જંગી બહુમતિ પછી અચાનક કેમ સાથીપક્ષો ભાજપનો સાથ છોડી રહ્યાં છે?



આશ્ચર્યની વાત છે કે પૂર્ણ બહુમતિ સાથે સતત બે લોકસભા ચૂંટણીઓ જીતીને અને મોટાંભાગનાં રાજ્યોમાં સરકાર બનાવ્યા છતાં ભાજપ મોટાંભાગનાં પક્ષો માટે અસ્પૃશ્ય થતો જતો દેખાઈ રહ્યો છે. 2014ની લોકસભા ચૂંટણી પછી એવું લાગી રહ્યું હતું કે રાજકીય પક્ષોમાં ભાજપ સાથે જવાની હોડ લાગી છે. પણ 2019 આવતાં આવતાં તો આખી પ્રક્રિયા ઊંધી થઈ ગઈ છે. હવે ભાજપથી દૂર જવા અથવા તેને રોકવા માટે વિપક્ષો ઉપરાંત ક્યારેક તેમની સાથે રહેલાં પક્ષો દ્વારા વધારે પ્રયત્નો થતાં દેખાઈ રહ્યાં છે.
વિરોધ પક્ષો પોતાની આંતરિક દુશ્મની ભૂલીને એકતા બતાવી રહ્યાં છે એટલું જ નહીં, ભાજપનાં દાયકાઓ જૂનાં સાથીપક્ષો પણ તેનો સાથ છોડીને પોતાનાં કટ્ટર રાજકીય અને વૈચારિક વિરોધીઓ સાથે હાથ મિલાવીને તેને રોકવા પ્રયત્નો કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં શિવસેનાનો ભાજપથી અલગ થઈને તેને સરકાર બનાવતી રોકવાનો પ્રયત્નો સામાન્ય નથી. જો તેને માત્ર એક પક્ષની મુખ્યમંત્રી પદ માટેની જિદ માનીશું તો એક મોટાં રાજનીતિક ફેરફારને સમજવામાં થાપ ખાઈ જઈશું. હાલ તો શિવસેનાનું આ પગલું ભાજપ સાથે ત્રણ દાયકા વિતાવ્યા તે દરમિયાન તેને લાગેલાં કોઈ ઊંડા ઘાની સાબિતી જેવું ભાસી રહ્યું છે. એટલે જ તેણે એ જિદ પકડી છે કે ભાજપની સરકાર નથી બનવા દેવાની, ભલે તેનાં માટે કોંગ્રેસ સાથે જ કેમ હાથ ન મિલાવવો પડે.
આ માટે શિવસેનાએ પોતાનાં પાયાનાં વૈચારિક આગ્રહો સાથે સમાધાન કર્યું, તો કોંગ્રેસ અને એનસીપીએ પણ શિવસેના પ્રત્યેનાં પોતાનાં પૂર્વગ્રહો છોડ્યાં. સેના જેવી કટ્ટરપંથી હિંદુવાદી પાર્ટીની સાથે કોંગ્રેસનું જવું પણ એક મોટાં રાજનૈતિક પરિવર્તનનો સંકેત છે. જો કે આ પરિવર્તનનો ઈશારો કરનારી શિવસેના એકમાત્ર પાર્ટી નથી. ગયા વર્ષે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસે આ જ રીતે વિધાનસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં તેને સરકાર બનાવવાથી વંચિત રાખ્યો હતો. દાયકાઓ સુધી ભાજપ સાથે અથવા બિનકોંગ્રેસી જૂથમાં રહેનારી તેલુગુદેશમ પાર્ટીએ પણ પોતાનાં વૈચારિક આગ્રહને છોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો.

આ જ કામ ઝારખંડમાં સુદેશ મહતોનાં પક્ષ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન ઉર્ફે આજસૂએ કર્યું છે. 20 વર્ષ અગાઉ અલગ ઝારખંડ રાજ્ય બન્યાં બાદથી આજસૂ પક્ષે દરેક વિધાનસભા ચુંટણી ભાજપની સાથે રહીને લડી છે. આ પહેલીવાર છે, જ્યારે તે આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલાં હાથે ચૂંટણી લડી રહી છે. આવો જ એક નિર્ણય 2015માં નીતિશકુમારે પણ લીધો હતો, બિનકોંગ્રેસવાદનું રાજકારણ કરનારાં નીતિશે લાલુ યાદવની આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને ભાજપનાં વિજયરથને બિહારમાં રોકી રાખ્યો હતો. અગાઉ કર્ણાટકની 224 ધારાસભ્યોની વિધાનસભામાં 104 ધારાસભ્યો હોવા છતાં ભાજપ સરકાર બનાવવા માટે 8 ધારાસભ્યોની ગોઠવણ નહોતો કરી શક્યો. એ માટે તેને સવા વર્ષ જેટલો સમય લાગેલો. મહારાષ્ટ્રની 288 સભ્યોની વિધાનસભામાં 105 પોતાનાં અને 14 અપક્ષોનાં ટેકાથી 119ની સંખ્યા હોવા છતાં પાર્ટી સરકાર બનાવવા માટે વધુ ધારાસભ્યો ભેગાં કરી શકી નથી. મધ્યપ્રદેશની 230 સભ્યોની વિધાનસભામાં 109 ધારાસભ્યો હોવા છતાં ભાજપ સરકાર બનાવવા માટે 6 ધારાસભ્યો નથી લાવી શકતી. 2016માં 40 સભ્યોની ગોવા વિધાનસભામાં 12 ધારાસભ્યો સાથે ભાજપે સરકાર બનાવી હતી અને 17 ધારાસભ્યો હોવા છતાં કોંગ્રેસ જોતી રહી ગઈ હતી. એજ તર્જ પર મણિપુરની 60 સભ્યોની વિધાનસભામાં 21 ધારાસભ્યો સાથે ભાજપે સરકાર બનાવી અને 28 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ બેસી રહી.

સવાલ એ છે કે હવે એવું કેમ નથી થઈ રહ્યું? શું નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હૃદયપરિવર્તન થઈ ગયું છે? શું તેમણે વિચારી લીધું છે કે હવે પક્ષપલટો કરાવીને કે રાજ્યપાલ ઓફિસનો ઉપયોગ કરીને સરકાર નથી બનાવવાની? કે પછી તેમણે 2014થી લઈને 2016-17 સુધી જે કર્યું છે તેણે તમામ વિરોધી પાર્ટીઓમાં તેમનાં પ્રત્યે નારાજગીનો એવો ભાવ પેદા કર્યો છે કે, સહુએ કોઈપણ હાલતમાં તેમને રોકવાનો સંકલ્પ કરી લીધો છે?પછી તે શિવસેના હોય કે ગોવાની મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ઝારખંડની આજસૂ હોય કે આંધ્રની ટીડીપી, સૌએ ભાજપનાં જૂનાં નેતૃત્વની સાથે કોઈને કોઈ રીતે તાલમેલ જાળવી રાખ્યો હતો. ત્યારે સવાલ એ થાય કે હવે શું બદલાઈ ગયું છે?

છેલ્લાં પાંચ વર્ષમાં બદલાયાં છે તો માત્ર ટોચ પરનાં બે નેતૃત્વ. તેથી સ્વાભાવિક છે કે તેમની રાજકીય ગતિવિધિઓ કે નેતાઓ(પોતાનાં પક્ષનાં અને વિપક્ષનાં) પ્રત્યેનાં તેમનાં વર્તને ભાજપને પોતાનાં સાથીપક્ષો વચ્ચે અસ્પૃશ્ય બનાવી દીધો છે. અગાઉ પણ ઘણી બધી પાર્ટીઓ માટે ભાજપ અસ્પૃશ્ય કે અસ્વીકાર્ય હતી. પણ તે વૈચારિક આગ્રહ હતો. એ જ રીતે રાજકીય સિદ્ધાંતોને કારણે પણ કેટલાંક પક્ષોએ અંતર જાળવી રાખ્યું હતું. પણ હવે તો વિચારધારા અને સિદ્ધાંતની ભેદરેખા ક્યારની મટી ગઈ છે. માટે હાલ ભાજપ અને તેનાં સાથીદારો વચ્ચે જે અંતર પેદા થયેલું છે તે સ્પષ્ટપણે નેતૃત્વને કારણે પેદા થયેલું જણાય છે. વરીષ્ઠ રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આગામી ટુંક સમયમાં જો ભાજપનું ટોચનું નેતૃત્વ ખુદને નહીં બદલે તો આગામી દિવસોમાં વધુ મુશ્કેલી પડશે.

Comments