BSNL, MTNLનાં ખસ્તાહાલ માટે જવાબદાર કોણ ?




ભારતની જાહેર ક્ષેત્રની બે મજબૂત કંપનીઓ BSNL અને MTNLનાં હાલ નાભિ શ્વાસ ચાલી રહ્યાં છે. સરકાર તેમને રૂ. 13 હજાર કરોડનું પેકેજ આપીને ઉગારવા ચાહે છે, પણ તે પાશેરામાં પૂણી જેવી સાબિત થાય તેમ છે. સવાલ એ થાય કે તેમની આવી સ્થિતિ માટે જવાબદાર કોણ ?



એક સમયે ટેલિકોમ્યુનિકેશનનાં બજારમાં એકચક્રી સાશન ભોગવતી ભારત સંચાર નિગમ લિમિટેડ ઉર્ફે બીએસએનએલ આજે નબળાં મેનેજમેન્ટ, કસ્ટરમર કેરની દયનિય સ્થિતિ, પ્રોડક્ટની અછત અને રાજકીય હસ્તક્ષેપનાં કારણે દેવાળુ ફૂંકવાને આરે છે. બીએસએનએસ અને એમટીએનએલ (મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ)ને નાણાંકીય સંકટથી બચાવવા માટે સરકાર બંને કંપનીઓને રૂ. 13 હજાર કરોડનું પેકેજ આપવા ઈચ્છે છે. જેમાંથી 6365 કરોડ રૂપિયાનું પેકેજ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ(વીઆરએસ) માટે અને બાકીનાં 6767 કરોડ રૂપિયામાં ઈક્વિટી રોકાણ, 4-જી સ્પેક્ટ્રમની ફાળવણી વગેરે સામેલ છે. હાલ કંપનીનું આ રાહત પેકેજ ટેલિકોમ વિભાગની વિચારણા હેઠળ છે. એનાં માટે ટેલિકોમ વિભાગ સંબંધિત નિર્ણયો લેનારી સર્વોચ્ચ સંસ્થા ડિજિટલ કમ્યુનિકેશન કમિશનની પરવાનગી લેવી પડશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, ટેલિકોમ્યુનિકેશન દેશ માટે અનેક રીતે વ્યૂહાત્મક હોઈ તેમાં જાહેર ક્ષેત્રની ઉપસ્થિતિ જરૂરી છે. બીએસએનએલે પોતાનું ગાડું ચાલી જાય તે માટે બેંકો પાસેથી લોન માગેલી, પણ તેમાં નિષ્ફળતાં સાંપડતા આ વર્ષે ફેબ્રુઆરીમાં કમિશનની બેઠકમાં બંને કંપનીઓને ફરી પાટા પર લાવવા માટે પેકેજ આપવા બાબતે ચર્ચા થઈ હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને બીએસએનએલ માટે એક યોજના બનાવી છે. જે અંતર્ગત 4-જી સ્પેક્ટ્રમની ફાળવણી અને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના લાગુ કરવા માટે બીએસએનએલ બ્રાન્ડ થકી મૂડી એકઠી કરવાની ઓફર છે. સરકાર કંપનીની નાણાંકીય સ્થિતિમાં સુધારો લાવવા માટે 4-જી સ્પેક્ટ્રમની હરાજી કરી શકે છે. એવો અંદાજ છે કે બીએસએનએલને બજાર કિંમત પર 2100 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમની ફાળવણી થઈ શકે છે. જેમાં દૂરસંચાર વિભાગ રોકાણ કરશે. જો આ યોજના સાકાર થશે તો રોકાણની રકમનો ઉપયોગ બીએસએનએલ બજાર કિંમતે સ્પેક્ટ્રમ ખરીદવામાં કરી શકે છે.


બીએસએનએલનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. આજે પણ ખાનગી ટેલિકોમ કંપનીઓ તેમનો ધંધો આ સરકારી કંપનીની મદદથી જ આગળ વધારી રહી છે, કારણ કે તેમનું ખુદનું નેટવર્ક બહુ મર્યાદિત છે. જો બીએસએનએસ પોતાની સર્વિસ અને પ્રોડક્ટની ગુણવત્તામાં સુધારો લાવીને નેટવર્કનો યોગ્ય ઉપયોગ કરે તો વર્તમાન ખોટમાંથી બહાર આવી શકે તેમ છે. એ હકીકત છે કે તેની મદદ વિના ખાનગી ટેલિકોમ કંપનીઓ બજાર ન ટકી શકે. એમટીએનએલને તેની લાયસન્સ સર્વિસનાં નવીનિકરણ માટે અંદાજે 11 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. પણ ખસ્તાહાલ નાણાંકીય સ્થિતિને કારણે તે ટેલિકોમ વિભાગને આ રકમ ચૂકવવા સક્ષમ ન હોઈ જતી કરી દેવા આગ્રહ કર્યો છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટનાં જણાવ્યાં મુજબ એમટીએનએલનું હાલનું દેણું રૂ. 20 હજાર કરોડ છે અને તેમાં તેને રાહત આપવા માટે શક્ય દરેક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કંપની તેનાં 3-જી સ્પેક્ટ્રમનો પુરેપુરો ઉપયોગ નથી કરી શકી એટલે હવે તે ટેલિકોમ વિભાગને પરત કરવા ઈચ્છે છે. જેમાંથી તેને 3500 કરોડ રૂપિયા મળવાની શક્યતા છે, જેનો ઉપયોગ તે પોતાનાં ધંધાને વિકસાવવામાં કરી શકે છે.


આ બંને સરકારી કંપનીઓનું દેણું ખાનગી કંપનીઓની સરખામણીમાં ઘણું ઓછું છે. તેમની પાસે ઘણી બધી સ્થાવર મિલકતો પણ છે. બંને કંપનીઓ દેશભરમાં અંદાજે 7500 સ્થાવર સંપત્તિઓ ધરાવે છે જેની કિંમત લગભગ 17 હજાર કરોડ રૂપિયા થવા જાય છે. કંપનીની ઓફર આ મિલકતો ભાડાપટ્ટે આપીને કમાવાની છે. જેનાં માટે તેઓ દેશભરમાં પોતાની જમીન જાહેર ક્ષેત્રની અન્ય મોટી કંપનીઓને ભાડે આપવાની યોજના બનાવી રહી છે. કેન્દ્ર સરકારને આપવામાં આવેલી રિસ્ટોરેશન અરજીમાં બંને કંપનીઓએ 4-જી સર્વિસની માંગણી કરી છે, જેથી તે ગ્રાહકોને સારો વિકલ્પ અને સર્વિસ આપી શકે. નિષ્ણાતોનું કહેવું છે કે, બંને કંપનીઓને ક્રાઈસીસમાંથી ઉગારવાનો એક ઉપાય મર્જર છે. જેનાથી તેઓ ફરી પાટે ચડી શકે છે. એમટીએનએલનાં દિલ્હી અને મુંબઈ વિભાગનું સંકલન કરવું સૌથી સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. બંને કંપનીઓનાં સાથે આવવાથી એક મજબૂત ટેલિકોમ એકમનું નિર્માણ થશે અને સંકટ દૂર થવાની સાથે ધંધો પણ વધશે.


સમસ્યા એ છે કે હાલ બંને કંપનીઓ ગ્રાહકોનો વિશ્વાસ ખોઈ બેઠી છે. જેનું મુખ્ય કારણ ખાનગી ઓપરેટરોની સરખામણીએ તેમનાં દ્વારા ગ્રાહકને મળતી નબળી સર્વિસ છે. વળી તેની પ્રોડક્ટ પણ ખાનગી ટેલિકોમ કંપનીઓની સરખામણીએ ઘણી ઓછી છે. ઓનલાઈન સર્વિસ મામલે પણ તે ક્યાંય પાછળ છે. આ બધાં કારણોસર મોટી સંખ્યામાં તેનાં ગ્રાહકો ખાનગી કંપનીઓ તરફ વળી ગયાં છે. આવક વધારવા તેમણે બ્રોડબેન્ડ અને ફાઈબર ટુ હોમનો વિસ્તાર કરવાની જરૂર હતી, પણ એવું થયું નહીં. હાલ તો બંને કંપનીઓની સૌથી મોટી સમસ્યા કર્મચારીઓની સંખ્યા છે. જેમનાં પગાર, ભથ્થાં પાછળ દર મહિને તગડી રકમ ખર્ચાઈ રહી છે અને આવકનાં નામે કશું નથી. એમટીએનએલમાં 23 હજારથી વધુ કર્મચારીઓ છે જ્યારે બીએસએનએલમાં 1.7 લાખથી વધુ, એમાં પણ મોટાભાગનાં લાઈનમેન, ક્લાર્ક, મજૂર અને પટાવાળા જેવી પોસ્ટ પર છે અને 50 થી ઉપરની ઉંમર ધરાવે છે. 18 વર્ષમાં પહેલીવાર એમટીએનએલ તેનાં કર્મચારીઓને બે મહિનાનો પગાર આપી શક્યું નથી. આ સમસ્યા બીએસએનએલની પણ છે. ઓછી આવક અને વધુ ખર્ચને કારણે તેનાં કર્મચારીઓનો પગાર પણ અટકી પડ્યો છે. તેની કમાણીનો મોટો હિસ્સો પણ તેનાં કર્મચારીઓનાં વેતન-ભથ્થામાં જતો રહે છે.


એમાં કોઈ શંકા નથી કે બંને કંપનીઓ પાસે તાલીમબદ્ધ કર્મચારી, દેશવ્યાપી નેટવર્ક, મજબૂત અને આધારભૂત માળખું, ટેકનિકલ જાણકારી વગેરે ઉપલબ્ધ છે. તેમ છતાં તેમનું ડૂબવાને આરે હોવું ચિંતાનો વિષય છે. આ માટે સીધી રીતે બંને કંપનીઓનાં કર્મચારીઓને દોષિત ન ગણાવી શકાય. આજે સરકાર તેમને રાહત પેકેજ આપવાની વાત કરે છે તો ક્યાંકને ક્યાંક તે પણ જવાબદાર છે. કેમ કે સરકારની નીતિઓને કારણે જ બંને કંપનીઓ ડૂબવાને આરે આવી ગઈ છે અને ખાનગી ટેલિકોમ ઓપરેટરોની પાંચેય આંગળીઓ ઘીમાં છે. 

Comments