લોકડાઉન 2.0 પછી શું?


જો એ વાત માની લઈએ કે લોકડાઉન કોરોના વાયરસ સામે લડવાનો રામબાણ ઈલાજ છે અને કેન્દ્ર સરકારે સમયસૂચકતા દાખવી તેને લાગુ કરીને કોરોનાને વધુ ફેલાતો રોકી દીધો છે, તો પણ એ સવાલ તો ઉભો જ રહે છે કે એ પછી શું? માની લઈએ કે, ત્રીજી મેએ લોકડાઉનનો બીજો તબક્કો ખતમ થશે અને ભારતમાંથી કોરોનાનું નામોનિશાન મટી ગયું હશે, તો પણ એ પ્રશ્નનો જવાબ તો મળતો જ નથી કે ત્યારબાદ શું થશે? શું એ પછી બધું સામાન્ય થઈ જશે? સામાન્ય માણસનું જીવન ફરી પાછું પાટા પર આવી જશે? અર્થતંત્ર સ્થિર થઈને આગળ વધવા માંડશે? જેમનો સ્વરોજગાર ખતમ થઈ ગયો છે, જેમની નોકરીઓ છીનવાઈ ગઈ છે, જેમનો બિઝનેસ ઠપ થયો છે, જેમની ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ થઈ ગયું છે તે બધું પહેલાંની જેમ ચાલવા લાગશે?

સરકાર દ્વારા હજુ સુધી કોઈ આર્થિક પ્લાન નજરે ચડતો નથી એ જોતા લાગે છે કે તેણે લોકડાઉન 2.0ની જાહેરાત કરતી વખતે એ દિશામાં બહુ વિચાર્યું નહીં હોય. હા, રાજ્યની સરકારો ચોક્કસ એ બાબતને લઈને ચિંતિત છે, એટલે જ પોતાને ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ ધીમેધીમે શરૂ કરવા માંડી છે. કેન્દ્ર સરકારને પણ તેની ચિંતા હશે, પણ હજુ સુધી તેનાં કોઈ પગલાં જાહેર નથી થયાં કે તે શું કરવા જઈ રહી છે. વિચારો, દુનિયામાં કોરોના વાયરસનાં આવ્યાને પાંચ મહિના થઈ ગયા અને ભારતમાં પણ તેનાં પ્રવેશને અઢી મહિના થઈ ગયા છે તો પણ તેનાં પછીનો કોઈ આર્થિક પ્લાન નથી દેખાઈ રહ્યો.

દુનિયા આપણી ચિંતામાં છે પણ આપણે નિશ્ચિંત છીએ કેસબ ચંગા સી. દુનિયા કેવી રીતે આપણી ચિંતામાં છે તે સમજવા માટે વૈશ્વિક આર્થિક એજન્સીઓની હાલની ટિપ્પણીઓ તરફ નજર નાખવાની જરૂર છે. સૌથી પહેલાં વિશ્વ બેંકે ભારતની આર્થિક સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ભારતનો વિકાસ દર નવા નાણાકીય વર્ષમાં 1.5 થી 2.8 ટકા વચ્ચે રહેશે. ગત નાણાકીય વર્ષનાં સાચા આંકડાઓ હજુ આવ્યા નથી પણ નિષ્ણાતોનાં મતે તે પાંચ ટકા આસપાસ રહેશે તે નક્કી છે. એનો મતલબ એ કે જો ભારતનું અર્થતંત્ર ત્રણ ટકાથી નીચે આવે છે તો એ પડ્યાં પર પાટુ જેવી સ્થિતિ હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર 1.9 ટકાનાં દરે આગળ વધશે. તેનાથી પણ મોટી ચિંતાની વાત દુનિયાની જાણીતી આર્થિક એજન્સી બાર્કલેજે કરી છે. તેણે ક્હયું છે કે ભારતનો વિકાસ દર શૂન્ય સુધી જઈ શકે છે. અર્થાત ગાડી જ્યાં છે ત્યાં જ ઉભી રહી શકે છે. અગાઉ બાર્કલેજે અર્થતંત્ર 2.5 ટકાના દરે આગળ વધવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પણ હવે તેનો અંદાજ શૂન્યનો છે. અન્ય એક એજન્સી ઈકરાએ કહ્યું છે કે વિકાસ દર નેગેટિવ પણ હોઈ શકે છે. આ સિવાય અન્ય વૈશ્વિક એજન્સીઓ ફિચ, મૂડીજ, S & P(સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર) વગેરેનો અંદાજ પણ ભારતીય અર્થતંત્રમાં મોટાં ઘટાડાનો જ છે.

હવે સવાલ એ થાય છે કે, શું ભારત જેવો વિકાસશીલ દેશ શૂન્ય કે નેગેટિવ વિકાસ દરની થપાટ ખમી શકે છે? લોકો કોરોના વાયરસના હુમલાને તો જેમતેમ કરીને ખાળી લેશે પણ એ પછી જે આર્થિક માર પડવાનો છે તેના માટે કોઈ તૈયાર નથી. અહીં મુદ્દો માત્ર વિકાસ દર ઘટવાનો નથી. જો 2008 જેવી કોઈ આર્થિક મંદી હોત અને વિકાસ દરમાં ઘટાડો થઈ રહ્યો હોત તો દેશ અને દેશવાસીઓ તેમાંથી પાર નીકળી શકત. પણ મુશ્કેલી એ છે કે એક બાજુ જીડીપી વધશે નહીં અને બીજી બાજુ લોકોને બચાવવા માટે દેશનાં જીડીપીની 10 ટકા સુધીની રકમ સરકારે ખર્ચ કરવી પડશે. દેશનાં જીડીપીનાં દસ ટકાનો મતલબ છે 15 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રકમ સરકારે ખર્ચ કરવી પડશે.

હજુ સુધી તો સરકાર એ ભરોસે છે કે તેણે 15-15 હજાર કરોડ રૂપિયા આરોગ્ય સેવાઓ માટે આપી દીધાં છે, 1.70 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધું છે અને જરૂર પડી તો વધુ એક પેકેજ જાહેર કરી દેશે, એ દરમિયાન કોરોના ખતમ થઈ જશે. પણ સરકાર એ ભૂલી જાય છે કે તેણે જેટલા રૂપિયા આરોગ્ય સેવાઓ અને રાહત પેકેજમાં જાહેર કર્યાં છે તે તો ઊંટનાં મોંમા જીરૂ બરાબર છે. કેમ કે તેનાથી અનેકગણી વધુ રકમ તેણે લોકો અને વિવિધ સેક્ટરને બેઠા કરવા પાછળ ખર્ચવી પડશે.

લોકડાઉન પછીની પરિસ્થિતિનો મતલબ છે કે સરકાર અત્યારથી લોકોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કામ શરૂ કરે. તેમના માટે રૂપિયાની વ્યવસ્થા કરે અને સાથે-સાથે કંપનીઓ માટે પણ રાહત પેકેજની જાહેરાત કરે. કોઈપણ રીતે કારખાનાની ચીમનીઓમાંથી ધુમાડો નીકળતો રહેવો જોઈએ, નહીંતર બે-ચાર મહિના બાદ જ્યારે દેશ કોરોનાના સંકટમાંથી બહાર નીકળશે તો તેનાથી પણ મોટી મુશ્કેલીમાં ફસાયેલો હશે. કરોડો લોકો ગરીબીનાં વિષચક્રમાં ફસાયેલા હશે. કરોડો યુવાનો બેરોજગાર હશે. જેમ કોરોના વાયરસને નાથવા માટે આયોજન કરવું જરૂરી છે તે જ રીતે આર્થિક મોરચે પણ મજબૂત આયોજન કરવાની જરૂર ઉભી થઈ છે. જો એમ થશે, તો જ અર્થતંત્ર અને દેશ આગામી કટોકટીને ટક્કર આપીને ટકી શકશે.

Comments