ટિકટોકઃ આત્મશ્લાઘા, ઘેલછા, ડિજિટલ લત, ટાઈમપાસ...
દારૂ દવા તરીકે વપરાય છે અને પીવાય પણ છે. કેરોસીનથી દીવો પણ બળે અને ઘરેય બાળી શકાય. દરેક નવાં સંશોધનની બે બાજુઓ હોવાની. જો તેનો સદ્ઉપયોગ થાય તો માણસ સમૃદ્ધ બને, અને દુરઉપયોગ અધોગતિ નોતરે. આ મામલે ઈન્ટરનેટનો દાખલો આપણી સામે છે. એક તરફ તેણે માણસનું મોટાભાગનું કામ સરળ કરી આપ્યું છે, પણ બીજી તરફ આત્મશ્લાઘાને પોષતાં અમુક સોશિયલ માધ્યમોને જન્મ આપીને ખોટે રસ્તે પણ ચડાવી દીધાં છે. ‘ટીકટોક’ નામની એપ્લિકેશન એનું તાજું ઉદાહરણ છે...
ચેતના સોલંકી એક ગૃહીણી છે. અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં પતિ શક્તિ અને દીકરા અંશુ સાથે સુખેથી રહે છે. દરરોજ સવારે પતિ નોકરી પર અને દીકરો સ્કૂલે જાય એ પછીનાં સમયમાં તે ટ્યુશન ક્લાસ ચલાવે છે. એ રીતે તેનો સમય પણ પસાર થઈ જાય છે અને કમાણી પણ. હમણાં સુધી તે સગવડ હોવા છતાં સ્માર્ટફોન લેવાનું ટાળતી હતી. દીકરા અંશુની પરીક્ષા નજીક હોવાથી એક જાગૃત માતા તરીકે તેનું પગલું યોગ્ય હતું. દરમિયાન ઘરમાં નવું સ્માર્ટ ટીવી આવ્યું અને તેમાં મિરરીંગ માટે તેણે સ્માર્ટફોન ખરીદ્યો. સૌ જાણે છે કે આજનાં બાળકો સ્માર્ટફોન ઓપરેટ કરવામાં ભારે હોંશિયાર હોય છે અને અંશુ પણ એમાંથી બાકાત નહોતો. એટલે જેવો સ્માર્ટફોન હાથમાં આવ્યો તે તરત તેણે ‘ટિકટોક’ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી. આ જ્ઞાન તેને એક મિત્ર પાસેથી મળ્યું હતું. હવે તે આ એપ પરનાં વીડિયો જુએ છે અને મમ્મીને પણ બતાવે છે. ચેતનાને શરૂઆતમાં આ બધું સારું લાગતું હતું. પણ પછી તેનાં કન્ટેન્ટને લઈને તેનાં મનમાં સવાલો ઉભા થવા લાગ્યાં. કેમ કે તેમાં ઘણાં અશ્લિલ પ્રકારનાં વિડીયો પણ હતાં. વધારામાં તેનો અને દીકરાનો સારો એવો સમય પણ તેમાં બગડતો હતો. આખરે એક સજાગ માતા તરીકે તેણે પાણી પહેલાં પાળ બાંધીને ટિકટોક અનઈન્સટોલ કરી નાખી. શરૂઆતમાં થોડું અજુગતું લાગ્યું, પણ હવે ફરી જીવન રાબેતાં મુજબ થઈ ગયું છે. દીકરો અંશુ ભણવામાં ધ્યાન આપે છે અને પોતે પણ ટ્યુશન ક્લાસિસ અને ઘરકામમાં મન પરોવતી થઈ છે. ચેતનાનાં કિસ્સામાંથી દરેક માતાપિતાએ ધડો લેવાની જરૂર છે, કેમ તે હાલ આ એપનું વળગણ ગાંડપણની હદે વધતું જઈ રહ્યું છે.
‘ટિક ટોક’ નામની શોર્ટ વિડીયો એપ હમણાં અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ. થોડાં મહિના અગાઉ તેનાં પર પિરસાતી સામગ્રીને લઈને મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તેનાં પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો હતો. જેનો અમલ થતાં ગૂગલ, એપલ સહિતનાં ડાઉનલોડ પ્લેટફોર્મ પરથી તેને દૂર કરી દેવામાં આવી હતી. અદાલતે ૩જી એપ્રિલ ૨૦૧૯નાં રોજ ટિક ટોક પર પ્રતિબંધ મૂકતી વખતે કહ્યું હતું કે તે પોર્નોગ્રાફીને ઉત્તેજન આપે છે અને બાળકોને જાતિય હિંસક બનાવે છે. પ્રતિબંધ પછી એવું લાગતું હતું કે ટિક ટોક ભારતમાં ફરી જોવા નહીં મળે. પણ આર્થિક પરિબળો સામે સરકારે નમતું જોખવું પડ્યું અને આખરે ૨૪ એપ્રિલનાં રોજ ભારતમાં આ એપ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો. હવે ફરી તે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને લોકો એટલાં જ ઉમળકાથી તેને ડાઉનલોડ કરી રહ્યાં છે.
૧૨ હજાર કરોડનાં રોકાણ સાથેની ચીનની આ એપ્લિકેશને ભારતમાં, ખાસ કરીને નાનાં શહેરો અને ગામડાંનાં યુવાનોમાં જબરી લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. જ્યારે તેનાં પર પ્રતિબંધ મૂકાયો ત્યારે સોશિયલ મીડિયા પર જાતભાતનાં પ્રતિભાવો આવ્યાં હતાં. કેટલાક યુઝર્સ તેને બેરોજગારી સાથે જોડીને જોતાં હતાં, તો કોઈ તેને આત્મરતિમાં મસ્ત રહેતાં લોકોનું સાધન ઝુંટવી લેવાયું તેમ કહેતાં જોવા મળ્યાં. કેટલાક હીરોગીરીનું એક પ્લેટફોર્મ છીનવાઈ ગયાનું કહેતાં હતાં, તો કોઈક ‘ભલું થયું ભાંગી જંજાળ’ સમજીને નિરાંતનો શ્વાસ લેતાં હતાં. એક તબક્કે ટિકટોક પરનાં પ્રતિબંધે સમગ્ર સોશિયલ મીડિયા જગતને બે ભાગમાં વહેંચી દીધું હતું. કેટલાંક તેની તરફેણમાં હતાં, કેટલાંક વિરોધમાં. બાકીનાં એવા હતાં જે કશી પણ પ્રતિક્રિયા આપ્યાં વિનાં આખો તમાશો જોતાં હતાં. અગાઉ ટિકટોક મામલે ગઈ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટને એપ્લિકેશન પર લાગેલાં પ્રતિબંધ પર ફેરવિચારણાં કરવા કહ્યું હતું. કોર્ટે આ આદેશ તામિલનાડુનાં સૂચના અને પ્રસારણમંત્રીનાં નિવેદન બાદ આપ્યો હતો. કેમ કે, ટિકટોકની માલિક કંપની બાઈટડાન્સ ટેકનોલોજીનું કહેવું હતું કે, તેનાં પર પ્રતિબંધ મૂકવાનો અર્થ ભારતની જનતાની બોલવાની આઝાદી પર તરાપ મારવી. ફિલ્મો, ટી.વી. અને હવે સ્માર્ટફોન પર ઉપલબ્ધ સોશિયલ માધ્યમો પર યુવાધન પહેલેથી જ ગળાડૂબ છે એવામાં ટિકટોક જેવી એપની આ હદની લોકપ્રિયતા સાચે જ ચિંતાનો વિષય છે. સમય, સંબંધો, નૈતિકતા બધું તેની આગળ પાણી ભરે. લોકો એટલાં બધાં તેમાં મશગૂલ હોય છે કે કોઈ કોઈનાં કહ્યામાં નથી હોતાં. નાનાં-મોટાંનું ભાન ભૂલાવાની સાથે ઉંમર અને હોદ્દાની ગરિમા સુદ્ધાં કોરાણે મૂકાઈ ગઈ છે. અફસોસ તો એ વાતનો છે કે, ટિકટોક પાછળ ઘેલાં લોકો અને કેટલીક હદે તેમનાં વાલીઓને પણ આમાં કશું અજુગતું કે ખરાબ લાગતું નથી. એ સ્થિતિમાં સરકાર અને સભ્ય સમાજની જવાબદારી ચોક્કસ જ વધી જાય છે.
ચાઈનીઝ ટિકટોકનો વૈશ્વિક દબદબો
મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ટિકટોક વિશે ચેક કરતાં ખ્યાલ આવે છે કે, તે એક શોર્ટ વિડિયો એપ છે. ૨૨ એપ્રિલ ૨૦૧૯નાં રોજ તેનું અપડેટ ૧૧.૦.૩ વર્ઝન માર્કેટમાં મૂકવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં તે ૫૦ કરોડ કરતાં પણ વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. વિકિપીડિયાનાં જણાવ્યાનુસાર તે સપ્ટેમ્બર ૨૦૧૬માં રિલીઝ કરવામાં આવી હતી પણ પ્લે સ્ટોર કહે છે કે તે ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫નાં રોજ રજૂ થઈ હતી. ૨ ઓગસ્ટ, ૨૦૧૮માં ટિકટોકની પેરન્ટ કંપની બાઈટડાન્સે શાંઘાઈની સ્ટાર્ટ અપ બેઈઝ મ્યુઝિકલી એપને એક બિલિયન ડોલરમાં ખરીદીને ટિકટોકમાં ભેળવી દીધી હતી. એ સાથે જ તે માર્કેટમાં સૌથી મોટી વિડીયો કમ્યુનિટી બની ગઈ હતી. ૨૦૧૮માં ટિકટોકે ૬૬.૩ કરોડ ડાઉનલોડ સાથે ઈન્સ્ટાગ્રામને પાછળ છોડ્યું હતું. આ પૈકી ૪૦ ટકા ડાઉનલોડ તો માત્ર ભારતમાં થયાં હતાં. અમેરિકામાં ૨૦૧૮માં તે સૌથી વધુ વખત ડાઉનલોડ થયેલી એપ હતી. ટીકટોકનો ફંડા એકદમ સિમ્પલ છે. યુઝરને ૩ થી ૧૫ સેકન્ડનું મ્યુઝિક આપવું, જેને અનુરૂપ વિડીયો તે ક્રિએટ કરી શકે. મોટાભાગે ફિલ્મી ગીતો, લોકગીતો, ફિલ્મી સંવાદો, જોક્સ, મશ્કરી, સ્લો મોશન આધારિત એક્શન વિડીયોની અહીં ભરમાર છે. કેટલાક યુવાનો, યુવતીઓ, ઈવન મહિલાઓ પણ ટિકટોક પર સેલિબ્રિટી બની ગયેલી છે. મજાની વાત એ છે કે અહીં મોટાંભાગનાં યુઝર્સ મેટ્રો નહીં પરંતુ નાનાં ટાઉન કે હાલમાં જ ૪જી યુગમાં પ્રવેશેલાં ગામડાંઓનાં છે. આ એપની સૌથી મોટી યુએસપી એ છે કે તેનાં મોટાભાગનાં વિડીયોમાં ગૃહીણીઓ, કિશોર-કિશોરીઓ અને નાનાં શહેરોનાં કોલેજીયનો એકદમ દેશી સ્ટાઈલમાં રજૂ થાય છે. અને એ જ કદાચ ગ્રામીણ ભારતને પોતીકાં લાગે છે. આજે અહીં રોજ એક કરોડથી વધુ વીડિયો જોવાય છે અને વિવિધ ૭૫ જેટલી ભાષાઓમાં અને ૧૫૦ જેટલાં પ્લેટફોર્મ પર તે ફરતાં રહે છે.
![]() |
| વર્ષ 2018માં ટિકટોકે 66.3 કરોડ ડાઉનલોડ સાથે ઈન્સ્ટાગ્રામને પાછળ છોડ્યું હતું. આ પૈકી 40 ડાઉનલોડ માત્ર ભારતમાં થયાં હતાં. |
અહીં સુધી બધું બરાબર હતું. સમસ્યા ત્યારે થઈ જ્યારે તે વધારે પડતી ડાઉનલોડ થવા માંડી. નીતનવાં વીડિયો તેમાં શેર થવા લાગ્યાં. આગળ જતાં એમાં અશ્લીલ ચેનચાળા અને બિભત્સ વર્તન કરતાં વીડિયો પર અપલોડ થવા માંડ્યાં. જેણે ટિનએજરોનું મગજ વિકૃત કરવાનું ચાલું કર્યું. કંપનીને પણ આમાં લાભ દેખાતો હોવાથી એવી સામગ્રી માટે છુટછાટ આપી દીધી. આવા કન્ટેન્ટને કોઈ રેગ્યુલેટ નહોતું કરતું. જેનાથી સમાજ અને દેશને ખતરો હતો. આખરે મદ્રાસ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીએ ચીનાઓની સાન ઠેકાણી લાવી છે. કંપનીએ આ પ્રકારની સામગ્રી ધીમેધીમે હટાવવા માંડી છે. હવે ફરી બધું પહેલાંની જેમ સામાન્ય થઈ જશે. આપણાં માટે સમજવાની વાત એ છે કે ઈન્ટરનેટ પર આવી તો બીજી પણ અનેક ઍપ છે, છતાં ટિકટોક જેટલી લોકપ્રિયતા અન્ય કોઈને સાંપડી નથી. કેમ ? એવું તે શું છે તેમાં ? ચાલો જાણીએ.
ટિકટોકની લોકપ્રિયતા, સમસ્યા અને નિવારણ
અમદાવાદનાં જાણીતા સાયકાલોજિસ્ટ વિશાલ પરમારનાં મતે, “ભારતમાં આ એપ વધારે ચાલવા પાછળ એકથી વધુ કારણો જવાબદાર છે. તેમાં સારાં અને ખરાબ બંને કારણો સામેલ છે. પ્રથમ સારાની વાત કરીએ તો આ એપ થકી ખરેખર જેમનામાં કશુંક અસામાન્ય ટેલેન્ટ છે તેમને નાનું સરખું પણ પ્લેટફોર્મ મળ્યું છે. ખાસ કરીને ગામડાંઓમાં વસતાં છોકરા-છોકરીઓ જેઓ કશુંક હટકે કરવા માંગતા હતાં પણ તેમને તક નહોતી મળતી, તેમને ટિકટોકમાં મોકો દેખાતો હતો. આજે એવાં ઘણાં યુવાનો છે જેઓ ટિકટોકનાં માધ્યમથી ફેમસ થયાં હોય અને ડાન્સ, મિમિક્રી કે હાસ્યનાં ક્ષેત્રે આગળ વધ્યાં હોય. અહીં એવાં ઘણાં લોકો છે જેઓ ગામડાંઓમાં રહે છે અને છતાં લાખો ફોલોઅર્સ ધરાવે છે. ટિકટોક કુંવારાઓ, એકલાં રહેતાં યુવાનો અથવા કામ પર હોવા છતાં મોટાંભાગે ફ્રી રહેતાં આધેડોમાં ભારે લોકપ્રિય છે. આ સિવાય તે કોલેજ કન્યાઓ અને ગૃહિણીઓમાં પણ ફૅમસ છે. ઘણી છોકરીઓ, જેમનામાં ડાન્સિંગ, મોડેલિંગ કે ગાયકીની પ્રતિભા છે પણ પરિવાર ઘરની બહાર નીકળવા નથી દેતો, તેમના માટે ટિકટોક વરદાન સાબિત થયું છે. તેઓ ઘરનાં રૂમમાં પુરાઈ રહીને પણ પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ મૂકતી થઈ છે. અહીં ફેસબુક કે ઈન્સ્ટાગ્રામની જેમ મમ્મી-પપ્પા કે પરિવારનાં અન્ય સભ્યોની હાજરી નથી. માત્ર ગ્રુપનાં મિત્રો અથવા તો સાવ અજાણ્યાં લોકો તેમનાં સંપર્કમાં હોય છે. ઘણાં ટિકટોક પર યુઝર નેઈમ પોતાનાં નામ કરતાં સાવ અલગ રાખતાં હોય છે. જેથી ઘરનાં સભ્યો સુધી તેમનાં વીડિયો પહોંચતા નથી. અહીંથી કેટલાક યુવાનો યુટ્યુબ પર આવ્યાં છે. સૌરાષ્ટ્રની એક છોકરીને ઍરટેલ કંપનીએ પોતાની જાહેરાતમાં સ્થાન આપ્યું છે. અમદાવાદનાં કેટલાક આર્ટિસ્ટોને ફિલ્મો તો કેટલાક ફેમસ ટિકટોક આર્ટિસ્ટોને ફિલ્મ પ્રમોશનનું કામ પણ મળતું થયું છે. આ તેની સકારાત્મક બાજુ થઈ.”
![]() |
| સાયકોલોજિસ્ટ વિશાલ પરમારનાં મતે દેશમાં યુવાનોનો એક આખો વર્ગ છે જેમનાં ભણવાનું પુરું કરી ચૂક્યાં છે, લગ્ન થયાં નથી, નોકરી મળતી. તેમની મહત્વકાંક્ષાઓને ટિકટોક પંપાળે છે. |
નકારાત્મક બાજુની વાત કરતાં વિશાલ કહે છે, “અહીં સૌથી મોટી સમસ્યા એડલ્ટ કન્ટેન્ટની છે. કોર્ટ કેસ થયાં બાદ કંપનીએ ધીમેધીમે અશ્લીલ વીડિયો હટાવવાનું ચાલું કર્યું છે. છતાં તેની ધારી અસર થઈ નથી. ટિકટોક પર લોગ ઈન થવા માટે માત્ર તમારે ફેસબુક, ટ્વિટર કે જીમેઈલ અકાઉન્ટને તેની સાથે જોડવાનું હોય છે. કહેવા માટે તો અહીં ૧૩ વર્ષની મર્યાદા બાંધવામાં આવી છે પણ સૌ જાણે છે કે જીમેઈલ, ફેસબુક કે અન્ય કોઈ સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવા માટે સાચી માહિતી આપવી જરૂરી નથી. પરિણામે બાળકો પણ મોબાઈલમાં આ એપનો ઉપયોગ કરે છે અને એ રીતે અશ્લીલ વીડિયોનાં સંપર્કમાં તેઓ આવી જાય છે. જાતભાતનાં વિડીયો જાઈને તેઓ પણ તેની લતે ચડે છે. ઘણાં કેસમાં તો એવું પણ થાય છે કે પરિવારને ખબર પણ નથી હોતી કે તેમનાં બાળકો ટિકટોક પર અમુક વિડીયોને કારણે ફૅમસ છે. ફટાફટ જાણીતાં થઈ જવાની આ ઘેલછાં સતત વધતી જાય છે. માટે અહીં પહેલી જવાબદારી માતાપિતાની આવે છે. એ પછી શિક્ષકોની. તેમણે પોતાનાં બાળકો શું કરે છે તે ફરજિયાત જોવું પડશે. આ એપ ભારતમાં વધારે જોવાય છે તેની પાછળ બીજું મોટું કારણ બેરોજગારી છે. દેશમાં આજે યુવાઓનો એક આખો વર્ગ છે જેમનું ભણવાનું પુરું થઈ ગયું છે, લગ્ન થયાં નથી અને નોકરી માટે અનેક ફોર્મ ભર્યાં છતાં મળતી નથી,. તેમની પાસે ફાજલ સમયનો તોટો નથી. ટિકટોક આવા દરેકની મહત્વકાંક્ષાઓને પંપાળે છે. તેમને જીવનમાં રહેલી સમસ્યાઓ, દુઃખ, પીડાંથી દૂર એક આભાસી દુનિયામાં વિહરતા કરી દે છે. જ્યાં હતાશ વ્યક્તિ હિરોગીરી કરી શકે છે, રોબીનહૂડની અદાથી ડાયલોગ બોલીને પોરસાઈ શકે છે. કોઈની મિમિક્રી કરીને જાતને હળવી કરે છે. સુંદર છોકરીઓનાં વિડીયોને લાઈક કે કમેન્ટ કરીને તેનાં સુધી પહોંચી શક્યાનો આનંદ લઈ શકે છે. એ રીતે તે ચોતરફથી સાંત્વનાં મેળવે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે તે આ આભાસી દુનિયામાં એ હદે ખૂંપી જાય છે કે એક તબક્કે તેને આજુબાજુનાં વાતાવરણ અને વાસ્તવિકતાનું પણ ભાન નથી રહેતું. વર્ચ્યુઅલ એ વિશ્વ સાથે તે એટલો જોડાઈ જાય છે કે હકીકત સાથે પનારો પાડવાની તાકાત પણ રહેતી નથી. આવા હતાશ લોકો પાસે જિંદગીમાં કોઈ લક્ષ્યાંક રહેતું નથી.”
રાજસ્થાનનો રાજ ચૌહાણ છેલ્લાં એક વર્ષથી ટિકટોક પર એક્ટિવ છે. આજે તેનાં ૪૦ હજારથી વધુ ફોલોઅર્સ છે. દરરોજ બેથી ત્રણ વિડીયો તે પોતાના અકાઉન્ટ પર મૂકે છે. ઈન્સ્ટાગ્રામ પર જાણીતી બોલિવુડ હસ્તિઓનાં વીડિયો જોઈને તેને આ વિચાર આવેલો. ટિકટોકનાં પોતાનાં અનુભવો જણાવતાં રાજ કહે છે, “અહીં સૌથી મોટો ફાયદો ફેમસ થવાનો છે. ટિકટોકનાં કારણે લોકો તમને ઓળખતાં થાય છે. તમારું ફ્રેન્ડ ફોલોઈંગ વધે છે. આગળ જતાં તેનાં આધારે કામ મળવાની તકો પણ રહેતી હોય છે. અહીં કોમૅડી, ફની, ઈમોશનલ, સેડ, સ્લો મોશન વગેરે પ્રકારનાં ૧૫ સેકન્ડથી લઈને એક મિનિટ સુધીનાં વિડીયો બનાવી શકાય છે. તો અમુક લેવલે પહોંચ્યાં પછી તમને પોપ્યુલર કેરેક્ટરનો ઍવોર્ડ મળે છે જેમાં કોઈ વિડીયો આલ્બમમાં કામ કરવાની તક મળે છે. દુબઈ સહિતનાં સ્થળનું ટુર પૅકેજ પણ ગિફ્ટ અપાય છે. ટિકટોક તરફથી મોટાં શહેરોમાં આયોજિત કાર્યક્રમોમાં આમંત્રણ અપાતું હોય છે. ગુજરાતમાં ભાવીન ભાનુશાળી, વિશાલ ડોક, કીર્તિ પટેલ, ધ્રુવ ડી ડી, હાર્દિક ચેરીવાલ વગેરે ઘણાં લોકો ટિકટોક પર ખુબ લોકપ્રિય છે. મારી વાત કરું તો આજે લોકો મને ટિકટોકનાં કારણે ઓળખે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેની અસર જોવા મળી છે. હું ટિકટોકને એક સારા પ્લેટફોર્મ તરીકે જોઉં છું કેમ કે તેનાથી મને અંગત રીતે ઘણો ફાયદો થયો છે. બાકી ઘણાં એવાં લોકો પણ છે જેઓ કોઈ જ કારણ વિનાં અહીં સમય, કરિયર અને બીજું ઘણું બધું બરબાદ કરે છે. મેં એવાં પણ યુવાનો જોયાં છે જે ટિકટોકમાં ગળાડૂબ હોવાથી પરીક્ષાની તૈયારી પણ કરી શકતાં નથી. હવે તો બાળકોમાં પણ આવી જ અસર જોવા મળી છે. કેટલાક યુવાનો ટિકટોક વિડીયોને ધારી સફળતા ન મળે તો ડિપ્રેશનમાં સરી પડે છે. સમાજમાંથી પોતાની જાતને ખેંચી લઈને એકલતામાં સરી પડે છે. આટલું ઓછું હોય તેમ અશ્લીલતા પણ તેમાં ઘૂસી ગઈ છે. હાઈકોર્ટનાં નિર્ણય બાદ તેમાં સુધારો થયાનું કહેવાય છે પણ છોકરીઓનાં વિડીયો પર અશ્લીલ કમેન્ટ કરવાનું બંધ થયું નથી. જો કે ઘણાં એવાં પણ લોકો છે જેઓ માનવજીવનની સારપની વાતો કરે છે. પણ આ બધું પાશેરામાં પૂણી જેવું છે. ટિકટોકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો વાંધો નથી. સમસ્યા તેનાં અતિરેકથી થાય છે.”
![]() |
| ટિકટોક પર એક્ટિવ રાજ ચૌહાણને તેનાથી ઘણો ફાયદો થયો છે. જો કે તેણે એવાં પણ યુવાનો જોયાં છે, જે કશા જ લક્ષ્યાંક વિનાં ટિકટોક પર સમય બરબાદ કરે છે. |
અમદાવાદની હેલી પંચાલ ટિકટોક પર પોતાનાં વિડીયો શેર કરતી રહે છે. અમે તેને અહીં એક યુવતીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે કે નહીં તેવો સવાલ કર્યો. જેનાં જવાબમાં તેણે કહ્યું, કે દેખાવડી દરેક યુવતીને ટિકટોક પર સૌથી વધુ સમસ્યા અશ્લીલ કમેન્ટ્સ અને અંગત માહિતી લીક થઈ જવાની રહેતી હોય છે. ઘણાં યુવાનો છોકરીઓનાં વીડિયો જોઈને તેનાં ફિગર, જાતીય અંગોને લઈને કમેન્ટ કરતાં અચકાતાં નથી. કેટલાક વળી તેનાંથી પણ આગળ વધીને પર્સનલ મેસેજ કરીને દોસ્તી કરવા અને મોબાઈલ નંબર માગવા સુધી પહોંચી જાય છે. જો કે હવે તે આ બધી બાબતોને હેન્ડલ કરતાં શીખી ગઈ છે. તે આવા તત્વોને પોલીસની બીક બતાવીને બોલતી બંધ કરી દે છે. તો ક્યારેક વખત આવ્યે તેમને તેમની જ ભાષામાં જવાબ દેતાં પણ અચકાતી નથી. ટિકટોક તેને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપતું હોઈ તે છોડવું પણ તેને પોસાય તેમ નથી. છતાં તે તેનો અતિરેક કરતી નથી.
ટિકટોકનાં અતિરેકનાં વાત નીકળી જ છે તો જણાવી દઈએ કે ભારતમાં એક રિપોર્ટ મુજબ દર મહિને અંદાજિત ૨ કરોડ લોકો તેનો ઉપયોગ કરે છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેનાં ડાઉનલોડનો આંકડો ૫૦ કરોડને પાર કરી ગયો છે જે તેની લોકપ્રિયતાની ચાડી ખાય છે. આશ્ચર્યની વાત એ છે કે તેનો ઉપયોગ કરનારાઓમાં એક મોટી સંખ્યા ગામડાં અને નાનાં શહેરોનાં લોકોની છે. તો સાત-આઠ વર્ષનાં બાળકોની સંખ્યા પણ ઓછી નથી. તેની પ્રાઈવસી પોલિસી અંતર્ગત ઉપયોગ માટે યુઝર્સની ઉંમર ૧૩ વર્ષથી વધુ હોવી જોઈએ, પણ આ નિયમનું પાલન થતું નથી. એનો ખ્યાલ એનાં પરથી પણ આવે છે કે આપણે ત્યાં ટિકટોક પર જે વિડીયો બને છે તેમાં ૧૩થી ઓછી ઉંમરનાં બાળકોની સંખ્યા ઘણી મોટી છે. પ્રાઈવસીની દ્રષ્ટિએ જોઈએ તો આ એપ્લિકેશન ખતરાંથી પર નથી, કારણ કે અહીં માત્ર ફ્રેન્ડ્સ, ઓનલી અને પબ્લિક એમ ત્રણ જ સેટીંગ છે. મતલબ તમારાં બનાવેલાં વીડિયો કોણ જાઈ શકે તે નક્કી કરવા માટે બેથી વધુ વિકલ્પો નથી. તમારા મિત્રો પુરતું રાખો તો ધારી લાઈક, કમેન્ટ મળતી ન હોવાથી નાછુટકે લોકોએ પ્રાઈવસી ઓપ્શનમાં ‘પબ્લિક’ જ રાખવું પડે છે. એટલે કાં તો તમે વિડીયો બનાવીને જાતે જ જુઓ અથવા દુનિયા આખીને જોવા દો. વળી કોઈ યુઝર પોતાનું અકાઉન્ટ ડિલિટ કરવા માંગે છે તો તે જાતે એવું કરી શકતો નથી. એનાં માટે તેણે કંપનીને વિનંતી કરવી પડે છે. આ સિવાય આ પ્રકારની એપ વ્યક્તિની અંગત માહિતી પણ એકઠી કરતી હોય છે.
![]() |
| એન્કર કમ અભિનેત્રી હેલી પંચાલનાં મતે ટિકટોક પર છોકરીઓને સૌથી મોટી સમસ્યા અશ્લિલ મેસેજ અને ડેટા લીક થઈ જવાની રહેતી હોય છે. |
ટિકટોકનો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણ
આ એપ યુવાનોમાં આટલી લોકપ્રિય થવા પાછળ આમ તો અનેક કારણો જવાબદાર છે. પણ જાણીતા સમાજશાસ્ત્રી ડો. વિદ્યુત જોષીનો દ્રષ્ટિકોણ અલગથી મૂકવો પડે. તેઓ ભારતીય સમાજજીવનમાં પડેલી કેટલીક એવી બાબતો તરફ ઈશારો કરે છે જેનાં વિશે જાહેરમાં કદી ચર્ચા થતી નથી. ખાસ કરીને ગ્રામીણ ભારતમાં દરેક સમાજ જે રીતે સ્ટેટસને મહત્વ આપે છે, તેમાં જ ટિકટોકની સફળતાનું રહસ્ય રહેલું છે. આખો મામલો સમજાવતા ડો. વિદ્યુત જોષી કહે છે, “આપણે કાર્યલક્ષી નહીં પણ દરજ્જાલક્ષી સમાજ છીએ. એટલે જ અહીં કોઈ પોતાને શિક્ષક, વૈજ્ઞાનિક, ડોક્ટર કે વકીલ તરીકેનાં પોતાનાં કાર્યક્ષેત્રને લઈને નહીં, પણ પોતે જે જ્ઞાતિમાંથી આવે છે તેનાં આધારે ઓળખ આપે છે. આપણો સમાજ સ્ટેટસ ઓરિએન્ટેડ છે, અહીં દરેક વ્યક્તિ અન્ય સાથે પોતાની જાતને સરખાવીને જુએ છે. જ્યાં સુધી તેને સામેની વ્યક્તિમાં પોતાનાં સ્ટેટસ મુજબની યોગ્યતા ન દેખાય ત્યાં સુધી તેની સાથે ભળતાં ખચકાય છે. વાસ્તવિક જીવનમાં હજુ આપણે સ્ટેટસ ઓરિએન્ટેડ છીએ, બે વ્યક્તિનાં સંબંધો વચ્ચે અનેક સામાજિક મર્યાદાઓનાં તારની વાડ છે. જેથી સરળતાથી લોકો એકબીજાં સાથે હળીમળી શકતાં નથી. ટિકટોકમાં તમારો દરજ્જો ગૌણ બની જાય છે, કેમ કે અહીં જ્ઞાતિજાતિ કે સ્ટેટસની અડચણો તોડી બધાં આસાનાથી એકબીજા સાથે જોડાઈ શકે છે. આ એવી આભાસી દુનિયા છે જ્યાં માણસ એ બધું કરી શકે છે જે તે સમાજમાં રહીને કરી શકતો નથી. ગ્રામીણ ભારતમાં સમાજ આજે પણ અનેક બંધનોમાં જકડાયેલો છે. કોણે, કોની સાથે, કેવી રીતે વર્તવું તેનાં વર્ષો જૂનાં નિયમો આજે પણ કડકાઈથી અમલમાં છે. ટિકટોક તેને તોડે છે એટલે લોકપ્રિય છે. અહીં ગામડાનો ગાયો ચારતો છોકરો દૂરનાં શહેરની રૂપાળી કોલેજ કન્યા સાથે વિડીયો શેર કરી શકે છે. આ આભાસી આનંદ વધુને વધુ લોકોને અહીં ખેંચી લાવે છે. આમ પણ વાસ્તવિક જીવનમાં આપણાથી જે શક્ય ન હોય તે આભાસી દુનિયામાં વધારે ગમતું હોય છે. જેમ કે કોઈ લોકલ ગુંડાને આપણે પહોંચી ન શકતા હોઈએ ત્યારે ફિલ્મોમાં હીરોને ગુંડાઓને મારતો જોઈને આપણને અંદરથી સારું લાગે છે. જે લોકો હીરો ન બની શક્યાં હોય તે ગમતાં હીરો જેવા દેખાવા પ્રયત્ન કરતાં હોય છે. છોકરીઓને પણ બહુ બધાં લોકો પોતાને પસંદ કરે, એક ચોક્કસ સ્ટેટસ આપે એવી ભાવના પ્રબળ હોય છે. એટલે જ આ પ્લેટફોર્મ પર તેમની હાજરી વધુ છે.”
![]() |
| જાણીતા સમાજશાસ્ત્રી ડો. વિદ્યુત જોષીનાં મતે જે મજા વ્યક્તિ સમાજ વચ્ચે રહીને નથી લઈ શકતો એ ટિકટોક પર મળતી હોવાથી તે લોકપ્રિય છે. |
જો કે વિદ્યુત સર ટિકટોકને સમસ્યા તરીકે નહીં પણ લેઈટ ટીનએજનાં ક્રેઝ તરીકે જુએ છે. તેઓ માને છે કે, છોકરો-છોકરી ૧૨ વર્ષ સુધી માતાપિતાની અસરમાં હોય છે. ૧૨ થી ૧૫ વર્ષ, જે ટીનએજ પહેલાની અવસ્થા કહેવાય છે, એમાં તે ઘરની બહાર નીકળીને મિત્રો સાથે પોતાની ઓળખ શોધતો થાય છે. ૧૬ વર્ષે તેને શું બનવું તેની સમજ આવવા માંડે છે. એ પછીનાં વર્ષોમાં તે સમાજમાં પોતાની ઓળખ શોધે છે, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને એમાંથી જે તેની આવડત પ્રમાણે મગજમાં ફીટ થાય તે તરફ આગળ વધે છે. ટિકટોક આ ઉંમરને ટાર્ગેટ કરીને ચાલે છે કેમ કે ટીનએજર્સ હજુ પરિપક્વ ન હોઈ આસાનીથી આભાસી દુનિયામાં ખેંચી શકાય છે.
એક સવાલ એવો પણ છે કે, શા માટે મોટાં શહેરોનાં કિશોર-કિશોરીઓ ટિકટાક પર એટલાં એક્ટિવ નથી ? વિદ્યુત સર તેની પાછળનું કારણ જણાવતાં કહે છે કે, કે "શહેરનાં, એમાં પણ અપર કાસ્ટનાં કિશોરોને માતાપિતા બહુ વહેલાં કારકિર્દી, ભણતર વગેરે પર ફોકસ કરવા કહે છે. તેમને સતત ટ્યુશન્સ, સ્પોટ્ર્સ એક્ટિવીટી વગેરેમાં જોતરી દેવામાં આવતાં હોઈ ટિકટોક જેવી પ્રવૃત્તિ તરફ તેમનું ધ્યાન ઓછું જાય છે.” ઘણાં લોકો ટિકટોકની લોકપ્રિયતા પાછળ બેરોજગારીને જવાબદાર માને છે પણ વિદ્યુત સર તેનાથી જુદો તર્ક ધરાવે છે. તેમનાં મતે અહીં મોટાંભાગે ટીનએજરો છે અને તેમનાં પર કમાવાની જવાબદારી હોતી નથી. એટલે બેરોજગારી ટિકટોકની સફળતાનું કારણ નથી. તેઓ મનોચિકિત્સકોની જેમ આ એપને જોખમ તરીકે પણ નથી જોતાં. તેમનું માનવું છે કે, જે રીતે નવી કોઈ વસ્તુ માર્કેટમાં આવે ત્યારે લોકો તેનાં પ્રત્યે આકર્ષાતા હોય છે, પણ પછી ધીરેધીરે તેનો ક્રેઝ ઘટતો જતો હોય છે, એવું અહીં પણ થવાનું. ધીમેધીમે લોકોનો રસ ઘટતો જશે. પણ ત્યાં સુધીમાં નવી કોઈ એપ કે રસપ્રદ બાબત ટપકી પડી હશે.
'અભિયાન'માં પ્રકાશિત ટિકટોક પરની કવર સ્ટોરી















Comments
Post a Comment