મોદી સરકાર અભિજીત બેનર્જીનાં સિદ્ધાંતને દેશમાં લાગુ કરશે ખરાં?

 

બહુ સમય પહેલાં કાર્લ માર્ક્સ અને પિઅર જોસેફ પ્રૂધો વચ્ચે ‘The philosophy of poverty’ અને ‘The poverty of philosophy’ મુદ્દે ચર્ચા થયેલી. પ્રૂધોએ માર્ક્સનાં સિદ્ધાંતો વિશે લખ્યું હતું કે આ ગરીબીનું દર્શન છે. જેનાં જવાબમાં માર્ક્સે પછી ધ પોવર્ટી ઓફ ફિલોસોફી નામનું પુસ્તક લખ્યું હતું. આ ઘટનાનાં દોઢસો વર્ષ પછી ગરીબીનું અર્થશાસ્ત્ર લખનારાં અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. બેનરજી, તેમનાં પત્ની એસ્ટર ડફ્લો અને માઈકલ ક્રેમરને સંયુક્ત રીતે આ સન્માન મળ્યું છે. કોઈપણ કામ માટે ચોક્કસ સિદ્ધાંત પહેલી જરૂરિયાત હોવા છતાં, અભિજીત બેનરજી આર્થિક નીતિઓની સૈદ્ધાંતિક વ્યાખ્યામાં પડ્યાં નથી એ તેમની ખાસિયત છે. તેમણે સિદ્ધાંતની સાથે સાથે વ્યવહાર અને જમીની સ્તર પર પણ પોતાનાં પ્રયોગો અજમાવ્યાં છે. ટુંકમાં, તેમણે એવી કોઈ થિયરી નથી આપી કે જે લોકો સમજી ન શકે અને જેનાં અમલ માટે દાયકાઓ કે સદીઓ સુધી રાહ જોવી પડે.
તેમણે રેન્ડમાઈઝ્ડ કંટ્રોલ ટ્રાયલ (આરસીટી)નો સિદ્ધાંત આપ્યો અને પોતે તેનાં પર અમલ પણ કરી જોયો. ફાઈનલી જ્યારે તે સફળ રહ્યો તો તેમણે ભારત સહિત દુનિયાનાં અનેક ગરીબ દેશોની સરકારોને તેનાં પર અમલ કરવા માટે કહ્યું. બીજી ખાસ વાત એ છે કે તેમણે પોતાને માત્ર ક્લાસિક અર્થશાસ્ત્રી સુધી મર્યાદિત ન રાખતાં આરોગ્યથી લઈને ખાદ્ય સુરક્ષા સુધી અર્થશાસ્ત્રનો વિસ્તાર કર્યો. તેમણે અર્થશાસ્ત્રને શુદ્ધ વિજ્ઞાન અને ગણિતમાં બદલી નાખ્યું. તેમનાં આર્થિક નીતિઓનાં પ્રયોગો વિજ્ઞાનનાં પ્રયોગો જેવાં છે. તેમણે અનેક દેશોની સરકારોને એ માટે પ્રેરણા આપી કે તેઓ આંકડાઓ અને તદ્દન જમીની સ્તરેથી મળેલાં પુરાવાઓને ગંભીરતાથી લે અને તેનાં આધારે નીતિઓ બનાવે. તેનું જ પરિણામ છે કે તેમનાં સિદ્ધાંતથી ઓછામાં ઓછાં દસ દેશોને ગરીબી ઘટાડવામાં મદદ મળી છે.

ત્યારે સવાલ એ થાય કે શું ભારત સરકાર તેમની નીતિઓ પર અમલ કરશે? એ સાચું કે ભારતમાં ગરીબી ધીરેધીરે ઓછી થઈ રહી છે, પણ એ બાબતની ગેરંટી નથી કે તેમનું જીવન ધોરણ સુધરી રહ્યું છે. અભિજીત બેનરજીનાં સિદ્ધાંતોને લાગુ કરવામાં આવે તો આરોગ્યથી લઈને શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને અંતે લોકોનું જીવનધોરણ ઉપર આવશે. પણ મુશ્કેલી એ છે કે તેઓ વર્તમાન સરકારની નાણાંકીય અને આર્થિક નીતિઓનાં સમર્થક નથી. આ સિવાય બીજી પણ અનેક બાબતો છે જે મોદી સરકારને માફક આવે તેમ નથી. તેઓ લોકસભા ચૂંટણી વખતે ન્યાય યોજના માટે રાહુલ ગાંધીને મદદ કરી ચૂક્યાં છે. તેમણે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું છે, જેને સત્તાધારી ભાજપ અને સરકારનાં લોકો પણ ટુકડે ટુકડે ગેંગનું હેડક્વાર્ટર માને છે. તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે, જેને ભારતનાં વડાપ્રધાન ભારે તિરસ્કારભરી નજરોથી જુએ છે અને માને છે કે તેમનું હાર્ડ વર્ક હાર્વર્ડ કરતાં ચડિયાતું છે.એવામાં એ સવાલ થવો વ્યાજબી છે કે આટલી બધી ખામીઓ જે વ્યક્તિમાં હોય, તેનાં સિદ્ધાંતને સરકાર દેશમાં લાગુ કરશે ખરાં?

ગમા-અણગમાને બાજુ પર રાખીને જોઈએ તો અભિજીતનાં સિદ્ધાંતથી દેશનાં કરોડો લોકોનું ભલુ થઈ શકે તેમ છે. આખરે ભારતથી વધુ ગરીબ દેશ ક્યાં મળશે અને આનાથી વધારે ગરીબી દૂર કરવાની જરૂર ક્યાં દેશને છે? અભિજીત બેનર્જીએ પોતાનાં સિદ્ધાંતોનું પરીક્ષણ ભારતમાં જ કર્યું છે માટે તેનાં ભારતમાં સફળ થવાની વધારે શક્યતા છે. એમાં કોઈ શંકા નથી કે અભિજીત બેનરજીનું દર્શન ગરીબી ઘટાડવામાં મદદરૂપ થશે. તેમણે એ તમામ બાબતોને પોતાનાં સિદ્ધાંતમાં સામેલ કરી છે જેની અત્યાર સુધી માત્ર ચર્ચા જ થતી રહી છે. જેમ કે, તેઓ માને છે કે ખેડૂતોને ખાતર પર સબસીડી આપવા કરતાં સારું છે કે તેમને સીધા રૂપિયા આપવામાં આવે. અનેક રાજ્યો અને કેન્દ્ર સરકારે પણ તેને અમલમાં મૂકી દીધી છે. ભલે તેને અભિજીત બેનરજીનો સિદ્ધાંત માનીને લાગુ ન કરવામાં આવી હોય, પણ તે અમલમાં છે.
અભિજીત માને છે કે સામાન્ય લોકો માટે એક લઘુત્તમ આવક સુનિશ્ચિત થવી જોઈએ. આ સૂચન પર અમલ કરીને કોંગ્રેસે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં દરેક ગરીબને વર્ષે 72 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. જો કે અભિજીત બેનરજીનું અસલ સૂચન વાર્ષિક 36 હજાર રૂપિયા દેવાનું હતું. તેઓ ખાતર, વીજળી કે અન્ય કોઈ ચીજવસ્તુ પર મળનારી બધી સબસીડી બંધ કરીને સામાન્ય માણસનાં ખાતામાં રૂપિયા જમા કરવાનો સિદ્ધાંત આપે છે, પણ તે પહેલાં એ સુનિશ્ચિત કરવા ચાહે છે કે લોકો સરકારની ડિલીવરી સિસ્ટમ પર ભરોસો કરે. એટલે કે લોકોમાં એ ભરોસો સ્થાપિત કરવામાં આવે કે સરકાર જેટલાં રૂપિયા કહી રહી છે એટલાં તેમનાં બેંક ખાતામાં કોઈપણ સંજોગોમાં પહોંચશે, તેમાં લીકેજ કે ગડબડ નહીં થાય. અભિજીત બેનર્જીનાં સિદ્ધાંતમાં પરિણામ પર ઘણું ફોકસ છે. તેઓ એ જાણવા માંગે છે કે, જે પણ સરકારી સહાય આપવામાં આવી અથવા નીતિઓ લાગુ કરાઈ તેનો કેટલો ફાયદો થયો. તેમણે આરસીટી(રેન્ડમાઈઝ્ડ કંટ્રોલ ટ્રાયલ) કર્યો તો તેમાં પણ આ બાબત પર ફોકસ હતું. તેમણે બે વર્ગનાં લોકોને પસંદ કર્યાં હતાં. જેમાંનાં એકને સરકારી સહાય આપવામાં આવી અને બીજાંને ન અપાઈ. પછી લાંબા સમય સુધી તેમણે બંને વર્ગનાં લોકોની સ્થિતિ પર સંશોધન કર્યું. આ બિલકુલ વૈજ્ઞાનિક પ્રયોગ જેવું હતું. તેનાં જ પરિણામોનાં આધારે તેમણે સબસીડીને બદલે સીધી આર્થિક સહાયની સલાહ આપી હતી. તેમનો સિદ્ધાંત જટિલ નહીં પણ વ્યાવહારિક છે, માટે સરકારે તેનાં પૂર્વગ્રહો છોડી દઈને દેશહિતમાં તેનાં પર અમલ કરવો જોઈએ.

Comments