જોઈ લે ભૂતકાળ મારા ભાગનો, ક્યાં હતો અવકાશ વાટાઘાટનો?
વિઠ્ઠલનો સ્વભાવ ભારે વિચિત્ર. લાગ મળ્યે શેરીમાં
આડા પડેલા કૂતરાંથી શરૂ કરી ડોશીઓ સુદ્ધાંને હેરાન કરવાનો મોકો છોડતો નહીં. કોણ
જાણે કેમ પણ સતત તેનું દિમાગ કોઈને ને કોઈને હેરાન કરવાની તક શોધ્યાં જ કરતું. સૌથી પહેલા શેરીમાં રખડતા કૂતરાં તેના આ
અળવીતરાં સ્વભાવનો ભોગ બનતા. એક બપોરે તેણે લીમડા નીચે આરામ ફરમાવતા મોતીયા
કૂતરાની બિલ્લીપગે જઈને પૂંછડી ખેંચી. અણધાર્યા એ હુમલાથી ભડકીને મોતીયાએ
કેંકેંકેં... એમ બરાડા પાડી ભરબપોરે આડા પડેલાં કેટલાયની ઊંઘ બગાડી. હડી કાઢતા
તેને જોઈને વિઠ્ઠલ દાંત કાંઢીને કાઢીને ગોટો વળી ગયેલો. સૌની માનીતી ઢેબલી કૂતરીને
તેના તોંકલી સ્વભાવનો પરચો મળ્યો નહોતો ત્યાં સુધી તે વિઠ્ઠલનાં ઘરનાં ઓટા પર જ
બેસી રહેતી. પણ એક દિવસ કશું હાથ ન લાગતાં વિઠ્ઠલે તેને ખભે ઉચકીને ગંદા પાણીની ખાડમાં
ઉલાળી દીધી. કોંકોંકોં..કરતી તે માંડ બહાર નીકળી ત્યાં વિઠ્ઠલે ફરી તેને લાત
મારીને ખાડમાં ધકેલી દીધેલી. બસ એ ઘડીને આજનો દિ, ઢેબલી વિઠ્ઠલના ઘરે બેસવાનું તો દૂર
આસપાસમાં તેની હાજરીની ગંધ પણ આવી જાય તોય બે પૂંછડી દબાવતી વેતી થઈ જતી. એક દહાડો
વિઠ્ઠલ છાનામાનાં પડોશી જીવીભાભીનાં રસોડામાં પેસી ગયો અને ચૂલે ચડેલાં દાળનાં
તપેલામાં એક મોટી ચમચી મીઠું ઉમેરીને ચૂપચાપ સરકી ગયો. બપોરે ભાણજીભાઈ જમવા બેઠાં
અને દાળ ચાખતા જ થૂંથૂં કરી ઉઠ્યાં. જીવીને પોતાની રાંધણકળા જબરો ભરોસો, એટલે
પોતાનાથી આવી ભૂલ થાય નહીં એ બાબતે તે મક્કમ હતી. એ તો બીજા દિવસે બપોરે વિઠ્ઠલે, ‘કાં ભાભી, કાલ દાળ બરાબર હતી ને?’ એમ ઈશારો કર્યો ત્યારે તેને મામલો સમજાયો.
ગુસ્સામાં તે ધોકો લઈને વિઠ્ઠલ પાછળ દોડી, પણ એ થોડો હાથમાં આવે!
શરૂઆતમાં તો પડોશીઓ સહિત ગામ આખું તેના વર્તનને છોકરમત
સમજી જતું કરી દેતું. પણ ઉંમર વધવા છતાં તેનાં પરાક્રમમોમાં ઓટ ન આવતાં છેવટે ગામલોકોની
ધીરજ ખૂટવાં લાગી. હવે તેની અળવીતરાઈ પકડાઈ જતી ત્યારે લોકો તેને બે-ત્રણ ચોપડાવી
દેતા. વિઠ્ઠલનાં માબાપ જેમતેમ કરીને આખો મામલો ઠંડો પાડતા ત્યાં તે નવી કોઈ
અવળચંડાઈ કરીને આવી જતો. એવી જ એક અવળચંડાઈમાં અજાણતા જ ગામના સૌથી ધનવાન એવા મંગળ
શેઠની દીકરી માધવી ઝપટે ચડી ગઈ. તે એક મિત્રના લગ્ન હોઈ તૈયાર થઈને જઈ રહી હતી.
વિઠ્ઠલ ત્યારે રસ્તે પસાર થતા લોકો પર છાનાંમાનાં પોદળો ઉડાડી રહ્યો હતો. આવો જ એક
ઘા માધવીનાં નવાનક્કોર ડ્રેસ પર આવીને પડ્યો. પોદળાંની વાસ તેના ડ્રેસ પર છંટાયેલા
સુગંધી અત્તર પર ભારે પડી ગઈ અને આખો ડ્રેસ ગંધાઈ ઉઠ્યો. વિઠ્ઠલ ત્યાંથી નાઠો પણ
ત્યાં સુધીમાં માધવીએ તેને ઓળખી કાઢ્યો હતો. વાયુવેગે આખી વાત મંગળ શેઠ સુધી
પહોંચી ગઈ. દીકરી પર પોદળો ફેંકનારને શોધવા તેઓ પોતે બે હજૂરિયા સાથે ગામમાં ફરી વળ્યાં.
અંતે ત્રણેક કલાકની રઝળપાટ પછી વિઠ્ઠલ અદેપાળની દેરી પાછળથી મળ્યો કે તરત શેઠના
હજૂરિયાઓએ તેને બરાબરનો ધોઈ નાખ્યો. ચોળાયેલા તેના શર્ટના બટન તો તોડ્યાં જ, સાથે
પેન્ટમાં પણ પૂંઠના ભાગે ચીરો મારી દીધો. ખીંખીખીં..કરતા હજૂરિયાઓ સાથે ગુસ્સે
થયેલાં શેઠ તો જતા રહ્યાં, પણ પછી ફાટેલાં પેન્ટ સાથે ગામઆખાની મશ્કરી સહન કરતાં
કરતાં વિઠ્ઠલે ઘરમાં ઘૂસવું અસહ્ય થઈ પડ્યું. આ એક જ બનાવે તેના મનરૂપી ખેતરમાં
બદલાંની આગ સળગાવી મૂકી.
હકીકતે વિઠ્ઠલથી અજાણતા જ માધવી પર પોદળો ઉડી
ગયેલો. એ તો તેની પડોશમાં રહેતી રંજન માટે ઉભો હતો, પણ તેના જેવા જ રંગનો ડ્રેસ
પહેરીને નીકળેલી માધવી ઝપટે ચડી ગઈ હતી. આ તરફ ગામલોકો તેની આવી હરકતો સામે ગાળો
દેવા, ધોલધપાટ કરવાં માંડ્યા હતાં છતાં તે તેને સહજતાથી લેતો હતો. કારણ કે તેમાં ઘડી-બેઘડીનો
રોષ હોતો જે થોડી જ વારમાં ઓગળી જતો. પણ શેઠે જે રીતે તેને અપમાનિત કર્યો હતો તેનો
ડંખ તેને સતત પીડ્યાં કરતો. સતત મનમાં ઘૂમરાતા અપમાનના વિચારોને અંતે તેણે બદલો
લેવાનું નક્કી કર્યું.
એક-બે મહિના વિતી ગયા. ગામલોકોની જેમ શેઠના
માનસપટ પરથી પણ એ બનાવ ભૂંસાવા માંડ્યો હતો. પણ બદલાની આગ ઠારવા મથતો વિઠ્ઠલ
પોતાનું આયોજન કર્યે જતો હતો. શેઠની બાજુના શહેરમાં મોટી કરિયાણાની દુકાન હતી.
જ્યાં મોડે સુધી કામ કર્યા બાદ તેઓ રાત્રે સાડા અગિયાર આસપાસ બજાજ સ્કૂટર લઈને ઘરે
આવતા. ત્યાં સુધીમાં પોણાં ભાગનું ગામ પોઢી ગયું હોય. વિઠ્ઠલે રેકી કરીને સમય
નોંધી લીધો અને એક સમી સાંજે હાઈવે પર છોકરીના કપડાં પહેરી સંતાઈ ગયો.
શિયાળાની હેમાળા જેવી રાત્રે આખો હાઈવે સૂમસામ
હતો. વગડાંમાં રહેતા જીવો તો ક્યારના પોઢી ગયેલા. માત્ર કાળુંધબ્બ અંધારું અને વિઠ્ઠલ
બે જ જાગતા હતા. થોડીવાર થઈ ત્યાં હાઈવે પર લાઈટ દોડતી આવતી દેખાઈ. વધુ થોડી
મિનિટો વીતી ત્યાં ખોખરા અવાજ સાથે બજાજનાં સ્પેરપાર્ટસ ખખડતા નજીક આવવા લાગ્યાં.
તરત કન્યા વેશે રહેલો વિઠ્ઠલ રસ્તા પર હાથ લંબાવીને ઉભો રહી ગયો. અગાઉ એક બે-વાર
તેણે શેઠને તેમનાં ઘેર કચરાંપોતાં કરવા આવતી ઝમકુ અને તેની કાચીકુંવારી સવલીને
અડપલાં કરતાં જોઈ લીધાં હતાં. ટુંકમાં રંગીનમિજાજી શેઠ વેરાન રાત્રે કોઈ પુરૂષને
જોઈને ક્યારેય સ્કૂટર ઉભું નહીં રાખે એમ સમજી ચૂકેલાં વિઠ્ઠલે જાણીજોઈને કન્યાવેશ ધારણ
કર્યો હતો.
થોડીવારમાં બજાજ નજીક આવીને ઉભું રહ્યું. હેલ્મેટ
પહેરેલાં શેઠે હાથ લંબાવીને ઉભેલી કન્યા વિઠ્ઠલને પાછળ બેસી જવા કહ્યું. સ્કૂટર
માંડ થોડું આગળ ચાલ્યું હશે ત્યાં આયોજન પ્રમાણે વિઠ્ઠલે શેઠને ટચલી આંગળી બતાવી સ્કૂટર
ઉભું રાખવા કહ્યું. શેઠે બ્રેક મારી એટલે વિઠ્ઠલને પોતાનો પ્લાન સફળ થતો લાગ્યો. નીચે
ઉતરી, ચણિયો હાથથી સહેજ ઉંચો પકડી તે શેઠને લલચાવતો રોડની બીજી તરફ વળ્યો. પણ
પાછું ફરીને જોયું તો શેઠ અને સ્કૂટર ગાયબ! વિઠ્ઠલને
ભરશિયાળે પરસેવો વળી ગયો. તેણે ગામ તરફ દોટ મૂકી. જેમતેમ કરીને અથડાતો કૂટાતો ઘરે
પહોંચ્યો ત્યાં સુધીમાં તેના મગજમાં ભયંકર તાવ ચઢી ગયો. સાંકળ ખખડાવી માંને જગાડી,
હનુમાનજીનું સ્મરણ કરતો ત્રણ ગોદડાં ઓઢીને ખાટલામાં પડ્યો. સવારે નવેક વાગ્યે જાગ્યો
ત્યારે ગામલોકો સ્મશાનેથી આવી રહ્યાં હતા. વિઠ્ઠલની માએ ફોડ પાડ્યો, ’ગઈકાલે રાત્રે શહેરથી ઘર તરફ આવતાં મંગળ શેઠનું
સ્કૂટર નાળાં પરથી નદીમાં ખાબક્યું ને શેઠ હાલી નીકળ્યાં..’
શીર્ષક પંક્તિઃ ભાવેશ ભટ્ટ ‘મન’



Comments
Post a Comment