મજૂરોનાં પલાયનનાં બીજાં પણ અનેક ભયસ્થાનો છે
25મી માર્ચે અચાનક થયેલી લોકડાઉનની જાહેરાતથી દેશની રાજધાની દિલ્હીથી લઈને હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળ સહિતનાં રાજ્યોમાંથી પરપ્રાંતિય મજૂરોએ વતન તરફ દોટ મૂકી હતી. આ સ્થિતિ ફરી એકવખત લોકડાઉન 3ની જાહેરાત બાદ ઉભી થઈ છે. અગાઉનાં બંને લોકડાઉન દરમિયાન સાવ ભગવાન ભરોસે મૂકાઈ ગયેલા પરપ્રાંતિય મજૂરોની ધીરજ ખૂટી જતા તેમણે કોઈપણ હિસાબે વતન પહોંચવાની જીદ પકડી હતી. વાસ્તવમાં આ કામ સરકારે લોકડાઉનની જાહેરાત કરતા પહેલા જ કરી લેવાનું હતું. પણ અરાજકતાનાં પર્યાય જેવું આપણું તંત્ર જાહેરાત પહેલા કરે છે અને આયોજન બાદમાં. કેન્દ્ર અને રાજ્ય સરકાર, પોલીસ અને વહીવટી અધિકારીઓ, મુખ્યમંત્રી કાર્યાલય અને મનપાનાં કમીશનરો એમ સૌ કોઈ મનફાવે તેમ કામ કરે છે. એટલે જ મુખ્યમંત્રી કાર્યાલય કોઈ બાબતે પોતાનો નિર્ણય જાહેર કરે એને અમદાવાદ મ્યુનિ. કમીશનર બીજી જ કલાકે રદબાતલ ઠેરવી દે એવું એકથી વધુ વખત બન્યું છે. જો કે આપણે વાત કરવી છે મજૂરોના પલાયનનાં ભયસ્થાનોની.
આ કામચલાઉ મજૂરોના પલાયનની બે પ્રકારની વ્યાખ્યાઓ થઈ રહી છે. જેમાંની પહેલી વ્યાખ્યા માનવીય આધારો પર થઈ રહી છે. જેમાં મજૂરોનો પક્ષ લઈને બોલનાર અને લખનાર દરેક વ્યક્તિ ભાવુક થઈ રહ્યો છે. દેશનાં અલગ અલગ હાઈવે પર પગપાળા જઈ રહેલી તેમની ભીડને જોઈને સૌનું હૃદય દ્રવિત થઈ ઊઠ્યું હતું. તેઓ જે ફેક્ટરીઓ, કારખાના કે બાંધકામ સાઈટ પર કામ કરતાં હતાં તેના માલિકોએ લોકડાઉનની જાહેરાત થતા જ તેમની જવાબદારી લેવામાંથી હાથ ખંખેરી લેતા તેઓ રાતોરાત રસ્તે રઝળતા થઈ ગયા હતા. મજૂરોના પલાયનની બીજી વ્યાખ્યા કોરોના વાયરસનો ચેપ વધવાનાં દ્રષ્ટિકોણથી થઈ રહી છે. સૌને લાગી રહ્યું છે કે આ રીતે લાખો લોકો જો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે તો તે પોતાની સાથે વાયરસનો ચેપ પણ લઈ જઈ શકે છે. આ તર્કના આધારે મજૂરોને તેમના વતન રાજ્યનાં મુખ્યમંત્રી પણ પરત આવવાથી રોકી રહ્યાં હતા. છતાં ઘણાં મજૂરો વતન સુધી પહોંચી ગયા તો તેમને ક્વોરન્ટાઈન કરવાની વ્યવસ્થા ઉભી કરાઈ.
આ બે દ્રષ્ટિકોણ સિવાય પરપ્રાંતિય મજૂરોના પલાયનની બીજી બાજુઓને પણ જોવાની જરૂર છે જેના જોખમો વધારે ઊંડા છે અને હાલ ત્રણ સેક્ટરમાં તો સ્પષ્ટ દેખાઈ પણ રહ્યાં છે. એક તો મજૂરોના પલાયનથી ફેક્ટરીઓને તાળા લાગ્યા છે જેનાં કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓનાં ઉત્પાદનને અસર થઈ છે. બીજું, ગુજરાત જેમ હાલ અન્ય રાજ્યોમાં પણ હજુ રવિ પાકની ઉપજ ખેતરોમાં પડી છે. આ સિવાય ત્રીજું છે ઈ-કોમર્સ સેક્ટર, જેને મંજૂરી આપ્યા પછી પણ જરૂરી ચીજવસ્તુઓનો સપ્લાય નહીં થઈ શકે. એટલે કૃષિ, ફેક્ટરી ઉત્પાદન અને સપ્લાય ચેઈન ત્રણેય પર આની મોટી અસર થશે.
સૌથી પહેલા કૃષિ સંકટ વિશે વિચારો. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં રવિ પાકની ઉપજ, ખાસ કરીને ઘઉંની કાપણી થવાની છે. પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે એ અનાજ ગરમ પવન ફૂંકાવા માંડે અને ડૂંડીઓમાંથી તૂટીને ખેતરોમાં વેરાવા માંડેએ એ પહેલા બજાર સુધી પહોંચાડવું જરૂરી છે. અહીં એ યાદ રાખવું રહ્યું કે પંજાબ અને હરિયાણામાં ખેતી લગભગ સંપૂર્ણપણે બિહારથી આવતા ખેતમજૂરો પર આધારિત છે. હાલ લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં આ મજૂરોનું પલાયન થયું છે તેથી બંને રાજ્યોમાં ખેતી મુશ્કેલીમાં મૂકાઈ છે. એવું નથી કે તેનું નુકસાન માત્ર ખેડૂતોને જ થશે, પરંતુ જો સમયસર અનાજ બજારોમાં ન પહોંચ્યું તો પુરવઠાને પણ અસર થશે.
બીજી ચિંતા ફેક્ટરીઓમાં થતા ઉત્પાદનની છે. દેશની રાજધાની દિલ્હીથી લઈને હરિયાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ફેક્ટરીઓ બંધ પડી છે. કેટલાક રાજ્યોએ ફેક્ટરીઓમાં ઉત્પાદન શરૂ કરાવ્યું છે અને સરકારે પણ બિનજરૂરી વર્ગમાં મુકવામાં આવેલી કેટલીક વસ્તુઓનાં પરિવહનને મંજૂરી આપી દીધી છે. એટલે ફેક્ટરીઓમાં ઉત્પાદન માટે કાચો માલ પહોંચવો શરૂ થઈ જશે. પણ સવાલ એ છે કે જ્યારે મજૂરો જ નથી તો આ કાચા માલમાંથી જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કેવી રીતે થશે? જે રીતે ખેતમજૂરોનું પલાયન થયું છે એવી જ રીતે ગભરાઈને ફેક્ટરીઓમાં કામ કરતાં મજૂરોએ પણ મોટાપાયે પલાયન કર્યું છે. અચાનક થયેલી લોકડાઉનની જાહેરાતથી ફેક્ટરી માલિકો પણ ગભરાઈ ગયા હતા. તેમને એમ લાગતું હતું કે જો મજૂરો ફેક્ટરીઓમાં જ રહેશે તો તેમને વગર કામના પૈસા પણ દેવા પડશે. તેથી તેમણે પણ મજૂરોને જવા દીધા. હવે જ્યારે ફેક્ટરીઓમાં ઉત્પાદન શરૂ કરવાની જરૂર પડી છે તો મજૂરો નથી.
ત્રીજી સમસ્યા સપ્લાય ચેઈનની છે. સરકાર સતત લોકોને ખાતરી આપી રહી છે કે તે જરૂરી ચીજવસ્તુઓના પુરવઠાને પ્રભાવિત નહીં થવા દે. તેના માટે દરેક રાજ્ય, શહેરમાં ખાસ પાસ બનાવવામાં આવ્યા છે જેથી લોકો સુધી જરૂરી સામાન પહોંચે. સરકારે ઈ-કોમર્સ કંપનીઓને પણ ઓનલાઈન ઓર્ડર લઈને ડિલીવરી કરવાની મંજૂરી આપેલી છે. જો કે એમાં પણ સવાલ એ જ આવીને ઉભો રહે છે કે ડિલીવરી કરશે કોણ? દૂધ, શાકભાજી, ફળો, અનાજ બધાંની ડિલીવરી માટે લોકોની જરૂર છે. ભલે તેનો સપ્લાય છુટક દુકાનો દ્વારા થાય કે ઈ-કોમર્સ કંપનીઓ થકી, બંને માટે કર્મચારીઓની તો જરૂર પડે જ. પણ આ કામમાં લાગેલા હજારો લોકો હાલ વતન તરફ પલાયન કરી ગયા હોઈ આખું તંત્ર ખોરવાઈ ચૂક્યું છે. આમ ખેતીથી લઈને ફેક્ટરીઓ સુધી, પ્રોડક્શનથી લઈને સપ્લાય સુધી આખી ચેઈન તૂટી ગયેલી છે. સંકટનાં આ સમયમાં તેનું ફેરજોડાણ આસાન નહીં હોય. એટલે આગામી દિવસોમાં જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બહુ ખરાબ રીતે પ્રભાવિત થશે તે નક્કી છે.
આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે લોકડાઉન જેવો અતિમહત્વનો નિર્ણય લેતા પહેલા પરપ્રાંતિય મજૂરોને ધ્યાનમાં જ લેવામાં આવ્યા નહોતા. તેમનાથી આસાનીથી પીછો છોડાવી લેવાશે એમ માનીને સદંતર અવગણના કરવામાં આવેલી. કોઈને એવો વિચાર ન આવ્યો કે જરૂરી સામાન ઉત્પાદિત કરવાથી લઈને તેનો સપ્લાય કરવા સુધીની ચેઈનમાં એક અગત્યની કડી આ મજૂરો છે. તેમનું પલાયન શરૂ થયા પછી શરૂઆતમાં જે પ્રતિક્રિયાઓ આવી તે પણ માત્ર તેના પર આધારિત હતી કે તેમનાથી કોરોનાનો ચેપ ફેલાઈ શકે છે. પણ હવે જે રીતે અન્ય પાસાઓની જાણકારી ધીરે ધીરે મળી રહી છે તે પછી સરકારથી લઈને ખાનગી કંપનીઓ સુદ્ધાંની ચિંતા વધી ગઈ છે. એ રીતે આગામી થોડાં દિવસોમાં અનેક ચીજો પર તેની અસર જોવા મળી શકે છે.



Comments
Post a Comment