મરીઝઃ ગળતા જામનો શાયર !
‘ગઝલના ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો, ભાષા વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં. માત્ર ઊર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે, જે તમારી સમક્ષ હાજર છે. સરળ કાફિયા, રદ્દીફનો મેં શરૂઆતથી જ આગ્રહ રાખેલો છે. એ જ પ્રમાણે ગઝલ જેનો ભાર ઊચકી શકે એવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો મેં હંમેશા જરુરી માન્યું છે..’ - પોતાના પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં મરીઝે ઉપર મુજબની વાત લખી છે. હવે આગળના શેર વાંચો,
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર
મિલનમાંથી નથી મળતાં મહોબ્બતના પુરાવાઓ
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરુર આવીશ
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે?
હું ખુદ અગર પીઉં તો ભયંકર ગુનો બને
આ દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે
દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર છે
કવિતા કદાચ અંતઃસ્ફુરણાની વાત છે. કવિ જેમ કવિતા રચે છે એમ કવિતા પણ કવિને સતત રચતી રહે છે. શાયર વિશે એમ કહેવાય છે કે તેને સમજવા માટે સજ્જતા કેળવવી પડે. શાયર કંઈક કેટલી વેદનાઓ, સંવેદનાઓ, સ્પંદનોમાંથી પસાર થાય ત્યારે શેર બને અને સચ્ચાઈ-અચ્છાઈના અરીસામાં સ્પષ્ટ ચિત્ર ઉપસે ત્યારે શાયરનો શેર શાશ્વત બની આકર્ષે.
શાયરી વિશેનો આ માપદંડ મરીઝ સિવાયના શાયરો માટે હોઈ શકે. કેમ કે, એક સર્જક તરીકે મરીઝના શેરો-શાયરી આવી અનેક વ્યાખ્યાઓને અતિક્રમી જાય છે.
હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં
‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શકતી
મરીઝના શેરના આસ્વાદ બાદ તેના વિશે જેટલું પણ લખાય તે ભારતે ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ જીત્યા બાદની ચર્ચાથી વિશેષ ન હોય. છતાં આ ઉત્કૃષ્ટ સર્જકની જન્મ શતાબ્દી નિમિત્તે તેના સર્જન ઉપરાંત હાજરજવાબીપણું, રમૂજવૃત્તિ, ઉપેક્ષા, પ્રિયજન જેવા રસપ્રદ પાસાઓની વાત કરવા જેવી છે.
૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ સુરતના દાઉદી વ્હોરા કુટુંબમાં જન્મેલા અબ્બાસ અબ્દુલ અલી વાસીને નાનપણથી ભણવામાં રસ નહીં. બે ચોપડી ભણ્યો કે તરત પિતાએ મુંબઈ કમાવા મોકલી આપ્યો. એક રબરની ફેક્ટરીમાં કામ શરુ કર્યું, પણ મનમોજી અબ્બાસને આ બધું ગમતું નહીં. છેવટે મૂકી દીધું અને પત્રકારત્વ શરુ કર્યું. એમાંથી આગળ જતા શેરો-શાયરી લખવા માંડી. એ રીતે અબ્બાસ અલીમાંથી ગુજરાતી ગઝલને ‘મરીઝ’રૂપી કોહિનૂર સાંપડ્યો. એ શાયર જેણે પોતાના અફલાતૂન સર્જનથી ગુજરાતી ગઝલની બંજરભૂમિને રળિયાત કરી દીધી.
અંદાઝ-એ-મરીઝ
એક મહાન શેરની નિશાની શું હોય ? એક તો તમારી જિંદગીમાં કશુંક બનતું હોય અને તમને શેર યાદ આવે, અને બીજું, શેર વાંચો અને તમને તમારી જિંદગીની કોઈ ઘટના યાદ આવે ! મરીઝના અપરંપાર શેરોમાં આવું બનતું હોય છે. મરીઝનો માનવમન વિશેનો અભ્યાસ અભૂતપૂર્વ છે. એવો અભ્યાસ જ્વલ્લે જ કવિઓમાં જોવા મળે. ફૈઝ અહેમદ ફૈઝ, ગાલિબ, શેક્સપિયર, ટાગોર, રિલ્કે જેવા વિશ્વસ્તરના કવિઓની ખાસિયત મુખ્યત્વે એ જોવા મળે છે કે માનવમનનો તેમનો ઊંડો અભ્યાસ હોય છે. જે એમની રચનાઓમાં પણ છલકાતો હોય છે. આ બાબત મરીઝની રચનાઓમાં પણ દેખાઈ આવે છે.
એનાથી તો સરસ તારી અવહેલના હતી
આ તારી આંખમાં જે ગલત આવકાર છે
અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત,
કે કોઈ ન સમજે આ સુખી છે કે દુઃખી છે
ગુજરાતી રંગભૂમિના આલા દરજ્જાના કલાકાર અને મરીઝના અઠંગ બંધાણી સૌમ્ય જોષી કહે છે, ‘મારી નજરે મરીઝ મહાન દ્રષ્ટિ ધરાવતા વિશ્વ કવિ છે. જેની નજર માનવીય સંવેદનાઓની નાનામાં નાની, સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્વિધા સુધી પહોંચે છે. એટલે માનવીય મનના અકળ ઊંડાણો એ તાગી શકે છે. એમાં પ્રેમ હોય, સંબંધો હોય, ગરીબી હોય, દુઃખ હોય કે ખુશી. બીજી બહુ અદ્દભૂત વસ્તુ મરીઝની ગઝલોમાં જોવા મળે છે તે છે સહજતા. જેમ કે, ‘બધાને પ્રેમ કરવા જન્મ લીધો મેં, વચમાં આપ જરાક વધારે ગમી ગયા..’. આટલી ઊંડી અને જટિલ વાત છતાં કહેવાની રીતમાં અદ્દભૂત સરળતા મરીઝ જ લાવી શકે. મરીઝ દુઃખમાં પણ હસતો કવિ હતો. એ ક્યારેય દુઃખના રોદણાં નથી રોતો. જમાનાને ગાળો આપવી જેવા ગઝલના કેટલાક આયામો છે એવું પણ મરીઝ નથી કરતો. દુઃખમાં હસતાં હસતાં એની વાત કરે છે. જે મરીઝના વ્યક્તિત્વની સૌથી મોટી વાત છે. કહેવાતા કવિઓને ગૂંચની ટેવ છે. જ્યારે સરળતામાં ગૂંચ નથી મળતી ત્યારે એમને સમજણ નથી પડતી કે સરળ કવિતા પણ મહાન હોઈ શકે. એક વાક્યમાં જો મારે કશું કહેવાનું હોય તો મરીઝ વિશે કંઈ નહીં પણ ગાલિબ વિશે કહીશ, કે ‘ગાલિબ એ ઉર્દુનો મરીઝ છે’. મરીઝ ગુજરાતનો ગાલિબ નથી !’
મરીઝ સાહેબની ૨૦થી વધુ ગઝલ અને નઝમને દરેક ગુજરાતીઓના ઘર-ઘર સુધી પહોંચાડનાર સુપ્રસિદ્ધ ગાયક મનહર ઉધાસ મરીઝના સર્જન વિશે કહે છે, મરીઝની ગઝલોના શેર સરળ હોવા છતાં તેમાં ઊંડાણનું તત્વ ભારોભાર હોય છે. જેમ કે, ‘હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ..’. મને યાદ છે ગુજરાતી ગઝલનું મારું પહેલું આલ્બમ તૈયાર થઈ રહ્યું હતું ત્યારે તેના ટાઈટલને લઈને મારા મનમાં બહુ દ્વિધા હતી. લાંબો વિચાર કર્યા બાદ અંતે મને મરીઝ સાહેબનો ગઝલસંગ્રહ ‘આગમન’ યાદ આવ્યો. મને ક્લિક થયું કે મરીઝ જેવા અફલાતૂન શાયરના ગઝલસંગ્રહનું નામ ‘આગમન’ છે એટલે આપણે પણ આપણા પહેલાં આલ્બમનું નામ ‘આગમન’ જ રાખવું છે. મને ગર્વ છે કે મરીઝ જેવા ગુજરાતી ગઝલવિશ્વના સર્વકાલીન મહાન શાયરની રચનાઓને કંઠ આપવાનો મને મોકો મળ્યો છે.
![]() |
| સૌમ્ય જોષીનાં મતે ગાલિબ એ ઉર્દુનો મરીઝ છે’, મરીઝ ગુજરાતનો ગાલિબ નથી !’ |
![]() |
| જિજ્ઞેશ મેવાણીનાં કહેવા મુજબ. તેઓ એક ડઝન જેટલાં એવાં લોકોને ઓળખે છે જેમણે મરીઝનાં સર્જનને પોતાને નામે ચડાવી દીધું હોય. |
![]() |
| મનહર ઉધાસને ગર્વ છે કે તેમને ગુજરાતી ભાષાનાં સર્વકાલીન મહાન શાયર એવાં મરીઝની ગઝલોને કંઠ આપવાનો મોકો મળ્યો. |
મરીઝના અન્ય એક ગાંડપણની હદના ચાહક એટલે જિજ્ઞેશ મેવાણી. જાહેર જીવનમાં દલિત સમાજના નેતા તરીકેની છાપ ધરાવતા જિજ્ઞેશની બીજી અને કદાચ એનાથી પણ મોટી ઓળખ મરીઝના ચાહક અને સંશોધક તરીકેની છે. ૨૦૦૪માં ‘અભિયાન’ની મુંબઈ ઓફિસે પત્રકાર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ મેવાણીએ મરીઝ વિશેની ઝીણામાં ઝીણી વિગતો મેળવવા તનતોડ મહેનત કરી હતી. જેમાંથી તેમને બહુ મોટો ખજાનો મળી આવ્યો છે. જિજ્ઞેશ મેવાણી મરીઝના સર્જનને બહુ ઝીણવટપૂર્વક વર્ણવતા કહે છે, 'મરીઝ માનવ હૃદયમાં પેદા થતા સૂક્ષ્માતિ સૂક્ષ્મ ભાવને સહજતા, સરળતા, નિખાલસતાથી વ્યક્ત કરે છે. તમારા હૃદયના ખૂણામાં પડેલા એક એવા અણુને જઈને મરીઝ ટપલી મારે, સ્પર્શે કે તમને એમ જ લાગે કે બોસ, આ મારી જ વાત છે ! આ ‘મારી જ વાત છે’ વાળી વાત જે તીવ્રતાથી મરીઝ તમને ફીલ કરાવે કે તમે ઝૂમી ઉઠો.'
નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી
આયખાના આઠ દાયકા પસાર કરી ચૂકેલા મરીઝના જિગરી દોસ્ત અને સમકાલીન ગઝલકાર જલન માતરી સાહેબની આંખો મરીઝનું નામ પડતાં ઝૂમી ઉઠે છે. મરીઝ સાથે પ્રથમ મુલાકાત વર્ણવતા તેઓ કહે છે, ૧૯૬૦માં અમદાવાદના ટાઉનહોલમાં એક મોટા મુશાયરામાં અમે મળેલા. શૂન્ય પાલનપુરી, બેફામ, સૈફ પાલનપુરી, ગની દહીંવાલા, અમૃત ઘાયલ, નિસાર અહેમદ શેખચલ્લી(હાસ્યકાર), બેકાર સાહેબ સૌ હાજર. આ મારો પહેલો જાહેર મુશાયરો હતો અને હું જુનિયર કવિ હોવાથી વચ્ચે વચ્ચે એકાદ શેર કહેવા માંડ મળતો. છતાં મને ભારે દાદ મળેલી અને એમાં મરીઝે સૌથી વધુ વખાણ કરેલાં. આ મુશાયરા પછી જ હું એક શાયર તરીકે પ્રસ્થાપિત થયો અને અમારી દોસ્તી જામી. પછી તો જ્યારે પણ મુશાયરામાં મુંબઈ જવાનું થતું ત્યારે મરીઝ મને રેલવે સ્ટેશને લેવા અને મૂકવા આવતા. એકવાર મને મળ્યાં તો કહે ‘તું મને શું સમજે છે ?’ મે કહ્યું, ‘હું તમને મરીઝ સમજુ છું’. તો તેઓ ખુશ થઈ ગયાં. એનું કલામ જ આલાગ્રાન્ડ. એ બે ચોપડી ભણેલો માણસ. ભાષા, વ્યાકરણ, જોડણીનું ઠેકાણું નહીં, એ માણસ ગઝલ લખે અને એ પણ આટલી ઊંચી ! એણે કદી પંડિતાઈ બતાવવા પ્રયત્ન નથી કર્યો. લોકો સુધી પહોંચવા તેણે ફૂલ જ લખ્યું છે, પુષ્પ કે કુસુમ નહીં.
શરાબની લતવાળી વાતમાં તથ્ય કેટલું ?
મરીઝની વાત નીકળે અને શરાબની વાત ન થાય તેવું શક્ય નથી. તુંડે તુંડે મત્તિ ભિન્નાની જેમ મરીઝની આ ટેવ વિશે પણ મોઢાં એટલી વાતો થાય છે. પણ મરીઝને જાણનારાઓનો મત રૂઢ થઈ ગયેલી વાતો કરતા જુદો પડે છે. ‘મરીઝ’ નાટકના નિર્માતા-નિર્દેશક મનોજ શાહ કહે છે, મરીઝ વિશે એક છાપ પડી ગઈ છે કે તે શરાબની લતે ચડી ગયા હોવાથી ઘરમાં ધ્યાન નહોતા આપતા. પણ એ ખોટી વાત છે. તે ઘર પણ સારી રીતે ચલાવતા હતા. પોતાનાં સર્જનની સતત ઉપેક્ષાને કારણે ગઝલ વેચવી એમની મજબૂરી હતી. ત્રણની જગ્યાએ પાંચ ગઝલ લખી આપતાં અને પાંચને બદલે સાત રૂપિયા મળતાં. જેમાંથી સાડા છ રૂપિયા ઘરે આપતા અને આઠ આનાનો શરાબ પીતા. એટલે મરીઝ વિશે જે વાતો થાય છે તે સત્ય નથી. આ તો આપણી અણઆવડત છે કે તેમને આપણે ઓળખી ન શક્યા. નિત્શેને આપણે ગાંડો કહેલો, વાન ગોગને ધર્માંધ કહેલો એ રીતે મરીઝને શરાબી કહીને વખોડી કાઢ્યાં. મરીઝે અવિરત, એકધારો, આજીવન, બેફામ શરાબ પીધો એ હકીકત છે, પણ એ માત્ર સાકી-સૂરાનો કવિ નથી. વળી આ બાબત મરીઝે ક્યારેય છુપાવી નથી. ‘મેં મારા સંજાગોને મારું મુકદ્દર થવા દીધું છે’ એવું તે પ્રમાણિકતાપૂર્વક કહે છે. એટલે આ ફાલતું દુનિયા મારા જેવી પ્રતિભાને મારો હક નથી આપતી એવું રોદણું એ ક્યારેય નથી રોતાં.
| મનોજ શાહનાં મતે ગુજરાતીનાં કહેવાતા વિદ્વાનો, વિવેચકોની સૂગનાં કારણે આપણને મરીઝ નામનો કોહીનૂર સાંપડ્યાંની અનુભૂત કદી થઈ જ નહીં. |
મરીઝઃ એક અવગણાયેલો હીરો
આમ તો આ દરેક મહાન માણસ માટે વપરાતું વાક્ય છે. પણ મરીઝના મામલે તે જરાક વધારે પડતું જ સાચું છે. આટલો ઉત્કૃષ્ટ, બેમિસાલ, અદ્વિતીય શાયર આટલું જબરદસ્ત સર્જન મૂકીને ગયો છે. છેક ૧૯૮૩માં ગુજરી ગયો અને આપણે એના વિશે કંઈ જાણતા નથી! યુવાન મરીઝનો એક ફોટો જોવા ન મળે! એક વિડીયો ક્લિપ ઉપલબ્ધ ન હોય! આટલી બધી ઘોર ઉપેક્ષા કેમ આ માણસની ?
મરીઝ કઈ હદે ઉપેક્ષિત રહ્યાં તેનું સૌથી મોટું ઉદાહરણ ‘મરીઝ’ નાટકનાં નિર્માતા-નિર્દેશક મનોજ શાહ પાસે પડ્યું છે. જ્યારે નાટક રજૂ થવા જઈ રહ્યું હતું ત્યારે લોકો પૂંછતા કે, ‘મરીઝ’ એટલે શું? કોઈ બિમાર માણસનું નાટક છે? સામે પ્રતિક્રિયામાં હું મૂઢ થઈને આવા લોકોની અજ્ઞાનતાને વંદન કરતો. પણ મને એનો અફસોસ ન થતો. કારણ કે મરીઝની આખી જિંદગી આવી ભયંકર ઉપેક્ષામાં જ વીતી હતી. ગુજરાતી સાહિત્યના મુખ્યધારાનાં કહેવાતા સાક્ષરો, વિદ્વાનો, વિવેચકોની ગઝલનાં સાહિત્ય સ્વરૂપ પ્રત્યેની સૂગના કારણે મરીઝ નામનો બેનમૂન કલાસર્જક આપણે પામ્યાં છીએ એની અનુભૂતિ આપણને થઈ નહીં. શક્ય છે આ ઉપેક્ષા પણ ગઝલો વેચવા પાછળનું એક કારણ હોય.
‘તબીબ’ અને તકસાધુઓ
જૂનું એટલું સોનું જેમ એક સદી બાદ મરીઝની ગઝલો તેના ચાહકોમાં લોકપ્રિય ખરી. પણ એક હકીકત એ પણ છે કે ગુજરાતીના મુખ્યધારાનાં સાહિત્યમાં એ વખતે મરીઝનાં સર્જનને સ્થાન નહોતું. પરિણામે સોનાંની લગડી જેવી ગઝલો ઘર ચલાવવા મરીઝે વેચવી પડેલી. બહુ જાણીતો એક પ્રસંગ જલન માતરી સાહેબ યાદ કરતાં કહે છે, ‘એકવાર મુંબઈમાં હું રાત્રે મુશાયરો પતાવીને હોટલ અનૂકુલમાં રોકાયો હતો. બીજાં દિવસે વહેલા છ વાગ્યે મરીઝ આવ્યા. કહે, ‘પાંચ ગઝલ લખવાની છે તું મદદ કર’. મે પહેલા તો ના પાડી પણ તેણે કહ્યું કે મારે પૈસાની જરુર છે. એટલે બે ગઝલ મેં લખી અને ત્રણ તેમણે લખી. પછીથી ખ્યાલ આવ્યો કે ચંદ્રશેખર ઠક્કુર નામના મુંબઈના એક જ્યોતિષીએ રૂ. ૨ હજારમાં મરીઝની ગઝલો ખરીદી ‘દર્દ’ નામથી પોતાના નામે ગઝલસંગ્રહ પ્રકાશિત કર્યો હતો. ગઝલનો પ્રાસ ન તૂટે તે માટે ‘મરીઝ’ની જગ્યાએ પોતાનું ઉપનામ ‘તબીબ’ રાખ્યું હતું. દરમિયાન મુંબઈ સમાચારમાં કામ કરતા શૂન્ય પાલનપુરીને આખી ઘટનાની જાણ થઈ. ગુસ્સે ભરાયેલા શૂન્યે આખાં મામલે સ્ટોરી લખી. પછી તંત્રી દ્વારા ચંદ્રશેખર ઠક્કુરને ઓફિસમાં બોલાવ્યા. આખી મેટર વાંચવા આપી અને કહ્યું કે, ‘આવતીકાલે આ છાપવાનો છું.’ વાંચીને ચંદ્રશેખર રડવા જેવા થઈ ગયા, માફી માગવા લાગ્યા. શૂન્ય પાલનપુરીએ કહ્યું, ‘તમે અત્યારે જ એક ખુલાસો લખીને જાહેર કરો કે મારી ભૂલ થઈ ગઈ છે અને મારી તમામ ગઝલો મરીઝે લખેલી છે’. ચંદ્રશેખર કબૂલ થયો અને બીજા દિવસે માફીનામું છપાયું. અને આમ મરીઝની ગઝલો પાછી મળી. એ રાત્રે આયોજિત મુશાયરામાં શૂન્ય પાલનપુરી બોલ્યાં,
થયો રકાસ પ્રેમનો, વફાની આબરુ ગઈ
પીતા બધા થઈ ગયા, શૂરાની આબરુ ગઈ
‘મરીઝ’ બની ગયા ‘તબીબ’ અને પતી ગયો ઈલાજ
રહી ના શાન ‘દર્દ’ની, દવાની આબરુ ગઈ
![]() |
| જલન માતરી સાહેબનો મિત્ર મરીઝનાં પુસ્તક સાથેનો દુર્લભ ફોટો |
![]() |
| જલન સાહેબને તેમનાં પ્રથમ ગઝલસંગ્રહની પ્રસ્તાવના મરીઝ ન લખી શક્યાંનો અફસોસ કાયમ રહ્યો હતો. |
આવી જ કેટલીક માહિતી જિજ્ઞેશ મેવાણીને પોતાના સંશોધન દરમિયાન મળી આવી છે. તેમનો દાવો છે કે, મરીઝની ગઝલો પોતાને નામે ચડાવી દેનારા બીજા એક ડઝનથી વધુ લોકોના નામ તેમની પાસે છે. આમાંના પાંચ છ લોકોને તેઓ રુબરુ મળી ચૂક્યા છે. તેમનો દાવો છે કે મરીઝને શરાબની લત ન હોત અને ગઝલો વેચી ન હોત તો ‘આગમન’ અને ‘નક્શા’ જેટલું બીજું સાહિત્ય તે રચીને ગયા હોત. જિજ્ઞેશ કહે છે,'મને એવા અનેક પુરાવા હાથ લાગ્યા છે જેમાં લખાણ મરીઝનું હોય પણ છપાયું બીજાના નામે હોય. કેટલાક શેર ‘આગમન’ કે ‘નક્શા’માં પ્રકાશિત થયા હોય અને બાકીના અમુક લોકોએ ખરીદીને પોતાના નામે ચડાવી દીધાં હોય.' આ સંશોધન પ્રક્રિયા દરમિયાન તેમને મરીઝની એક ઉર્દૂ ગઝલ અને એક ઉર્દૂ શેર ઉપરાંત મરીઝના ૩૦ નવા શેર મળી આવ્યા છે.
| ધર્મેન્દ્ર ગોહિલ મરીઝનાં પાત્રમાં |
રબાબઃ મરીઝના સર્જનનું મૂળ
હવે કોઈ ગમે તે કહે આ હુનર બાબત
કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત
કલાનું હાર્દ હોય છે ફક્ત નિખાલસતા
હો દાસ્તાન દિલની કે હો નજર બાબત
હૃદયનું રક્ત, નયના ઝરણ ને જીવનનો નિચોડ
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત
દરેક મહાન પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે વાળી માન્યતા મરીઝના કિસ્સામાં પણ એટલી જ સાચી ઠરતી જણાય છે. બહુ ઓછા લોકો મરીઝના સર્જનનાં મૂળમાં રહેલા તેમના પ્રિયજન 'રબાબ' વિશે જાણે છે. મરીઝે તો રબાબનું નામ દરેક શેરમાં વણાયેલું હોય એવી એક ગઝલ પણ લખી છે. જો ઉપર આપેલી રચનામાંથી મરીઝના પ્રિયજનનું નામ શોધી કાઢો તો તમે મરીઝના ખરા ચાહક.
નામ એમનું રબાબ ચીબા. મુંબઈના ભાયખલ્લા વિસ્તારમાં રહે. જાણીતા શાયર નઝીર ભાતરીનાં બહેન રબાબ એ જ મરીઝના ઉત્કૃષ્ટ સર્જનનું કેન્દ્રબિન્દુ. ઉપરની આખી ગઝલની રચના મરીઝે એવી રીતે કરી છે કે દરેક શેરના અંતમાં રબાબનું નામ વણાયેલું છે. જેમ કે પહેલા મક્તામાં હુનર બાબત – (હુનરમાંથી હુન અને બાબત માંથી બત છોડી દો એટલે નામ સામે આવે રબાબ !)
![]() |
| આગમન - મરીઝનો પ્રથમ ગઝલસંગ્રહ |
રબાબ ચીબાને રુબરુ મળવાનો દુર્લભ અવસર ફક્ત સૌમ્ય જોષી અને જિજ્ઞેશ મેવાણી એમ બે જ વ્યક્તિને મળ્યો છે. ‘અભિયાન’ના પત્રકાર તરીકેની નોકરી દરમિયાન જિજ્ઞેશ મેવાણી પ્રથમ વ્યક્તિ હતા જે રબાબને રૂબરૂ મળ્યાં હતાં. આખો અનુભવ તેમના જ શબ્દોમાં, ‘એકવાર વાતવાતમાં મરીઝના પુત્ર મોહસીનભાઈએ રબાબ જીવે છે તેમ કહ્યું. એટલે મેં તેમની શોધ કરવાનું નક્કી કર્યું. પણ મુંબઈ જેવા મોટા શહેરમાં તેમને કેવી રીતે શોધવા ? કોઈ જગ્યાએથી માહિતી મળતી નહોતી. મરીઝને જાણતા કેટલાક વૃદ્ધોને મળ્યો એટલે ખબર પડી કે રબાબની અટક ચીબા છે. ચીબા બહુ જાણીતી અટક નહીં એટલે અંદાજ માર્યો કે બહુ વધારે લોકો નહીં હોય. એટલે મહારાષ્ટ્ર ટેલિફોન સર્વિસ પર ફોન કરી ચીબા અટક ધરાવતા લોકોના નંબર મેળવવા શરુ કર્યાં. નંબર મેળવવા માટે એક જુઠ્ઠાણું ચલાવ્યું કે ચીબા અટક ધરાવતા દરેકના નંબર આપો. તેમના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું છે. પચ્ચીસેક વખત આવી રીતે ટેલિફોન સર્વિસ પર વાત કરતાં કરતાં જે નંબરો મળ્યાં તેના પર વાત કરવી શરૂ કરી. કેટલીય અસફળતા બાદ થાક્યાં હતા ત્યાં મુંંબઈનાં ભાયખલ્લા વિસ્તારનો એક નંબર મળી આવ્યો, લગાવ્યો. દરેક વખતની જેમ પૂંછ્યું, રબાબ ચીબા સાથે વાત થઈ શકે ? સામેથી પ્રત્યુત્તર આવ્યો ‘હા બોલું છું’ અને હું થીજી ગયો !! મરીઝના અનેક અફલાતૂન શેરના સર્જનના મૂળમાં રહેલા રબાબ પોતે ફોન પર હોય એવી તો કલ્પનાયે ક્યાંથી હોય! સમય જાણે થંભી ગયો હતો. જેમ તેમ કરીને આવેગો પર કાબૂ મેળવી એ જ સાંજે મળવા પહોંચ્યો. બારણે પહોંચીને ટકોરા દીધાં ત્યાં મરીઝે લખેલો શેર યાદ આવ્યો કે ‘આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે..’. તેમના કોઈ સગાંએ બારણું ખોલ્યું અને એક રૂમ તરફ મને દોરી ગયા. જ્યાં એક ૮૦-૮૫ વર્ષના બાનુએ મને આવકાર્યો. ધન્ય ક્ષણ હતી એ ! મરીઝના સર્જનના મૂળ સામે હું બેઠો હતો.
મરીઝનો વ્યંગ અને હાજરજવાબીપણું
સૌમ્ય જોષીએ શરૂઆતમાં જ કહ્યું છે કે મરીઝ માનવમનના અકળ ઉંડાણોમાં ખૂંપી ગયેલો કવિ છે. એટલે જ તેમના જીવનમાં ધારદાર વ્યંગ કરતા અનેક પ્રસંગો મળી આવે છે. આવો જ એક પ્રસંગ એક મુશાયરામાં બનેલો. મરીઝ કઈ હદે શીઘ્ર કવિ હતા અને શેરો-શાયરીમાં તેમની સામે બાથ ભીડવી કેટલી મોંઘી પડતી તેનો મોજ કરાવે તેઓ એક પ્રસંગ જલન માતરી સાહેબ યાદ કરતાં કહે છે, 'એક મુશાયરામાં એક જાણીતા કવિના બેત્રણ શેર ગમી જતા મરીઝે દાદ આપી. પણ ઘમંડી કવિ મરીઝની દાદને સલામ કરી સ્વીકારતા નહોતા. એ કવિને દરેક વાત શાયરાના અંદાઝમાં કરવાની ટેવ હતી. એટલે સામસામે શાયરાના અંદાઝમાં જ વાતચીત શરુ થઈ.'
કવિઃ મને ટેવ છે
મરીઝ: શાની ટેવ છે ?
કવિઃ સરસ કવિતા લખવાની.
મરીઝઃ મને પણ ટેવ છે
કવિઃ શાની ટેવ છે ?
મરીઝઃ ખોટી દાદ આપવાની !
કવિ સમસમી ગયા. આ બાજુ મુશાયરામાં હાજર મરીઝનાં ચાહકોને તો જલસો પડી ગયો હતો. તેમણે તાળીઓથી આખો હોલ ગજવી મૂક્યો. પછી મરીઝનો વારો આવતા કવિએ તેમની ઠેકડી ઉડાવવી શરૂ કરી. પણ મરીઝ જેનું નામ! તે તૈયાર જ હતા. મરીઝે એક શેર કહ્યો કે તરત કવિ કટાક્ષમાં બે ત્રણ વાર બોલ્યા, ‘આ સરસ શેર છે’
મરીઝ કહેઃ ‘મારી ગઝલનો મામૂલી શેર છે’
કવિઃ ‘અચ્છા, તો તમે મામૂલી ગઝલ લખો છો’
મરીઝ કહેઃ ‘તમારા જેવા શ્રોતાઓ માટે !’
અને મરીઝના ચાહકો ખુરશી પર કૂદકાં મારવા લાગ્યાં.
'મરીઝ'ની વસમી વિદાય
‘મરીઝ કહેતા કે તારા પુસ્તકની પ્રસ્તાવના હું લખીશ. મે પણ તેમ જ કરવા ધારેલું. મને આ બાબતનો બહુ ગર્વ થતો કે મરીઝે મારા પુસ્તકની પ્રસ્તાવના સામેથી માંગી છે...’ - ૮૫ વર્ષના જલન માતરી સાહેબ પોતે આલા દરજ્જાનાં શાયર હોવા છતાં તેમની વાતમાં મરીઝ સતત આવ્યા કરે છે. મરીઝની વાત કરતા તે થાકતા નથી. પણ એક પ્રસંગ યાદ કરતા જ ‘શ્રદ્ધાનો હો જો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી’ના શાયરની આંખો ભીની થઈ જાય છે. ‘અમદાવાદના મારા ઘરેથી પુસ્તકની પ્રત તૈયાર કરીને હું મુંબઈ મરીઝનાં સરનામે મોકલવા આંગડિયાવાળાને આપવા જતો હતો. ત્યાં જ મારા એક સંગીતકાર મિત્ર મળી ગયા. તેમણે કહ્યું, ‘કુછ સુના ?, મરીઝ સાહબ કા ઈન્તકાલ હો ગયા!’ મારા હાથમાંથી ગઝલની પ્રતો નીચે પડી ગઈ અને રસ્તા વચ્ચે જ હું બાળક જેમ રડી પડ્યો. ઘણા સાહિત્યકારોએ મારા માટે લખ્યું, પણ મરીઝ મારા માટે ન લખી શક્યા તેનો રંજ કાયમ રહેશે.'
મનહર ઉધાસ કહે છે, 'ઘણીવાર હું મરીઝ સાહેબની ગઝલો એમની સમક્ષ પણ ગાતો. ક્યારેક કાર્યક્રમ પુરો થયા બાદ મરીઝ સાહેબ મને મળીને કહેતા, ‘તું એક કામ કરને, તારો આ અવાજ અને ચહેરો મને આપી દે ને! એટલે હું મારી ગઝલોને આમ તારી જેમ જ શ્રોતાઓ સમક્ષ રજૂ કરી શકું.’ ત્યારે મને જીવ બળતો. આજે જ્યારે જ્યારે પણ હું લાઈવ કાર્યક્રમ દરમિયાન મરીઝ સાહેબની રચના ‘હું ક્યાં કહું છું આપની..’ ગાવાનું શરુ કરું ત્યાં લોકો મારી પહેલાં ગાવું શરુ કરી દે છે! એ ક્ષણે મને થાય કે, આ સમયે જો આ ગઝલનાં રચયિતા શાયર કાર્યક્રમમાં હાજર હોત અને જોતા હોત કે લોકો એમની ગઝલને કઈ હદે ચાહે છે, તો તેમને કેટલો બધો આનંદ થાત!
મુખ્યધારાનાં ગુજરાતી સાહિત્યમાં મરીઝની જે કદર થવી જોઈએ તે કહેવાતા કવિઓ, સર્જકોની કાવ્યસમજની મર્યાદાને કારણે નથી થઈ એટલું તો સમજાય તેવી બાબત છે. આટલી અવગણના છતાં મરીઝની મોહિની યથાવત છે. મરીઝના ‘આગમન’ની આઠમી આવૃત્તિ થઈ હોવા છતાં બજારમાં ઉપલબ્ધ નથી એ તેની સાબિતી છે. કહેવાતા સાહિત્યકારોએ મરીઝના સર્જનને ભલે મુખ્યધારામાં ભળવા ન દીધું. પણ તેનાથી મરીઝે સર્જેલાં ગઝલવિશ્વની ઊંચાઈ જરાય ઘટતી નથી. મરીઝની ૧૦૦મી જન્મજયંતિ હોવા છતાં કોઈ માહોલ નથી. જે સાહિત્ય પરિષદ અને અકાદમીઓની વૈચારિક સાહિત્યિક દરિદ્રતા નથી સૂચવતી? મરીઝે અનેક દુઃખો વચ્ચે પોતાનું જીવન જ ગઝલ જેવું બનાવી દીધું હતું અને એટલે જ એ કહી શકે,
બુલંદી પર રહીને હું સદા હસતો જ રહેવાનો
ભલે મારી સિતારા જેમ ગણના થઈ નથી શકતી
મરીઝ સાહેબની જન્મશતાબ્દિ પ્રસંગે 'અભિયાન'માં પ્રકાશિત એક્સક્લૂઝિવ કવર સ્ટોરી




















મરીઝ સાહેબ ની ખૂબ જ સરસ માહિતી મળી એ બદલ આભાર.
ReplyDelete