ઝૂંપડપટ્ટીઓને સમસ્યા બનતી અટકાવવી હોય તો...
દેશનાં તમામ મોટાં શહેરો અને મહાનગરોમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીઓ છે. તેમાં રહેતાં લોકો શહેરોનાં ઉચ્ચ અને મધ્યમ વર્ગની અનેક જરૂરિયાતો પૂર્ણ કરે છે, પણ તેઓ સ્વયં ન માત્ર ગરીબીનો શિકાર છે પરંતુ પાયાની સુવિધાઓથી પણ વંચિત છે.
માત્ર
ભારત જ નહીં, વૈશ્વિક સ્તરે શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે. એમાં પણ સૌથી વધુ અસર
એશિયા અને આફ્રિકન દેશોમાં થઈ રહી છે. જ્યારે યુરોપ અને અમેરિકન દેશોમાં શહેરીકરણ
અટકી ગયું છે. એક અંદાજ મુજબ 2030 સુધીમાં ભારતમાં 40 કરોડથી વધુ લોકો શહેરોમાં
રહેતાં હશે, જે અનેક નવી સમસ્યાઓને જન્મ આપશે. હાલની જ વાત કરીએ તો શહેરોમાં
રહેતાં દર 6 કુટુંબો પૈકી એક કુટુંબ ગંદી ઝુંપડપટ્ટીઓમાં રહે છે અને આગામી સમયમાં
તે હજુ વધશે. હાલ ભલે આર્થિક પ્રગતિ કાગળ પરનાં આંકડાઓનાં આધારે અસરકારક લાગતી
હોય, પણ ભારતમાં અસમાનતા આજેય વિકાસનાં રસ્તા આડેનું સૌથી મોટું રોડું છે. યુએનનાં
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG)ને હાંસલ કરવા માટે શહેરી ગરીબોની પરિસ્થિતિ
સુધારવી પડશે.
સીધી
વાત છે કે શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો વધારે હોવાથી મોટી સંખ્યામાં લોકો
રોજગારીની શોધમાં ગામડાંઓ કે નાનાં શહેરોમાંથી સ્થળાંતર કરીને મોટાં શહેરોમાં આવે
છે. છેલ્લાં કેટલાક દાયકાઓમાં ભારતમાં સ્થળાંતરનો દર વિશ્વની તુલનામાં વધ્યો છે. આંકડાઓ
કહે છે કે 2001 સુધી ભારતની 27.81 ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી. 2011 સુધીમાં આ
આંકડો 31.06 ટકા અને 2018માં 33.6 ટકાએ પહોંચી ગયો છે. એટલું જ નહીં, 2001ની વસ્તી
ગણતરી પ્રમાણે શહેરો અને ટાઉનની કુલ સંખ્યા 5161 હતી, જે 2011માં વધીને 7936 થઈ ગઈ
છે. અર્થાત શહેરો ઝડપથી વિસ્તાર પામી રહ્યાં છે, સાથે ઝુંપડપટ્ટીમાં રહેનારાંની
સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ભારતનું નાનું-મોટું ભાગ્યે જ કોઈ એવું શહેર હશે
જ્યાં આવી વસ્તી ન હોય. મોટાં શહેરો અને મહાનગરોમાં તો ઝુંપડપટ્ટીનો વિસ્તાર ઝડપથી
વધી રહ્યો છે. આજે દર ત્રીજા દેશવાસીમાંથી એક શહેર કે ટાઉનમાં રહેવા લાગ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રોનાં રિપોર્ટ મુજબ વર્તમાન વિશ્વની અડધી વસ્તી શહેરોમાં રહેવા લાગી
છે અને 2050 સુધીમાં ભારતની પચાસ ટકા વસ્તી મહાનગરો અને શહેરોમાં રહેવા લાગશે. એક
અનુમાન એવું પણ છે કે 2025 સુધીમાં વિકાસશીલ દેશોમાં શહેરી વસ્તીમાં ત્રણ ગણો
વધારો થઈ ચૂક્યો હશે અને તે કુલ વસ્તીનાં 61 ટકા બરાબર થઈ જશે. હવે ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકોને પણ પાયાની
સુવિધાઓ ઉપલબ્ધ થવા માંડી છે. છતાં વધતી જતી શહેરી વસ્તીને કારણે વીજળી, પાણી,
શૌચાલયની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગારી વગેરે સુવિધાઓ પુરી પાડવામાં સ્થાનિક
તંત્રે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તો પર્યાવરણની સુરક્ષા પણ
શહેરો માટે એક મોટો પડકાર બની ગયો છે, કારણ કે શહેરોનાં વિકાસ માટે સૌથી વધુ ભોગ
ગ્રીન કવરનો જ ચડાવાતો હોય છે.
આજે
હાલત એ છે કે દેશનાં તમામ મોટાં શહેરો અને મહાનગરોમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીઓ
છે. તેમાં રહેતાં લોકો શહેરોનાં ઉચ્ચ અને મધ્યમ વર્ગની અનેક જરૂરિયાતો પૂર્ણ કરે
છે, પણ તેઓ સ્વયં ન માત્ર ગરીબીનો શિકાર છે પરંતુ પાયાની સુવિધાઓથી પણ વંચિત છે.
ઉબડખાબડ રસ્તા, ગટર વ્યવસ્થાનો અભાવ, ગંદા પાણીનો ભરાવો અને તેનાં કારણે ઉભી થતી
સમસ્યાઓ-બિમારીઓ, વીજળી, પાણી અને મોબાઈલ સહિતની કમ્યુનિકેશન સુવિધાઓનું
અસ્તવ્યસ્ત અને અસમાન વિતરણ ઝૂંપડપટ્ટીઓને વધુ સમસ્યારૂપ બનાવી દે છે. આવી
વસ્તીઓમાં રહેતાં લોકો અનેક જટિલ રોગો અને બિમારીઓનો શિકાર હોય છે. શહેરી વિસ્તારોમાં
વધતી વસ્તી સ્થાનિક તંત્રની પાયાની સુવિધાઓ પુરી પાડવાની ક્ષમતા પર પ્રેશર ઉભું
કરે છે.
ઝૂંપડપટ્ટીઓ શહેરોનું અવિભાજ્ય અંગ બની ચૂકી છે પરંતુ એમાં રહેતા લોકોને
પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય અને કચરાનાં નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ
નથી. આજે દેશમાં લગભગ સાત કરોડ લોકો શહેરી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે જ્યાં ન તો
સ્વચ્છ પાણી છે, ન નિયમિત સફાઈ થાય છે, ન બીજી પાયાની સુવિધાઓ છે. આ સિવાય મોટી
સંખ્યામાં લોકો ઓવરબ્રીજ નીચે, રોડ-રસ્તાની બાજુમાં જ્યાં જગ્યા મળે ત્યાં જીવન
ગુજારવા મજબૂર છે. વર્ષ 2001માં મોટાભાગનાં ઘરવિહોણાં પરિવારો ગ્રામીણ વિસ્તારોમાં
હતાં. પણ 2010 આવતા-આવતા સ્થિતિ ઉલટી થઈ ગઈ. આજે ગામડાં કરતાં શહેરોમાં ઘરવિહોણાં
પરિવારોની સંખ્યા વધુ છે. શહેરોમાં અમીરો અને ગરીબો વચ્ચે ઘર અને સામાજિક સ્થિતિને
લઈને ક્રૂર વિભાજન જોવા મળી રહ્યું છે.
અન્ય એક
સમસ્યા જે તેમને નડી રહી છે, તે છે શહેરોની ટેકનોલોજી પરની વધુ પડતી નિર્ભરતા.
શહેર કે સ્માર્ટ સિટીમાં વપરાતી ઉચ્ચ કક્ષાની ટેકનિક સામે ગાંમડામાંથી આવેલાં મર્યાદિત
આવડત ધરાવતાં કારીગરોનો પનો ટુંકો પડે છે. અહીંનાં ઉદ્યોગો અને આધુનિક સર્વિસ
સેક્ટરમાં તેનાં માટે કોઈ જગ્યા નથી. પરિણામે ગામડાંનો હસ્તકળાનો ઉત્તમ કારીગર
શહેરોમાં રિક્ષા ચલાવવા મજબૂર બને છે. કમનસીબી એ છે કે ઝૂંપડપટ્ટીઓને સાફસુથરી
રાખીને એક સારી જિંદગીની શોધમાં આવેલાં આવા લોકોને ખરેખર સારી જિંદગી આપવાની કોઈ
વ્યવસ્થા સરકારી તંત્ર પાસે નથી. રાજકારણીઓની મિલીભગત, જાતિવાદી સમીકરણો વગેરે
અનેક કારણોસર પણ આ સમસ્યાનાં સમાધાનને પ્રોત્સાહન નથી અપાતું. બાકી જરૂર છે માત્ર
દ્રઢ ઈચ્છાશક્તિની.



Comments
Post a Comment