ટી.એન. શેષન જેવા બ્યૂરોક્રેટ્સ હવે માત્ર કલ્પનામાં બચ્યાં છે
10મી નવેમ્બરે દેશ આખો અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ
કોર્ટે આપેલાં ઐતિહાસિક ચૂકાદાની સમાચારપત્રોમાં પાનાં ભરીભરીને છપાયેલી વિગતો વાંચી
રહ્યો હતો. બીજી બાજુ વડાપ્રધાન પંજાબનાં ગુરૂદાસપુર સ્થિત ડેરા બાબા નાનક ખાતે
આયોજિત કરતારપુર કોરિડોર શીખ શ્રદ્ધાળુઓ માટે ખૂલ્લો મૂકી રહ્યાં હતાં. આ બાજુ
મહારાષ્ટ્રની રાજકીય સંગીત ખુરશીની રમતને લઈને પણ અટકળોનું બજાર ગરમ હતું. તો ક્રિકેટ
ફેન્સ ભારત-બાંગ્લાદેશ ટી20ની મેચ શરૂ થાય તેની રાહ જોતાં હતાં અને દિલ્હીવાસીઓ
કાયમની જેમ પ્રદૂષણની ચિંતામાં હતાં. આ બધાં વચ્ચે સ્વાભાવિક રીતે જ પૂર્વ મુખ્ય
ચૂંટણી કમીશનર એસ.વાય કુરેશીની એ ટ્વીટ ક્યાંય ખોવાઈ ગઈ જેમાં પૂર્વ CEC ટી.એન.
શેષનનું 86 વર્ષની પાકટ ઉંમરે ચેન્નાઈમાં નિધન થયાનાં સમાચાર હતાં. એ ટ્વીટમાં
તેમણે લખ્યું હતું કે, શેષન તેમનાં તમામ ઉત્તરાધિકારીઓ માટે એક સાચી દંતકથા અને
માર્ગદર્શક બળ હતાં. આ એજ વ્યક્તિ હતી જેમનાં વિશે કહેવાતું હતું કે રાજકારણીઓ
ફક્ત બે જ લોકોથી ડરે છે, એક ભગવાન અને બીજા શેષન.
વર્ષ
1990થી 1996 સુધી દેશનાં મુખ્ય ચૂંટણી કમીશનર રહેલાં તિરુનેલ્લઈ નારાયણ અય્યર શેષને
પોતાનાં ચૂંટણી કમીશનર તરીકેનાં કાર્યકાળમાં ભલભલા નેતાઓને થથરાવ્યાં હતાં. જેટલી
રસપ્રદ તેમનાં કાર્યકાળની વાતો છે તેટલી જ રસપ્રદ એ પદ પર તેમની નિયુક્તિની કહાની
છે. કહેવાય છે કે વી.પી. સિંહ સરકારનાં પતન બાદ રાજીવ ગાંધીએ ચંદ્રશેખરને સરકાર
રચવા માટે ટેકો આપવાનું વચન આપ્યું ત્યારે તેમણે તેમની સામે બે શરતો રાખી હતી.
પહેલી એ કે તેમનાં વિશ્વાસુ ટી.વી. રાજેશ્વરને આઈ.બી.નાં વડા બનાવવામાં આવે અને
બીજી ટી. એન. શેષનને ચૂંટણી પંચનાં પ્રમુખ બનાવાય. અને ચંદ્રશેખરે બંને વાત માની
લીધેલી.
જ્યારે
શેષન મુખ્ય ચૂંટણી કમીશનર બન્યાં એ પહેલાં સુધી આ સંસ્થાને દાંત અને પંજા વિનાનો
સિંહ માનવામાં આવતી હતી. તેનું કોઈ સાંભળતું નહોતું. પરિણામે ચૂંટણી દરમિયાન જેની
લાઠી તેની ભેંસની કહેવાત ચરિતાર્થ થતી રહેતી. સામાન્ય રીતે આખા દેશમાં એક જ દિવસે
ચૂંટણી થતી હતી. જેમાં ખૂલ્લેઆમ ગુંડાગર્દી, મારામારી, મતોની છાપણી અને બૂથ
કેપ્ચરીંગ થતું. નેતાઓતો ઠીક લોકો પણ ચૂંટણી પંચની જરાય પરવા નહોતા કરતાં. પરિણામે
ચૂંટણી માટે નિયુક્ત સરકારી અધિકારી સ્થાનિક નેતાઓ અને તંત્રથી પ્રભાવિત થઈ જતાં. એ
સમયે મતદાન કેન્દ્રો પર કબ્જો કરીને લૂંટી લેવું સામાન્ય બાબત હતી. માથાભારે
નેતાઓનાં સાગરિતો તેમની મરજી પ્રમાણે મતો મતપેટીમાં નાખતાં હતાં. આવી અરાજકતાભરી
પરિસ્થિતિ વચ્ચે ફિલ્મી હીરોની સ્ટાઈલમાં શેષન આવ્યાં અને દુનિયાનાં સૌથી મોટાં
લોકતંત્રની ચૂંટણી વ્યવસ્થાને પાટા પર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
તેમણે
બિહારમાં નેતાઓની મનમાની રોકવા માટે ચાર તબક્કામાં ચૂંટણી કરાવી. બિહારનાં
ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારી એ ચૂંટણી દરમિયાન મતદાનની તારીખો બદલવામાં
આવી. અગાઉ વિવિધ સરકારી વિભાગોનાં અધિકારીઓ ચૂંટણી પંચનાં કહેવાથી તેને આધીન કામ
કરતાં, પણ પંચની તેમને જરાય પરવા નહોતી. શેષને કાયદામાં ફેરફાર કરીને એ સુનિશ્ચિત
કર્યું કે ચૂંટણી સમયે જે તે જગ્યાએ કામ કરતાં દરેક ચૂંટણી અધિકારીને પંચ હેઠળનાં
કર્મચારી માનવામાં આવશે અને પંચને તેની વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહી કરવાનો સંપૂર્ણ
અધિકાર હશે. 1992માં ઉત્તરપ્રદેશમાં ચૂંટણી થઈ તો શેષને બરાબર કડકાઈ દાખવતાં તમામ
જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને કહી દીધું હતું કે તેમની એકપણ ભૂલ સહન
કરવામાં નહીં આવે. તેમણે જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ત્યાં અડિંગો જમાવી
બેઠેલાં 50 હજાર ગુનેગારો કાં તો આગોતરા જામીન મેળવી લે અથવા પોતાને પોલીસને હવાલે
કરી દે. મતદાન દરમિયાન સૌથી વધુ ઘાલમેલ બાગપતમાં થતી હતી. જ્યાં તેમણે પહેલીવાર
ચૂંટણી દરમિયાન મતદાનની વીડિયોગ્રાફી કરાવેલી. 1993માં હિમાચલ પ્રદેશનાં તત્કાલિન
રાજ્યપાલ ગુલશેર અહમદ પોતાનાં દીકરાનો ચૂંટણી પ્રચાર કરવા માટે સતના પહોંચ્યાં
હતાં. બીજા દિવસે સરકારી ગાડી સાથેનાં તેમનાં ફોટાં દૈનિકોમાં છપાયા અને શેષને
એટલી કડક કાર્યવાહી કરી કે ગુલશેર અહમદે રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દેવું
પડેલું. તેમણે ચૂંટણીખર્ચ પર લગામ કસી અને મતદાર ઓળખપત્ર લાવ્યાં.
એ પછી કેન્દ્રમાં
નરસિંહરાવની સરકાર બની અને શેષનની પાંખો કાપવા માટે કાયદાની એક વ્યવસ્થાનો લાભ
ઉઠાવીને તેમની સાથે બે બીજા ચૂંટણી કમીશનર નિયુક્ત કરી દેવાયા. જેમાનાં એક
આંધ્રપ્રદેશનાં અધિકારી જી.વી.જી. કૃષ્ણમૂર્તિ હતાં જેમની સાથે શેષનને ઉગ્ર અથડામણ
થતી હતી. નિવૃત્ત થયા પછી શેષને રાજકારણમાં આવવા પ્રયત્નો કર્યાં પણ એકેય મોટાં
પક્ષે તેમને ઘાસ ન નાખ્યું. વર્ષ 1997માં શેષન કે. આર. નારાયણ સામે રાષ્ટ્રપતિ
પદની ચૂંટણી લડ્યાં પણ હારી ગયાં. 1999માં કોંગ્રેસની ટિકિટ ઉપર લાલકૃષ્ણ અડવાણીની
સામે ચૂંટણી લડ્યાં ત્યાં પણ હાર્યાં. જો કે ચૂંટણી કમીશનર તરીકેનાં તેમનાં
કાર્યને ધ્યાનમાં રાખીને રેમન મૈગ્સેસ એવોર્ડનું સન્માન જરૂર પ્રાપ્ત થયું. તેઓ
ચૂંટણી દરમિયાન ખોટું વર્તન કરનારાં લોકો માટે ભયનું પ્રતીક બની ગયાં હતાં.
તામિલનાડુ કેડરની 1955 બેંચનાં આઈએએસ અધિકારી રહેલાં ટી. એન. શેષન 1989માં કેબિનેટ
સચિવ પણ રહી ચૂકેલાં. ડાબેરી નેતા નંબૂદરીપાદ અને મેટ્રોમેન તરીકે જાણીતા થયેલાં
ઈ. શ્રીધરણ તેમનાં ક્લાસમેટ હતાં. મુખ્ય ચૂંટણી કમીશનર તરીકેની કડક કામગીરીને
કારણે અધિકારીવર્ગ ભલે તેમને નાપસંદ કરતો હતો, પણ લોકશાહીમાં માનતો દરેક મતદાર
તેમની એ કામગીરીને મૂકપ્રેક્ષક બનીને મનોમન વંદન કરતો હતો. શક્ય છે તેમની પૂર્વ કામગીરીને
કારણે જ તેમની અંતિમયાત્રા દરમિયાન રાજકારણીઓની ગેરહાજરી હોય. નેતાલોગ ભલે ગમે તે
માનતાં હોય, પણ એક વાતે લોકશાહીમાં માનતો દરેક નાગરિક સહમત થશે કે હવે શેષન જેવા
મુખ્ય ચૂંટણી કમીશનર માત્ર કલ્પનામાં રહી ગયા છે.



Comments
Post a Comment