ભારતના શહેરોમાં પણ જીવે છે જાતિવાદ


જાતિ અને જાતિ વ્યવસ્થા શહેરીકરણ અને આધુનિકીકરણથી વધારે શક્તિશાળી સાબિત થઈ છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે શહેરીકરણ અને આધુનિકીકરણની સાથે જાતિ અને ગોત્ર જેવી પ્રાચીન અને પરંપરાગત ઓળખો નાશ પામશે. પણ આ મામલે થયેલું એક રિસર્ચ પેપર જણાવે છે કે શહેરોમાં પણ વસ્તી જાતિઓના આધારે વસેલી છે અને સવર્ણોનાં વિસ્તારોમાં દલિતોને મોટાભાગે રહેઠાણ નથી મળતું.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંગાલુરૂએ પ્રકાશિત કરેલા આ રિસર્ચ પેપરનું શીર્ષક છે - 'ISOLATED BY CASTE NEIGHBOURHOOD-SCALE RESIDENTIAL SEGREGATION IN INDIAN METROS' 

https://www.iimb.ac.in/sites/default/files/2018-06/WP%20No.%20572.pdf જેને નવીન ભારતી, દીપક મલગણ અને અંદલીબ રહેમાને તૈયાર કર્યું છે. આ રિસર્ચ પેપર તૈયાર કરનારી ટીમનાં સભ્ય નવીન ભારતીએ એક ઈન્ટરવ્યૂમાં આંકડાઓ વિશે જાણકારી આપતા કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા હતા. જેમ કે, (1) દલિતોને શહેરનાં હાર્દ સમા વિસ્તારોથી બહાર રાખવાનું સૌથી વધુ ચલણ ગુજરાતમાં છે. દા.ત. રાજકોટ શહેરની 80 ટકા વસાહતોમાં કોઈ દલિત નિવાસી નથી. (2) કોલકાતા શહેર, જેના વિશે એવી માન્યતા છે કે અહીં ઘણાં બધાં સમાજ સુધારક આંદોલનો થયા, ત્યાં અંદાજિત 60 ટકા વસાહતોમાં કોઈ દલિત નથી રહેતો. (3) બેંગાલુરૂ શહેરમાં આઈટી ક્રાંતિ પછી વસેલી આધુનિક વસ્તીઓમાં પણ દલિતોની હાજરી ના બરાબર છે. અહીં પણ મોટાભાગનાં આધુનિક એપાર્ટમેન્ટોમાં દલિતો જૂજ પ્રમાણમાં છે.

આ બધાં તારણો એટલા માટે સામે આવી રહ્યાં છે કેમ કે 2011ની વસ્તી ગણતરીમાં પહેલી વાર વસ્તીગણતરી બ્લોકનાં આધારે આંકડાઓ એકઠા કરવામાં આવ્યા. એક વસ્તીગણતરી બ્લોકમાં 900 આસપાસ લોકો હોય છે. એ પહેલાની વસ્તીગણતરીઓમાં વોર્ડનાં સ્તરે આંકડાઓ એકઠા કરવામાં આવતા હતા. એક વસ્તીગણતરી વોર્ડમાં 30 હજારથી લઈને 2 લાખ લોકો સુધી હોઈ શકે છે. વસ્તીગણતરી વોર્ડનાં આંકડાઓમાં જાતિઓ મુજબ મહોલ્લા વસ્યા હોવાનો ખ્યાલ નથી આવતો કારણ કે વોર્ડ એક મોટું એકમ છે અને તેમાં સામાન્ય રીતે વિવિધતા નજર આવતી હોય છે. જ્યારે વસ્તીગણતરી બ્લોકના આધારે સમાજની હકીકત સાચી રીતે સામે આવે છે.

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે શહેરોમાં ધર્મના આધારે લોકોની અલગ અલગ વસાહતો અને મહોલ્લા વસેલા છે. તેની ટીકા પણ થતી રહી છે. જો કે આ ભાગલાને યોગ્ય અને સ્વાભાવિક ઠેરવવાના પ્રયત્નો પણ થતા રહ્યાં છે. તેના માટે તર્ક એવો આપવામાં આવે છે કે ધર્મ સંસ્કૃતિ અને ખાનપાન પણ નક્કી કરે છે અને તેના આધારે જે લોકો અલગ છે તેમનું અલગ રહેવું કોઈ મોટી વાત નથી. પરંતુ નવા આંકડાઓ અને તેના આધારે સામે આવેલું રિસર્ચ પેપર કહે છે કે શહેરોમાં ભાગલા માત્ર ધર્મ નહીં, જાતિના આધાર પર પણ છે. આ સંશોધનથી (1) શહેરોમાં જાતિવાદ ઓછો છે (2) જાતિવાદ ગામડાંની સમસ્યા છે (3) આધુનિકીકરણ અને શહેરીકરણની સાથે જાતિઓ પણ તૂટી જશે (4) શહેરોમાં પૈસાદાર-ગરીબ, શિક્ષણ અને નોકરી આધારિત ભેદભાવ છે પણ અહીં કોઈ જાતિ નથી પૂછતું વગેરે માન્યતાઓ પણ તૂટી છે.

શહેરી વસ્તીઓમાં જાતિ આધારિત ભેદભાવ પર થયેલા સંશોધનથી આ પાસાને નવી રીતે જોવા અને ચકાસવાનો આધાર મળ્યો છે. રિસર્ચ પેપર એ તો જણાવે છે કે શહેરોમાં દલિતોને સવર્ણોની સોસાયટીઓમાં જગ્યા નથી મળતી. પરંતુ સંશોધનના વિસ્તારમાં એ સવાલ નહોતા કે આ કામને કેવી રીતે અંજામ આપવામાં આવે છે. આખરે એ કઈ યુક્તિ છે, જેનાથી કોલોનીઓ વસાવવાથી લઈને ભાડે મકાન આપનારા સુદ્ધાં એ જાણી લે છે કે કોઈ વ્યક્તિ દલિત છે? સાથે જ એ જાણવું પણ રસપ્રદ રહેશે કે આ રીતે અલગ અલગ રહેતા સમુદાયોમાં એકબીજા વિશે કેવી ધારણાઓ કામ કરે છે.

કોલકાતા વિશે એવું માનવામાં આવે છે કે તે આધુનિકતાની ધરતી છે અને અહીંના લોકો પણ ઘણાં આધુનિક છે. આ શહેર સામાજિક નવજાગરણનું પણ કેન્દ્ર રહ્યું છે. લાંબા સમય સુધી અહીં ડાબેરીઓનું સાશન રહ્યું. ત્યારે એવું ક્યું કારણ છે કે કોલકાતાનાં ભદ્ર મહોલ્લાઓમાં દલિતો ગેરહાજર છે? એ પણ સંશોધનનો વિષય છે કે અહીં માત્ર 5 ટકા જ દલિતો કેમ છે, કેમ કે બંગાળમાં દલિતોની વસ્તી 23 ટકાથી વધુ છે.

ગુજરાત વિશે એવી માન્યતા છે કે અહીં હિંદુ અને મુસ્લિમ અલગ અલગ રહે છે. ત્યારે સવાલ એ થાય કે અહીં દલિતોને શહેરનાં પોશ વિસ્તારોથી દૂર રાખવાનું  સૌથી વધુ ચલણ કેમ છે? ગુજરાતનો જાતિવાદ આટલા લાંબા સમય સુધી કેમ છુપાયેલો રહ્યો?

અગાઉ શહેરોમાં જાતિવાદ ન હોવાના ભ્રમને એક સંશોધને પહેલા પણ તોડ્યો છે. પ્રો. સુખદેવ થોરાટ અને પોલ અટવેલનાં સંશોધને એ સાબિત કરી આપ્યું હતું કે આધુનિક અને મલ્ટિનેશનલ કંપનીઓને જો એક જ રિઝ્ર્યૂમ સવર્ણ અને દલિત અટકની સાથે મોકલવામાં આવે તો સવર્ણ અટકવાળા રિઝ્યૂમ માટે કોલ આવવાની શક્યતાઓ વધારે રહેશે.

એ જ રીતે શિક્ષણનાં આધુનિક કેન્દ્ર એટલે યુનિવર્સિટીઓમાં પણ જાતિવાદની પકડ કાયમ છે અને ત્યાં પણ દલિત, આદિવાસી અને પછાત સ્કોલરોનાં શિક્ષક બનવાના રસ્તા લગભગ બંધ છે. હવે શહેરી મહોલ્લાઓ મામલે સામે આવેલા આ સંશોધનથી એ માન્યતા મજબૂત થઈ છે કે જાતિવાદને તોડવામાં શહેરીકરણ અને આધુનિકીકરણ અત્યાર સુધી સક્ષમ સાબિત નથી થયા.

Comments