સેક્સ વર્કરોને કોરોનાનું નડતરઃ કોણે કરી સહાય?
કોરોના વાયરસ અને તેને કારણે લાદવામાં આવેલાં દેશવ્યાપી લોકડાઉને મુખ્યધારાનાં તમામ ધંધા-રોજગારોને પાયમાલ કરી દીધાં છે. એમાં જેની જાહેરમાં ચર્ચા થતી નથી તેવો દેહનો વ્યવસાય પણ બાકાત નથી. જગજાહેર વાત છે કે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ આ ધંધામાં પણ અગ્રેસર છે. ત્યારે અહીં દેહવ્યવસાયમાં રહેલી કેટલીક એવી યુવતીઓની જિંદગીને પાનાં પર ઉતારી છે, જે કદાચ તેઓ ન કહે તો કદી સામે ન આવત. કોરોના વાયરસને કારણે આપણને હાંસિયામાં ધકેલાઈ ગયેલી સૅક્સવર્કરોની દોજખભરી જિંદગીમાં ડોકીયું કરવાની તક સાંપડી છે...
“બોલો..., જાને કા હૈ?”
“હા, ઈસિલીયે તો આયા હું”
“બહાર જાના હૈ કી હોટલ મેં ?”
“બહાર...કિતના લોગી?”
“ ૫૦૦”
“ઔર હોટલમેં જાના હો તો?”
“૧૫૦૦”
“પર યહાઁ કહાં કોઈ હોટલ હૈ?”
“વો સબ મુજ પે છોડ દો..”
“ઔર બહાર જાના હો તો કહાં પે જાયે?”
“આગે બહોત સી જગા હૈ.”
“પર મેરી એક શર્ત હૈ..”
“શર્ત!! કૈસી ?”
“મુજે તુમસે કુછ પૂછના હૈ. અગર તુમ ઉસકે જવાબ દેને કે લિયે રાજી હો તભી ચલેંગે”
“ક્યા બોલે! યહાં લોગ કરને કે લિયે આતે હૈ, સવાલ કરને નહીં.(હસે છે)”
“પર તુજે બિના કુછ કરે તેરે પૈસે મિલ જાયે તો ક્યા દિક્કત હૈ? વૈસે ભી, આજકલ યહાં આતા કૌન હૈ?”
(બે મિનિટ વિચારીને) “ઠીક હૈ, પર મેરી ભી એક શર્ત હૈ.!.”
“ક્યા?”
“આપ જો ભી કરો ઉસમે મેરાં કહીં કોઈ નામ-વામ આના નહીં ચાહિએ. ઔર ફોટો-વોટો ભી નહીં લેની હૈ.”
“ઠીક હૈ”
અમદાવાદને ગાંધીનગર સાથે જોડતાં હાઈવે પર એક અવાવરુ જગ્યાએ આવેલાં લીમડાનાં ઝાડ નીચે એ ઉભી હતી. મોં ફરતે અમદાવાદી છોકરીઓની સ્ટાઈલમાં દુપટ્ટો બાંધ્યો હતો. છતાં કાયાનું પ્રદર્શન થઈ શકે અને ગ્રાહક આકર્ષાય તે હેતુ તંગ પંજાબી ડ્રેસ પહેર્યો હતો. દૂરથી પણ રસિયાઓ સમજી જાય તે માટે ખાસ લીલાં રંગનાં કુર્તા નીચે ભડકાઉ કેસરી રંગનો પાયજામો પસંદ કર્યો હતો. ત્રણ દિવસ તેની રેકી કર્યા બાદ ચોથા દિવસે તેને નવરી પડેલી જોઈ કે તરત મોકો જોઈને હું પહોંચી ગયો. તેણે પણ એક સેકન્ડેય ગુમાવ્યા વિના ઉપર જણાવ્યું તે રીતે મારી સાથે ભાવતાલ કરવો શરૂ કરી દીધો. પણ જ્યારે તેને ખ્યાલ આવ્યો કે મારો સ્વાર્થ તેનાં જિસ્મ સાથે નહીં પણ કોરોનાકાળમાં તે અને તેનાં જેવી બીજી અનેક કન્યાઓ કેવી રીતે દિવસો કાઢી રહી છે તે સમજવાનો છે, કે તરત તેનાં અવાજમાં રહેલી પેલી ધંધાસહજ તોછડાઈ ગાયબ થઈ ગઈ! એ પછી લીમડાં નીચે બેસીને જ તેણે ધીરેધીરે જિંદગીનાં પાનાં ખોલવા શરૂ કર્યાં.
તે બંગાળી હતી. છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં કામ કરતી હતી. ૧૨ વર્ષની હતી ત્યારે તેનાં લગ્ન કરી દેવામાં આવેલાં અને ૧૫માં વર્ષે તે બે દીકરીઓની માતા હતી. પણ પતિની બેકારી અને દારૂની લતને કારણે છૂટાછેડા લઈ લીધેલાં. દરમિયાન એક સ્થાનિક યુવક સાથે નજર મળી ગઈ અને તે કામ અપાવવાનાં બહાને તેને કોલકાતા લઈ આવ્યો. ત્યાં પહોંચીને તેણે પોતાનો અસલ રંગ બતાવ્યો અને તેને બે લાખમાં મુંબઈનાં એક દલાલને વેચી દીધી. ત્યાં તેને આખો દિવસ બારીઓ વિનાનાં એક રૂમમાં ગોંધી રાખવામાં આવતી અને રાત્રે ઓર્ડર મુજબ ગ્રાહક પાસે મોકલવામાં આવતી. એ આખો દિવસ વતન અને સંતાનોની યાદમાં રડ્યા કરતી. ગમે તેમ કરીને તેને આ નર્કમાંથી છૂટવું હતું. આથી તેણે એ દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો. ધીરેધીરે તેનો વિશ્વાસ જીતી લઈ થોડી છૂટછાટ મેળવી. એ પછી બીજા એક ગ્રાહકનો વિશ્વાસ જીતીને તેની મદદથી વતન આવી ગઈ. જો કે ત્યાં તેને તિરસ્કાર મળ્યો. સાથે ભયંકર ગરીબી, પારિવારીક જવાબદારીઓ અને બેકારીએ તેને મજબૂર કરી દીધી. અંતે સ્વેચ્છાએ તેણે આ ધંધો સ્વીકારી લેવાનું નક્કી કર્યું. તે કલકત્તા આવી અને ત્યાંથી મુંબઈની એક માસી સાથે કોલગર્લ તરીકે જોડાઈ ગઈ. રૂપાળી તો તે હતી જ, એટલે ગ્રાહકો તેના માટે મોં માંગ્યા રૂપિયા આપવા લાગ્યાં. ત્યાંથી તે જુદાંજુદાં શહેરોમાં રાજકારણીઓ, મંત્રીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સમાજસેવકો વગેરેની સેવામાં જવા લાગી. જો કે તેને એ બાબત ખટકતી હતી કે શરીર તેનું વેચાતુ હતું અને કમાણીના મોટો હિસ્સો માસી સહિતનાં વચેટિયા લઈ જતા હતા. આથી એક દિવસ મોકો જોઈને તે અમદાવાદ ભાગી આવી. અહીં પહોંચીને તેણે પોતાના રૂપ અને ધંધાનાં અનુભવનો બરાબર ઉપયોગ શરૂ કર્યો. આજે તે પોતે તો ધંધો કરે જ છે, સાથે ઓર્ડર મુજબ છોકરીઓ પણ સપ્લાય કરે છે. પોતાને થયેલા કડવા અનુભવો પરથી તેણે નક્કી કર્યું છે કે તેની નીચે કામ કરવા આવતી એકેય છોકરીને ખાવાપીવા કે રહેવા બાબતે હેરાન નહીં થવા દે. કદી તેમની મરજી વિરૂદ્ધ કામ પર નહીં મોકલે. અનુભવે તેણે જોયું હતું કે દલાલો કદી પરિવાર સુધી પૈસા પહોંચાડતા નહોતાં. આથી તેણે વતન સુધી રૂપિયા પહોંચાડવા માટેનું પોતાનું નેટવર્ક ઉભું કર્યું. પણ આ બધું કોરોના વાયરસને કારણે પડી ભાંગ્યું. બે મહિનાં કરતાં વધુ લાંબા ચાલેલા લોકડાઉને તેની પરિસ્થિતિ અત્યંત કફોડી કરી નાખી. બચતને નામે જે કંઈ હતું તે આ ગાળામાં વપરાઈ ગયું અને હજુ ધંધો જામતો નથી. ગ્રાહકને એચઆઈવી કરતાં હવે કોરોનાની બીક વધારે લાગતી હોઈ તેનાથી દૂર રહે છે. ઘરમાં અનાજ –કરિયાણું ખાલી થઈ ગયું છે અને હવે ધંધો જામે નહીં ત્યાં સુધી જેમતેમ કરીને ચલાવવાનું છે. લોકડાઉનમાં એક તબક્કે તેણે અને તેની સહેલીઓએ મમરાં પાણીમાં પલાળીને ખાધાં હતાં.
આ જ સ્થિતિ હસીના(નામ બદલ્યું છે)ની છે. લોકડાઉન ખૂલ્યાં બાદ તે ધંધો કરવા તો જાય છે પણ કોરોનાની બીકે ગ્રાહકો આવતા નથી. અગાઉ લાંબા સમયથી ચાલી આવતી આર્થિક મંદી તો હતી જ, તેમાં કોરોના વાયરસ અને લોકડાઉન આવ્યાં, જેણે રહીસહી કસર પુરી કરી દીધી. આટલું ઓછું હોય તેમ નવી આવતી છોકરીઓ પણ તેનાં ધંધામાં ભાગ પડાવી જાય છે. લોકડાઉન દરમિયાન તેની દૈનિક આવક તો બંધ થઈ જ, સાથે બચત પણ વપરાઈ ગઈ હતી. છેવટે એક-બે નિયમિત ગ્રાહકોનો વિશ્વાસ કેળવી ઉછીનાં રૂપિયા લઈને ગાડું ગબડાવ્યું હતું. તેને આશા હતી કે લોકડાઉન ખૂલશે એટલે ઓવરટાઈમ કરીને પણ ખોટ સરભર કરી લઈશ. પણ તેની એ આશા ત્યારે ઠગારી નીવડી, જ્યારે કોરોના વાયરસનો ચેપ લાગી જવાની બીકે તેનાં માનીતાં ગ્રાહકોએ પણ મોં ફેરવી લીધું.
આ ધંધામાં છોકરીઓ મરજીથી નહીં પણ મજબૂરીથી આવતી હોય છે અને હસીના પણ તેમાંથી બાકાત નહોતી. હજુ હમણાં જ ઓરિસ્સાનાં તેનાં વતનમાં સાસુ-સસરા સાથે રહેતો તેનો દીકરો એંશી ટકા સાથે સ્કૂલમાં ત્રીજો નંબર લાવ્યો હતો. હવે તેને આગળ ભણવા માટે બીજી સ્કૂલમાં દાખલ કરવાનો છે. જ્યારે અહીં તેનો પતિ કોઈ અકળ બિમારીમાં સપડાઈને ખાટલામાં પડ્યો છે. ઘરની તમામ જવાબદારી તેનાં પર આવી પડતાં શરૂઆતમાં તેણે શાકભાજીનો ધંધો ચાલુ કર્યો હતો. પણ વહેલી સવારે છેક એપીએમસી સુધી જવાનું તેનાથી થઈ શકતું નહોતું. એ પછી કેટલુંક છૂટક કામ કરી જોયું, પણ તેનાથી પતિની દવા, દીકરાંનું ભણતર અને ઘરનાં અન્ય વહેવારો સાચવી શકાતાં નહોતાં. દરમિયાન તેની શેરીમાં જ રહેતી એક મહિલા, જે તેની શાકભાજીની નિયમિત ગ્રાહક હતી, તેની આગળ તેણે આ વ્યથા ઠાલવી દીધી. તેની સમસ્યા જાણીને પેલીએ તેને બીજાં દિવસે પોતાની સાથે આવવા કહ્યું. નિયત સમયે બંને એસજી હાઈવે પર આવી પહોંચી ત્યારે પડોશણે પોતે જે કામ કરતી હતી તેનો ખુલાસો કર્યો. સાથે જ તેને પણ આ ધંધામાં આવી જવાની સલાહ આપી. હસીનાને ભયંકર ગુસ્સો આવ્યો અને તે ત્યાંથી ભાગી આવી. એ પછી એક અઠવાડિયા સુધી બંને વચ્ચે અબોલા રહ્યાં. આ તરફ ઘરની પરિસ્થિતિ સતત વણસતી જતી હતી, આવકનું અન્ય કોઈ સાધન હતું નહીં. એટલે દીકરાંનાં ભણતરનો ખર્ચ, પતિનાં દવા-દારૂ વગેરે પુરાં કરવાં થાકી-હારીને તેણે પડોશણનાં ધંધામાં ઝંપલાવી દીધું. એ ઘડી અને આજનો દિવસ, તે દરરોજ હાઈવે પાસે આવીને ઉભી રહી જાય છે અને સ્ત્રીદેહનાં શોખીનો તેને ભાડે કરીને વાસના સંતોષતા રહે છે.
અમદાવાદ, દેહવ્યાપાર અને કારોના
એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં સાત હજારથી વધુ છોકરીઓ, યુવતીઓ અને આધેડ મહિલાઓ દેહવ્યાપારનાં વ્યવસાયમાં જોડાયેલી છે. શહેરનો એકેય વિસ્તાર એવો નથી જ્યાં આ ધંધો ન ચાલતો હોય. અહીં મોટાભાગની યુવતીઓ બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, અફઘાનિસ્તાન અને નેપાળથી આયાત થાય છે. આ સિવાય સ્થાનિક સ્તરે વડોદરા, રાજકોટ, મહેસાણા અને અમદાવાદ શહેરની પણ અનેક છોકરી આ કામ કરે છે. પણ તેમાંની મોટાભાગની કામ પતાવીને સાંજ પડ્યે ઘેર પરત ફરી જતી હોય છે. જ્યારે એકલી યુવતીને કોઈ મકાન ભાડે ન આપતું હોવાથી બહારની યુવતીઓ તેમનાં પ્રેમી સાથે અથવા તો અન્ય યુવતીઓ સાથે રૂમ ભાડે રાખીને રહે છે. તેઓ કમાઈને વતનમાં રહેતાં પોતાના પરિવારને પૈસા મોકલતી હોય છે, પણ તેમને ખ્યાલ નથી હોતો કે છોકરી શું કામ કરે છે. જો ખબર પડી પણ જાય, તો પણ આર્થિક સંકડામણને કારણે વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય છુટકો નથી હોતો. હાલ કોરોના વાયરસનાં ભયને કારણે આવી સેંકડો યુવતીઓ બેકાર બની ગઈ છે.
સૅક્સવર્કરો માટે કામ કરતી અમદાવાદની પહેલી સ્વૈચ્છિક સંસ્થા સખી જ્યોત સંગઠનનાં પ્રોજેક્ટ મેનેજર પારસબહેન પટેલ સૅક્સવર્કરોને તેમનાં કામ કરવાનાં સ્થળને આધારે છ ભાગમાં વહેંચે છે. પારસબહેન કહે છે, “અમદાવાદમાં કામ કરતી યુવતી, છોકરીઓને કામનાં સ્થળને આધારે છ કૅટેગરીમાં વહેંચી શકાય. જેમાં પહેલી છે સ્ટ્રીટ વર્કર- જે શેરીઓ-ગલીઓમાં ઉભી રહીને ગ્રાહકો મેળવતી હોય છે. આ કામમાં પોલીસની બીક સૌથી વધુ રહે છે. બીજી રેસિડેન્શીયલ બહેનો હોય છે, જે આજુબાજુમાં કોઈને ખ્યાલ ન આવે તે રીતે ઘરમાં રહીને ધંધો કરતી હોય છે. ત્રીજું છે વેશ્યાગૃહ-જ્યાં એક સંચાલક હોય છે અને તેની નીચે છોકરીઓ કામ કરતી હોય છે. ચોથું છે ગેસ્ટહાઉસ- જેમાં પહેલેથી કેટલીય યુવતીઓને રાખવામાં આવે છે અને ગ્રાહકે તેમાંથી પસંદગી કરવાની હોય છે. આ સિવાય હાઈવે પર ધંધો કરતી યુવતીઓ પણ મોટી સંખ્યામાં છે. તેઓ રોડસાઈડની ઝાડી કે જંગલમાં કામ કરતી હોય છે. આ બધામાં સૌથી સુરક્ષિત નોકરી બ્યૂટી પાર્લરની માનવામાં આવે છે જ્યાં મસાજ પાર્લરની આડમાં દેહવિક્રય થતો હોય. આ કામ મોટેભાગે અત્યંત દેખાવડી, સ્માર્ટ અને યુવાન છોકરીઓને જ મળતું હોય છે. ખાસ કરીને નેપાળ, ઉત્તર-પૂર્વનાં રાજ્યો અને બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીઓની તેમાં માંગ રહે છે. હાલ અમદાવાદમાં એવા અનેક એજન્ટો સક્રીય છે જે શહેરનાં બ્યૂટી પાર્લરો, મસાજ સેન્ટરોને છોકરીઓ સપ્લાય કરે છે. આમાં દરેક દલાલ કમીશન ખાતો હોય છે. દા.ત. એક છોકરીને તે રુ. ૭૦ હજારમાં લાવ્યો હોય, તો અહીં તેનાં ત્રણ-ચાર ગણાં રુપિયા વસૂલ ન થાય ત્યાં સુધી તેની પાસે કામ કરાવે છે. દેખાવડી કિશોરીઓને દલાલો ઊંચી રકમ આપીને ખરીદતા હોય છે અને પછી એ રકમ વસૂલ કરવા તેનો બરાબરનો ઉપયોગ કરે છે. એ ત્યાં સુધી કે ક્યારેક નવી છોકરીઓએ દિવસનાં ૧૫-૨૦ ગ્રાહકો સાચવવા પડતાં હોય છે. હાલ કોરોના વાયરસને કારણે અન્ય ધંધા-રોજગારની જેમ દેહવિક્રયમાં પણ મંદી આવી છે. દેખાવડી છોકરીઓને થોડુંઘણું કામ મળી રહે છે, પણ જેમની ઉંમર વધુ છે અથવા દેખાવે સામાન્ય છે તેવીની સ્થિતિ કફોડી બની ગઈ છે.”
અમદાવાદમાં ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે જ્યાં સૅક્સવર્કર બહેનો કામ ન કરતી હોય. એસજી હાઈવે, નારોલ-નરોડા હાઈવે, લાલ દરવાજા, કાંકરિયા, ગોમતીપુર, બાપુનગર, હાથીજણ, વટવા, મણિનગર, ઓઢવ, વસ્ત્રાલ, ઈન્કમ ટૅક્સ, વાડજ, નારણપુરા, નવરંગપુરા, સીજી રોડ, વસ્ત્રાપુર, ચાંદખેડા, સાબરમતીથી લઈને છેક ઓગણજ રોડ સુધી આ કારોબાર વિસ્તરેલો છે. તેમની પાસે આવનાર ગ્રાહકો મુખ્યત્વે સ્થળાંતરિત મજૂરો, આસપાસનાં ગામડાઓમાંથી ખરીદી કરવા આવતા પુરૂષો અને કારખાનાઓમાં કામ કરતાં યુવકો હોય છે. ઉપરાંત ફાઈવ સ્ટાર હોટલથી લઈને હોમસર્વિસ માગતા ગ્રાહકો પણ અહીં મળી રહે છે. પરંતુ લોકડાઉન બાદ ગ્રાહકો પાસે વાપરવા માટે રૂપિયા ખૂટ્યાં છે એટલે આ કામને પણ અસર પહોંચી છે. સૅક્સવર્કરો કમાઈને ગામડે રહેતાં બાળકો માટે રૂપિયા મોકલતી હતી તે પણ બંધ છે. અનેક યુવતીઓનું બે-ત્રણ મહિનાનું મકાનભાડું ચડી ગયું છે.
પારસબહેન કહે છે,“લોકડાઉનનાં પહેલા દસ દિવસ બહુ વાંધો નહોતો આવ્યો પણ એપ્રિલનાં બીજાં અઠવાડિયામાં બહેનોની હાલત કફોડી થઈ ગઈ હતી. તેઓ ફોન કરીને અમારી મદદ માંગતી કે તેમની પાસે ખાવા-પીવા માટે કશું નથી. સ્થાનિક લોકોની જેમ તેમની પાસે રેશનકાર્ડ પણ હોતું નથી, એટલે સસ્તા અનાજથી દુકાનેથી અનાજ પણ મળે નહીં. આથી અમે કેટલાક સેવાભાવી લોકોની મદદ મેળવી બે હજાર જેટલી રાશન કીટો તૈયાર કરીને આ બહેનોનાં ઘેર જઈને હાથોહાથ પહોંચાડી હતી. આ કામગીરી હજુ પણ ચાલુ છે કેમ કે કોરોનાને કારણે અનેક બહેનોનો ધંધો બંધ છે. લોકડાઉન દરમિયાન એવા અનેક પ્રસંગોનાં અમે સાક્ષી બન્યાં છીએ જેમાં બહેનો અમે તેમને ત્યાં રાશનકીટ પહોંચાડવા ગયા હોઈએ અને ભેટીને રડી પડી હોય.”
સખી જ્યોત સંગઠનનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજનબહેન પરમાર કહે છે,ઓઢવ, નારોલ, જશોદાનગર, હાંસોલમાં રહેતી કેટલીક કમ્યુનિટીમાં દીકરીઓ મોટી થતા જ તેને દેહ વ્યવસાયમાં મૂકી દેવાની એક પરંપરા રહી છે. તેને સુધારવા અમે ઘણાં પ્રયત્નો કર્યા છે અને હવે તેમાં સારો એવો ઘટાડો થતો દેખાય છે. હાલ કોરોના વાયરસની બીકે અહીં ઘણી બહેનો ધંધાથી દૂર રહે છે. તેમને અને ગ્રાહકોને એઈડ્સ કરતાં પણ કોરોનાનો ચેપ જીવલેણ નીવડશે તે ફડક પેસી ગઈ હોઈ જોખમ લેવા તૈયાર નથી. આ તરફ કમાણી વિનાં ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું હોઈ કેટલીક બહેનો નાછુટકે, કોરોની બીક વચ્ચે પણ, કામ કરવા તૈયાર થઈ ગઈ છે. તેમને અમે સાવચેતીનાં પગલાંરુપે કાન્ડોમની સાથે હવે સૅનિટાઈઝર, માસ્ક પણ આપીએ છીએ. અગાઉ લોકડાઉન દરમિયાન મેં કલેક્ટર, ધારાસભ્ય, સંસદસભ્ય અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી મદદ મેળવી કીટ તૈયાર કરી, પેડલ રિક્ષા પર લાદીને મેં બહેનો સુધી પહોંચાડી હતી.
કોલકાતાની ઝરણાંની સ્ટોરી હૃદયદ્રાવક છે. તે જે બિલ્ડીંગમાં રહે છે ત્યાં બીજી આઠેક સૅક્સવર્કર બહેનો ભાડેથી રહે છે અને બધીની હાલત ખરાબ છે. ઝરણાંને ચાર બાળકો છે જે પહેલાં વતન કોલકાતામાં તેની માતા પાસે રહેતા હતાં. પણ તે ગુજરી જતાં તે ચારેયને અહીં અમદાવાદ લઈ આવી હતી. આજે તેમનાં ભરણપોષણની તમામ જવાબદારી તેનાં માથે છે અને તેની પાસે કામ નથી. ૨૦૦૫માં પતિ સાથે છૂટાછેડા થઈ જતાં તે એક દલાલ મારફતે પોતાના બે બાળકો સાથે અમદાવાદ આવી હતી. દલાલે તેને એક પૈસાદાર પરિવારનાં બાળકોને સાચવવાની નોકરી મળશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો, પણ અહીં લાવીને દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. એ દરમિયાન તેની મુલાકાત કેરળનાં એક ગ્રાહક સાથે થઈ જેની સાથે તેને પ્રેમ થઈ ગયો. આગળ જતાં તેના થકી તેને બે છોકરીઓ જન્મી. જો કે ભરયુવાનીનાં એ દિવસોનો તેનાં આશિકે બરાબરનો ફાયદો ઉઠાવ્યો હતો. તે ધંધો કરતી એ રૂપિયામાંથી તે મોજમજા કરતો. ભોળી ઝરણા તેનાં પર ઓળઘોળ હોઈ તેની ઈચ્છા મુજબનું બાઈક પણ લઈ આપેલું. પણ ધીરેધીરે તેની કમાણી ઓછી થવા લાગતા પેલાએ રંગ બદલ્યો. તેને બાળકો સહિત ઘરમાંથી કાઢી મૂકી. આજે ઝરણાં ભાડાનાં મકાનમાં રહે છે અને બચતનાં નામે તેની પાસે કશું નથી.
ઝરણાં કહે છે, "લોકડાઉન પહેલાંથી જ મારે કામની તકલીફ હતી અને હજુ પણ ધંધો ચાલું થઈ શક્યો નથી. ચાર મહિનાનું મકાનભાડુ ચડી ગયું છે. મકાનમાલિક વારેઘડીએ ઉઘરાણી કરે છે પણ ક્યાંથી આપવું? વતનમાં મકાન બનાવવા માટે મેં તેમની પાસેથી એક લાખ રુપિયા ઉછીનાં લીધાં હતાં તેનું વ્યાજ પણ ચડી રહ્યું છે. સખી જ્યોત સંસ્થાએ લોકડાઉનમાં રાશનકીટ આપી હતી તેમાંથી મારા ચાર બાળકોને સાચવ્યાં છે. અગાઉ માર્ચ પહેલાં હું બે છોકરીઓ લઈને ધંધો કરવા બેસતી હતી પણ લુખ્ખા તત્વોએ મારપીટ કરી ત્યારથી એ પણ બંધ થઈ ગયું છે. હજુ કોરોનાની બીકે ગ્રાહકો આવતા નથી એટલે બાળકોનાં ભરણપોષણનો પણ પ્રશ્ન ઉભો થયો છે. આવતીકાલે તેમને શું ખવડાવીશ તે ચિંતામાં રાત્રે ઊંઘ પણ નથી આવતી.
આવી જ કહાની ઓરિસ્સાની શબાના(નામ બદલ્યું છે)ની છે. અમદાવાદની એક ચાની કીટલીનાં બાંકડે બેઠેલી તે પોતાની આપવીતી જણાવતા કહે છે, “ભુવનેશ્વરથી એક દલાલ બે લાખમાં ખરીદીને મને ગોવા લાવ્યો હતો. તે આખો દિવસ મને એક રૂમમાં પુરી રાખતો. ત્યાં મને કદી સૂર્યપ્રકાશ જોવા મળ્યો નહોતો. દિવસે હું રૂમમાં પુરાઈ રહેતી અને રાત્રે ઓર્ડર આવે ત્યારે ગ્રાહક પાસે મોકલવામાં આવતી. મને સતત મરવાનાં વિચારો આવતા હતા. ઓરિસ્સાનું મારું નાનકડું ગામ, માતાપિતા અને પરિવારજનોને યાદ કરીને હું રોતી. પણ સમયની સાથે બધું સ્વીકારવું પડ્યું. ધીરેધીરે હું આ લાઈનમાં ગોઠવાતી ગઈ. રૂપિયા સારા મળતાં હોવાથી દલાલ મને પૈસાદારોને ત્યાંજ મોકલતો. એ વર્ષોમાં મેં પ્લેનથી લઈને મોંઘીદાટ ક્રૂઝ સુધીની મુસાફરી કરી હતી. ફાઈવ સ્ટાર હોટલોમાં બુઢ્ઢા નેતાઓથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કહેવાતા સમાજસેવકો સુદ્ધાંની પથારીઓ મેં ગરમ કરી છે. મુંબઈ, કલકત્તા, ગોવા, દિલ્હી, ચેન્નાઈથી લઈને આંદામાન નિકોબાર ટાપુઓ સુધી ધંધો કરી લીધો છે. બધું બરાબર ચાલતું હતું ત્યાં જ કોરોનાને કારણે મારું આખું નેટવર્ક પડી ભાંગ્યું. આજે મારી નીચે કામ કરતી છોકરીઓ પણ નવરી બેઠી છે. ગ્રાહકો વાયરસનો ચેપ લાગી જવાની બીકે તેમની પાસે આવતા નથી. બે-અઢી મહિનાનાં લોકડાઉન બાદ બીજાં ધંધા-રોજગાર ધીરેધીરે સ્થિર થઈ રહ્યાં છે પણ અમારું કામ ક્યારે શરૂ થશે તે હજુ અનિશ્ચિત છે.”
અમદાવાદ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને લોકડાઉન દરમિયાન સૅક્સવર્કર બહેનો સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડનાર ભૂમિ મારૂ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, “હું પહેલેથી આ બહેનો માટે કંઈક કરવા ઈચ્છતી હતી. એ મોકો મને લોકડાઉન દરમિયાન મળ્યો. સખી જ્યોત મંડળ તરફથી મને સૅક્સવર્કર બહેનોની કફોડી સ્થિતિ વિશે જાણકારી મળી એટલે મેં તેમની જરૂરિયાત મુજબની કીટ તૈયાર કરીને તેમનાં સુધી પહોંચાડી. એ પછી હું ઈચ્છતી હતી કે તેમને કંઈક વૈકલ્પિક રોજગારી પુરી પાડીને આ દોજખભરી જિંદગીમાંથી બહાર કાઢું. પણ પછી ખ્યાલ આવ્યો કે એકવાર આ ધંધામાં પડ્યાં પછી બહાર નીકળવું અઘરું છે. વૈકલ્પિક રોજગાર તેમને ૫૦૦ રુપિયા અપાવે જ્યારે અહીં તેઓ ૫ હજાર સુધી કમાઈ શકે છે. હું પોતે એક સ્ત્રી છું એટલે સ્વાભાવિક રીતે જ આ બહેનો માટે એક સોફ્ટ કોર્નર છે. કોઈ પોતાની મરજીથી આ કામ ન સ્વીકારે, જરૂર તેની પાછળ કોઈ મજબૂરી કામ કરતી હોવી જોઈએ. એટલે હું તો ઈચ્છુ છું કે સરકારનાં કોઈ કાર્યક્રમ થકી તેમને શિક્ષીત કરવા પ્રયત્ન કરું. જો આવી અનેક બહેનોમાંથી એકાદ પણ આ કામ મૂકશે તો તેને હું મારી સાર્થકતા માનીશ.”
લાગણીની ભૂખ અને નકલી આશિકોની બેવફાઈ
રિપોર્ટિંગ દરમિયાન એક જુદા પ્રકારનો મુદ્દો સામે આવ્યો તે એ કે દેહવિક્રય સાથે જોડાયેલી છોકરીઓ વતનથી દૂર રહી ગઈ હોઈ લાગણીની ભૂખી હોય છે. એટલે તેમને જ્યાં પણ પ્રેમ મળતો દેખાય ત્યાં તે સર્વસ્વ અર્પણ કરી દેતા ખચકાતી નથી. તેમની આ મર્યાદા કહો કે મજબૂરી, પણ તેનો લાભ લેભાગુ આશિકો બરાબરનો ઉઠાવતા હોય છે. એક-બે વખત ગ્રાહક બન્યાં બાદ તેઓ તેની સાથે લાગણીથી જોડાય છે, લગ્નની લાલચ આપીને આ ધંધામાંથી બહાર કાઢવાનાં સપના બતાવે છે. અનેક કિસ્સાઓમાં છોકરીઓ પોતાની કમાણીમાંથી પ્રેમીનાં તમામ મોજશોખ પુરાં કરતી જોવા મળી. તેમાં દારૂથી લઈને મોંઘા કપડાં, શૂઝ, હોટલોમાં જમવાનું, ફિલ્મો જોવી અને સ્પોર્ટસ બાઈકની ભેટ સહિતની ચીજા સામેલ છે. જો કે મોટાભાગનાં કિસ્સાંઓમાં એવું થતું હોય છે કે યુવક તેનો માત્ર ઉપયોગ કરતો હોય છે. અને જેવી બીજી યુવતી ગમી જાય કે તરત તેની તરફ વળી જતો હોય છે. આ બાજુ સેક્સવર્કર યુવતીને જાણ થતાં તેનું દિલ તૂટી જાય છે અને એ દુઃખ ભૂલવા કાં તો તે દારૂની લતે ચડી જાય છે અથવા શરીરને નુકસાન પહોંચાડી બેસે છે. એવા કિસ્સાઓ પણ છે જેમાં સૅક્સવર્કર યુવતીનો પ્રેમી તેને છોડીને બીજી યુવતી પાસે જતો રહેતાં બંને યુવતીઓ વચ્ચે મારપીટ થઈ હોય. આવી ઘટનાઓમાં ક્યારેક મામલો ખૂની હુમલા સુધી પહોંચી જતો હોય છે. એ પરિસ્થિતિમાં સખી જ્યોત સંગઠન જેવી સંસ્થા અને માનવીય અભિગમ ધરાવતાં પોલીસ અધિકારીઓની મધ્યસ્થી અગત્યની બની જાય છે.
સ્પા-મસાજની આડમાં સૅક્સનું સેન્ટર
હવે એ વાતની નવાઈ નથી રહી કે અમદાવાદમાં ચાલતાં અનેક સ્પા અને મસાજ સેન્ટરોમાં દેહવિક્રય થાય છે. આ ધંધામાં મોટાભાગે બાંગ્લાદેશ અને નેપાળથી છોકરીઓ સપ્લાય થાય છે. બોર્ડર પાર કરાવીને તેમને પશ્ચિમ બંગાળ અને ત્યાંથી દલાલો મારફતે દેશનાં અન્ય રાજ્યોનાં મોટાં શહેરોમાં મોકલવામાં આવે છે. એક સમયે શહેરમાં ૧૨૮ બ્યૂટી પાર્લરો ચાલતા હતા, જે ઘટીને હવે ૮૦ માંડ રહ્યાં છે. એમ કહી શકાય કે અન્ય ધંધાની જેમ અહીં પણ મંદી છે. એક સ્થળે ૫-૬ બહેનો બેસતી હોય તેમાંથી એકાદને માંડ કામ મળે છે. જ્યારે છુટક ધંધાનો તેમનો સૌથી મોટો આધાર કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતિય યુવાનો અને યુપી-બિહારનાં ભૈયાઓ પર હતો, પણ તેઓ લોકડાઉનનાં કારણે વતન જતા રહ્યાં હોઈ ઘરાકી ઓછી થઈ ગઈ છે. અગાઉ સ્પા-મસાજ સેન્ટરોમાં તે દિવસનાં પાંચ-સાત ઘરાકોને સાચવી લેતી હતી. પણ આજે અઠવાડિયે દસ ઘરાક પણ નથી મળતાં. બ્યૂટી પાર્લરોનાં માલિકોએ ઘરાકી ઘટવાથી અનેક છોકરીઓને છુટ્ટી કરી દીધી છે.
પાર્લરો અને સેન્ટરોમાં છોકરીઓ સપ્લાય કરતી જાસ્મીન(નામ બદલ્યું છે) કહે છે, “હું ફાઈવ સ્ટાર હોટલોમાં સર્વિસ આપું છું અને ત્યાં કોરોના માટેની સરકારી ગાઈડલાઈનનું બરાબર પાલન કરાવું છું. ગ્રાહકનું ટેમ્પરેચર ચેક થાય છે અને સૅનેટાઈઝરનો પણ ઉપયોગ થાય છે. મારી છોકરીઓને પણ હું એ નિયમોને અનુસરવા કહું છું. મોટાભાગે ગ્રાહકો સાથે મારે ડીલ કરવાની હોય છે, ત્યારે હું તેમને સમજાવું છું કે કોરોનાને કારણે હાલ ધંધો બરાબર ચાલતો નથી. માટે જો તમને મારી છોકરીની સર્વિસ ગમે તો યોગ્ય ટીપ આપજો. સામે છોકરીને પણ સમજાવું છું કે ગ્રાહક સાથે સારી રીતે વર્તે, તેમની જરૂરિયાતો સમજીને એ મુજબ કામ કરે જેથી તે ખુશ થાય અને તને સારી ટીપ મળે. તેની લાગણીને પંપાળીશ તો કામ સરળતાથી થઈ જશે. હું એને સમજાવું છું કે કોરોનાને કારણે આમપણ ગ્રાહકોની તંગી છે ત્યારે જે ગ્રાહક મળે છે તેને સારી સર્વિસ આપીને સાચવી લેવા.”
અન્ય એક દલાલ કોમલ(નામ બદલ્યું છે) કહે છે, “હું ગ્રાહકોની માંગ પ્રમાણે છોકરીઓ બદલતી રહું છું. જે છોકરી તેમની પાસે ઓલરેડી જઈ આવી હોય તેને તે બે-ત્રણથી વધુ વાર મગાવતા નથી. અત્યાર સુધીમાં મારી નીચે ૧૫૦૦ જેટલી છોકરીઓ કામ કરી ચૂકી છે અને કસ્ટમરની માગને ધ્યાનમાં રાખીને હું તેમને અમુક મહિનાઓથી વધારે સમય રાખતી નથી. તેને બીજી માસી પાસે મોકલી દઉં અને ત્યાંની નવી છોકરીઓને મારે ત્યાં લઈ આવું છું. આ રીતે ગ્રાહકોનો ટેસ્ટ પણ જળવાઈ રહે છે અને છોકરીઓ પણ હવાફેર કરી લે છે. છતાં હું એકવાર આવી ગયેલી છોકરીને ફરીથી રાખતી નથી. તેનાં કોન્ટેક્ટ નંબર અને અન્ય જરુરી વિગતો મારી પાસે હોય છે, જેથી ફરી તે મારી પાસે આવે તો ખ્યાલ આવી જાય છે.”
સૅક્સવર્કર બહેનો માટે કામ કરતી સંસ્થા અલાયન્સ ઈન્ડિયાનાં ડિસ્ટ્રીક્ટ લૅવલ મોનિટર જગદીશભાઈ પટેલ ફૅમિલી પ્લાનિંગ મામલે જાગૃતિ લાવવા કામ કરે છે. તેમણે ડ્રગ્સ લેતા યુવકોથી લઈને દરેક પ્રકારનાં સૅક્સવર્કરો સાથે કામ કરેલું હોઈ અનુભવ જગત પણ વિશાળ છે. તેઓ પોતાનાં અનુભવો શેર કરતાં કહે છે, “હાલ કોરોના વાયરસને કારણે આવેલી મંદીમાં તેમને ગ્રાહક મળવો મુશ્કેલ છે. લોકડાઉનમાં બહેનો કામ કરવા જઈ શકતી નહોતી એટલે ઘર ચલાવવાનાં ફાંફા પડી ગયા હતા. હવે તેમને લાગે છે કે કોરોના તો થાય ત્યારે ખરો, પણ અત્યારે તો ભૂખથી મરી જઈશું, એટલે ધંધો કરવો જ રહ્યો. આવી બહેનોને અમે કોન્ડોમ સાથે માસ્ક, સૅનેટાઈઝર વગેરે પુરાં પાડીએ છીએ. સ્પા અને મસાજ સેન્ટરોમાં કામ ખૂલશે ત્યારે જે છોકરીઓ તેમાં કામ કરવા જવાની છે તેમને પણ અમે આ બધી બાબતોની તકેદારી રાખવા કહીએ છીએ.”
સૅક્સવર્કરો માટે કામ કરવું સહેલું નથી
સમાજ જે કામ અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓને તિરસ્કારતો હોય ત્યારે સ્વાભાવિક છે કે સૅક્સવર્કર બહેનો માટે કામ કરતી સંસ્થા અને તેનાં કાર્યકરોને પણ જાતભાતનાં કડવા અનુભવ થવાના. આમાંથી સખી જ્યોત સંગઠન, નેશનલ સૅક્સવર્કર્સ ઍસોસિએશન પણ બાકાત નથી. લોકડાઉનનાં સમયગાળામાં આ સંસ્થાઓનાં કાર્યકરોને સમાજનાં આવા અનેક કડવા અનુભવો થયાં છે.
નેશનલ સૅક્સવર્કર્સ ઍસોસિએશનનાં પૂર્વ ઉપપ્રમુખ ગીતાબહેન વાઘેલા આ બહેનો વિશે જનસામાન્યની માન્યતાઓનાં અનુભવ શેર કરતાં કહે છે, “લોકડાઉન દરમિયાન કફોડી પરિસ્થિતિમાં મૂકાઈ ગયેલી સૅક્સવર્કર બહેનોને જરૂરી ચીજવસ્તુઓ પહોંચી રહે તે માટે અમે સેવાભાવી લોકોને મળતા હતાં. પણ જ્યારે અમે તેમને કહી કે સૅક્સવર્કર બહેનોનાં બહેતર જીવન માટે દાન જોઈએ છે તો ઘણાં લોકોએ હાથ જોડીને સ્પષ્ટ ના પાડી દીધેલી. તેમનું કહેવું હતું કે, આ બહેનોને ક્યાં કોઈ વસ્તુની જરૂર પડતી હોય છે કે તમે દાન માંગો છો? અમુક લોકો તો એમ પણ કહેતાં હતાં કે આવી બહેનો માટે શું કામ સંસ્થા ચલાવો છો? મારે કહેવું ન જોઈએ, પણ અમુક દાતાઓ તો ત્યાં સુધી કહેતા કે તમારી પાસે કોઈ સારી બહેન આવે તો અમારો સંપર્ક કરાવજો અથવા મોબાઈલ નંબર આપો! આ સ્થિતિમાં એઈડ્સ જેવી બિમારીઓથી બચવા, તેમનાં બાળકો, પરિવારને સારું શિક્ષણ આપવું જેવી સેવા માટે ક્યાંથી મદદ મળી શકે? આ બહેનો રોજનું કમાઈને રોજ ખાતી હોય છે. બચત જેવું કશું તેમની પાસે હોતું નથી. હવે અમે તેમનાં બેંક અકાઉન્ટ ખોલાવી આપ્યાં છે જેમાં તેઓ ૨૦૦-૫૦૦ રુપિયા જમા કરે તેમ કહ્યું છે.”
એક કાર્યકર નામ ન આપવાની શરતે કહે છે, “સરકાર આમાં કોઈ મદદ નથી કરતી. હવે તો નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન પણ કોરોનાને બહાને અમારો સ્ટાફ ઓછો કરવા કહે છે. જો સ્ટાફ ઘટાડીએ તો સૅક્સવર્કર બહેનોને જે મદદ મળે છે તેમાં કાપ મૂકાય અને બીજાં કાર્યકરોને તેમનું કામ પડતું મૂકવું પડે. પગારનાં નામે ફિલ્ડવર્કરોને માત્ર સાત હજાર રુપિયા મળે છે અને એમાંય સ્ટાફ ઘટાડીએ તો કશું કામ ન થાય. હાલ બહેનોને એચઆઈવી ટેસ્ટ કરાવવો, જો રિપોર્ટ પોઝિટીવ હોય તો નિયમિત દવાઓ પહોંચાડવી, તેમની અન્ય શારીરિક સમસ્યાઓ , પોલીસ, દલાલ અને હોટલમાં ધંધો કરતા વચેટિયાઓ સાથે મિટીંગો કરીને તેમને જાતિય રોગોથી બચવાની જાણકારી આપવી વગેરે અનેક કામો અમે કરીએ છીએ. લોકડાઉનમાં પણ અમારા કાર્યકરોએ સૅક્સવર્કર બહેનોનાં ઘેરઘેર જઈને ચીજવસ્તુઓની કીટો પહોંચાડી છે. ક્યાંક પોલીસની રૅડ પડે અને બહેનો પકડાય તો અમારી ક્રાઈસીસ ટીમનાં સભ્ય ત્યાં પહોંચી જઈને તેમને જામીન પર છોડાવે છે. આ બધું કેવી રીતે સાચવીએ છીએ તે અમારું મને જાણે છે.”
ઈસનપુરમાં સૅક્સવર્કરો માટે કામ કરતાં મનોજભાઈ મહેરિયા કહે છે, “દરેક સૅક્સવર્કર બહેનોનાં કેટલાક પૈસાદાર ગ્રાહકો હોય છે જેમનો અમે સંપર્ક કરીએ છીએ. તેઓ જે રકમ આપે તેમાંથી દર વર્ષે સ્કૂલો ખૂલે તે પહેલાં પુસ્તકો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ લાવીને સૅક્સવર્કર બહેનોનાં બાળકોને વહેંચીએ છીએ. અગાઉ લોકડાઉનમાં એચઆઈવી પોઝિટીવ સૅક્સવર્કરો સુધી દવાઓ પહોંચાડવામાં પણ અમને ભારે મુશ્કેલી પડી હતી આ રોગમાં એકપણ દિવસ પાડ્યાં વિના નિયમિત દવા લેવાની હોય છે. જો એકપણ દિવસનો ગેપ પડી જાય તો આખું ટાઈમટેબલ ખોરવાઈ જાય છે. એટલે કોરોનાની પરવા કર્યા વિનાં અમે આવી બહેનોને ઘર સુધી દવા પહોંચાડી હતી. આ બહુ જોખમી કામ હતું છતાં અમે કર્યું પરંતુ સમાજ આજેય અમને તિરસ્કારની નજરે જ જુએ છે.”
સમાપ્ત
'અભિયાન'માં પ્રકાશિત સેક્સવર્કરો પરની કવર સ્ટોરી










આપશ્રી ઓના દ્વારા અભિયાન મેગેઝિનમાં પ્રકાશિત લેખ, જે પરિસ્થિતિ થી પીડાઇ રહેલ સેકસ વર્કર મહિલાઓ વિષયમાં છે, તે મને બહુ જ ગમ્યો.
ReplyDeleteહું પત્રકાર તુલસી.એ.બૌદ્ધ,
મુ.પો.તા.ધાનેરા, જી.બનાસકાંઠા
તમારા દ્વારા પ્રકાશિત લેખ અમારા ન્યૂઝ માં સાભાર તરીકે પ્રકાશિત કરવા દેવા માંગતા હોવ તો અમને, વોટ્સએપ-૭૮૦૧૮૧૩૬૦૦ પર સંપર્ક કરશો...
🙏🏻 આભાર 🙏🏻