ભારતીય બિયારણોનાં ખાનગીકરણનો મલ્ટિનેશનલ ગોરખધંધો



છેલ્લાં એક દાયકામાં ખાતર અને ખેતીનાં સાધનોનો ધંધો કરતી જાણીતી કંપનીઓ અચાનક બિયારણોને ખેડૂતો પાસેથી ઝુંટવી લેવા પર ઉતરી આવી છે. સામાન્ય તારણ એવું છે કે બિયારણોનાં ધંધાનાં 67 ટકા હિસ્સા પર દુનિયાની 10 મોટી કંપનીઓનું વર્ચસ્વ સ્થાપિત થઈ ચૂક્યું છે.




જગતનાં તાત સાથે છેલ્લાં પાંચ દાયકામાં જે ઘટનાઓ ઘટી છે તે કોઈનાથી છુપી નથી. બટાકાથી લઈને ડુંગળી, ઘઉં, ચોખા, દાળ વગેરે ઉગાડતાં ખેડૂતની હાલ માઠી દશા ચાલી રહી છે. એ સત્ય છે કે અમુક અપવાદોને બાદ કરતાં તે હવે સ્વનિર્ભર નથી રહ્યો. તેનું સ્વમાન હવે બેંકોથી લઈને બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેતીનાં સાધનો વેચતી મોટી કંપનીઓ પાસે ગિરવે છે. દેશનાં ખેડૂતની એ ભૂલ હતી કે તે સમૃદ્ધિનાં સપનાં જોઈને આ કંપનીઓની જાળમાં ફસાઈ ગયો. હકીકતે તો મોંઘી ટેકનોલોજી, હાઈબ્રીડ બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોની લાલચ આપીને મોટી કંપનીઓએ તેને ફસાવ્યો છે. જે બિયારણથી એક ખેડૂતની જિંદગી શરૂ થાય છે, તે બિયારણનાં કોર્પોરેટીકરણે તેને જુદા જ પ્રકારની મુંઝવણમાં નાખી દીધો છે. ભોળો ખેડૂત હજુ એ સ્વીકારવા તૈયાર નથી કે કુદરતી રીતે પાકતાં બિયારણ પર પણ કોઈ કંપનીનો હકદાવો હોય.


બિયારણો મલ્ટિનેશનલ કંપનીઓને પધરાવી દેવાનાં ખાનગીમાં ચાલી રહેલાં આ ગોરખધંધાનું એક ઉદાહરણ ગત એપ્રિલમાં જ સામે આવ્યું હતું. જેમાં અમેરિકી મલ્ટિનેશનલ કંપની પેપ્સિકોએ એફ.સી.-5 બ્રાન્ડનાં બટાટાનું વાવેતર કરી પેટન્ટનાં કાયદા ભંગનાં આક્ષેપ હેઠળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાંનાં નવ ખેડૂતો સામે અમદાવાદ અને મોડાસાની કોર્ટમાં 1-1 કરોડ રૂપિયાનો નુકસાનીનો દાવો માડ્યો હતો. જો કે દેશભરમાં ખેડૂતો કંપની સામે રોષે ભરાતાં આખરે સરકારે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. કંપનીનો દાવો હતો આ બટાટા તેણે પોતાની ચિપ્સની ખાસ બ્રાન્ડ માટે પેટન્ટ કરાવેલાં હોઈ તેની મંજૂરી વિના કોઈ ખેડૂત તેનું વાવેતર કે વેચાણ ન કરી શકે. બરાબર ચુંટણી ટાણે આખો મામલો સામે આવતાં સરકારે પેપ્સિકોને સમગ્ર મામલે  ચુપ રહેવાનો સંકેત આપવો પડ્યો હતો. સાથે જ ખેડૂતો પરનાં કેસો પરત નહીં ખેંચે તો તેની અન્ય પ્રોડક્ટ્સનો દેશભરમાં બહિષ્કાર કરવાની ચિમકી પણ આપી દીધી. આ રાજકીય દબાણ તરત રંગ લાવ્યું અને રજી મેએ કંપનીએ આ કેસો પરત ખેંચ્યાંની જાહેરાત કરવી પડી. કહેવા માટે તો રાજકીય રણનીતિની જીત હતી. પણ હકીકતમાં તેની પાછળ અંદાજે બસ્સો ખેડૂત નેતાઓ અને સ્વૈચ્છિક સંગઠનોનું દબાણ પણ હતું. તેમણે સ્પષ્ટતા કરી દીધી હતી કે આ મામલે તેઓ ખેડૂતો સાથે છે અને મલ્ટિનેશનલ કંપનીઓની દાદાગીરી સહન નહીં કરે.

જો કે કેસો પરત ખેંચાવાની આ ઘટના એ વાતની ગેરંટી નથી આપતી કે ભવિષ્યમાં ખેડૂતોએ બટાટા, કપાસ, રીંગણ, રાયડો, સુરજમુખી વગેરે પાકોનાં બિયારણ પર તેમનાં અધિકારને લઈને કંપનીઓ સાથે ઝઘડા નહીં કરવા પડે. કેમ કે વધુ ઉત્પાદન અને કીટક પ્રતિકારક પાક માટે તેમણે છેવટે તો આ જ મલ્ટિનેશનલ બીજ કંપનીઓ પાસે જવું પડે છે જે પહેલા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વગેરે નીયમો હેઠળ ખેડૂતોને પોતાની સાથે જોડે છે, અને આગળ જતાં બિયારણ પરનાં તેમનાં મૌલિક અધિકારો ખુદનાં કબજામાં લઈ લે છે. જે વચેટિયાઓ થકી કંપનીઓ બિયારણ ખેડૂતો સુધી પહોંચાડે છે તેઓ બિયારણની પેટન્ટ સંબંધિત માહિતી ખેડૂતોને આપતાં નથી. પરિણામે હાલનાં બિયારણમાંથી થોડું બચાવીને આગામી પાક તેમાંથી લેવાની પરંપરા જાળવતા ખેડૂતો ભૂલથી પેટન્ટનાં કાયદાનો ભંગ કરી બેસે છે. કાયદો કહે છે કે ખેડૂત પેટન્ટ ધરાવતું બિયારણ ઉગાડી શકે છે, શરત માત્ર એટલી કે, કાં તો તે પેટન્ટનો સમયગાળો પુરો થવાની રાહ જુએ અથવા તો કંપનીને તેની રોયલ્ટી ચૂકવે. અહીં સવાલ એ થાય કે આપણાં દેશનો ખેડૂત એટલો જાગૃત છે ખરો કે તે આ બધાં કાયદા જાણતો હોય?


આ સમસ્યાનું બીજું પાસુ વધારે ચોંકાવનારું અને ખેડૂતોનાં હકોની ચિંતા કરાવનારું છે. છેલ્લાં એક દાયકામાં ખાતર અને ખેતીનાં સાધનોનો ધંધો કરતી જાણીતી કંપનીઓ અચાનક બિયારણોને ખેડૂતો પાસેથી ઝુંટવી લેવા પર ઉતરી આવી છે. સામાન્ય તારણ એવું છે કે બિયારણોનાં ધંધાનાં 67 ટકા હિસ્સા પર દુનિયાની 10 મોટી કંપનીઓનું વર્ચસ્વ સ્થાપિત થઈ ચૂક્યું છે. આ જ કંપનીઓ બિયારણની સાથે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પણ વેચતી હોય છે. એવું કહેવાય છે કે મોન્સેન્ટો અને પેપ્સિકો જેવી ટોચની દસ કંપનીઓએ જંતુનાશકોનાં 90 ટકા બજાર પર પણ કબ્જો જમાવી દીધો છે. હકીકતે પેટન્ટ અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનાં હકોનો સીડી તરીકે ઉપયોગ કરીને આ કંપનીઓ વૈશ્વિક ખાદ્ય તંત્ર પર કબ્જો જમાવવા માંગે છે. જેની શરૂઆત તેઓ બિયારણથી કરે છે. કેમ તે બિયારણ જ એવી વસ્તુ છે જેનાં થકી વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ પર નિયંત્રણ મેળવી શકાય છે. આ ચાલને કારણે વિવિધ બિયારણોનો કારોબાર મુઠ્ઠીભર કંપનીઓનાં હાથમાં સમાઈ ગયો છે. બિયારણનાં કોર્પોરેટીકરણનાં આ ગોરખધંધાથી ખેડૂતો અને સામાન્ય માણસનાં હીતોને તો અસર થઈ જ રહી છે, સાથે વિકાસશીલ દેશોની જૈવિય વિવિધતા પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. આ કંપનીઓનાં હાઈબ્રીડ બિયારણોની ખરીદી અને ઉત્પાદનને કારણે વિતેલાં 50 વર્ષોમાં પાકોની અનેક જાતો ગાયબ થઈ ગઈ છે. કારણ કે કંપનીઓ ખેડૂતોને માત્ર એ જ પ્રોડક્ટ વાવવાનું કહે છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં માગ હોય. હાઈબ્રીડ પ્રકારનાં જે બિયારણો તે આપણાં ખેડૂતોને વેચે છે, તે પાક વિકસિત દેશોનાં માલેતુજારોની જરૂરિયાત મુજબનાં હોય છે. એ સ્થિતિમાં ભારત જેવા ઉષ્ણ કટિબંધિય દેશમાંથી એ પાકો ગાયબ થઈ રહ્યાં છે જેની સાથે કરોડો નાનાં અને સિમાંત ખેડૂતોની આજીવિકા જોડાયેલી છે. મૂળ સવાલ એ છે કે જો બિયારણ પરથી જ ખેડૂતોનો હક છિનવાઈ જશે તો તેઓ ખેતી કેવી રીતે કરશે? એ સ્થિતિમાં જરૂરી બની ગયું છે કે પેપ્સિકોની ઘટનાની જેમ સરકાર અને જાગૃત ખેડૂત સંગઠનો બીજાં બિયારણો મામલે પણ હસ્તક્ષેપ કરે. જો એવું નહીં થાય તો આગામી દિવસોમાં દેશ આખાનું પેટ ભરતાં અનાજ, ફળ, દાળ, શાકભાજી વગેરે પર મલ્ટિનેશનલ કંપનીઓનાં કબ્જો હશે એ નિશ્ચિત છે.

Comments