‘સાયેબ, આભાર..!’



લોકડાઉનનો બીજા દિવસ હતો. બપોરના સાડા ચાર વાગ્યા હશે. દેશ આખો ફરજિયાત ઘરોમાં રોકાવા મજબૂર હતો અને હું ફરજના ભાગરુપે રિપોર્ટિંગ પતાવીને અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર ઝુંડાલથી ઓગણજ સર્કલ તરફ જઈ રહ્યો હતો. ત્યાંથી મારે વડસર-ખાત્રજ રોડ તરફ જવાનું હતું. પોલીસ દ્વારા દેશભરમાં લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું હોઈ આખો રસ્તો સૂમસામ હતો. ચોતરફ એક અજીબ સન્નાટો વ્યાપેલો હતો. પવનના સુસવાટા, તમરાંનો એકધારો તીણો અવાજ, ઢળતી બપોરનો તીખો તાપ અને ખાલીખમ હાઈવે પર એકધારા ઘરરર..અવાજ સાથે દોડતું મારું બાઈક. એવું લાગતું હતું જાણે આ સિવાય કશું જ ધરતી પર અસ્તિત્વ ધરાવતું નથી. મને વીલ સ્મીથની પ્રસિદ્ધ ફિલ્મ ‘આઈ એમ લેજન્ડ’ યાદ આવી ગઈ જેમાં આખા શહેરમાં એકમાત્ર હીરો અને તેનો પાલતુ શ્વાન જ બચ્યાં હોય છે. મારી આસપાસનું વાતાવરણ પણ અદ્દલ એને મળતું આવતું હતું . સામાન્ય દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યાથી ગ્રસ્ત આ હાઈવે આજે એટલો સૂમસામ હતો કે અનેક ઠેકાણે રોડની વચ્ચે કૂતરાં આરામ ફરમાવતા હતા. એક ઠેકાણે તો નોળિયો અને સાપ પણ નજરે ચડ્યાં. હાઈવેનાં પટ્ટા પર ક્ષિતીજ સુધી નજર નાખું તો પણ બીજું કોઈ વાહન, માણસ કે સજીવ નજરે ચડતો નહોતો. રસ્તાની બંને બાજુ હોટલો, કોફી શોપ, પાર્ટી પ્લોટ બધું કોઈ હારેલા યોદ્ધાઓ જેમ કણસતું હોય તેવો ભાસ થતો હતો. એકલદોકલ કાર, ઢાબાઓ પર કતારબંધ ગોઠવી દેવાયેલા ખાલી ટ્રકો, આરામ ફરમાવતા હાથીની જેમ સૂંઢ લંબાવીને પડેલા જેસીબી મશીન, પરવાનગી છતાં બંધ રહેલો પેટ્રોલ પંપ, ઈંડા-પાણીપુરી-પૌઆ-ચાઈનીઝ-દાળવડાની ધૂળ ચડી ગયેલી લારીઓ.. બધાંને જાણે કોઈએ ‘સ્ટૅચ્યુ’ કહીને સ્થિર કરી દીધાં હતા. મારી જેમ સૂર્ય પણ એ ભેંકાર પરિસ્થિતિ જોઈને અકળાયો હોય તેમ તપ્યો હતો. એની ગરમી પવનના સૂસવાટા સાથે ભળીને મારા શરીરને દઝાડી રહી હતી.

વિચિત્ર આ પરિસ્થિતિ અનુભવતો હું ક્યારે રીંગ રોડથી લપકામણ ગામ સુધી આવી પહોંચ્યો તેનું પણ ભાન ન રહ્યું. હવે ઘર પણ બહુ દૂર ન હોઈ એક વળાંક પર મેં બાઈકની સ્પીડ વધારી દીધી. પણ જેવો વળાંક પત્યો કે તરત મારી નજર રસ્તાની સામેની તરફ ગઈ. જ્યાં દૂરથી જ કોઈ માનવટોળું ચાલ્યું આવતું હોય તેમ લાગ્યું. જો સામાન્ય દિવસ હોત તો આ રીતે, આ સમયે કોઈ ચાલીને જતું હોય તેની નવાઈ ન લાગત. પણ હાલ આખો દેશ ઘરમાં પુરાઈને બેઠો હતો. એ સ્થિતિમાં કોઈ આ રીતે ટોળામાં, એ પણ આ રસ્તે ચાલીને આવે એ બાબત મારા ગળે ઉતરતી નહોતી. એટલે મેં બાઈકની સ્પીડ વધારીને શક્ય તેટલી ઝડપથી નજીક પહોંચીને મામલાનો તાગ મેળવવાનું નક્કી કર્યું. ગણતરીની સેકન્ડોમાં જ એ નાનકડાં ટોળાંની સમાંતર પહોંચીને બાઈક ધીમી કરી. અને એ પછી જે દ્રશ્યો મારી નજરે ચડ્યાં તેનાથી મારું હૃદય દ્રવી ઉઠ્યું!

મેં જોયું કે, 'એક ૩૦-૩૨ની ઉંમરનો યુવક ખરા તડકે એક ખખડધજ સાઈકલ દોરીને ચાલી રહ્યો છે. સાઈકલનાં હેન્ડલની બંને તરફ મસમોટા થેલા લટકાવેલા છે. એક મોટો થેલો તેના ખભે પણ લટકે છે. તેની પાછળ ચીમળાયેલાં કપડામાં એક મહિલા મોંઢે રૂમાલ બાંધીને બંને પગ કેરિયર પર ચડાવીને બેઠી છે. તેના મોં પર મેલું માસ્ક, ગળામાં ચાદર અને ખોળામાં મેલીઘેલી છતાં વહાલી લાગે એવી એક નાનકડી છોકરી પણ છે. આ સિવાય અન્ય એક યુવતી તે યુવકની પાછળ ચાલી રહી છે જેના હાથમાં પણ એક છોકરું છે. આટલું ઓછું હોય તેમ યુવતીની આગળ પણ અન્ય બે નાની છોકરીઓ ધીમેધીમે ડગલાં માંડી રહી છે.'

સદ્દભાગ્યે પત્રકાર તરીકેનાં અનુભવે માહોલની ગંભીરતા સમજતા મને વાર ન લાગી. મેં ફૂલ સ્પીડમાં જતું બાઈક વાળીને તેમની સામે લાવીને ખડુ કરી દીધું. અચાનક જ મને સામે આવી ગયેલો જોઈને યુવક સહિત સૌ કોઈનાં ચહેરાં પર ડર અને મૂંઝવણનો ભાવ પ્રસરી ગયો. આથી તેમનો ડર ઓછો થાય તે માટે યુવક સાથે સંવાદ શરૂ કર્યો.

 “ભાઈ, ક્યાં જાવ છો?”
“વતનમાં..”
“કઈ બાજુ?”
“બાલાસિનોર”
“પણ આ રીતે.. આટલાં નાનાં બાળકોને લઈને?..એ પણ અત્યારે જતાં.. ”
“સાયેબ, આ કોરોનાને કારણે શેઠે ફેક્ટરી બંધ કરી દીધી સે. વાહન કસુ હાલતુ નઈ. શેઠે પગારપાણી કે બીજુ કસુ આઈપુ નથી..ધંધાપાણી વગર ચાં હુધી આમન હાચવવા. એટલે હાલી નીકળ્યા સી..”

(યુવકની આપવીતી સાંભળીને હૃદય પર કોઈએ મોટો હથોડો ફટકારી દીધો હોય તેમ મસમોટો ધક્કો લાગ્યો.પણ કાચી સેકન્ડમાં જ મેં એક નિર્ણય લઈ લીધો અને પૂછ્યું..)

“અત્યારે તમારે ક્યાં જવાનું છે?”
“વૈષ્ણોદેવી સર્કલ”
“ચાલો હું તમને મૂકી જાઉ”
યુવકે કશી જ આનાકાની વિના તેની પાછળ ચાલી આવતી યુવતી અને ત્રણેય બાળકોને બેસી જવા ઈશારો કર્યો. મેં ચારેયને બેસાડીને બાઈક ફરી વૈષ્ણોદેવી સર્કલ તરફ મારી મૂકી. અડધા કલાકમાં તેમને સર્કલ પર ઉતારીને પરત ફર્યો ત્યાં સુધીમાં યુવકે માંડ એકાદ કિ.મી. જેટલું અંતર કાપ્યું હશે. હું ફરી તેની પાસે ગયો અને તેની ઢીંગલી જેવી છોકરી અને તેની માતાને બાઈક પર બેસી જવા વિનંતી કરી. જો કે એ વખતે જે સંવાદ થયો તે આ આખા પ્રસંગની ચરમસીમાસમો અને વધારે આઘાતજનક હતો.

“ભાઈ, તમારું નામ શું છે”
“રાજુભાઈ”
“રાજુભાઈ, આ સાઈકલ પાછળ બેઠેલા બેન..”
“મારા ઘરના છે”
“હવે એમને કહો બાઈક પર બેસી જાય એટલે તેમને પણ ઉતારી આવું”
“પણ સાહેબ એ નહીં બેસી શકે”
“કેમ”
“એ ચાલી નથી શકતી, અપંગ છે...!!!!”


મારી આંખોમાં પાણી ધસી આવ્યા. કેમ કે આટલી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ એ માણસ જિંદગી સામે કોઈ જ ફરિયાદ કર્યા વિના પત્ની સહિત આખા પરિવારને સાઈકલ પર દોરીને ચાલી રહ્યો હતો. પંચરવાળી સાઈકલ પર અપંગ પત્ની, દીકરી, સામાન અને સ્વયંને આઠેક કિલોમીટર સુધી ઢસડીને લઈ આવ્યો હતો અને જો હું ન મળ્યો હોય તો કદાચ વૈષ્ણોદેવી સર્કલ સુધી ચાલ્યો જ જાત. ભીની આંખે મેં તેની પત્ની અને દીકરીને બાઈક પર બેસવા અરજ કરી.

“રાજુભાઈ ચિંતા ન કરો, હું તેમને સહીસલામત ત્યાં પહોંચાડી દઈશ. તમે સાઈકલ ચલાવીને ધીમેધીમે ચાલ્યા આવો. પછી તમને મૂકી જઉ”
“પણ સાયેબ, સાઈકલમાં તો પંચર છે..મારે દોરીને જ આવવું પડશે.”
“...”
“તમે ચિંતા ન કરો. હું કંઈક વ્યવસ્થા કરું છું. હું આમને મૂકીને આવું ત્યાં સુધી તમે ધીમેધીમે ચાલ્યા આવો.”
“સારુ સાયેબ”

મેં ફરી પાછી બાઈક વૈષ્ણોદેવી સર્કલ તરફ ચલાવી. દસેક મિનિટ સુધી રસ્તો કાપ્યો ત્યાં એક ભાઈ બાઈક લઈને એ તરફ જતા દેખાયા. મેં સાદ પાડીને તેમને રોક્યાં. તેઓ ઉભા રહ્યાં એટલે મેં બાઈક નજીક લઈ જઈને તેમને આખો મામલો સમજાવ્યો. પરિસ્થિતિ પારખીને એ ભલા માણસ મા-દીકરીને બેસાડવા સહમત થયા. મેં પણ મનોમન ‘માનવતા સાવ મરી નથી ગઈ’ એમ આશ્વાસન લીધું. છેવટે મેં બાઈક મજબૂત પકડી રાખી એટલે પહેલાં તેમની દીકરી અને પછી બહેન નીચે ઉતર્યા. મેં જોયું કે તેમનો કમરથી નીચેનો હિસ્સો જરાય કામ નહોતો કરતો. શરીર જમીન પર ઢસડીને જ ચાલવું  પડતું.  અહીં જતાં મને સમજાયું કે શા માટે તેમના પતિ રાજુભાઈ સાઈકલ સાથે રાખવાનો આગ્રહ કરતા હતા. કેમ કે સાઈકલ હોય તો જ તેમને દોરીને લઈ જઈ શકાય. હાલ અન્ય કોઈ વાહન મળે તેમ નહોતું એટલે છેક બાલાસિનોર પાસે આવેલાં પોતાના વતન સુધી સાઈકલ જ એકમાત્ર તેમની તારણહાર હતી.


મેં બંનેને પેલા ભાઈની બાઈકમાં બેસાડવા મદદ કરી અને તરત રાજુભાઈને લેવા માટે નીકળી પડ્યો. બીજી દસેક મિનિટ બાઈક ચલાવી ત્યાં તેઓ સાઈકલ દોરીને સામેથી આવતા દેખાયા. હવે અહીંથી સાઈકલને ત્યાં સુધી કેવી રીતે દોરીને લઈ જવી એ પ્રશ્ન હતો. અચાનક મને એક તરકીબ સૂઝી. એ પ્રમાણે મેં તેમને સાઈકલનું હેન્ડલ પકડી રાખીને બેસી જવા કહ્યું. આ આઈડિયા સફળ થયો કેમ કે આખો રસ્તો ખાલી હતો. એ રીતે તેમને આગળના એક પેટ્રોલ પંપ સુધી પહોંચાડ્યાં. અહીં હું વિચારતો હતો કે તેમણે સાઈકલ ક્યાંક મૂકી દેવી જાઈએ. કેમ કે રિપોર્ટિંગ દરમિયાન મેં જોયું હતું કે ઝુંડાલ સર્કલે પોલીસ દ્વારા વતન જવા માગતા મજૂરો માટે જે વાહનોની વ્યવસ્થા કરી છે તેમાં સાઈકલ જેવું સાધન વતન સુધી લઈ જવાની પરવાનગી નથી. સામે રાજુભાઈની મુશ્કેલી એ હતી કે પોલીસ તેમના માટે બાલાસિનોર સુધીની વ્યવસ્થા કરી દે તો પણ પત્નીને ત્યાંથી ગામ સુધી પહોંચાડવા માટે તેમણે સાઈકલ ફરજિયાત સાથે રાખવી જ પડે. છેવટે તેમની મુશ્કેલી સમજીને મેં વૈષ્ણોદેવી સર્કલ પર ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીને ફોન કર્યો. તેમણે આખો મામલો સમજીને રાજુભાઈ માટે બાલાસિનોર અને ત્યાંથી આગળ તેમના વતન સુધી જવાની વ્યવસ્થા ગોઠવી દેવાનો ભરોસો અપાવ્યો. હવે મારે માત્ર તેમની સાઈકલ આસપાસમાં જ ક્યાંક મૂકી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાની હતી. સદનસીબે અમે જ્યાં ઉભા રહીને વાત કરતાં હતાં ત્યાં બરાબર સામે જ પેટ્રોલપંપ હતો. હું ત્યાં ગયો અને તેનાં માલિકને વાત કરી. મારા આશ્ચર્ય વચ્ચે તેમણે કોઈ જ આનાકાની વિના હા પાડી દીધી. જો કે તેની પાછળનું કારણ પછી મને સમજાયું. વાસ્તવમાં જ્યારે હું રાજુભાઈના પત્ની અને દીકરીને રોડ સુધી મૂકીને પરત ફરી રહ્યો હતો ત્યારે જ તેમણે આખો મામલો પેટ્રોલપંપ પર બેઠાંબેઠાં જ સમજી લીધો હતો. આથી એ ભલા માણસે રાજુભાઈને પેટ્રોલપંપ પર સાઈકલ મૂકવાની પરવાનગી આપી. એટલું જ નહીં, જો તેઓ પરત ફરે અને સાઈકલ ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોય તો નવી અપાવી દેવાની ખાતરી આપી.

સાઈકલ પેટ્રોલપંપનાં એક ખૂણામાં મૂકીને રાજુભાઈ ચાલતા થયા ત્યારે તેમણે પૂછ્યુંં, “ભાઈ, ઘેર જવા માટે ભાડુ છે?” રાજુભાઈ કશું બોલ્યાં નહીં એટલે એ ભલા માણસે પાકીટ કાઢીને રુ. ૧૫૦૦ તેમના હાથમાં મૂકી દીધાં. તેમની એ ઉદારતા જોઈને મેં પણ ખિસ્સામાંથી એક હજાર કાઢીને તેમને પરાણે પકડાવ્યાં. જે ધ્રુજતા હાથે સ્વીકારીને ‘સાયેબ, આભાર...’ એટલું બોલીને એ ગરીબ, અભણ આદિવાસીએ મોઢું ફેરવી લીધું. પણ ત્યાં સુધીમાં તેની આંખોએ જવાબ દેવાનું ચાલું કરી દીધું હતું.

'અભિયાન'માં પ્રકાશિત સ્ટોરી






Comments

  1. જોરદાર..ભાઈ...મારી આંખો માથી પણ...."માનવતા મહેંકી ઉઠી".

    ReplyDelete
  2. Simply I experience greatness of Indian culture and GOD IS EVERY WHERE

    ReplyDelete
  3. દુનિયા માં જો માણસાઈ હોઈ તો મધ્યમ વર્ગ પાસે છે સલામ છે તમને આ સેવા બદલ

    ReplyDelete

Post a Comment