રહ્યો છે. સરકારે 109 જોડી ટ્રેનો માટે ટેન્ડર
બહાર પાડ્યું છે અને તેમાં રસ ધરાવતા લોકોને પોતાનો રસ જાહેર કરવા કહ્યું છે. એ
પછી પણ સરકાર એજ કહેશે કે તે રેલવેનું ખાનગીકરણ કરવા નથી જઈ રહી. પણ હકીકતે આ
ખાનગીકરણની દિશામાં લેવાયેલું એક મોટું અને નક્કર પગલું છે.
વાસ્તવમાં આ રેલવેની અંદર એક બીજું રેલ નેટવર્ક
તૈયાર કરવાની રીત છે. જેમ સરકારે સંદેશાવ્યવહારનાં ક્ષેત્રમાં કે ઉડ્ડયન ક્ષેત્રે
ખાનગી કંપનીઓને તક આપી અને ધીરેધીરે આ સેક્ટરોમાં તેમનું વર્ચસ્વ સ્થાપિત થતું ગયું
અને પહેલેથી ચાલી રહેલી સરકારી કંપનીઓ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ. એવું નથી કે
સરકારી કંપનીઓની સેવા ખૂબ સારી હતી, પણ ખાનગી કંપનીઓએ રૂપિયા ખર્ચીને પોતાની સેવાઓ
સારી હોવાનો પ્રચાર કરાવ્યો અને સરકારી કંપનીઓનું પ્રદર્શન ખરાબ કરાવ્યું. આ તરકીબ
રેલવેમાં લાગુ કરી શકાય તેમ નથી કેમ કે ખાનગી કંપનીઓ એટલું રોકાણ નહીં કરે કે તેઓ
પોતાનાં રેલવે ટ્રેક નાખે અને સ્વયંનું નેટવર્ક ઉભું કરે. એટલે તેમને ભારતીય રેલવેનું
નેટવર્ક જ આપવામાં આવશે અને બદલામાં તેઓ અમુક લાયસન્સ ફી પ્રકારે ચૂકવશે.
સ્ટેશનોથી લઈને રેલવે ટ્રેક અને વીજળીનું નેટવર્ક બધું સરકારનું હશે જ્યારે કંપનીઓ
માત્ર પોતાના માટે નવા રેલવે કોચ ખરીદશે.
અદ્દલ આવું જ ઉડ્ડયન સેક્ટરમાં પણ થયું હતું. સરકારે
ખાનગી કંપનીઓને ઉડ્ડયન સેક્ટરમાં આવવાની મંજૂરી આપી તો તેમને બધાં એરપોર્ટોનાં
ઉપયોગ અને એવિએશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું તમામ નેટવર્ક આપવામાં આવ્યું. કંપનીઓ
ભાડેથી પોતાના વિમાનો લઈ આવી. તેમણે તેનું પોતાનું ભાડું નક્કી કર્યું, ઓછા પગારે
કર્મચારીઓ રાખ્યાં, મોટાભાગનાં લોકોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા અને વિમાનની
અંદર અમુક સારી સુવિધાઓ આપવામાં આવી. એ પછીની વાત બધાંને ખ્યાલ છે. આ ખાનગી કંપનીઓએ સમગ્ર ઉડ્ડયન સેક્ટર પર કબ્જો
કરી લીધો અને એર ઈન્ડિયા ખોટમાં જતા જતા હજારો કરોડ રૂપિયાનાં દેવામાં ડૂબાઈ અને
હવે વેચાવા જઈ રહી છે.
આજ હાલત ભારતીય રેલવેની થશે. તેના ટ્રેક પર
ખાનગી ટ્રેનો દોડશે જેની સર્વિસનો ભારે પ્રચાર થશે. તેમના કોચ નવા હશે અને તેનાં
પણ ઘણાં વખાણ થશે. તેજસની જેમ આ ટ્રેનોને પણ સરકારી ટ્રેનોની જગ્યાએ પ્રાથમિકતા
આપવામાં આવશે જેથી તે સમયસર ચાલે. બની શકે શરૂઆતમાં તેની સેવાઓ સસ્તી પણ હોય, જેથી
લોકો તેનાં તરફ વળે. પછી ધીરેધીરે ભારતીય રેલ પણ ઈન્ડિયન એરલાઈન્સનો રસ્તો પકડી
લેશે. રેલવેનું આખું નેટવર્ક કટકે-કટકે અથવા તો એકસાથે કોઈ એક ખાનગી કંપનીના
હાથમાં જતું રહેશે.



Comments
Post a Comment