‘ચાલો ત્યારે જવું પડશે, વેઈટિંગ ચાલે છે ને.. !’













કોરોનાને કારણે અમદાવાદ શહેરમાં સૌથી વધુ મોત થયા છે. શહેરનાં સ્મશાનો ચોવીસ કલાક ચાલતા રહે છે અને છતાં દિવસભર વેઈટિંગ ચાલતું હોય છે. સામાન્ય રીતે મડદાંનું નામ પડતાં જ આપણા દિલમાં એક સ્વાભાવિક ફડક પેદા થતી હોય છે.  ત્યારે અહીં આપણે એ વ્યક્તિનાં જીવનમાં ડોકીયું કરવા પ્રયત્ન કર્યો છે જેનો પનારો જ મડદાં સાથે પડેલો છે..


‘તું આમ દિવસરાત જોયાં વિનાં મડદાં સળગાવતો રહે છે, તને ખાવું કેમનું ભાવે છે? અમે તો એકાદ મૃતશરીર જોઈ જઈએ તો પણ દિવસો સુધી એ દ્રશ્યો પીછો ન છોડે. જ્યારે તું તો ચોવીસે કલાક અહીં જ રહે છે, તને ભૂતપ્રેતની બીક નથી લાગતી? ’

આ સવાલ સાંભળીને તેણે એક અછડતી નજર મારા પર નાખી અને પાછો કામમાં પરોવાઈ ગયો. મારો પ્રશ્ન અણગમતો હોય, કે પછી તેની કોઈ દુઃખતી નસ પર મારાથી હાથ રખાઈ ગયો હોય, અથવા તેની અંદર પડેલી કોઈ અકળ લાગણીને ધક્કો લાગ્યો હોય – ગમે તે હોય, પણ તેણે એજ ભાવહીન ચહેરે લોખંડનાં સ્ટેન્ડ પર બળી રહેલાં મડદાંને લાકડાનાં લાંબા દંડા વડે જોરથી ઘોદો માર્યો. એ સાથે જ મડદાનાં અર્ધબળેલાં અંગોમાંથી આગનો એક ગોળો બહાર ફેંકાયો. હું ભડકી ગયો! પણ તેનાં ચહેરાં પરની કડકાઈમાં તસુભાર પણ ફરક ન પડ્યો. જો કે તેનાં એ વર્તન પરથી મને એટલું તો સમજાયું કે મારો સવાલ તેના મનમાં ધરબાઈને પડેલી ભૂતકાળની કોઈ એવી ઘટનાને સ્પર્શ્યો હતો જેના વિશે તે વધુ વાત કરવા માગતો નહોતો. તો પણ જવાબની રાહમાં હું તેનું મૌન તૂટે તેની રાહ જોતો બળી રહેલાં મડદાં સામે જોતો ઉભો રહ્યો. ઘણો સમય વિત્યો છતાં તે કશું બોલ્યો નહીં, એટલે હું સામેની તરફ આવેલાં એક પગથિયા પર બેસીને તેની કામગીરી જાવા લાગ્યો.


 મે માસની બપોર અને ગરમી બંને તેની ચરસમીમાએ હતાં. એવે ટાણે અમદાવાદની સાબરમતી નદીનાં કાંઠે આવેલાં એક સ્મશાનમાં હું તેને આ સવાલ કરી રહ્યો હતો. લોકડાઉનમાં સરકારે આંશિક રાહત આપી હતી અને તેની અસર અહીં અંતિમયાત્રામાં સામેલ થવા આવતા લોકોની વધતી સંખ્યા પરથી દેખાતી હતી. પહેલાંની સરખામણીએ હવે સ્વજનને અંતિમવિદાય આપવા વધારે લોકો સામેલ થઈ રહ્યાં હતાં. છતાં કોરોના વાયરસનો ભય સૌ કોઈનાં ચહેરાં પર સ્પષ્ટ જોઈ શકાતો હતો. લોકો મોં પર માસ્ક કે રૂમાલ બાંધીને ફરતાં હતાં. કેટલાકનાં ખિસ્સાંમાં સૅનેટાઈઝર પણ હતું. અણગમતી આ જગ્યા પર ત્યારે સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ હતી. સ્મશાનની ઓફિસમાં અંતિમવિધિ અને જરૂરી દસ્તાવેજો મેળવવા નોંધણી કરાવવા માટે પણ ત્રણ-ચાર લોકો તો બેઠાં જ હોય. કોરોના વાયરસને કારણે લોકોમાં ભય ફેલાયેલો હતો. વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારકશક્તિ ધરાવતાં લોકો કોરોના જેવા લક્ષણોની પોતાનામાં હાજરીથી ગભરાઈને મોતને ભેટતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું અને તેને સમર્થન મળતું હોય તેમ સ્મશાનમાં શબોની લાઈન લાગી હતી.

મુખ્ય દરવાજા આગળ ચાર ઍમ્બ્યુલન્સ અને ત્રણ ખાનગી અંતિમવાહિનીઓમાં કુલ મળીને સાત મડદાં, હું જેને સવાલ કરી રહ્યો હતો તે વ્યક્તિની મંજૂરીની રાહ જોતા હતાં. સાત પૈકી ત્રણ ડૅડબાડી કોરોનાને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિઓની, જ્યારે બાકીની ચાર સામાન્ય હતી. સારી વાત એ હતી કે કોરોનાનાં દર્દીઓનાં મૃતશરીરને કોઈએ અડકવાનું નહોતું, સગાંઓએ પણ નહીં. નિર્જીવ સીએનજી ભઠ્ઠીએ એ કામ પોતાનાં શીરે લઈ લીધું હતું. છતાં ગળામાં માદળિયું બાંધીને એક મજબૂત બાંધાનો યુવક ત્યાં હાજર હતો. તેના ચહેરાં પર કોઈપણ જાતનો ભાવ જોવા ન મળે. તેનું કામ સીએનજી ભઠ્ઠીના સંચાલનનું હતું. મડદું બળી ગયાં પછી ભઠ્ઠીને સૅનેટાઈઝ કરવાનું કામ પણ તે કરતો હતો.

પણ તેની નજર પ્રવેશદ્વાર આગળ વધતી જતી ઍમ્બ્યુલન્સ અને શબવાહિનીની કતાર પર હતી. સાત તો વેઈટિંગમાં હતી જ, ત્યાં પાછળ બીજી બે શબવાહિનીઓ આવીને ઉભી રહી એટલે વેઈટિંગનો આંકડો નવે પહોંચ્યો. તેણે ઉમેરાયેલી એ બે શબવાહિનીઓ તરફ એક તીખી નજર ફેંકી અને સ્ટેન્ડ પરથી મડદાંનાં બહાર નીકળી રહેલાં અંગને લાકડાનો હડસેલો મારીને અંદર કર્યું. મડદાંમાંથી અંગારા છૂટ્યાં, અદ્દલ તેના સ્વભાવ જેવા. આમ તો ત્યાં બધાં મળીને ૧૨ જેટલાં સ્ટેન્ડ હતાં, પણ અંતિમવિધિ કરવા આવતા લોકો ગરમી સહન કરી શકતાં ન હોવાથી વચ્ચે કેટલાંક સ્ટેન્ડ ફરજિયાત બંધ રાખવા પડતાં હતાં. સળંગ આઠ મડદાંને તે અને તેનો એક સાથી ‘હેન્ડલ’ કરી રહ્યાં હતાં. આ સિવાય એક બારેક વર્ષનો છોકરો તેમને મદદ કરી રહ્યો હતો. તે સ્ટેન્ડમાં લાકડાં ગોઠવતો અને મૃતકનાં સગાંઓને અંતિમવિધિ માટે જરૂરી સૂચનાઓ આપતો. છેલ્લે કશું કામ ન હોય તો મડદાં બાળવાનાં સ્ટેન્ડ પર જ બેઠોબેઠો બટાટાની વેફરનું પકીડું તોડીને ખાવા માંડતો. તેનાં એ વર્તનને કારણે જબરો વિરોધાભાસ સર્જાતોઃ એક તરફ આઠ-આઠ મૃતશરીર શુદ્ધ ઘીમાં બળી રહ્યાં હોય અને બીજી તરફ તે હાથમાં પાંચ રૂપિયાની વેફરનું પડીકું તોડીને ભૂખ સંતોષવા મથતો હોય. એકબાજુ મૃતશરીર પર સગાંઓ, પરિવારજનો રોકકકળ કરતાં હોય, માથું પછાડતાં હોય અને બીજી બાજુ તે મડદાંની બાજુમાં બેસીને જાણે કશું બન્યું જ નથી તેમ સમજીને નાસ્તો કરતો હોય. એક પત્રકાર તરીકે કારોના રોગચાળાએ મને ઘણાં અણધાર્યા પ્રસંગોનો સાક્ષી બનાવ્યો છે, પણ આ પ્રકારનાં વિરોધાભાસ પહેલીવાર જોઈ રહ્યો હતો.
એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓની કતાર



બે-અઢી કલાકે વેઈટિંગ થોડું ઘટ્યું એટલે એ થોડો નવરો પડ્યો. લાકડું પેલા છોકરાંને પકડાવીને એણે પાણીની બોટલ હાથમાં લીધી અને ત્યાં એની નજર મારા પર પડી. એટલે બોટલ હાથમાં લઈને જ તે મારી તરફ આવ્યો. પાસે આવીને, મારાથી થોડું અંતર જાળવીને બેઠો અને નાનકાને રાડ પાડી. નાનકો લાકડું પડતું મૂકીને આવ્યો એટલે તેને પૈસા આપીને પાણીની બે બોટલ લેવા મોકલ્યો. નાનકો દોડ્યો અને ૧૦ મિનિટમાં જ ઠંડા પાણીની બોટલ સાથે હાજર થયો. તેણે એક બોટલ મારા તરફ ધરી અને બીજીમાંથી બે-ત્રણ ઘૂંટ પીને સ્ટોરીની શરૂઆતમાં મેં જે સવાલ મૂક્યો છે તેનો જવાબ આપવો શરૂ કર્યો.

“નરેશભાઈ, મારો તો જન્મ જ અહીં થયો છે. હું પેટમાં હતો ત્યારે મારાં મમ્મી પણ આ જ કામ કરતાં હતાં, પપ્પા પણ આ જ કરતાં. આ સ્મશાનમાં રમીને હું મોટો થયો છું. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ મારા લગ્ન પણ અહીં જ થયા છે. સુહાગરાત પણ અહીં જ થયેલી અને મારાં બાળકનો જન્મ પણ અહીં જ થયો છે. આ સ્મશાન મારું ઘર છે અને મડદાં બાળવા એ મારું કામ. હવે તમે જ કહો, ઘરમાં અને જે કામ આપણે કરતાં હોઈએ તેનાથી ડર લાગે? તમે પૂછ્યું કે અહીં ખાવું કેમનું ભાવે છે- તો એ તો હવે ટેવ પડી ગઈ છે. લોકોને મડદાં જોવાની ટેવ નથી એટલે બીક લાગે, જ્યારે અમારું તો કામ જ મડદાં બાળવાનું છે.”
“તો બીક શેની લાગે?”
“(હસતાં-હસતાં) જીવતા માણસની..એ શું કરે નક્કી નહીં. મરેલો માણસ બિચારો ક્યારેય કોઈને હેરાન ન કરે. જીવતો હેરાન કરે. આપણને એકબીજાથી પ્રોબ્લેમ હોય તો આપણે એકબીજાંની વચ્ચે આવીએ.”
“તો ભૂતપ્રેત વિશે તારું શું માનવું છે, કદી એવો કોઈ અનુભવ થયો છે ખરાં?”
“કશું જ નહીં.”
બારીમાં દેખાય છે તે મૃતકોનાં અસ્થિ છે, જેને હરિદ્વાર ગંગામાં પધરાવાય છે.


“તું આટલી સરસ વાતો કરે છે મતલબ સારું એવું ભણ્યો છે.”
“ના ના. દસ ચોપડી”
“તારું નામ તો કહે?”
“જિતુ વાલ્મિકી”(નામ બદલ્યું છે)
“અને આ તારી સાથે છે એ બંને?”
“એક મારો સાળો છે – ધવલ. અને પેલો નાનકો છે એનું નામ મનીષ.(બંનેનાં નામ બદલ્યાં છે.) મારા પડોશીનો દીકરો છે. અહીં રમવા આવે છે અને કશુંક કામ કહીએ તો કરી આપે.”
“તેને આ બધાંથી બીક નથી લાગતી?”
“અરે હોતું હશે કંઈ! તે અને તેનાં મિત્રો બધાં અહીં જ રમવા આવતા હતા. આ તો કોરોનાને કારણે અમે તેમને આવવા નથી દેતા. બાકી એ બધાં અહીં જ રમે છે.”
“આ શબ બાળવાનું તમે કેટલાં વાગ્યે ચાલુ કરો છો?”
“આ તો ચોવીસ કલાક ચાલું જ હોય. ગઈકાલે રાત્રે દોઢ વાગ્યે એક બોડી આવેલી, બહુ ભારે હતી. એને બાળીને ચાર વાગ્યે સૂતો, ત્યાં કલાકમાં જ બીજી આવી ગઈ. અને પછી તો આખો દિવસ ચાલુ જ રહેલું.”
“રોજની કેટલી બોડી આવે છે”
“ચાલુ દિવસોમાં પાંચ-દસ આવતી. પણ હાલ કોરોનાને કારણે સતત વેઈટિંગ ચાલતું હોય છે. તમે જોયું નહીં, પાંચ-સાત તો લાઈનમાં હોય જ છે.”
“તો હાલ રોજની કેટલી બોડી બાળે છે”
“૩૦-૩૫ તો સાચી જ.”
“હેં..!”
“હા.”
“તે આટલાં બધાં શબ તું બાળે છે, એમાં કેટલીક એક્સિડન્ટમાં વિકૃત થઈ ગયેલા, કોઈ ઓપરેશન કરેલી લાશ હોય, તો એ જોઈને તને કશું થતું નથી?”
“એમાં શું, હવે તો રૂટિન થઈ ગયું છે. મને તો બીજાંને રડતાં જોઈનેય રડવું નથી આવતું ...પહેલેથી આ કામ સ્વીકારેલું છે અને હવે તેનો કોઈ અફસોસ પણ નથી થતો.”
“આ કામ તેં સ્વેચ્છાએ સ્વીકારેલું છે?”
“સ્વેચ્છાએ તો નહીં, પણ આપણે બહુ ભણેલાં નહીં ને! અને પહેલેથી આ કામ કરતાં આવ્યા હોઈ સેવા સમજીને સ્વીકારી લીધું છે.” 
“કેટલાં રૂપિયા મળે છે આમાંથી?”
“વધારે તો નહીં, બસ ઘર ચાલ્યું જાય છે. મૃતકોનાં સગાં અમારું કામ જોઈને જે રકમ આપે એ અમારો પગાર.” - આટલું બોલીને તેણે સ્મશાનનાં મુખ્ય દરવાજા તરફ નજર કરી. ત્યાં ફરી ઍમ્બ્યુલન્સ અને શબવાહિનીઓની કતાર લાગવા માંડી હતી. એટલે વિદાય લેતા તે બોલ્યો, ‘ચાલો ત્યારે જવું પડશે, વેઈટિંગ ચાલે છે ને..!’


Comments