આ રાહત છે કે મુસિબત?
હવે સમય પાકી ગયો છે કે રાહત પેકેજ શું હોય છે તેની ચર્ચા કરીએ. આર્થિક રાહત પેકેજ જેવા જુમલા શરૂ થયા તેની બહુ પહેલા લોકોને રાહત અને બચાવની વાત પૂર કે અન્ય કુદરતી આપત્તિનાં સમયમાં જ સાંભળવા મળતી. ત્યારે રાહતનો મતલબ સરકાર તરફથી લોકોને ખાવાપીવાની ચીજો ઉપલબ્ધ કરાવવી એવો થતો હતો. તેના માટે રાહત કિટ બનતી, જેમાં લોટ, ચોખા, દાળ, મસાલા, મીઠું, મીણબત્તી, બાકસ, ધાબળા અને કેટલીક જરૂરી દવાઓ રહેતી. આ રાહત કીટને હાથોહાથ પહોંચાડવામાં આવતી અથવા હેલિકોપ્ટરમાંથી લોકો વચ્ચે નાખવામાં આવતી. રાહત કિટ મળતા જ લોકોની જરૂરિયાતો પુરી થતી, તાત્કાલિક લાભ થતો હતો અને રાહત મળતી. ત્યારથી જનસામાન્યમાં એક છાપ પડેલી છે કે રાહત આવા પ્રકારની હોય.
પણ હવે રાહત પેકેજ આવી ગયા છે. જેમાં તાત્કાલિક રાહત નથી આપવામાં આવતી, માત્ર રાહત આપવાનું વચન આપવામાં આવે છે. સરકાર લોકોને ઉપાય બતાવે છે અને ઈચ્છે છે કે તે અજમાવીને લોકો રાહત મેળવી લે અને તેમના સૂચવેલા ઉપાયની કિંમત પણ ચૂકવે. જે રીતે જૂના જમાનામાં અથવા આજે પણ ગામડાઓમાં શાહુકાર મુશ્કેલીમાં મૂકાયેલા ગરીબોને વ્યાજે રૂપિયા ધીરે છે અને પછી દેવામાંથી બહાર કાઢવા માટે પાછા બીજા રૂપિયા ધીરે છે, એવી જ રીતે સરકાર પણ લોકોને રાહત આપી રહી છે. પહેલેથી જેમણે લોન લીધેલી છે તેમને લોન ચૂકવવા માટે સરકાર બીજી લોનનો બંદોબસ્ત કરી રહી છે અને તેને રાહત ગણાવી રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલા દિવસે અંદાજિત 6 લાખ કરોડ રૂપિયાના જે કથિત રાહત પેકેજની જાહેરાત કરી હતી તેની મુખ્ય બાબત એ હતી કે એમએસએમઈ સેક્ટરની કંપનીઓ ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન વિના ગેરંટીએ લઈ શકે છે. હવે સવાલ એ છે કે શું આ લોન તેમણે પરત નહીં કરવી પડે? શું તેઓ તેને પોતાની મૂડી તરીકે બેલેન્સશીટમાં દાખલ કરી શકશે? સામાન્ય દિવસોમાં સરળતાથી લોન મળવી ચોક્કસ રાહતની વાત હોઈ શકે, પણ હાલનાં સમયમાં તો તે મુશ્કેલીમાં વધારો કરનારી છે. એમએસએમઈ સેક્ટરની મોટાભાગની કંપનીઓની હાલત પહેલેથી ખરાબ છે. લોકડાઉને તેમનો કામધંધો ખતમ કરી નાખ્યો છે. તેમના મજૂરો વતન પરત ફરી ચૂક્યા છે અને માંગ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે. એવામાં તેમની હાલત અગાઉની લોન ચૂકવવા જેવી નથી રહી પણ સરકાર તેમને નવી લોન ઓફર કરી રહી છે. હકીકતે તેમનું પહેલાનું દેવું માફ થવું જોઈતું હતું અને ઉપરથી તેમને વિના કોઈ શરતે મદદ આપવી જોઈતી હતી જેથી તેઓ પોતાનો ધંધો ફરીથી ઉભો કરી શકે અને લોકોને રોજગારી આપી શકે. પણ તેને બદલે સરકાર તેમને વધુ એક લોન આપવાની ઓફર કરી રહી છે અને તેને રાહત કહી રહી છે.
નાણામંત્રીએ રાહતની જાહેરાતમાં કહ્યું હતું કે સરકાર કરદાતાઓને રિફંડ જલદી આપશે. વિચારો, આ કેટલી મોટી મજાક છે. સરકાર કરદાતાઓને તેમના પોતાના પૈસા પરત આપશે અને તેને રાહત પેકેજ કહી રહી છે? આ મામલામાં તો ઉલટા સરકારે જવાબ આપવો જોઈતો હતો કે તેણે હજુ સુધી લોકોને રિફંડ કેમ નથી આપ્યું.
સરકારે આઝાદ ભારતની સૌથી મોટી મહામારી સમયે પોતાના નાગરિકોને શું રાહત આપી છે? તેણે કહ્યું છે કે તમે તમારી લોનનાં હપ્તા છ મહિના સુધી ન ચૂકવવા માટે આઝાદ છો. પરંતુ છ મહિના પછી તો લોન ચૂકવવાની જ છે અને તેના વ્યાજ પર વ્યાજ ચૂકવવાની સમસ્યા તો અલગ. રાહત તો ત્યારે હોત, જો સરકાર કહેત કે છ મહિના હપ્તા ન ભરો અને બેંકનું વ્યાજ સરકાર ભોગવશે. જ્યારે વ્યાજની ઉપર વ્યાજ આમ આદમીએ જ ચૂકવવાનું છે તો તેને રાહત કેવી રીતે કહી શકાય?
સરકારે વધુ શું રાહત આપી છે? કે તમારા ઈપીએફમાં જે પૈસા કપાય છે તેમાં બે ટકા ઓછા કાપવામાં આવશે અને તે પૈસા તમારા હાથમાં મૂકવામાં આવશે. વિચારો, આપણા જ પૈસા આપણા હાથમાં દેવાને સરકાર રાહત કહી રહી છે. ઉલટાનું આ પણ મુશ્કેલી વધારનારી બાબત છે કેમ કે તેનાથી આપણી બચત ઓછી થાય છે. આ પહેલા પણ સરકારે એ રાહત આપી હતી કે તમે ઈપીએફમાંથી વધારે રૂપિયા ઉપાડી શકો છો. બોલો, આપણા જમા કરેલા રૂપિયાને ઉપાડવામાં છુટછાટ આપવાને સરકાર રાહત પેકેજનો હિસ્સો માને છે. સંકટનાં સમયમાં આપણે આપણા પીએફમાં ઓછા રૂપિયા જમા કરીએ અને પહેલેથી પીએફમાં જમા રૂપિયા ઉપાડીને ખર્ચ કરીએ અને તેને સરકારનું રાહત પેકેજ માનીએ? આ આમ આદમીની સમજણનું અપમાન છે એટલું જ નહીં કટોકટીનાં સમયમાં તેમને ચૂસનારી એજ જૂની સામંતવાદી વ્યવસ્થાનો વિસ્તાર છે.
અસલમાં સરકાર આ રાહત પેકેજ દ્વારા લોકોને કહી રહી છે કે કટોકટી છે તો તમે લોન લઈને કામ ચલાવો, પીએફનાં જમા રૂપિયા ઉપાડીને ગાડુ ગબડાવો. કટોકટી છે તો ટેક્સ પછી ભરી દેજો અત્યારે કામ ચલાવો. તમે મુશ્કેલીમાં છો તો અમે થોડો ઓછો ટેક્સ કાપી રહ્યાં છીએ પરંતુ પછી તમે તે ચૂકવી દેજો. તમે મુશ્કેલીમાં છો તો પીએફ વગેરેમાં બચત થોડી ઓછી કરો અને કામ ચલાવો પણ સાથેસાથે ધ્યાન રાખજો કે તમારી જવાબદારીઓ જેમની તેમ છે. લોનનાં હપ્તા જેમનાં તેમ છે, ટેક્સનું ભારણ પણ જેમનું તેમ છે. આ બધું સરકાર પછી વસૂલશે. હકીકતે આ રાહત પેકેજ નથી પણ લોકોની આંખમાં ધૂળ નાખવાની કળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.



Comments
Post a Comment