કોરોનાકાળઃ દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે..


આ ભારતની કરૂણાત છે કે લોક કલ્યાણકારી રાજ્ય હોવા છતાં અહીં નાગરિકોએ પાયાની સુવિધાઓ પણ ચૂંટેલી સરકારોને કરગરીને મેળવવી પડે છે. એમાંય જો કોઈ સંકટ સમયમાં રાહત મેળવવાની હોય તો તો હિમાલયની ટોચે ચડવા જેટલું અઘરૂ થઈ પડે છે. હાલ કોરોના વાયરસનાં રોગચાળામાં આવું જ થઈ રહ્યું છે. લોકો પોતાને કોરોના છે કે નહીં તે જાણવા માટે ટેસ્ટ કરાવવા માંગે છે પણ ટેસ્ટ નથી થઈ રહ્યાં, સારવાર માટે હોસ્પિટલોમાં ભરતી થવા માંગે છે પણ બેડ નથી મળી રહ્યાં, આર્થિક તંગીથી ભાંગી પડેલા લોકો પોતાના ઘરે પરત ફરવા ઈચ્છે છે પણ તેના માટે સાધનો નથી મળી રહ્યાં, લોકો મહેનત કરીને રોજી-રોટી કમાવા માગી રહ્યાં છે પણ તેમના માટે રોજગારી નથી અને કેન્દ્રથી લઈને રાજ્યોની સરકારો દરરોજ પોતાની સિદ્ધીઓ ગણાવી રહી છે.

અમદાવાદમાં એક પત્રકારનાં બનેવીને કોરોના થયો. તેમની સારવાર માટે પહેલા સરકારી હોસ્પિટલ ગયા તો ત્યાં જગ્યાનું બહાનુ કાઢીને ના પાડી દીધી. એ પછી અડધો ડઝન ખાનગી હોસ્પિટલોમાં ફર્યા પણ ક્યાંય મેળ પડ્યો નહીં. આખરે પત્રકારે નાયબ મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો ત્યારે જતા સિવિલમાં પ્રવેશ મળ્યો. જો કે ત્યાં સુધીમાં તેમનાં બનેવીની તબિયત વધારે બગડી ચૂકી હોઈ અધકચરી સારવાર વચ્ચે જ દમ તોડી દીધો. વાત આટલેથી ન અટકી. મૃતકનો ચેપ તેમનાં પરિવારને પણ લાગી ચૂક્યો હોઈ પત્ની અને દીકરીને પણ કોરોનાની અસર વર્તાવા માંડી. એટલે ફરી પત્રકારે બહેન અને ભાણેજનો કોરોના ટેસ્ટ કરાવવા માટે લેબ, ડોક્ટરમિત્રો અને આરોગ્ય વિભાગના અધિકારીઓને ભલામણ માટે ફોન કરવા પડ્યાં. અગાઉ દિલ્હીમાં એક પત્રકારે વીડિયો જાહેર કરીને જણાવવું પડ્યું હતું કે તેનો આખો પરિવાર કોરોનાગ્રસ્ત છે અને તેને સારવાર માટે ક્યાંય જગ્યા નથી મળી રહી? તેણે જણાવ્યું હતું કે જે ઘરમાં તે સહપરિવાર રહે છે તે જ ઘરમાં તેનાં સાસુ-સસરા બંનેનું કોરોનાને કારણે મોત થઈ ગયું હતું અને શબ ઉપાડવા કોઈ નહોતું આવતું. એ જ ઘરમાં તે પત્રકાર, તેની પત્ની અને બે નાની દીકરીઓ કોરોનાગ્રસ્ત હતી છતાં સારવાર નહોતી થઈ રહી. એ વીડિયો અને પત્રકારની વિનંતી હૃદય વલોવી નાખતી હતી. રાહુલ ગાંધીએ તેનો વીડિયો શેર કર્યો ત્યારે જતાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આ માત્ર એક વ્યક્તિની વાત નથી પરંતુ દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઈની વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરતી ઘટના છે. આવી ઘટનાઓ ગણવા બેસીએ તો પાર ન આવે. પણ સવાલ એ ઉભો થાય છે કે જે પત્રકાર છે અથવા ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે અને કોઈ મોટા માણસને ટેગ કરીને ટ્વિટ કરી દે છે અને સારવાર મેળવી શકે છે, તેમની વાત તો ઠીક છે. પણ જે લોકો આવું નથી કરી શકતા તેમનું શું? જે લોકો ટ્વિટર પર નથી અથવા જેમની સમસ્યાને કોઈ મોટા નેતાઓ શેર નથી કરી રહ્યાં તેમને કેવી રીતે મદદ મળશે? તેમની સારવાર અને તપાસ કેવી રીતે થશે? શું સરકારી વ્યવસ્થા એવી ન હોવી જોઈએ કે જેને પણ બિમારીની શંકા છે તેમની તપાસ થાય અને જે ચેપગ્રસ્ત માલુમ પડે તેમને યોગ્ય સારવાર મળે અને એ પણ સહજતાથી મળે? એ પછી બીજા તબક્કામાં એટલી જ સહજતાથી એ પણ થાય કે ચેપીઓનાં સીધા સંપર્કમાં આવેલા લોકોની ઓળખ થાય અને તેમને ક્વોરન્ટાઈન કરીને તપાસની વ્યવસ્થા કરાય?

કોરોના વાયરસ જ્યારે ફેલાવો શરૂ થયો હતો ત્યારે આ બધાં કામો થતા હતા. લોકોનાં ટેસ્ટ પણ થતા હતા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ થતું હતું જેથી ખ્યાલ આવે કે ચેપી વ્યક્તિઓ કોના સંપર્કમાં આવ્યા હતા. પણ જેમજેમ કેસોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ આ આખી પ્રક્રિયા ઉંધા માથે થઈ ગઈ. દર્દીઓને તેમના ભાગ્ય અને વ્યક્તિગત પહોંચનાં ભરોસે છોડી દેવામાં આવ્યા છે. જો કે વ્યક્તિગત સાધનોનાં દમ પર પણ સારવાર કરાવી શકવી સરળ નથી કેમ કે અનેક બાબતો પર હજુયે સરકારી નિયંત્રણો છે. હકીકતમાં સરકારે સમજી લીધું છે કે હવે ચેપ સામાજિક સ્તરે ફેલાવો શરૂ થઈ ગયો છે એટલે ચેપીઓનાં સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમની ઓળખ કરી બધાંની તપાસ કરવી શક્ય નથી. એટલે બધાએ હાથ ઊંચા કરી દીધાં. હવે સરકારો દરરોજ માત્ર ચેપગ્રસ્તોનો એક નિશ્ચિત આંકડો જણાવી રહી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવા કે ઘરોમાં ક્વોરન્ટાઈન કરવાની સલાહ દઈ રહી છે. સરકાર તરફથી પહેલેથી નક્કી કરવામાં આવેલી સંખ્યા કરતા જો વધારે દર્દીઓ આવી જાય છે અથવા તેનાથી વધારે લોકો ચેપી થઈ જાય છે,(જે થઈ રહ્યું છે) તો તેમને ભગવાન ભરોસે છોડવામાં આવે છે. તેમાંથી કોઈએ કરગરીને, વગ વાપરીને જો સારવાર મેળવી લીધી તો ઠીક છે અને નથી મેળવી શક્યો તો એમનું ભાગ્ય!

અહીં એવું નથી કે કોઈ વ્યક્તિ બિમાર પડી તો તેની ચોક્કસ જ તપાસ થશે અને સારવાર મળશે. આ બધું સંયોગ પર નિર્ભર કરે છે. તમે ક્યાં રહો છો, તમારી પાસે કેટલા રૂપિયા છે, તમારી પહોંચ કેટલી છે અને આ પ્રકારની બીજી અનેક બાબતો પર નિર્ભર કરશે કે તમારી સારવાર થઈ શકશે કે નહીં. હકીકતમાં સરકારોએ સમસ્યાની ગંભીરતાનો અંદાજ જ ન લગાવ્યો. શરૂઆતમાં થોડી સક્રિયતા જરૂર બતાવવામાં આવી પણ તેમાં સાતત્ય ન જળવાયું. સરકારોએ કામચલાઉ મેડિકલ સુવિધાઓની વ્યવસ્થા ન કરી. ખાનગી હોસ્પિટલોને ટેકઓવર કરીને તેમાં કોરોનાનાં દર્દીઓની સારવારની વ્યવસ્થા ઉભી ન કરી, કોરોના સામે લડવા માટે મેડિકલ સુવિધાઓમાં સુધારો-વધારો કરવા નાણાં કોથળી છૂટી ન મૂકી, જેનું પરિણામ એ આવ્યું કે કેસો વધતા જ બધું વેરવિખેર થઈ ગયું.

કોરોના જેવા રોગચાળા સામે લડવા માટે ભારત જેવા દેશમાં, જ્યાં પહેલેથી જ આરોગ્ય સેવાઓ અત્યંત ખરાબ છે ત્યાં માત્ર 15 હજાર કરોડ રૂપિયાનાં એક ફંડની જાહેરાત થઈ, જે આગામી ચાર વર્ષમાં ખર્ચ થવાના છે. સરકાર જો 500 કરોડ રૂપિયા ખર્ચ કરત તો વધુ 50 લાખ કે તેનાથી વધુ લોકોનાં ટેસ્ટ થઈ જાત. સરકારે સાંસદોનું જે ફંડ જપ્ત કરી લીધું છે તેમાંથી જો વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા હોત તો સેંકડો લોકોનાં જીવ બચી જાત. પણ ખેર..

(શીર્ષક પંક્તિ – જલન માતરી)


Comments