મજૂરોને ગુલામ બનાવવાની તૈયારી
કોરોના વાયરસને કારણે પેદા થયેલા ભીષણ સંકટ સામે મજબૂતીથી લડવા અને તેને હરાવવાને બદલે કેટલીક રાજ્ય સરકારો આ આફતને અવસરમાં ફેરવવાની જાતભાતની તરકીબો લડાવવામાં મચેલી છે. જેમ કે અનેક રાજ્ય સરકારોએ એ બહાને મજૂર કાયદામાં ફેરફાર કરી દીધાં. મજૂરો પાસેથી તેમના એવા અધિકારો છીનવી લેવામાં આવ્યા જે દાયકાઓની લડત બાદ તેમને પ્રાપ્ત થયા હતા. દુઃખની વાત એ છે કે આવુ તેમની ભલાઈનાં નામે કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારો કહી રહી છે કે મજૂરોનું ભલુ કરવા માટે તેઓ જરૂરી ફેરફાર કરી રહી છે. તેઓ મલ્ટિનેશનલ કંપનીઓને આકર્ષવા માગે છે, રોજગારીની નવી તકો પેદા કરવા ચાહે છે અને દેશને આત્મનિર્ભર બનાવવાનાં ઉદ્દેશ્યથી કામ કરી રહી છે. જો કે આ આખી પ્રક્રિયાથી માત્ર મોટાં કોર્પોરેટો જ આત્મનિર્ભર થશે. સરકાર જાહેર સાહસોને વેચીને પોતાની આત્મનિર્ભરતા ગુમાવી રહી છે અને મજૂર કાયદામાં ચંચુપાત કરીને કારીગરો અને મજૂરોની આત્મનિર્ભરતા અને તેમના મૂળભૂત અધિકારો પણ છીનવી રહી છે. તેમને કાં તો રાજ્યોના કે પછી કોર્પોરેટોને ત્યાં ગુલામ બનાવવાનું કામ થઈ રહ્યું છે.
કોરોના રોગચાળાની આડ લઈને ઉત્તરપ્રદેશ સરકારે એક
જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે તેઓ દેશભરમાંથી પરત ફરી
રહેલાં યુપીનાં મજૂરો અને કારીગરો માટે રાજ્યમાં જ રોજગારીની વ્યવસ્થા કરશે. અહીં
સુધી તો બરાબર છે, કેમ કે આ જ વાત બિહારનાં મુખ્યમંત્રી નીતિશકુમાર પણ કરી રહ્યાં
છે. તેથી વાત કરવામાં કોઈ વાંધો નથી. બધાંને ખબર છે કે આવું કરવું શક્ય હોત તો
આટલી મોટી સંખ્યામાં મજૂરોનું પલાયન ન થાત. તેના માટે મોટાપાયે ઔદ્યોગીકરણ અને
મૂળભૂત માળખાના વિકાસની જરૂર પડે. લાંબાગાળાની યોજના સાથે આવું કરવું શક્ય પણ છે, પણ
હથેળીમાં થોડી રાઈ ઉગે છે. આમ, મોટી મોટી વાતો સિવાય તેનો કોઈ ખાસ અર્થ નથી. પણ એ
બહાને યુપી સરકારે પ્રવાસી નિગમ બનાવીને અમુક નિયમો બનાવવાનું જાહેર કરી દીધું છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે તેઓ તમામ મજૂરોની યાદી બનાવડાવશે. કોનામાં કેવું
કામ કરવાની આવડત રહેલી છે તેની પણ યાદી બનશે અને તેના આધારે તેમના માટે કામની
વ્યવસ્થા થશે. તેમને સોશિયલ સિક્યુરિટી પણ આપવામાં આવશે. અહીં સુધી પણ ઠીક છે,
પરંતુ એ પછી તેમણે જે વાત કરી છે તે ભારે ખટકે તેવી છે. તેમણે કહ્યું છે કે દેશનાં
કોઈપણ રાજ્યે જો યુપીથી મજૂરો લઈ જવા હશે તો તેમણે રાજ્ય સરકારની મંજૂરી લેવી
પડશે. તેમની આ વાત દેશનાં સંઘીય ઢાંચા, બંધારણની વ્યવસ્થા અને નાગરિકોનાં મૌલિક
અધિકાર એમ બધાનો ભંગ છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને દેશનાં કોઈપણ ભાગમાં જઈને
નોકરી કે ધંધો કરવાની આઝાદી આપે છે. તેથી કોઈપણ નાગરિકે કોઈ બીજા રાજ્યમાં જઈને
કામ કરવા માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી.
તેમની આ વાતમાંથી એ સવાલ પણ પેદા થાય છે કે શું
યુપી સરકાર પોતાને ત્યાંના કામદારો અને મજૂરોને બંધવા બનાવવા ઈચ્છે છે, જે તેમની
મરજી પ્રમાણે કામ કરશે અથવા તેમના પર આશ્રિત રહેશે. એ પણ સવાલ છે કે યોગી સરકાર
શું લેબર સપ્લાયની એજન્સી ખોલવાની છે, તે તેમની મંજૂરી લઈને કોઈ રાજ્ય યુપીના
મજૂરોને લઈ જશે. એક ત્રીજો સવાલ એ છે કે આવી વ્યવસ્થિત રીતે વિસ્થાપન અને પ્રવાસન
ભારતમાં ક્યાં થાય છે. લોકો તો પોતાના ગૃહ રાજ્યમાં કે ગૃહ જિલ્લામાં કોઈ કામ નથી
મળતું તો ઝોળી ઉઠાવીને દિલ્હી, મુંબઈ, હૈદરાબાર, ચેન્નાઈ, બેંગાલુરૂ જવા માટે
રવાના થઈ જાય છે. ન તો આ શહેરોમાંથી કોઈ તેમને નિમંત્રણ મોકલે છે ન તેઓ કોઈની
મંજૂરી માગે છે. આઝાદ અને બંધારણથી ચાલતા દેશના નાગરિક હોવાને કારણે તેમને અધિકાર
છે કે તેઓ ક્યાંય પણ જાય અને આવડત મુજબ જે પણ કામ આવડતું હોય તે કરે.
આ
બાજુ યોગીનાં નિવેદન બાદ મહારાષ્ટ્રનાં નેતા રાજ ઠાકરેએ નિવેદન આપ્યું કે મજૂરોએ
મંજૂરી લઈને મહારાષ્ટ્રમાં આવવાનું રહેશે. આમ તો આ ખૂબ જ મૂર્ખામીભર્યું અને
બંધારણવિરોધી નિવેદન છે, પણ યોગીના નિવેદન પર સૌથી સટીક પ્રતિક્રિયા પણ આ જ છે. જો
કોઈ રાજ્ય પોતાના નાગરિકોને બીજા રાજ્યોમાં મોકલતા પહેલા મંજૂરી માગવાની જોગવાઈ
કરશે તો બીજા રાજ્યો પણ પોતાને ત્યાં આવતા પહેલા મંજૂરી લેવાની જોગવાઈ કરી શકે છે.
જો એવું થયું તો આખો સંઘીય ઢાંચો અને રોજગારીનું તૈયાર માળખું પણ ભાંગી પડશે.
વિચારો,
જો બીજા રાજ્યોએ પણ યુપીની જેમ એ નિયમ બનાવે કે તેનાં નાગરિકોએ અન્ય જગ્યાએ કામે
જતા પહેલા મંજૂરી લેવી પડશે તો ઉત્તરપ્રદેશનું શું થાય. યુપી માત્ર નોઈડાના દમ પર
સોફ્ટવેર નિકાસ કે અન્ય કેટલાક ઉદ્યોગોને કારણે ટોચના રાજ્યોમાં સામેલ છે. પરંતુ એ
હકીકત છે કે આ ઉદ્યોગોમાં કામ કરનારા મોટાભાગનાં લોકો બીજાં રાજ્યોનાં છે. એવી જ
રીતે દેશનાં તમામ રાજ્યો એકબીજા પર નિર્ભર છે અને દરેકની પ્રગતિ એકબીજા સાથે
જોડાયેલી છે. જો કોઈપણ રાજ્ય આ સંતુલનને બગાડવાનો પ્રયત્ન કરશે તો તેની દૂરોગામી
અસર થશે.
આમ, યુપી સરકાર પોતાના મજૂરો અને કારીગરોનો ડેટા તૈયાર કરે, એ યાદી પણ બનાવે કે એમાં કોની પાસે કેવી આવડત છે અને કોણ તાલીમ લીધાં વિનાનાં છે, તેમના માટે સામાજિક સુરક્ષાના ઉપાયો પણ કરે, પણ તેમને બાંધી ન રાખે. તેમને એ નિયમમાં ન બાંધે કે તેમણે કોઈ બીજા રાજ્યમાં કામ કરવા માટે જવું છે તો પહેલા મંજૂરી લેવી પડશે. બંધારણની મૂળભૂત ભાવનાના આધારે દરેક નાગરિકોને ક્યાંય પણ જઈને નોકરી કે રોજગારી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ. તેને ન તો પોતાનું રાજ્ય છોડવા માટે કોઈની પરવાનગીની જરૂર હોવી જોઈએ ન કોઈ બીજા રાજ્યમાં જઈને કામ કરવા માટે મંજૂરી લેવાની જરૂર હોવી જોઈએ.



Comments
Post a Comment