એલઆઈસીનું ખાનગીકરણ તેનાં અસ્તિત્વ પર સવાલ ઉભો કરે છે
ભારત
સરકારે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીમાં પોતાનો અમુક હિસ્સો વેચવાનું જાહેર
કર્યું છે. હાલમાં જ સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેની
જાહેરાત કરી હતી. આ સરકારી કંપનીઓમાં લાગેલાં રૂપિયા પરત ખેંચવાની પ્રક્રિયાનો એક
ભાગ છે. હવે કોઈનાંથી છૂપું નથી કે કેન્દ્ર સરકાર એક એક કરીને તમામ જાહેર સાહસોને
વેચી રહી છે. તેનું માનવું છે કે કોઈપણ પ્રકારનો બિઝનેસ કરવો તેમનું કામ નથી. આ
તર્ક પર તે ભારત પેટ્રોલિયમમાંનો પોતાનો બધો હિસ્સો વેચી રહી છે. એ તો ઠીક એર
ઈન્ડિયા, કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, શિપિંગ કોર્પોરેશન, ઈન્ડિયન ટુરિઝમ
ડેવલપમેન્ટ કોર્પોરેશનની હોટલો ઉપરાંત નફો કરતાં એરપોર્ટ અને બંદરો પણ વેચી રહી
છે.
કેન્દ્ર
સરકાર અત્યાર સુધીમાં જે જાહેર સાહસોને વેચી રહી છે તેમાં અને એલઆઈસીમાં એક મૂળભૂત
ફરક છે. એલઆઈસી દેશનાં સામાન્ય માણસ અને લગભગ દરેક પરિવાર સાથે સીધી જોડાયેલી કંપની છે.
તેને સામાન્ય લોકો અને ગરીબોની મરણ મૂડીની રખેવાળ માનવામાં આવે છે. લોકો આંખો બંધ
કરીને એલઆઈસીમાં પૈસા રોકે છે. તેની ટેગલાઈન- ‘જિંદગી
કે સાથ ભી, જિંદગી કે બાદ ભી’ પર વિશ્વાસ કરે છે. એ રીતે પોતાની અને પરિવારની
સુરક્ષાને પણ લોકો એલઆઈસી સાથે જોડે છે. છેલ્લાં 64 વર્ષમાં એલઆઈસીએ ભારતીય
જનમાનસમાં એટલો વિશ્વાસ પેદા કર્યો છે કે દુનિયાભરની તમામ મોટી વીમા કંપનીઓ
ભારતમાં ધંધો કરી રહી હોવાં છતાં તેઓ એલઆઈસીનો ઈજારો નથી તોડી શકી. આજે પણ ભારતનાં
વીમા બજારમાં 76 ટકા હિસ્સા સાથે એલઆઈસી બિનહરીફ કંપની છે.
એલઆઈસી
એકમાત્ર સો ટકા ભારત સરકારની અથવા તો એમ કહીએ
કે ભારતનાં લોકોની કંપની છે. કેન્દ્ર સરકાર બીજા જે જાહેર સાહસોને વેચી
રહી છે તેમાં તેમની ભાગીદારી પહેલેથી ઓછી છે અથવા તો શેર બજારમાં લિસ્ટેડ છે અને
બીજાં લોકો પાસે પણ તેનાં શેર છે. પણ એલઆઈસીને શેર બજારમાં લિસ્ટેડ નથી કરવામાં
આવી. સરકાર તેને શેર બજારમાં લાવશે અને ત્યારે આપણાં કેટલાંક શેર વેચશે. હજુ એ
નક્કી નથી કે સરકાર કેટલો હિસ્સો વેચવાની છે, પણ તેનાં વેચવા માત્રની વાતથી તેનો
વિરોધ શરૂ થઈ ગયો છે. એ વિરોધ બે પ્રકારનો છે. એક રાજકીય, બીજો સામાન્ય માણસનો.
રાજકીય વિરોધની તૈયારીઓ રાજકીય પક્ષો અને તેમનો સપોર્ટ ધરાવતાં કર્મચારી સંગઠનોએ
શરૂ કરી દીધો છે. સામાન્ય માણસનો વિરોધ એટલાં માટે છે કેમ કે લાખો લોકો એજન્ટ
તરીકે એલઆઈસી સાથે જોડાયેલાં છે અને કરોડો લોકોનો જીવન વીમો તેમનાં દ્વારા થયો છે.
જો એલઆઈસી ખાનગી લોકોનાં હાથમાં જાય તો એજન્ટોનો નફો અને લોકોનો વિશ્વાસ બંને ઘટે.
આ
બધાંની વચ્ચે કેટલાંક ટેકનિકલ સવાલો પણ જોડાયેલાં છે જે સરકારને મૂંઝવણમાં નાખી
શકે છે. જેમ કે 1956માં એલઆઈસીની સ્થાપના સમયે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ
તેને બીજી સરકારી કંપનીઓથી અલગ રાખી હતી. એલઆઈસીની સ્થાપના સંસદમાં ખાસ તેનાં માટે
બનાવવામાં આવેલાં એક કાયદા દ્વારા કરવામાં આવી હતી. બીજી વીમા કંપનીઓ અને એલઆઈસી
વચ્ચે ફરક આ કાયદાને કારણે જ છે. તેમાં એવી જોગવાઈ છે કે કંપની જે વ્યક્તિનો વીમો
ઉતારશે અને તેને જે લાભનો પણ વાયદો કરશે, તેની પાછળ ભારત સરકારની ગેરંટી હશે. એટલે
કે જો કંપની કોઈ કારણોસર વાયદા પૂરા કરવામાં નિષ્ફળ જાય છે તો ભારત સરકાર તે પૂરા
કરશે. આથી જ દેશનાં કરોડો લોકોને એલઆઈસી પર અતૂટ વિશ્વાસ છે. જો સરકાર આઈપીઓ
લાવીને શેર વેચવા ઈચ્છતી હોય તો તેણે સંસદનાં બંને ગૃહોમાં બિલ લાવીને એલઆઈસીનાં
કાયદાને બદલવો પડશે. એમાં પણ જો કાયદો બદલીને સરકાર વીમામાલિકોને આપવામાં આવતી
સરકારી ગેરન્ટીની જોગવાઈને ખતમ કરશે તો તેની વિશિષ્ટતા આપોઆપ ખતમ થઈ જશે અને પછી
એલઆઈસી પણ બીજી વીમા કંપનીઓ જેવી જ બનીને રહી જશે. જે આ વિશાળ કંપનીનાં ખતમ થવાની
શરૂઆત હશે.
બીજી એક
ટેકનિકલ ખામી એ છે કે એલઆઈસી લિસ્ટેડ કંપની નથી એટલે તેનાં વિશે ઘણીબધી બાબતોનો
લોકોને ખ્યાલ નથી. જેમ કે કંપનીનું મૂલ્યાંકન નથી થયેલું, તેની સંપત્તિઓ અને
રોકાણને લઈને સામાન્ય માણસ અજાણ છે. તે કેવી રીતે પોતાનાં ગ્રાહકોનાં પૈસા સુરક્ષિત
રાખે છે, ક્યાં તેને રોકે છે વગેરે જાણકારીઓ પણ સામાન્ય લોકોને નથી. વેચાણ માટે
તેને બજારમાં ઉતારતાં પહેલાં સરકારે આ તમામ બાબતો સાર્વજનિક કરવી પડશે. છેલ્લાં
કેટલાંક દિવસોથી એવા સમાચાર આવી રહ્યાં છે કે સરકારનાં નિર્ણયને કારણે એલઆઈસીનાં
પૈસા એવી કંપનીઓમાં રોકવામાં આવી રહ્યાં છે જેનાં ડૂબાઈ જવાનો ભય રહેલો છે. શેર
બજારમાં સતત નબળું પ્રદર્શન કરી રહેલી કંપનીઓમાં એલઆઈસીનાં પૈસાનું રોકાણ થયું છે.
થોડાં સમય પહેલાં જ સરકારે સૌથી ખરાબ એનપીએ રેશિયો ધરાવતી IDBI
બેંકમાં 51 ટકા હિસ્સો એલઆઈસીને અપાવ્યો હતો. હવે સમાચાર છે કે સરકાર આ બેંકમાં
પોતાનો બચેલો હિસ્સો પણ વેચવાની છે. આમ અનેક રીતે એલઆઈસીનાં અસ્તિત્વ પર જ સવાલો
ઊભાં થઈ ગયાં છે.
એલઆઈસી
સાથે જોડાયેલાં લોકોને આશા છે કે વિપક્ષો સંસદમાં આખા મામલાને રોકવાનો પ્રયત્ન કરે.
સરકારે તેને વેચવા માટે કાયદામાં ફેરફાર કરવાનાં બિલને સંસદનાં બંને ગૃહોમાંથી
પસાર કરાવવું પડશે. સ્વાભાવિક છે કે તેને નાણાંકીય નહીં પરંતુ સામાન્ય બિલની રીતે
રજૂ કરવું પડશે અને એટલે રાજ્યસભામાંથી પણ પસાર કરવાનું રહેશે. જો વિપક્ષો એક થઈ
જાય તો એ બિલ રાજ્યસભામાં રોકાઈ જાય તેમ છે. જો કે હજુ એ નક્કી નથી કે સરકાર તેનું
બિલ આ સત્રમાં લાવશે કે આગળનાં સત્ર સુધી રાહ કરશે. પણ હાલ તો એલઆઈસીનાં
હિસ્સાંનાં વેચાણ માત્રથી સામાન્ય માણસ અને તેની સાથે જોડાયેલાં અનેક લોકો
મૂંઝવણમાં મૂકાયાં છે.



Comments
Post a Comment