સૌથી મોટા લોકશાહી દેશની ચૂંટણી પ્રક્રિયા વ્યાપક સુધારા માગે છે
હાલમાં
જ સુપ્રીમ કોર્ટે કલંકિત નેતાઓનાં ચૂંટણી લડવા મુદ્દે કેટલાંક દિશાનિર્દેશો આપ્યાં.
એ પછી ફરી એક વખત એ મામલે ચર્ચા છેડાઈ છે કે આખરે કેવી રીતે આવા નેતાઓને ચૂંટણી
લડવાથી રોકી શકાય? આ મામલે ચૂંટણી પંચ પહેલાં જ પોતાનાં હાથ અદ્ધર
કરી ચૂક્યું છે. મૂળભૂત રીતે આ કામ રાજકીય પક્ષોનું છે, જેઓ માત્ર જીતવાની
ક્ષમતાનાં આધારે ગુનેગારની છબિ ધરાવતાં નેતાઓને ટિકિટ આપે છે. આ મામલે ભાજપ,
કોંગ્રેસ અને નાનાં પક્ષો બધાં એકસરખાં જવાબદાર છે. એ ત્યાં સુધી કે દિલ્હીમાં
સ્વચ્છ અને પારદર્શક રાજકારણનો દાવો કરતી આમ આદમી પાર્ટીનાં પણ અડધાથી વધારે
ધારાસભ્યો પર કોઈને કોઈ પ્રકારનાં ગુનાઓ નોંધાયેલાં છે.
જો કે
ગુનાહિત છબિ અથવા ગુનાહિત બાબતોનો મામલો થોડો જટિલ છે. કેમ કે ઘણાં નેતાઓ પર બહુ સામાન્ય
કેસો ચાલતાં હોય છે અને તેમાનાં મોટાભાગનાં રાજકીય હોય છે. કલમ 144નો ભંગ, નિયત
સમય કરતાં વધુ સમય સુધી લાઉડસ્પીકર ચાલું રાખવું, નક્કી કરેલાં સમય બાદ રોડ શો
યોજવો જેવાં મુદ્દાઓ પણ ક્રિમીનલ કેસોની કેટેગરીમાં આવે છે. ધરણાં-પ્રદર્શન કરવું,
સરકારી કામકાજોમાં વિધ્ન નાખવું જેવાં કેસો પણ મોટાભાગનાં નેતાઓ પર દાખલ થયેલાં
હોય છે. કેટલાંક નેતાઓ પર બદ્દનક્ષીનાં અથવા તો ચૂંટણી સભા, પ્રચાર કે મતદાન
કેન્દ્ર પર મારામારીનાં કેસો દાખલ થયેલાં હોય છે. આ કોઈ એવાં કેસો નથી જેનાં આધારે
તેઓને ચૂંટણી લડવાથી રોકી દેવાય. હા, જેમનાં પર ગંભીર ગુનાઓનાં આરોપો હોય અથવા
રીઢાં ગુનેગાર હોય તેમને રોકવાનાં પ્રયત્નો જરૂર થવા જોઈએ.
કલંકિત
નેતાઓનો મામલો દેશની ચૂંટણીનાં રાજકારણ સાથે જોડાયેલું એક પાસું છે. આ સિવાય અનેક
એવા મુદ્દાઓ છે જેમાં સુધારાની જરૂર છે. હકીકતે મોટાં ચૂંટણી સુધારાની જરૂરિયાત છે
જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયામાં સામાન્ય માણસનો વિશ્વાસ ટકી રહે. અહીં
એ યાદ રાખવું રહ્યું કે ચૂંટણી પંચનાં તમામ પ્રયત્નો છતાં જો દિલ્હી જેવાં શહેરમાં
પણ મતદાનની ટકાવારી વધારી શકાતી ન હોય, તો તેની પાછળનું એક કારણ એ પણ છે કે લોકો
તેનાં પર શંકા કરવા લાગ્યાં છે. તેમનો વિશ્વાસ કાયમ રાખવા અને તેમાં વધારો કરવા
વ્યાપક ચૂંટણી સુધારણાં થાય તે જરૂરી છે.
દિલ્હીની
ચૂંટણીથી જ શરૂ કરીએ તો એક મોટાં સુધારાની જરૂર નેતાઓને તેમનાં ભાષણો માટે જવાબદાર
ઠેરવવાની છે. સત્તાધારી પક્ષનાં નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ ભડકાઉ ભાષણો આપ્યાં,
બીજાં નેતાઓ માટે અપમાનજનક વાતો કહી. અરે ચૂંટણીને ગૃહ યુદ્ધ અને હિંદુ-મુસ્લિમ
અથવા ભારત-પાકિસ્તાનની લડાઈ બનાવવાનાં પ્રયત્નો સુદ્ધાં કર્યાં. છતાં ચૂંટણી પંચે એકેય
મામલામાં એક એફઆઈઆર પણ નોંધી નહીં. વિચારો, સીએએ અને એનઆરસીનાં વિરોધમાં
સૂત્રોચ્ચાર કરવા બદલ લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસો થઈ રહ્યાં છે પણ
ચૂંટણીને હિંદુ-મુસ્લિમ કે ભારત-પાકિસ્તાનની લડાઈ બતાવીને ઉપસ્થિત ભીડ પાસે ‘દેશ કે
ગદ્દારો કો..ગોલી મારો..’જેવા નારા લગાવવા પર કોઈ કાર્યવાહી નથી થઈ રહી.સવાલ
એ થાય કે શું ચૂંટણી પંચ કોઈ પૂર્વગ્રહોથી ગ્રસ્ત છે કે પછી કાયદાકીય રીતે પગલાં
લેવાની તેનામાં તાકાત નથી?આ બંને સ્થિતિઓમાં એક મોટાં સુધારાની જરૂરિયાત
છે.
આવી જ
રીતે દિલ્હીનાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરોડો રૂપિયાની રોકડ, દારૂ અને બીજી વસ્તુઓ
પકડાઈ ગઈ છે જેનો ચૂંટણીમાં ઉપયોગ થવાનો હતો. આટલાં મોટાં પાયે રોકડ રકમ જપ્ત કરવામાં
આવી હોવા છતાં કોઈપણ ઉમેદવાર વિશે એમ કહી શકાય નહીં કે તેણે ખર્ચની નિર્ધારિત
મર્યાદામાં રહીને જ પ્રચાર કર્યો હતો. લગભગ તમામ ઉમેદવારો નિયત મર્યાદા કરતાં
વધારે ખર્ચો કરે છે અને ચૂંટણી પંચ સમક્ષ ખોટાં હિસાબો રજૂ કરે છે. આ બધું ચૂંટણી
પંચની આંખો સામે જ થાય છે. વળી પાર્ટીઓનો ખર્ચ પાછો અલગ હોય છે. એટલે જે પાર્ટી
પાસે જેટલાં વધારે પૈસાસ એટલો વધારે ખર્ચ કરે. સૌ જાણે છે કે આપણે ત્યાં સૌથી
વધારે રૂપિયા હંમેશા સત્તાધારી પક્ષ પાસે હોય છે. તેનો ખર્ચ પણ સૌથી વધારે હોય છે
અને સૌથી વધારે દાન પણ તેને જ મળે છે એવું ઈલેક્ટોરલ બોન્ડ થકી ભાજપને મળેલાં દાન
પરથી સાબિત થાય છે. એટલે રાજકીય પક્ષોનાં ખર્ચ, તેમને મળતાં દાન વગેરે પર પણ નજર
રાખવાની જરૂર છે. તેને તર્કસંગત બનાવવાની પણ જરૂર છે જેથી નાનાં પક્ષો અને અપક્ષ
ઉમેદવારોને બરાબરીનું મેદાન મળે. આજે ચૂંટણી મોટાં પક્ષો માટે તગડાં ચૂંટણી ફંડની
રમત બનીને રહી ગઈ છે. એવામાં જો તેને સુધારવામાં નહીં આવે તો લોકોનો વિશ્વાસ વધારે
ઘટશે.
આવો જ
એક મુદ્દો ઈવીએમનો પણ ખરો. ભાજપ વિરોધી મોટાભાગની પાર્ટીઓ ઈવીએમની વિશ્વસનીયતા પર
સવાલો ઉઠાવતી રહે છે. પરંતુ જે રાજ્યોમાં તેઓ જીતી જાય છે ત્યાં તેઓ ઈવીએમ પર શંકા
નથી કરતી. આ મામલે ભાજપની મથરાવટી પણ મેલી જ છે, કેમ કે યુપીએ કાળમાં તેમનાં નેતા
જીવીએલ નરસિમ્હારાવે ઈવીએમનો વિરોધ કરતું પુસ્તક લખેલું જેની પ્રસ્તાવના હાલ
માર્ગદર્શક મંડળ પુરતાં મર્યાદિત થઈ ગયેલાં ભાજપની નેતા લાલકૃષ્ણ અડવાણીએ લખેલી. એ
પુસ્તકમાં ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉભાં કરવામાં આવ્યાં હતાં. આજે એ જ ભાજપ
સત્તામાં આવ્યાં બાદ ઈવીએમની તરફેણ કરવા લાગ્યો છે જેનાં કારણે પણ લોકોમાં અનેક
શંકા-કુશંકાઓ છે. મૂળભૂત મુદ્દો ઈવીએમની ક્રેડીટનો છે. લાંબા સમય પછી બેલેટ પેપરની
જગ્યાએ ઈવીએમ સિસ્ટમ લાગુ થઈ છે. બેલેટ અને બૂથ કેપ્ચરિંગની ઘટનાઓને રોકવા માટે
નેવુંનાં દાયકામાં તત્કાલિન મુખ્ય ચૂંટણી કમીશનર ટી.એન. શેષને જે પ્રયત્નો કર્યાં
હતાં, જેણે ચૂંટણી પ્રક્રિયામાં સામાન્ય માણસની ભાગીદારી અને વિશ્વાસ વધાર્યાં
હતાં. ઈવીએમને લઈને પણ એવો જ ભરોસો પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. હવે નાનામોટાં
સુધારાઓથી કામ નહીં ચાલે. સરકારે અને તમામ વિપક્ષોએ પણ સાથે મળીને જનપ્રતિનિધ્વ
કાયદામાં વ્યાપક સુધારા કરવા પડશે. જેથી ચૂંટણી પ્રક્રિયાને વધુ સ્વતંત્ર અને
નિષ્પક્ષ બનાવી ખામીઓને દૂરી કરી શકાય.



Comments
Post a Comment