હેડીંગઃ વિદેશમાં નોકરી જોઈએ છે? તો ડિગ્રી સાથે આઈક્યૂ અને સ્કિલ અનિવાર્ય છે



હવે અમેરિકા અને જાપાન સહિતનાં દેશો તેમનાં નવનિર્માણ અને વિકાસકાર્યોમાં યોગદાન આપી શકે તેવાં વિદેશી પ્રતિભાશાળી યુવાનોને પ્રાથમિકતા આપી રહ્યાં છે, જેમાં ભારતની નવી પેઢી માટે અનેક તકો રહેલી છે, પણ સમસ્યા જરૂરી સ્કિલની છે.


હાલમાં જ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(સીએસઓ)એ લેબર ફોર્સનાં તાજા આંકડાઓ જાહેર કરતાં કહ્યું છે કે વર્ષ 2017-18 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો હતો. શહેરોમાં નોકરીલાયક યુવાનોમાં 7.8 ટકા બેરોજગારી છે જ્યારે ગામડાઓમાં આ આંકડો  5.3 ટકા છે. સરકારનું કહેવું છે કે રોજગારીનાં આંકડાઓ નવી પદ્ધતિ પ્રમાણે એકઠાં કરવામાં આવ્યા હોઈ પાછલાં રિપોર્ટ સાથે તેની તુલના ન કરી શકાય. સરકાર ભલે પોતાનો બચાવ કરે, પણ આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષમાં સૌથી વધુ છે. એ સ્થિતિમાં રોજગારીની તકો વધારવી ચોક્કસ જ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. ભારતમાં રોજગારીની તકો પર આધારિત એકથી વધુ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આપણાં અર્થતંત્રમાં બળની તીવ્રતા વધુ છે અને કળ ઉર્ફે સ્કિલની ભારે અછત. ઉચ્ચ શિક્ષણ અને સ્કીલ ટ્રેનિંગથી સજ્જ ભારતીય યુવાનો માટે દેશવિદેશમાં નોકરીઓ ઘણી છે, પરંતુ તેનાં માટે જરૂરી સ્કિલનાં અભાવે ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા યુવાનો પણ તે મેળવી શકતા નથી.


હાલ માત્ર પરંપરાગત ડિગ્રી ધરાવતાં યુવાનો સામે જ રોજગારીનો પ્રશ્ન નથી, પ્રોફેશનલ વિદ્યાર્થીઓ પણ સ્કિલની ખામીને કારણે બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. સ્થિતિ એ છે કે આઈઆઈએમ, આઈઆઈટી અને મુખ્ય બિઝનેસ સ્કૂલોનાં કેટલાક વિદ્યાર્થીઓને ઊંચા સેલેરી પેકેજ મળી રહ્યાં છે, પરંતુ બાકીની મોટાભાગની કોલેજોનાં વિદ્યાર્થીઓને રોજગારી મામલે નિરાશા સાંપડી રહી છે. અનેક સર્વેમાં એ વાત સામે આવી ચૂકી છે કે દેશનાં માત્ર દસ ટકા એન્જિનિયરો જ નોકરી માટે જરૂરી સ્કીલ ધરાવતાં હોય છે. ચિંતાજનક આ પરિસ્થિતિને કારણે એન્જિનિયરીંગ અને મેનેજમેન્ટ શિક્ષણથી વિદ્યાર્થીઓ મો ફેરવી રહ્યાં છે.

એમાં કોઈ બેમત નથી કે અમેરિકા અને જાપાન સહિત દુનિયાનાં અનેક વિકસિત અને વિકાસશીલ દેશોમાં વિદેશી યુવાનો માટે રોજગારીની જે નવી શક્યતાઓ ઉભી થઈ છે તેમાં ભારતનાં પ્રતિભાશાળી યુવાનો માટે પણ સારી તકો છે. અત્યાર સુધી અમેરિકા સહિત અનેક દેશોમાં લાંબા સમયથી વસવાટ કરતાં લોકોનાં પરિવારિક સંબંધોનાં આધારે અને સસ્તી મજૂરી પર કામ કરનારાં લોકોને નાગરિકતા અને વીઝામાં પ્રાયોરિટી આપવામાં આવતી હતી. પણ હવે અમેરિકા અને જાપાન સહિતનાં દેશો તેમનાં નવનિર્માણ અને વિકાસકાર્યોમાં યોગદાન આપી શકે તેવાં વિદેશી પ્રતિભાશાળી યુવાનોને પ્રાથમિકતા આપી રહ્યાં છે, જેમાં ભારતની નવી પેઢી માટે અનેક તકો ઉભી થઈ રહી છે. જાપાનનાં જાણીતા આંત્રપ્રિન્યોર હિરોયુકી તાયકુચી સાને અગાઉ ભારતની નવી પેઢી માટે જાપાનમાં રોજગારીની નવી તકો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જાપાનની ઔદ્યોગિક અને કારોબારી જરૂરિયાતોમાં ટેકનિક અને ઈનોવેશનનો ઉપયોગ વધવાને કારણે ઈન્ફોર્મેશન અને આઈટીની સાથે આરોગ્ય, કૃષિ, સંશોધન અને વિકાસ, સર્વિસ અને ફાયનાન્સ સેક્ટરમાં કુશળ તાલીમ પામેલાં લોકોની ભારે અછત અનુભવાઈ રહી છે. ખાસ કરીને ત્યાંની ઘરડી થતી જતી વસ્તી અને જન્મદરમાં ઘટાડાને કારણે જે તે સેક્ટરનાં તાલીમ પામેલાં પ્રોફેશનલ્સની સૌથી વધુ જરૂર છે.

જાપાનમાં વિભિન્ન સાંસ્કૃતિક અને વ્યવસાયિક સંબંધોને કારણે અન્ય વિદેશીઓની તુલનામાં ભારતીયોને વધુ સન્માન આપવામાં આવે છે. એ રીતે પણ જાપાનમાં ભારતીય પ્રોફેશનલ્સ માટે રોજગારીની સારી તકો છે. ત્યાં સરકારની એજન્સી જાપાન વિદેશ વ્યાપાર સંગઠન(જેઈટીઆરઓ) દ્વારા વર્ષ 2020 સુધીમાં બે લાખ ભારતીય પ્રોફેશનલ્સની ભરતી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તો જાપાનનાં ખાનગી સેક્ટરે ત્રણ લાખ ભારતીય પ્રોફેશનલ્સની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. એ રીતે આગામી બે વર્ષમાં 5 લાખ ભારતીય પ્રોફેશનલ્સ જાપાનમાં સારી રોજગારી મેળવી શકે તેમ છે.

તાલીમબદ્ધ કારીગરોની અછત મામલે વિશ્વ બેંકનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક બાજુ દુનિયામાં 2030 સુધીમાં કુશળ કામદારોની અછતનું સંકટ હશે, ત્યારે બીજી બાજુ ભારત પાસે અંદાજે 25 કરોડ વધારાનાં કારીગરો હશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2030 સુધીમાં દુનિયાનાં 19 વિકસિત અને વિકાસશીલ દેશોમાં 8.5 કરોડથી વધુ તાલીમબદ્ધ લેબર ફોર્સની અછત હશે ત્યારે દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ હશે જેની પાસે જરૂરિયાત કરતાં વધુ તાલીમ પામેલાં કારીગરો હશે. આથી ભારત વિશ્વનાં તમામ દેશોમાં આ કારીગરોને મોકલીને ફાયદો મેળવી શકશે. 

દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં લાયકાત ધરાવતાં પ્રોફેશનલ્સની માગ વધી રહી છે ત્યારે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આપણે ઉચ્ચ શિક્ષીત યુવાનોને પણ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવીને તૈયાર કરવા પડશે. એમાં કોઈ બેમત નથી કે ભારતની નવી પેઢી અને પ્રોફેશનલ્સ માટે દેશ અને દુનિયામાં રોજગારીનાં અનેક દ્વારો ખૂલી રહ્યાં છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે ઉચ્ચ કૌશલ્ય પ્રાપ્ત ભારતની નવી પેઢીને દુનિયાભરમાં અનેક તકો મળવાની સંભાવના રહેશે. વિશ્વ બેંકનો રિપોર્ટ કહે છે કે યુવાનોની સંખ્યાને જોતા દર વર્ષે 81 લાખ નવી નોકરીઓ અને નવી રોજગારીની તકો ઉભી કરવાની જરૂર છે. આટલી મોટી માત્રામાં રોજગારીની તકો અને નોકરીઓ પેદા કરવા માટે શિક્ષણ અને તાલીમની ગુણવત્તામાં સુધારો, જાહેર અને ખાનગી રોકાણમાં ઘણો વધારો કરવો પડશે. ઉત્પાદનની ગતિ અને નિકાસ વધારવી પડશે અને લેબર સ્કીલ વધારવી પડશે. જો એવું થશે તો સફળતા હાથવેંતમાં છે.

Comments