હેડલાઈન મેનેજમેન્ટ: સમાચાર જ અસલી જાહેરાત છે !




પબ્લિક રિલેશનનાં ગુરૂ ગણાતા એડવર્ડ એલ. બાર્નેસે બરાબર 100 વર્ષ પહેલાં વર્ષ 1920માં એ સિદ્ધાંત આપીને સાબિત કરી આપ્યું હતું કે સમાચાર જ અસલી જાહેરાત છે. સમાચારોની તાકાત જાહેરાત કરતાં વધારે હોય છે અને જો યોગ્ય રીતે તેને મેનેજ કરવામાં આવે તો સામાન્ય માણસનાં મગજને વધારે સારી રીતે પ્રભાવિત કરી શકાય છે. તેમણે પછી ક્રિસ્ટીલાઈઝિંગ પબ્લિક ઓપિનિયન નામનું પુસ્તક લખ્યું હતું. જે આજે પણ જનસંપર્ક ઉર્ફે પબ્લિક રિલેશનનાં વ્યવસાય સાથે સંકળાયેલાં દરેક માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યું છે. એમ કહેવાય છે કે હિટલરનાં પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સે તે એકથી વધારે વખત વાંચ્યું હતું.

બાર્નેસે એકવાર સિગરેટનાં પ્રચાર માટે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે અંદાજે એક ડઝન મહિલાઓને સ્ટેજ પર બોલાવીને તેમની પાસે સિગરેટ સળગાવડાવી હતી. એ ઈવેન્ટને બાર્નેસે TORCHES OF FREEDOM(આઝાદીની મશાલો) નામ આપ્યું હતું. એ દિવસોમાં અમેરિકામાં પણ મહિલાઓમાં સિગરેટ પીવાનું ચલણ બહુ ઓછું હતું. તેથી મીડિયામાં આ ઈવેન્ટ મોટાં સમાચાર બન્યાં અને સરવાળે સિગરેટ કંપનીને જાહેરાતની સરખામણીએ એ સમાચારોથી અનેકગણો વધુ ફાયદો થયો. એ પછી દુનિયાભરની સરકારોએ એડવર્ડ એલ. બાર્નેસની પ્રચાર પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ પોતાનાં પ્રચાર માટે કર્યો હતો. ભારતમાં પણ વર્તમાન સરકાર હેડલાઈન મેનેજમેન્ટથી જ પોતાનાં પ્રચાર પર ફોક્સ કરેલ છે. એટલે જ અરૂણ શૌરીએ આ સરકારનાં પાછલાં કાર્યકાળમાં કહ્યું હતું કે સરકારનું કામ માત્ર હેડલાઈન્સ મેનેજ કરવાનું છે.

આમ જોવા જઈએ તો હેડલાઈન્સ મેનેજમેન્ટનાં અનેક ફાયદાઓ છે. એક ફાયદો તો એ છે કે તેનાથી પોતાનો પ્રચાર થાય છે. બીજું, સરકાર વિરોધી નેગેટિવ પ્રચારથી લોકોનું ધ્યાન અન્યત્ર ભટકાવી શકાય છે. આમ પણ આજકાલ સરકારને મુશ્કેલીમાં મૂકે એવી ઘટનાઓ વધારે ઘટવા માંડી છે તેથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ઈવેન્ટ આયોજિત કરવાનું અને તેને હેડલાઈન્સ બનાવવાનાં કામમાં પણ તેજી આવી છે.

દિમાગ પર થોડું જોર આપશો તો તરત યાદ આવશે કે સરકારને મુશ્કેલીમાં મૂકે તેવી ઘટનાઓની હાલ લાઈન લાગી ગઈ છે. સૌથી મોટી સમસ્યા મંદીની છે. એ પછી બેન્કિંગ સેક્ટરની દેવાળિયા સ્થિતિનો ક્રમ આવે છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 5 ટકા રહેશે. અન્ય એજન્સીઓ પણ વિકાસ દરનો અંદાજ ઘટાડી રહી હતી પણ તેઓ હજુ 5.8 ટકા આસપાસ અટકી છે. પણ એસબીઆઈએ તેને પાંચ ટકા સુધી ઘટાડી દીધો. હવે યાદ કરો કે એકાદ અપવાદને બાદ કરતાં ક્યાંય આ સમાચારને હેડલાઈનમાં સ્થાન મળ્યું હતું? જ્યારે એસબીઆઈએ આ તારણો જાહેર કર્યાં એજ સમયે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરતો પત્ર લખી દીધો અને દિલ્હીમાં વડાપ્રધાને કેબિનેટની બેઠક બોલાવી હતી. તેનાં બે-ત્રણ દિવસ પહેલાં દુનિયાની જાણીતી રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું. જેમાં તેણે ભારતને સ્થિરમાંથી બહાર કરીને નેગેટિવ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશોની કક્ષામાં મૂકી દીધો હતો. પણ ત્યારેય સમાચાર તો એજ ચાલી રહ્યાં હતાં કે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભાજપને સરકાર રચવા માટે બોલાવી રહ્યાં છે.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ડુંગળીની કિંમત આખા દેશમાં 60 થી 80 રૂ. પ્રતિ કિલો છે. આ સ્થિતિ છેલ્લાં બે મહિનાં કરતાં વધારે સમયથી છે. છતાં પણ થોડાં વર્ષો પહેલાં જે મુદ્દા પર આખેઆખી સરકાર ઘરભેગી થઈ ગઈ હતી તે આજે મીડિયામાં ચર્ચાનો વિષય જ નથી, કેમ કે મીડિયા માટે કોઈ નવી ઈવેન્ટ તૈયાર કરી દેવામાં આવે છે. દા.ત. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવી ગયો. દિવસો સુધી દેશ આખો તેનાં હેંગઓવરમાં રહ્યો. ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવી લેવાઈ તેનાં પર પણ દિવસો સુધી મીડિયામાં ચર્ચા થતી રહી. નહેરૂ મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ લાઈબ્રેરીમાંથી કોંગ્રેસી નેતાઓને દૂર કરવામાં આવ્યાં તો મીડિયાની સાથોસાથ રાજકીય પક્ષો પણ તેની ચર્ચામાં વ્યસ્ત રહ્યાં. એ બધાંની વચ્ચે કરતારપુર કોરિડોરનું લોકાર્પણ, સિદ્ધુને પાકિસ્તાન મોકલી દેવાની વાત પણ થઈ ગઈ. બંધારણ લાગુ થયાને 70 વર્ષ થયા તેની પણ સંસદભવનમાં ઉજવણી થઈ. બંને ગૃહોનું સંયુક્ત સત્ર પણ બોલાવવામાં આવ્યું. આ બાજુ દેશમાં બૌદ્ધિક ચર્ચાનું કેન્દ્ર રહેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હોસ્ટેલ, મેસ અને શૈક્ષણિક ફીમાં વધારો કરીને વિદ્યાર્થીઓને આંદોલન તરફ વાળી દેવાયા. ક્યાંક ભગવાન રામની પ્રતિમા બની રહી છે, તો ક્યાંય સીતાજીની. ક્યાંયથી વળી એવા સમાચાર આવી જાય છે કે અયોધ્યાનું રામમંદિર કંબોડિયાનાં અંગકોરવાટ કરતાં પણ મોટું બનવાનું છે. આ બધાં વચ્ચે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા સતત વધતી જઈ છે, ચૂંટણી પણ આવી રહી છે. આમ દેશવાસીઓ વચ્ચે ભળતા જ મુદ્દાઓ ફેંકવામાં આવી રહ્યાં છે. અને તેની વચ્ચે જે થઈ રહ્યું છે, તે થઈ જ રહ્યું છે. મંદીને કારણે દેશમાં વીજળીનો વપરાશ 13 ટકા સુધી ઘટી ગયો છે પણ તેની સાથે કોઈને ક્યાં લેવાદેવા છે. 90 લાખ લોકો નોકરી ગુમાવી ચૂક્યાં છે અને આ સિલસિલો હજુયે ચાલું છે. દરરોજ કોઈને કોઈ સેક્ટરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટાં કર્યાનાં સમાચાર ખૂણેખાંચરેથી આવતાં રહે છે. પણ હવે હેડલાઈન્સ મેનેજમેન્ટ અને સોશિયલ મીડિયાનાં ફેક પ્રચારની જાળમાં સૌ એ હદે ફસાઈ ચૂક્યાં છે કે આટલાં અગત્યનાં સમાચારને પણ લોકો સહજતાથી લેતાં થઈ ગયાં છે. નોકરીઓ જતી રહી તો શું થઈ ગયું, આટલાં મોટાં દેશમાં આવી નાની-નાની ઘટનાઓ તો બનતી રહે એમ માનનારાંઓની સંખ્યા પણ ઓછી નથી. આવા લોકોની દ્રષ્ટિએ અસલી સમાચાર તો એ છે કે પાકિસ્તાન કંગાળ થઈ રહ્યું છે.

Comments