કાયદાની હાજરી છતાં દલિતો, આદિવાસીઓ પર વધતા અત્યાચારો શું સૂચવે છે?
એસસી-એસટી પર અત્યાચારની હિંસક ઘટનાઓ બંધારણ અને કાયદાની મજાક તો ઉડાવે જ છે, સાથે એ પણ સાબિત કરે છે કે આજે પણ આપણે જાતિ, વર્ણ અને લિંગનાં ભેદભાવ ધરાવતા સમાજમાં રહીએ છીએ. આવા કેસોમાં ગુનેગારોનો ઈરાદો કાયદો તોડવાનો નથી હોતો. તેનાં સાચાં કારણો આપણાં સામાજિક, ધાર્મિક અને રાજકીય માળખામાં પડેલાં છે.
આઝાદીના
સાત દાયકા પછી પણ દેશમાં દલિતો-આદિવાસીઓની સતામણી બંધ નથી થઈ. છાશવારે દેશનાં
કોઈને કોઈ ખૂણેથી તેમનાં પર સતામણીનાં સમાચારો છાપા, ન્યૂઝ ચેનલો થકી સામે આવતાં
રહે છે. તેમની સાથે ઘટતી આવી હિંસક ઘટનાઓ અમુક દિવસ મીડિયામાં ચમક્યાં બાદ અદ્રશ્ય
થઈ જાય છે. ગુજરાતમાં હાલમાં ઘટેલી એક પછી એક ઘટનાઓમાં પણ આવું જ થયું છે. હજુ મહિના પહેલાં જ ઉનાકાંડની ઘટનાને ત્રણ વર્ષ પૂરાં થયાં છે, ત્યાં સમાચાર આવ્યાં હતાં કે માંડલનાં વરમોર ગામે દરબાર યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત
યુવકને યુવતીનાં ભાઈ અને પિતાએ મળીને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. અભયમ
હેલ્પલાઈનની મદદ માગીને ગર્ભવતી પત્નીને પિયરથી પરત લાવવા ગયેલા દલિત યુવકને પોલીસ
પણ બચાવી શકી નહોતી. અગાઉ અરવલ્લી જિલ્લાનાં ખંભીસર ગામે દલિત યુવકે વરઘોડો કાઢતા
જાન પર પથ્થરમારો થયેલો જેમાં પોલીસ સહિત અનેક લોકો ઘાયલ થયાં હતા. એ પછી બોટાદનાં
જાળીલા ગામનાં દલિત ઉપસચપંચ મનજી સોલંકીની જાહેરમાં હત્યા થયેલી, કેમ કે ગામનાં
ઉચ્ચ જાતિનાં લોકોને એક દલિત વ્યક્તિનું સરપંચ પદે સતત ચુંટાઈ આવવું ખટકતું હતું.
દલિતો પરનાં અત્યાચારો તો બહાર પણ આવે છે, જ્યારે આદિવાસીઓનો તો કોઈ ભાવ પણ નથી
પુંછતું.
છેલ્લાં
કેટલાક મહિનાઓમાં માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાં એસસી, એસટી પર અત્યાચાર, હત્યા,
બળાત્કાર અને જાતીય સતામણીની ઘટનાઓમાં જાણે ભરતી આવી છે. ખુદ સરકારનાં આંકડાઓ એ
બાબતની પુષ્ટિ કરે છે કે છેલ્લાં એક દાયકામાં દલિતોએ ભારે વિકટ પરિસ્થિતિનો સામનો
કરવો પડ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોનાં આંકડાઓ મુજબ 2007થી 2017 સુધીનાં
10 વર્ષમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં 66 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન દેશમાં
દરરોજ 6 દલિત મહિલાઓ પર બળાત્કાર થયાનાં કેસ નોંધાયા છે. આંકડાઓ મુજબ ભારતમાં દર
15 મિનિટે એક દલિત સાથે કોઈને કોઈ હિંસક ઘટના ઘટે છે.
તેમની સાથે
ઘટી રહેલી આવી હિંસક ઘટનાઓને માત્ર કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિથી જોવી વ્યાજબી
નહીં ગણાય. કેમ કે તે બંધારણ અને કાયદાની મજાક તો ઉડાવે જ છે, સાથે એ પણ સાબિત કરે
છે કે આપણે આજેય જાતિ, વર્ણ અને લિંગનાં ભેદભાવમાં માનતા સમાજ વચ્ચે રહીએ છીએ. આવા
કેસોમાં ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે દલિતો, આદિવાસીઓ સાથે હિંસક, ગુનાકીય અને
અપમાનજનક વ્યવહાર કરવા પાછળ ઈરાદો કાયદો તોડવાનો નહીં પણ તેમને માપમાં રાખવાનો હોય
છે, અને તેનાં કારણો આપણાં સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક માળખામાં પડેલાં
છે. સદીઓથી આપણે ત્યાં ન માત્ર દલિત પરંતુ આદિવાસી અને મહિલાઓની સ્થિતિ પણ સેકન્ડ
ક્લાસ નાગરિકની રહી છે. શાસ્ત્રોમાં ભલે મહિલાઓને દેવીનો દરજ્જો મળ્યો હોય, પણ
વાસ્તવમાં મહિલાઓનો દરજ્જો દલિતો, આદિવાસીઓથી જરાય ચડિયાતો નથી. આઝાદી પછી દલિતો,
આદિવાસીઓની સ્થિતિમાં સુધારો લાવવા અનેક યોજનાઓ, કાયદા બન્યાં. પણ આજદિન સુધી તે જમીની
સ્તરે પુરેપુરાં લાગુ થઈ શક્યાં નથી. કથિત સવર્ણ પુરુષોનું વર્ચસ્વ ધરાવતો આપણો
સમાજ આજે પણ દલિતો, આદિવાસી અને મહિલાઓને સમાન દરજ્જો મળે તેમ ઈચ્છતો નથી. પરિણામે
જ્યારે પણ તે આ ત્રણ પૈકી એકેયને પોતાનાથી આગળ વધતાં જુએ છે ત્યારે સહન કરી શકતો
નથી. અગાઉ તેમનાં પર થતાં અત્યાચારો સામે નહોતા આવતા પણ ધીરેધીરે શિક્ષણ અને
જાગૃતિ વધતા આવા કેસો સામે આવવા લાગ્યા છે. છતાં સામાજિક, આર્થિક અને રાજકીય રીતે
નબળાં હોવાને કારણે તેમનાં પર થતાં અત્યાચારો બંધ નથી થયા.
આજે
ગામડામાં વસતા દલિતો, આદિવાસીઓ કથિત સવર્ણ સામંતોનાં ખેતરોમાં મજૂરી કરવાને બદલે
શહેરોમાં જઈને બે છેડાં ભેગા કરવાનું વધારે યોગ્ય માને છે. એવામાં કથિત ઉચ્ચ
વર્ગનાં લોકોને એ બાબત ખટકે છે કે પેઢી દર પેઢી અમારા આશ્રિત રહેનારાં તેઓ અમારી
સમકક્ષ ઉભા રહેવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકે? બંધારણમાં
સૌને સમાન હક મળ્યો છે, કાયદાની નજરમાં બધાં સરખા છે, એ વિચાર સાથે આ વર્ગ આજે પણ સહમત થવા તૈયાર નથી. પરિણામે આ
ત્રિપુટી કાયદાનો સહારો લઈને તેમની સમકક્ષ થવા માંડે એ તેમનાથી અસહ્ય થઈ પડે છે. જેથી
કોઈ જ વ્યાજબી કારણ વિના તેઓ આજે પણ તેમની વ્યાજબી-ગેરવ્યાજબી માંગણીઓ દલિત,
આદિવાસી પાસે પુરી કરાવવા ચાહે છે. હવે જો કે અમુક દલિતો, આદિવાસીઓ કે મહિલાઓ
ચુપચાપ અત્યાચાર સહન કરીને ઘરમાં ભરાઈ જવાને બદલે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જતા
થયા છે. પણ તેમનાં આ વ્યવહારથી પેલી તાકાતો ઠંડી પડવાને બદલે વધારે રોષે ભરાઈ છે
અને એનાં જ કારણે આ નબળાં વર્ગ વિરૂદ્ધ ગુનાઓ વધતા જાય છે.
સવાલ એ
થાય કે વર્તમાન કાયદાનુસાર દેશમાં એસસી એસટી પર અત્યાચારની ઘટનામાં તરત એફઆઈઆર અને
ધરપકડનો નિયમ છે છતાં શા માટે આટલાં ગુનાઓ બને છે? શું આ
કાયદાનો અત્યાચારીઓને કોઈ ડર નથી? કે પછી કોઈનું પીઠબળ છે? સત્ય
તો એ છે કે, દલિતો, આદિવાસીઓ પરનાં અત્યાચારોનાં મામલાઓમાં એફઆઈઆર નોંધાવાની ટકાવારી
ખૂબ જ ઓછી છે. જો એફઆઈઆર નોંધાઈ પણ જાય, તો રાજકીય દબાણ અને કોર્ટ-કચેરીમાં
વ્યાપેલા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે ગુનેગારોને સજા મળવાનો આંકડો બહુ ઓછો છે. માટે
સ્વીકારવું રહ્યું કે, દલિતો-આદિવાસીઓનાં હિતમાં કાયદો હોવા છતાં જમીની સ્તરે તેનો
અમલ ન થઈ શકતા આ બની રહ્યું છે.



Comments
Post a Comment