ટોળાંનો ખતરો, બદલાતું પત્રકારત્વ અને નાગરિકધર્મ



રામનાથ ગોયન્કા એવોર્ડનાં પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે હાલ ભારતીય પત્રકારત્વ ભારે સંકટનાં સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આવું નિવેદન જ્યારે દેશનાં સર્વોચ્ચ પદે બેઠેલી વ્યક્તિ આપે ત્યારે સહેજેય વિચાર આવે કે શું સંકટ ખરેખર મોટું છે ખરું? અને જો છે તો આખરે એ સંકટ છે શું? આમ તો આખો મામલો પહેલી નજરે સમજમાં આવે તેઓ નથી. છતાં થોડાં ઉંડા ઉતરશો તો પરિસ્થિતિ સમજાવા માંડશે. કોઈપણ સમાજ યોગ્ય માહિતીઓનાં આદાનપ્રદાન થકી મજબૂત બનતો હોય છે. એ જ રીતે ખોટી માહિતી(ફેક ન્યૂઝ) કોઈપણ સમાજની જિજ્ઞાસાઓને મારીને તેની નાગરિકતાને ખતમ કરી દેવા પુરતી હોય છે. તમને થતું હશે કે આ ફેક ન્યૂઝ વળી કેવી રીતે કોઈની નાગરિકતાને ખતમ કરી શકે? એવો પણ સવાલ તમારાં મનમાં ઉઠતો હશે કે ફેક ન્યૂઝ એટલું મોટું સંકટ કેવી રીતે બની ગયું છે કે દેશનાં રાષ્ટ્રપતિ પણ તેનાં વિશે વિચારી રહ્યાં છે અને સમાજને તેનાં ખતરાં વિશે સાવચેત કરી રહ્યાં છે?

આવા જ કેટલાં સવાલો અને ખતરાઓ વિશે સિનિયર પત્રકાર રવિશકુમારે પોતાનાં પુસ્તક બોલના હી હૈમાં વિસ્તારથી વાત કરી છે. આ પુસ્તક છેલ્લાં કેટલાંક વર્ષોનાં ભારતની યર્થાથ ગાથા છે જેને તથ્યોને આધારે વણી લેવાઈ છે અને સમાજમાં નાગરિકની ભીડ બનવાની પ્રક્રિયાને બતાવવામાં આવી છે. જ્યારે કોઈ સમાજમાં રહેતાં લોકો વચ્ચે વિશ્વાસ ઘટવા માંડે અથવા સુનિયોજિત રીતે રાજ્ય દ્વારા(અર્થાત ત્યાંનાં લોકોનાં જ સહારે) નબળો પાડવામાં આવે તો સૌથી પહેલી જે વસ્તુ ખતરામાં આવે છે તે છે- નાગરિકતા.

શું આપણે મૂંગા રહેવાની કલ્પના પણ કરી શકીએ છીએ? આટલી અમથી વાતમાં જ અનેક સવાલો આપણાં દિલો-દિમાગમાં પેદા થવા માંડે છે. પરંતુ જ્યારે સમાજમાં ઘટનાઓ ઘટે છે તો આપણે કેમ નથી બોલી શકતાં? જ્યારે કોઈ ટોળું પુરી તૈયારી સાથે કોઈ અખલાક, તબરેજ કે સુબોધ કુમારને મારી નાખે છે ત્યારે આપણે કેમ નથી બોલી શકતાં? શું આપણે ફેક ન્યૂઝની જાળમાં ફસાઈને એક રોબો પબ્લિકમાં પરિવર્તિત થઈ રહ્યાં છીએ. કદાચ પુરેપુરાં નહીં પરંતુ આ પ્રક્રિયા ક્યારની શરૂ થઈ ચૂકી છે. આપણું મૌન આપણને રોબોટ બનાવવાની દિશામાં ધકેલી રહ્યું છે. આપણે અદ્દલ એવું જ વર્તન કરી રહ્યાં છીએ જેવું કોઈ ઈચ્છી રહ્યું છે. આપણે આપણાં વિવેક પ્રત્યે શૂન્ય થઈ રહ્યાં છીએ.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફેક ન્યૂઝ થકી એક માહિતીવિહીન સમાજનું નિર્માણ થયું છે જે પોતાની સાથે અનેક ગંભીર ખતરાઓ સાથે લઈને ચાલી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં ટોળું તૈયાર થયું છે જેને કોમી આધાર પર તૈયાર કરાયું છે. તે હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે ભાગલાં પાડીને તૈયાર થયું છે અને હવે તેનાં ખતરનાક પરિણામો અનેક જગ્યાએ સામે પણ આવવા લાગ્યાં છે. ટોળું કાયદો-વ્યવસ્થાની પરવા કર્યાં વિનાં જાહેરમાં કોઈને પણ નિશાન  બનાવે છે. ઘણીવાર તો પોલીસની હાજરી છતાં કોઈ નિર્દોષનું ખૂન થઈ જાય છતાં આરોપીઓ પકડાતાં નથી. લાંબાલચક કેસ ચાલતાં રહે છે અને છેલ્લે કોઈને પણ સજા થતી નથી. આ બધું એક નિશ્ચિત આયોજનનાં ભાગરૂપે જ થઈ રહ્યું છે. પહેલાં લોકોને ટોળાં દ્વારા હિંસાની નાનીમોટી ઘટનાઓ દ્વારા ટેવ પાડીને તૈયાર કરવામાં આવ્યાં જેથી તેને લાગે કે જે કંઈ થઈ રહ્યું છે તે રોજબરોજની સામાન્ય વાત છે. પરંતુ તેની પાછળની યોજના બહુ ખતરનાક છે અને તે આગામી સમયમાં હજુ વધારે આક્રમક રીતે ટોળાંનાં સ્વરૂપમાં તબાહી મચાવવાની છે. રવિશકુમાર સાચું જ કહે છે કે ટોળાંનું પોતાનું બંધારણ હોય છે. પોતાનો દેશ હોય છે, તે પોતાનો આદેશ સ્વયં નક્કી કરે છે. હત્યા માટે શિકાર પણ પોતે પસંદ કરે છે.

મુખ્યધારાનાં મીડિયાનાં નબળાં પડવાને કારણે એક નવા પ્રકારનાં વૈકલ્પિક મીડિયાએ જન્મ લેવો શરૂ કરી દીધો છે. જે કામ મીડિયા થકી થવું જોઈતું હતું તે હવે નાગરિકો કરી રહ્યાં છે, જેને નાગરિક પત્રકારત્વ કહેવાય છે. મુખ્યધારાનું મીડિયા એક એવા સૂચનાવિહીન સમાજનું નિર્માણ કરી રહ્યું છે જેનાં અભ્યાસક્રમમાં જાહેર હિતની ચિંતાનાં મુદ્દાઓ છે જ નહીં. રોજ રાત્રે મેઈન સ્ટ્રીમ મીડિયા લોકોને ખોટાં સમાચારો દ્વારા ઊંધી દિશામાં વાળવા મથી રહ્યું છે. સ્પષ્ટતાની જરૂર નથી કે આ બધું એક પ્રાયોજિત રીતે થઈ રહ્યું છે અને તેને રાજ્યનું સમર્થન મળેલું છે. હવે પત્રકારત્વ લોકશાહીની ચોથી જાગીર નથી રહી પરંતુ રાજકીય પક્ષોનો પહેલો આધારસ્તંભ થઈ રહ્યું છે. એવામાં સૌથી વધુ નુકસાન દેશનાં નાગરિકોનું થઈ રહ્યું છે. એક ડરેલો પત્રકાર લોકશાહીમાં હંમેશા એક મરેલો નાગરિક પેદા કરે છે. દેશ સાચી જાણકારીઓથી બને છે જ્યારે ફેક ન્યૂઝ, પ્રોપેગેન્ડા અને ખોટાં ઈતિહાસથી હંમેશા ટોળું બને છે. એટલી બધી સમસ્યાઓ એ હદે આપણી આસપાસ જડ ઘાલી ચૂકી છે કે સંસ્થાકીય રીતે આપણે શૂન્ય તરફ ગતિ કરી રહ્યાં છીએ. રાજકીય રીતે ટોળાંને ઉત્તેજન આપવા લાગ્યાં છીએ અને ભવિષ્ય માટે એક એવું ભારત તૈયાર કરવા તરફ આગળ વધી રહ્યાં છીએ જેને જો સમયસર સુધારવામાં ન આવ્યું તો સ્થિતિ અનેક રીતે ખરાબ થઈ શકે છે. આ પરિસ્થિતિમાંથી બચવાનો ઉપાય દેશનાં નાગરિકોએ શોધવાનો છે. જ્યાં સુધી દેશમાં નાગરિક મજબૂત નહીં થાય ત્યાં સુધી સમાજમાં મોટાં ખતરાંઓ પેદા થતાં રહેશે. એટલે આપણે એ ખતરાંઓ પ્રત્યે સજાગ રહીને લોકશાહીમાં એક સારાં નાગરિક બનવાની આપણી લડાઈ ચાલું રાખીએ એમાં જ સૌનું હિત છે.

Comments