આર્થિક અસમાનતાનો ચડતો ગ્રાફ અને CSRની ભૂમિકા
માનવાધિકારીઓની
તરફેણ કરતાં સંગઠન ઓક્સફેમ ઈન્ડિયાએ દાઓસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક
પહેલાં આર્થિક અસમાનતા પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે
દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ આર્થિક અસમાનતા વધી રહી છે. રિપોર્ટ મુજબ ભારતમાં
63 અબજોપતિઓ પાસે દેશનાં સામાન્ય બજેટ કરતાં પણ વધુ સંપત્તિ છે. એટલું જ નહીં, આ
માલેતુજારો પાસે દેશનાં 55 કરોડ ગરીબ લોકોની સરખામણીએ ચાર ગણાંથી પણ વધુ માલ-મિલકત
છે. આજે દેશમાં વધતી જતી આર્થિક અસમાનતાને નિયંત્રિત કરવી સરકાર માટે સૌથી મોટી
આર્થિક-સામાજિક ચેલેન્જ છે.
સંયુક્ત રાષ્ટ્રોનો ગરીબી સૂચકાંક રિપોર્ટ-2019 કહે છે
કે ભારતમાં ગરીબી ઘટી રહી છે પણ હજુયે તે દુનિયાનાં સૌથી વધુ આર્થિક અસમાનતા
ધરાવતાં દેશોમાં સામેલ છે. આ સૂચકાંકમાં વિવિધ 8 માપદંડો પર ગરીબીનું આકલન કરાયું
હતું. જેમાં કુપોષણ, બાળમૃત્યુદરમાં ઘટાડો, રાંધણ ગેસનો ઉપયોગ, સ્વચ્છતા, પીવાનું
શુદ્ધ પાણી, વીજળીની ઉપલબ્ધતા, ઘરોની અછત અને મિલકતનાં અભાવને સામેલ કરવામાં
આવ્યાં હતાં. રિપોર્ટ મુજબ હાલ ભારતનાં કુલ ગરીબો પૈકી અડધાંથી વધુ (19.60 કરોડ)
ગરીબો દેશનાં ચાર રાજ્યો બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં રહે છે. આ
તરફ ઓક્સફેમ ઈન્ડિયાનાં આર્થિક અસમાનતા રિપોર્ટ 2019માં કહેવાયું છે કે ભારતમાં
1991નાં ઉદારીકરણ બાદ આર્થિક અસમાનતા વધારે ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. આ બે તદ્દન
સામાં છેડાની પરિસ્થિતિને કારણે ભારતમાં એક બાજુ અબજોપતિઓની કુલ સંપત્તિ દેશનાં જીડીપીનાં
15 ટકા જેટલી થઈ ગઈ છે બીજી બાજુ ગરીબોને બે ટંક પુરતું ખાવાનું પણ મળતું નથી.
ભારતમાં
વધતી આર્થિક અસમાનતાને દૂર કરવા માટે દેશ અને દુનિયાનાં અર્થશાસ્ત્રીઓ બે ઉપાયો
સૂચવે છે. એક, ગરીબો સુધી કોર્પોરેટ મદદ કારગત રીતે પહોંચાડવામાં આવે, બીજું ગરીબોનાં
કલ્યાણ માટે તૈયાર કરવામાં આવેલી સરકારી યોજનાઓ જમીની સ્તરે યોગ્ય રીતે લાગુ
કરવામાં આવે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી(CSR)
રિપોર્ટ 2018-19 અનુસાર દેશમાં સીએસઆર દ્વારા રૂ. 12 હજાર કરોડથી વધુ રકમ
ખર્ચવામાં આવી હતી. આ રકમ 2017-18માં 10128 કરોડ, 2016-17માં 9064 કરોડ,
2015-16માં 8489 કરોડ અને વર્ષ 2014-15માં 6552 કરોડ રૂપિયા હતી. નિષ્ણાતોનું
કહેવું છે કે ભારતમાં સીએસઆર ખર્ચ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો છે ત્યારે દેશનાં
સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખીને સીએસઆરનાં સ્વરૂપમાં કોર્પોરેટ મદદ ગરીબો સુધી
પહોંચવી જોઈએ. પણ ગરીબી, ભૂખમરો અને કૂપોષણથી
પીડિત કરોડો લોકો સુધી સીએસઆરની મદદ પહોંચતી જ નથી. સમસ્યા એ છે કે મોટી સંખ્યામાં
કંપનીઓ સીએસઆરનાં હેતુ પ્રમાણે ખર્ચ નથી કરી રહી. મોટાંભાગની કંપનીઓ તેમનું સીએસઆર
ફંડ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં વિકસિત રાજ્યોમાં વાપરે છે. બીજી બાજુ બિહાર,
અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય જેવા રાજ્યોમાં સીએસઆર ખર્ચ બહુ ઓછો છે.
હાલ રૂ. 500 કરોડ કે તેનાથી વધુ મૂડી અથવા રૂ. 05 કરોડ કે
તેનાથી વધારે નફો મેળવતી કંપનીઓએ છેલ્લાં ત્રણ વર્ષનાં પોતાનાં સરેરાશ નફાનો 2 ટકા
ભાગ દર વર્ષે સીએસઆર અંતર્ગત સુનિશ્ચિત કરાયેલી પ્રવૃત્તિઓ પાછળ વાપરવાનો હોય છે,
જે સમાજનાં પછાત અને વંચિત લોકોનાં કલ્યાણ માટે જરૂરી હોય. સીએસઆર અંતર્ગત કંપનીઓએ
ભૂખમરો, ગરીબી અને કૂપોષણ પર નિયંત્રણ, સ્કિલ ટ્રેઈનિંગ, શિક્ષણને પ્રોત્સાહન,
પર્યાવરણની જાળવણી, રમતગમતને પ્રોત્સાહન આપવું, માતા અને શિશુ સ્વાસ્થ્ય,
ઝૂંપડપટ્ટીઓનાં વિકાસ વગેરે પર ખર્ચ કરવાનો હોય છે. સીએસઆર કોઈ દાન નથી પણ સામાજિક
જવાબદારીઓ સાથે ધંધો કરવાની વ્યવસ્થા છે. કોર્પોરેટ જગતની જવાબદારી છે કે તેઓ સ્થાનિક
સમાજનાં વિભિન્ન વર્ગોનાં વધારે સારાં જીવન માટે સકારાત્મક ભૂમિકા ભજવે. એ જોતાં
દેશમાં આજે ભૂખમરો અને કૂપોષણની જે સ્થિતિ સામે લડવા માટે સીએસઆરની રકમ મદદગાર
સાબિત થઈ શકે છે. તેનાં માટે સરકાર અને કંપનીઓએ મળીને દેશનાં નબળા વર્ગોનાં
સશક્તિકરણનાં વધારે પ્રયત્નો કરવા પડે. ખાસ કરીને ખેતી સાથે જોડાયેલાં ખેતમજૂરોને સીએસઆરનો
લાભ મળે તેનાં પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. મનરેગા અને પીએમ કિસાન યોજના માટે
વધારે રકમ ફાળવવી પડશે અને કૃષિ સેક્ટરની જરૂરિયાતો પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપવી
પડશે. ખેડૂતોને તેમની ઉપજનાં સારાંમાં સારાં ભાવ મળે તે માટે પ્રોત્સાહન આપતાં નવા
ઉદ્યોગોને આગળ કરવા જોઈએ. આશા રાખીએ કે સરકાર આર્થિક અસમાનતા રિપોર્ટ અને સંયુક્ત
રાષ્ટ્રોનાં ગરીબી રિપોર્ટને ધ્યાનમાં રાખીને આર્થિક અસમાનતાની ખાઈને વઘુ પહોળી
થતાં અટકાવવાની દિશામાં કામ કરશે. એનાં માટે જરૂરી છે કે ગરીબો માટે બનેલી તમામ
કલ્યાણકારી યોજનાઓ કારગત નીવડે અને જમીની સ્તરે તેનું પરિણામ દેખાય. કોર્પોરેટ
સોશિયલ રિસ્પોન્સિબિલીટી(CSR)નાં ખર્ચની રકમ ગરીબો સુધી પહોંચે તો જ ભારત દુનિયાનાં પોવર્ટી
ઈન્ડેક્સમાંથી બહાર આવી શકશે. ગરીબી ઘટશે તો આવકનાં સાધનો વધશે અને આર્થિક અસમાનતા
પણ દૂર થશે. આપણે જાણીએ છીએ કે આ કોઈ સરળ કામ નથી અને એક દિવસમાં થશે પણ નહીં. કામ
મુશ્કેલ છે પણ અશક્ય નથી. એનાં માટે જરૂરી છે કે સરકાર અને કોર્પોરેટ ગૃહો
ઈમાનદારી દાખવે. જો એ શક્ય બનશે તો દુનિયાનાં અન્ય દેશોની જેમ ભારત પણ આર્થિક
અસમાનતાની ખાઈને પુરી શકશે.



Comments
Post a Comment