‘કુટુંબ’ ગઢનાં કાંગરા ચોતરફથી ખરવા માંડ્યાં છે
![]() |
| આવો પરિવાર હવે માત્ર કરણ જોહરની ફિલ્મોમાં જ અસ્તિત્વ ધરાવે છે. |
ડેટીંગ સાઈટ ટિંડરે હાલમાં જ 18 થી 25 વર્ષનાં યુવાનો પર સર્વે કર્યો હતો. જેમાં આગામી પાંચ વર્ષની પોતાની પ્રાયોરિટી વિશે તેમણે જણાવવાનું હતું. જેમાં કેટલીક આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. મોટાભાગનાં યુવાનોની પહેલી પ્રાયોરિટી પોતાનાં માટે જીવવાની હતી. જ્યારે લગ્નનું સ્થાન તેમની પ્રથમ પાંચ પ્રાથમિકતાઓમાં પણ નહોતું.
કુટુંબને વૈશ્વિક સમાજનું નાનું સ્વરૂપ કહેવાય
છે. તે એક એવું યુનિટ છે, જે પ્રેમ અને સહકારની માનવીય સમજને પોષીને પારિવારિક
ભાવના જાળવી રાખવાનું વાતાવરણ તૈયાર કરી આપે છે. આ ભાવનામાં ઓટ આવે તો કુટુંબ તૂટે
છે અને તેનાં ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે. પરિવારનાં વિખેરાઈ જવાથી સમગ્ર
વાતાવરણ બદલાઈ જાય છે. બાળકો, યુવાનો અને વડીલોનાં જીવનમાંથી ઘણું બધું વિદાય લઈ
લે છે. આજે વધતાં જતાં વિભક્ત કુટુંબોને કારણે ખાસ કરીને યુવા પેઢી એકલતા અને
તાણનો સામનો કરી રહી છે. એટલું જ નહીં પરિવારમાં આવી રહેલાં બદલાવને કારણે ગુનાખોરી,
અસલામતી અને અસામાજિકતાનું વાતાવરણ બની રહ્યું છે.
હાલ વધતી કટુતા, અણબનાવ, એકલતા
અને અસલામતિનાં માહોલમાં પરિવારોનાં વિખેરાવાથી આખી દુનિયા ચિંતિંત છે. ભારત જ
નહીં, વૈશ્વિક સમાજને પણ એક સર્વસામાન્ય સમજણ અને સહઅસ્તિત્વની ભાવનાની જરૂર છે.
નિઃશંકપણે આવો સાર્થક વિચાર માત્ર પરિવારમાં જ ઉછેરે છે. આજનાં સમયમાં સંયુક્ત
પરિવારની કલ્પના તો ખતમ થઈ જ રહી છે, સાથે વિભક્ત કુટુંબોમાં પણ પરિસ્થિતિ
સંતોષજનક નથી. એ ત્યાં સુધી કે યુવાનોની પ્રાથમિકતામાં ઘર વસાવવાનાં વિચારને બદલે
પોતાનાં માટે જીવવાનું નવું ચલણ જોવા મળી રહ્યું છે.
હાલમાં
જ ડેટીંગ સાઈટ ટિંડરે 18 થી 25 વર્ષનાં કેટલાક ભારતીય યુવાનો પર એક સર્વે કર્યો
હતો. જેમાં આગામી પાંચ વર્ષ દરમિયાન તેમની પ્રાથમિકતા શું રહેશે તેવો સવાલ પુંછતા
ચોંકાવનારાં જવાબો સામે આવ્યાં હતાં. સૌનાં આશ્ચર્ય વચ્ચે મહત્તમ યુવાનોની પ્રાથમિકતા
ખુદનાં માટે જીવવાની હતી. એટલું જ નહીં, આર્થિક સુરક્ષા અને લગ્ન પણ તેમની પ્રથમ પાંચ
પ્રાથમિકતાઓમાં સામેલ નહોતાં! ભારતનાં ટોચનાં વીસ શહેરોનાં યુવાનો પર કરાયેલાં
આ સર્વેનાં રિપોર્ટ મુજબ શિક્ષણનાં વધતાં પ્રમાણ અને વધતાં જતાં શહેરીકરણને કારણે
યુવા પેઢી સ્વતંત્ર થવા ઈચ્છે છે. સર્વે અનુસાર પોતાનાં માટે જીવવું 56 ટકા યુવાનો
માટે પહેલી પ્રાથમિકતા હતી. 52 ટકા ટકા યુવાનો એજ્યુકેશન પૂર્ણ કરવાને પોતાની
પ્રથમ પ્રાયોરિટી માનતાં હતાં. જ્યારે 42 ટકા યુવાનો માટે દુનિયાભરમાં ફરવું પહેલી
પ્રાથમિકતા હતી. લગ્ન કરીને ઘર વસાવવાનો નિર્ણય છોકરાં-છોકરીઓ બંને માટે પ્રાયોરિટીનાં
લિસ્ટમાં ઘણો નીચે રહ્યો હતો.
એમાં
કોઈ આશ્ચર્ય નથી કે આજે પોતાનાં જ સામાજિક અને પારિવારીક વાતાવરણથી નવી પેઢી વચ્ચે
અંતર વધ્યું છે. એટલે જ હવે વ્યક્તિગત સ્વતંત્રતા સામાજિક જવાબદારી અને પારિવારીક
સંબંધો કરતાં વધારે મહત્વનાં થઈ રહ્યાં છે. આ વિચારસરણી કુટુંબ સંસ્થાની આખી
રૂપરેખાને અસર કરી રહી છે. હકીકતે કુટુંબ સંસ્થા વડીલો માટે સુરક્ષા કવચ સમાન છે,
તો બાળકો માટે સંસ્કારોની શાળા. ભાવનાત્મક જોડાણ વ્યવહારિક મુશ્કેલીઓ પણ સરળ બનાવી
દે છે, એવામાં કુટુંબોનું તૂટવું છેલ્લે તો સમાજનાં ભાગલાની સ્થિતિ જ પેદા કરી
રહ્યું છે. વિભક્ત કુટુંબોની સંખ્યા ઝડપથી વધી રહી છે એ ગંભીર ચિંતાનો વિષય છે. કેમ કે એની સમાંતરે એકલતા અને ડિપ્રેશનનાં આંકડાઓ
પણ વધી રહ્યાં છે. દરેક ઉંમર, દરેક વર્ગનાં લોકો સમાજમાં ઉપેક્ષા અને એકલતાનો
શિકાર બની રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં કહેવા પ્રમાણે 2020 સુધીમાં
ભારતમાં ડિપ્રેશન બીજો સૌથી મોટો રોગ હશે. કુટુંબ વ્યવસ્થાનું તૂટવું ડિપ્રેશનનાં
શિકાર લોકોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. તૂટતી કુટુંબ વ્યવસ્થા સમાજમાં
ગુનાખોરીની ઘટનાઓને પણ પ્રોત્સાહન આપી રહી છે. હવે ન તો માતાપિતા પાસે બાળકોને સમજવાનો
સમય છે ન સંતાનોમાં વડીલો પ્રત્યે ચિંતાની
ભાવના. વાતચીત અને સમજણની ઉણપને કારણે સંબંધો વચ્ચેની ખાઈ વધુને વધુ પહોળી થઈ રહી
છે.
વિભક્ત કુટુંબને કારણે પરિવારોમાં જ હત્યા, આત્મહત્યા અને મારામારી જેવી ઘટનાઓ
વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોનાં આંકડાઓ અનુસાર વર્ષ 2016માં
બળાત્કારનાં 94.6 ટકા નોંધાયેલાં કેસોનાં
આરોપીઓમાં પિડીતાનાં દાદા, પિતા, ભાઈ અને પુત્ર સુધીનાં લોકો સામેલ હતાં.
જે સાબિત કરે છે કે જે ભારતીય કુટુંબ વ્યવસ્થાની દુનિયાભરમાં દુહાઈઓ દેવાતી હતી તે
આજે ચોતરફથી તૂટી રહી છે. સંતાનો
દ્વારા સંપત્તિનાં વિવાદ કે વેર વાળવા માતાપિતાની હત્યા કરવા સુધીનાં બનાવો
સમયાંતરે સામે આવતાં રહે છે. ગામડાં, નાનાં શહેરોથી લઈને મહાનગરો સુધી એવી ઘટનાઓ બની
રહી છે જેમાં ભાઈ-ભાઈ વચ્ચેનો આંતરિક વિવાદ હત્યા સુધી પહોંચી ગયો હોય. આટલું ઓછું
હોય તેમ સોશિયલ મીડિયાએ પણ સામાજિક અને કૌટુંબિક સંબંધોમાં ગાબડું પાડ્યું છે.
વાસ્તવિક જીવનમાં વાતચીતનાં અભાવ સામે આભાસી દુનિયામાં વિતી રહેલો સમય કૌટુંબિક સંબંધોમાં
અસંતોષ પેદા કરી રહ્યો છે. આભાસી દુનિયાની કહેવાતી સામાજિકતાએ આપણને વાસ્તવિક
દુનિયામાં સામાજિક રીતે હાંસિયામાં ધકેલી દીધાં છે. સોશિયલ મીડિયાની વ્યસ્તતાને
કારણે પોતાનાં સંબંધો પ્રત્યે જ નહીં, કૌટુંબિક અને સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોનાં
આદરમાં પણ સતત ઓટ આવી રહી છે, જે આપણી સમાજ વ્યવસ્થા માટે ખતરાની ઘંટડી સમાન છે. ત્યારે
જરૂરી છે કે તેને ગંભીરતાથી લઈને આંતરિક મનમેળનાં રસ્તા શોધવામાં આવે, ખતમ થઈ
રહેલાં પારિવારીક મૂલ્યોને પુનર્સ્થાપતિ કરવાનાં પ્રયત્નો કરવામાં આવે, જેથી
પરિવાર નામનો ગઢ તેની જૂની જાહોજલાલીમાં પરત ફરે.



Comments
Post a Comment