NRC - NPR - CAAનું કોકટેલ અને આમ આદમીની મૂંઝવણ
સોશિયલ
મીડિયામાં હમણાં એક મજાક ચાલી રહી છે કે વર્તમાન કેન્દ્ર સરકાર સામાન્ય માણસને
અનેક બાબતોની જાણકાર બનાવી દેશે. પહેલાં કાશ્મીર અંગેની કલમ 370 અને 35એ વિશે
લોકોને જાણવા મજબૂર કર્યાં. એ પછી અયોધ્યા વિવાદનો કેસ સુપ્રીમમાં ચાલ્યો એટલે બધું
એકડેએકથી સમજવું પડ્યું. એ માંડ પત્યું હતું ત્યાં એનઆરસી, સીએએ અને હવે એનપીઆર
આવી પડ્યાં છે. સ્થિતિ એ છે કે સરકાર જે પણ મુદ્દા ઉઠાવી રહી છે તેનાં પર ચર્ચા કે
વિવાદ શરૂ થઈ જાય છે અને લોકોને સોશિયલ મીડિયાથી લઈને મુખ્યધારાનાં પ્રચાર માધ્યમો
દ્વારા તેનાં વિશે જથ્થાબંધ રીતે કાચુંપાકું જ્ઞાન મળવા લાગે છે. NRC, CCA, NPRમાં તો દરેક
પક્ષ પોતાની રીતે બંધારણ અને કાયદાની વ્યાખ્યા કરીને સરકારનાં પ્રસ્તાવની તરફેણ કે
વિરોધ કરી રહ્યો છે.
નાગરિકતા
સંશોધન કાયદો(સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-CAA), રાષ્ટ્રીય
વસ્તી રજિસ્ટર(નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર-NPR) અને રાષ્ટ્રીય
નાગરિક રજિસ્ટર(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ-NRC) પણ તેમાં
અપવાદ નથી. હવે NRCને NRIC એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ ઈન્ડિયન
સિટિઝન્સ કહેવામાં આવે છે. એટલે
હજુ થોડાં દિવસ લોકોને એનઆરસી અને એનઆરઈસી સમજવામાં પણ લાગશે. ટુંકમાં, આ તમામને
કારણે એટલી બધી અસમંજસભરી સ્થિતિ પેદા થઈ છે કે લોકો દરેક વચ્ચેનો ભેદ સમજી શકતાં
નથી. CAAનાં વિરોધ અને સમર્થનમાં થઈ રહેલાં પ્રદર્શનોમાં
પત્રકારો લોકોને અને લોકો પત્રકારોને પૂછી રહ્યાં હતાં કે શું તમને આ કાયદાની બધી
જ બાબતોનો ખ્યાલ છે ?
હાલ
વિવાદનો તાજો મામલો એનપીઆર અને એનઆરસીનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે
ભારપૂર્વક કહ્યું છે કે આ બંને અલગ અલગ મામલા છે અને તેમને એકબીજાં સાથે કોઈ
લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું છે કે સરકાર NPRનો
ઉપયોગ NRC માટે નહીં કરે. આમ જોવા જઈએ તો તેમની આ સ્પષ્ટતા
બાદ આખો મામલો ઠંડો પડી જવો જોઈતો હતો. પણ થયું તેનાથી ઉલટું. વિવાદ એટલાં માટે
વધી ગયો છે કેમ કે સરકાર પોતે કહી ચૂકી છે કે NRCનું
પહેલું પગથિયું NPR છે. એટલે પહેલાં NPR થશે
અને પછી NRC બનશે. આ બંનેમાં સામાન્ય માણસ પાસેથી એકસરખી
વિગતો મેળવવામાં આવશે. ફરક માત્ર એટલો છે કે NPR બનાવતી
વખતે કોઈ પુરાવા કે દસ્તાવેજો નહીં માગવામાં આવે. તેનો નિયમ બહુ સરળ છે. જો કોઈ
વ્યક્તિ કોઈ વિસ્તારમાં છ મહિનાથી રહે છે અથવા છ મહિના સુધી રહેવા ઈચ્છુક છે તો તે
એનપીઆરમાં પોતાનું નામ નોંધાવી શકે છે. તેણે તમામ જાણકારી આપવાની રહેશે જેમાં નામ,
સરનામું, માતા અને પિતાનું નામ, પત્ની કે પતિનું નામ, જન્મતારીખ, જન્મસ્થાન,
રાષ્ટ્રીયતા, શૈક્ષણિક લાયકાત અને મોબાઈલ નંબર સામેલ હશે. પાનકાર્ડ, પાસપોર્ટ અને
ડ્રાઈવિંગ લાયસન્સ છે તો તેની પણ વિગતો આપવી પડશે. આધાર નંબર પણ જણાવવાનો છે, પણ
તે વૈકલ્પિક છે. આ તમામ માહિતી આપવી પડશે પણ દસ્તાવેજો નહીં દેવા પડે. બીજી બાજુ NRCમાં
તમામ માહીતિની સાથેસાથે પોતાની નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજો પણ આપવાનાં રહેશે.
સ્વાભાવિક
છે કે સરકાર જ્યારે પણ NRC બનાવવું શરૂ કરશે તો NPRનો ડેટા
તેને બહુ કામમાં આવશે. આથી અમિત શાહનું એવું કહેવું સમજમાં નથી આવતું કે NPR
નાં આંકડાનો ઉપયોગ NRCમાં નહીં કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે
એનપીઆર અને એનઆરસી અલગ અલગ છે અને તેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. બીજી તરફ
એનપીઆરનાં ડેટા પર જ એનઆરસીનો આધાર રહેલો જોવાનું જણાય છે. વિવાદનું મૂળ અહીં છે.
આ જ કારણોસર ગૃહપ્રધાનની સ્પષ્ટતા છતાં તેનાં પર વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ
રહ્યો. સરકારે પોતે કહ્યું છે કે એનઆરસી બનાવવાની દિશામાં પહેલું પગલું એનપીઆર છે.
તેની વેબસાઈટ પર બહુ સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે NRC ભારતનાં
નાગરિકોનું એક રજિસ્ટર હશે, જેને સ્થાનિક સ્તરે એટલે કે ગામ, શહેર, તાલુકા,
જિલ્લા, રાજ્ય અને દેશનાં લેવલે તૈયાર કરવામાં આવશે અને તેનાં માટે NPRનાં
ડેટાની ચકાસણી કરાશે. એ રીતે જોઈએ તો તે સૂચિત NRC સાથે જ
જોડાયેલું છે.
અગાઉ કેન્દ્રીય
ગૃહમંત્રી ખુદ સંસદમાં કહી ચૂક્યાં છે કે સરકાર આખા દેશમાં એનઆરસી લાગુ કરશે. ઝારખંડમાં
તો તેમણે પોતાની ચૂંટણીસભાઓમાં ત્યાં સુધી કહ્યું હતું કે સરકાર એનઆરસી લાગુ કરીને
પાંચ વર્ષમાં તમામ ઘૂસણખોરોનો દેશનિકાલ કરશે. તેનાં થોડાં દિવસ બાદ વડાપ્રધાને
દિલ્હીની એક જાહેરસભામાં કહ્યું હતું કે હજુ સુધી એનઆરસી પર કોઈ ચર્ચા કરવામાં નથી
આવી. જો કે એ પછી એનપીઆરનાં પ્રસ્તાવ અને બજેટને મંજૂરી આપી દેવાઈ હતી. સરકારનાં
નિયમો મુજબ એ પણ સ્પષ્ટ છે કે એનઆરસીમાં નામ સુનિશ્ચિત કરવા માટે એનપીઆરમાં નામ
નોંધાવવું ફરજિયાત હશે. મતલબ જે પણ વ્યક્તિ આસામનાં 19 લાખ લોકોની જેમ એનઆરસીમાંથી
બહાર થવા માગતો નથી, તો પહેલાં તેણે એનપીઆરમાં પોતાનું નામ નોંધાવવું પડશે. એ પછી એનઆરસી
વખતે પોતાની નાગરિકતા સાબિત કરવાની રહેશે. વિરોધ કરી રહેલાં લોકોમાં આવા અલગ અલગ
વિધાનોને કારણે શંકા અને મૂંઝવણ પેદા થઈ છે. એટલે જ કેન્દ્રીય ગૃહમંત્રીનો વારંવાર
વિશ્વાસ અપાવવા છતાં વિપક્ષો અને પ્રસ્તાવિત એનઆરસીથી પોતે અસગ્રસ્ત થશે એવી શંકા
ધરાવતાં લોકો તેમની એ વાત સ્વીકારવા તૈયાર નથી કે એનપીઆર અને એનઆરસી બંને જુદીજુદી
બાબતો છે. એનપીઆરનો સર્વે એપ્રિલમાં શરૂ થવાનો છે. જ્યારે એનઆરસી દેશભરમાં લાગુ
થાય એવાં કોઈ એંધાણ નજીકનાં ભવિષ્યમાં દેખાતાં નથી. તેમ છતાં હાલ તો લોકો એનઆરસી,
એનપીએ અને સીએએ વચ્ચેનો ભેદ પારખવામાં ગોથાં ખાઈ રહ્યાં છે.



Comments
Post a Comment